Categories
વાચન સમૃદ્ધિ

ડોમિનિકા

: કૅરિબિયન સમુદ્રમાંનો એક નાનો  ટાપુ અને સ્વતંત્ર દેશ.

ભૌગોલિક સ્થાન : 15O 30´ ઉ. અ. અને 61O 20´ પ. રે.. વેનેઝુએલાના કિનારાથી 515 કિમી. અંતરે તે આવેલો છે. એક જમાનામાં બ્રિટનનું રક્ષિત રાજ્ય હતું. ડોમિનિકા ટાપુ એ જ્વાળામુખી પર્વતોની બનેલી પહાડી ભૂમિ પર આવેલ છે. આ પર્વતમાળા જંગલોથી છવાયેલી અને ઉત્તરથી દક્ષિણ તરફ પથરાયેલી છે, જે મોરને ડાયબ્લોટીન (આશરે 1447 મી) પાસે પૂરી થાય છે. આ વિસ્તારમાં પશ્ચિમે વહેતી તેઓયુ નદી તેમજ પૂર્વમાં વહેતી પગુઆ અને કેસેલબ્રુસ નદીઓ આવેલી  છે.  આ ટાપુનું ક્ષેત્રફળ 790 ચોકિમી. છે. તેની વસ્તી 72,412 (2021) છે. આ દેશનું પાટનગર રોઝીઉ છે. ડોમિનિકામાં  આવેલા જ્વાળામુખી પર્વતો લગભગ મૃત કે સુષુપ્ત અવસ્થામાં છે, પણ ટાપુની દક્ષિણે આવેલું ગરમ પાણીનું સરોવર અને ગરમ પાણીના ઝરા એ વાતની સાક્ષી પૂરે છે કે આ ટાપુ પર જ્વાળામુખીય અસરો હજુ પણ ચાલુ છે. ટાપુ પર જ્વાળામુખીયુક્ત ભૂપૃષ્ઠ હોવાને કારણે જમીન ફળદ્રુપ છે અને ગાઢાં ઉષ્ણકટિબંધી જંગલો વિપુલ પ્રમાણમાં આવેલાં છે.

કેળાંની ખેતી

ટાપુ પર પક્ષીજીવન ઘણું સમૃદ્ધ છે. 135 જાતનાં વિવિધ પક્ષીઓ તેના પર જોવા મળે છે; જેમાં પોપટ, ભૂરા માથાવાળાં હમિંગબર્ડ, ટ્રેમ્બલર, ઇગ્વાના, ઓપોસમ, અગુતી અને ચામાચીડિયાં વગેરેનો સમાવેશ થાય છે. ડોમિનિકાનો મુખ્ય પાક કેળાં છે, જેની બહારના દેશોમાં મોટે પાયે નિકાસ થાય છે. આ ઉપરાંત ખેડૂતો ગ્રેપફ્રૂટ, લીંબું, સંતરાં અને શાકભાજીની ખેતી કરે છે. નારિયેળ એ અહીંનું મહત્ત્વનું ફળ છે. તેથી કોપરાં, કોપરેલ અને સાબુના ઉદ્યોગો વિકસ્યા છે. ડોમિનિકાનું સમૃદ્ધ પર્યાવરણ અને શાંત આબોહવાને કારણે ટાપુ પર પર્યટન-ઉદ્યોગને વિકસાવવાની ઘણી શક્યતાઓ છે. ટાપુ પર કલુષિત થયા વગરના વિશાળ વિસ્તાર તેના અદ્ભુત કિનારા અને નૌકાવિહાર અને માછીમારીની સગવડને લીધે સહેલાણીઓને આકર્ષિત કરે છે. એ જ રીતે 1975માં બનાવેલો નૅશનલ પાર્ક પણ પર્યટકોને માટે મહત્ત્વનું સ્થાન છે. ઇતિહાસ : ડોમિનિકાનું શાસન બંધારણ પ્રમાણે ચાલે છે. આ બંધારણ 3 નવેમ્બર, 1978માં દેશના સ્વતંત્રતાના દિવસે અમલમાં આવેલું છે. તે દિવસથી ડોમિનિકા ગણરાજ્ય બન્યું. તે સંસદીય લોકશાહી ધરાવે છે. રાષ્ટ્રસમૂહ(કૉમનવેલ્થ)નું સભ્ય ઉપરાંત તે સંયુક્ત રાષ્ટ્રો, અમેરિકન રાજ્યોના મંડળનું અને કૅરિબિયન કૉમ્યુનિટીનું સભ્યપદ ધરાવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, ડોમિનિકા, પૃ. 601 અથવા જુઓ https://gujarativishwakosh.org/ડોમિનિકા/)

Categories
વાચન સમૃદ્ધિ

મેરી ક્યુરી

જ. 7 નવેમ્બર, 1867 અ. 4 જુલાઈ, 1934

રસાયણ અને ભૌતિકશાસ્ત્રનાં પ્રસિદ્ધ પોલિશ-ફ્રેન્ચ મહિલાવિજ્ઞાની. તેમનું મૂળ નામ મેનિયા સ્ક્લોદોવ્સ્કા. નાનપણથી જ ભણવામાં ખૂબ રસ તેથી હંમેશાં પુસ્તકો સાથે જ રાખતાં. નાની વયે જ માતાના અવસાનથી ઘણો આઘાત લાગ્યો પણ જિમ્નેસિયમ સેકન્ડરી સ્કૂલ ફોર ગર્લ્સમાં અભ્યાસ પૂરો કરી 12 જૂન, 1883માં ગોલ્ડ મેડલ સાથે હાઈસ્કૂલ ગ્રૅજ્યુએટ થયાં. પિતાના માથેથી આર્થિક બોજો હળવો કરવા ગવર્નેસ અને શિક્ષિકા તરીકે કામ કર્યું. પિતા પાસેથી વિજ્ઞાનના વિષયનો રસ મેળવ્યો હોવાથી 1891માં વોર્સો છોડી પૅરિસની સોરબોન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. આર્થિક મર્યાદાઓને લીધે દિવસે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં અને રાત્રે ભંડકિયામાં પૂરતાં ગરમ કપડાં વગર પણ પરીક્ષાની તૈયારી કરતાં. આમ છતાં 1893માં ગણિતશાસ્ત્રમાં અને 1894માં ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક થયાં. 1895ના વર્ષમાં ભૌતિકશાસ્ત્રી પિયેર ક્યુરી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. ત્યારબાદ પૅરિસની સ્કૂલ ઑફ ફિઝિક્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ કેમિસ્ટ્રીની પ્રયોગશાળામાં ડૉક્ટરેટની ઉપાધિ માટેનું સંશોધનકાર્ય કરી મહાનિબંધ લખી મેરી ક્યુરીને ડૉક્ટરેટની ઉપાધિ મળી. 1903માં  ક્યુરી દંપતીને બૅકરલની સાથે પદાર્થ વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત થયું. બીજા જ વર્ષે સોરબોન યુનિવર્સિટીમાં પિયેરની પ્રાધ્યાપક તરીકે નિયુક્તિ થઈ અને મેરી તેમનાં સહાયક બન્યાં. 19 એપ્રિલ, 1906માં માર્ગ પર ટ્રક-અકસ્માતમાં પિયેરનું અવસાન થયું. પતિના અવસાન બાદ મેરી વ્યાખ્યાતા તથા પ્રયોગશાળાનાં ઉપરી બન્યાં અને સોરબોન યુનિવર્સિટીમાં પ્રથમ મહિલાવ્યાખ્યાતા બન્યાં. કાચી ધાતુમાંથી શુદ્ધ રેડિયમને અલગ કરવા માટે 1911માં રસાયણશાસ્ત્રમાં બીજું નોબેલ  પારિતોષિક મળ્યું. આમ બે જુદા જુદા વિષયોમાં નોબેલ મેળવનાર પ્રથમ મહિલા બન્યાં. તેમણે શોધેલાં બે નવાં રેડિયોઍક્ટિવ તત્ત્વો પૈકી એકનું નામ મેરી ક્યુરીના વતન પોલૅન્ડ પરથી પોલોનિયમ અને બીજાને રેડિયમ નામ આપ્યું. તેમણે પોતાનું શેષ જીવન રેડિયોઍક્ટિવ પદાર્થો અને તેના તબીબી ઉપયોગના સંશોધન પાછળ ગાળ્યું. 1932માં રેડિયમ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપી, જે આજે ન્યુક્લિયર ફિઝિક્સ માટેનું અગત્યનું કેન્દ્ર છે. આજે પણ ‘રેડિયમ થૅરપી’ કૅન્સરના રોગ માટે અગત્યની સારવાર ગણાય છે. લાંબા સમય સુધી શરીર પર રેડિયોઍક્ટિવ વિકિરણોનું ઉદ્ભાસન થવાથી તેઓ લ્યૂકેમિયાના દર્દથી અવસાન પામ્યાં.

Categories
વાચન સમૃદ્ધિ

આગવો અભિગમ

અમેરિકાના ફિલાડેલ્ફિયા રાજ્યના ઑટોમોબાઇલ શો-રૂમના સેલ્સમૅન એડૉલ્ફ સેલ્ત્ઝે મોટરકારના વેચાણની નવી જવાબદારી સ્વીકારી, ત્યારે કંપનીનું મોટરકારનું વેચાણ સાવ ઘટી ગયું હતું અને એના સેલ્સમૅનોમાં ભારે અસંતોષ પ્રવર્તતો હતો. એમાં નવી વ્યક્તિની પધરામણી સહુને નવા પ્રશ્નો સર્જનારી લાગી. એડૉલ્ફ સેલ્ત્ઝે ધૂંધવાયેલા સેલ્સમૅનોની મિટિંગ બોલાવી અને તદ્દન ભિન્ન અભિગમ દાખવ્યો. એડૉલ્ફ સેલ્ત્ઝે પોતે શું કરવા માગે છે અને કર્મચારીઓએ શું કરવાનું છે, એવું આદેશાત્મક કશું કહેવાને બદલે એણે શું કરવું જોઈએ એ વિશે સેલ્સમૅનોની અપેક્ષા પૂછી. આથી ઉશ્કેરાયેલા સેલ્સમૅનો શાંત પડ્યા અને પછી એડૉલ્ફ સેલ્ત્ઝે પોતે શું કરવું જોઈએ એ વિશે પોતાના વિચારો અને મુદ્દાઓ રજૂ કર્યા. એડૉલ્ફ સેલ્ત્ઝ બ્લૅકબોર્ડ પર આ બધું લખતા ગયા અને પછી કહ્યું, ‘તમે મારી પાસેથી જે અપેક્ષા રાખો છો, તેને હું સંતુષ્ટ કરીશ. હવે તમે મને એ કહો કે મારે તમારી પાસેથી કંપની માટે કેવી અપેક્ષા રાખવી?’ પછી તો સેલ્સમૅનોએ કહ્યું, ‘અમારે કંપની પ્રત્યે વફાદાર, પ્રામાણિક અને સમર્પિત બનવું જોઈએ. નવો અભિગમ દાખવીને સંઘભાવનાથી કાર્ય કરવું જોઈએ.’ આમ નવા ઉત્સાહ અને પ્રેરણા સાથે મિટિંગ પૂરી થઈ. આ બધા ગુણોને સાકાર કરવા માટે કેટલાક સેલ્સમૅનોએ તો દિવસના ચૌદ કલાક કામ કરવાની સામે ચાલીને ખાતરી આપી અને પરિણામે મોટરોના વેચાણમાં ખૂબ વધારો થયો. પોતાની આ કાર્યપદ્ધતિ વિશે એડૉલ્ફ સેલ્ત્ઝે કહ્યું કે મારા સાથીઓએ મારી સાથે કરેલા વચનને હું જીવીશ ત્યાં સુધી બરાબર પાળીશ અને તેઓ પણ એમના નિશ્ચયોને વળગી રહેવા માટે કટિબદ્ધ છે. પહેલાં એમની ઇચ્છા પૂછીને મેં હકીકતમાં તો એમનામાં રહેલી કાર્યશક્તિને જાગ્રત કરી છે.