Categories
વાચન સમૃદ્ધિ

ઉમા રાંદેરિયા

જ. 3 નવેમ્બર, 1927 અ. 7 ઑક્ટોબર, 2007

જાણીતા અનુવાદક ઉમાબહેનનો જન્મ અમદાવાદમાં નાગર પરિવારમાં થયો હતો. માતા સૌદામિનીબહેન અને પિતા ગગનવિહારી મહેતા. સર લલ્લુભાઈ સામળદાસ તેમના દાદા થાય. પિતા ગગનવિહારી મહેતા ‘ટેરિફ કમિશન’ના અધ્યક્ષ, પ્રથમ પ્લાનિંગ કમિશનના સભ્ય અને 1952-58 દરમિયાન અમેરિકા ખાતે ભારતના રાજદૂત નિમાયા હતા. પિતા અને દાદાનો શૈક્ષણિક અને સંસ્કારવારસો ઉમાબહેનને પણ મળ્યો હતો. પિતાના વ્યવસાયને કારણે 1952 સુધી તેમનો નિવાસ કૉલકાતામાં હતો. માતૃભાષા ગુજરાતી હોવા છતાં પણ સમગ્ર શિક્ષણ તેમણે બંગાળી ભાષામાં લીધું. 1946માં કલકત્તા યુનિવર્સિટીમાંથી તત્ત્વજ્ઞાનના વિષય સાથે સ્નાતક બન્યાં. 1946થી 1948 સુધી અમેરિકામાં કૉર્નેલ યુનિવર્સિટીમાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો. જોકે તે સમયે નાદુરસ્ત તબિયતને કારણે પદવી પ્રાપ્ત કર્યા વિના જ સ્વદેશ પરત આવ્યાં. પિતા અમેરિકામાં ભારતના રાજદૂત નિયુક્ત થતાં 1952માં બે માસ માટે વૉશિંગ્ટનમાં નિવાસ કર્યો. 1953થી 1983 સુધી મુંબઈમાં રહ્યાં અને 1983થી અમદાવાદમાં સ્થાયી થયાં. તેઓ અર્થશાસ્ત્રી પ્રિયવદન રાંદેરિયા સાથે લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. 1973થી 1978 સુધી ઉમાબહેને રશિયન ભાષાનો અભ્યાસ કર્યો હતો. તેમણે કેટલીક કૃતિઓનો સુંદર અનુવાદ કર્યો છે. તેમણે અનુવાદ કરેલી જાણીતી કૃતિઓમાં ‘નવા યુગનું પરોઢ’ (2005), ‘રૂદાલી અને બીજી બાળવાર્તાઓ’, ‘કેટલીક બાળકથાઓ’, ‘ટૉલ્સ્ટૉયની વાર્તાઓ’, ‘દૂરનો માણસ અને બીજી વાર્તાઓ’ વગેરેનો સમાવેશ થાય છે. ‘નવા યુગનું પરોઢ’ એ સુનીલ ગંગોપાધ્યાયની નવલકથાનો અનુવાદ છે. આ અનુવાદ માટે તેમને 2005નો ‘દિલ્હી સાહિત્ય અકાદમી’ પુરસ્કાર મળ્યો હતો. તે ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાત સાહિત્ય પરિષદનાં પારિતોષિક પ્રાપ્ત થયાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રાણની આહુતિ

એક્સ-રેની કૅન્સર પર થતી અસરના સંશોધનને માટે ઇટાલીના એક્સ-રે વિભાગના તજજ્ઞ મારિયો પોંજિયોએ આ વિષયનાં તમામ પુસ્તકોનો અભ્યાસ કર્યો. જુદાં જુદાં સામયિકમાં પ્રકાશિત થયેલા લેખો પણ વાંચી ગયા. પોતાના ડૉક્ટર સાથીઓને મળ્યા અને એમને પણ પૂછ્યું કે તમારા કૅન્સરના દર્દીઓ પર એક્સ-રેની કોઈ અસર થતી તમને જોવા મળી છે ખરી? સહુએ સ્વાનુભવ કહ્યા, પરંતુ એમાંથી કોઈ સ્પષ્ટ તારણ નીકળતું નહોતું. આથી મારિયો પોંજિયોએ પોતાની જાત પર આના અખતરા કરીને  સાચું તારણ મેળવવા પ્રયાસ કર્યો. આમ કરવા જતાં એને ડાબા હાથની એક આંગળી ઑપરેશન કરીને કપાવવી પડી. મિત્રોએ પોંજિયોને એના દુસ્સાહસમાંથી પાછા ફરવા જણાવ્યું, પરંતુ પોંજિયોએ કહ્યું, ‘‘મને આની કોઈ પરવા નથી. ભલે હાથની એક આંગળી કાપવી પડી હોય, પણ બીજી ચાર આંગળીઓ તો છે ને !’’ પોંજિયોનો પ્રયોગ ચાલુ રહ્યો. આમાં વારંવાર એક્સ-રેને કારણે રેડિયમની વિઘાતક અસર થવાથી એને ડાબા હાથનો થોડો ભાગ અને જમણા હાથનો ભાગ પણ ઑપરેશન કરીને કપાવવો પડ્યો. આ વિઘાતક અસરને પરિણામે પોંજિયોનો દેહ શિથિલ થવા માંડ્યો. એના મિત્રો એના શરીરની આવી દુર્દશા જોઈ શકતા નહોતા, પરંતુ પોંજિયો જ્યાં સુધી પોતાનું સંશોધન પૂર્ણ ન થાય ત્યાં સુધી અટકે તેમ નહોતો. મિત્રોએ એને રેડિયમથી દૂર રહેવાની સલાહ આપી, ત્યારે ત્યુરિન વિશ્વવિદ્યાલયના રેડિયોલૉજી વિભાગના નિષ્ણાત ડૉક્ટર મારિયો પોંજિયોએ કહ્યું, ‘જીવનની પ્રત્યેક ક્ષણ ધ્યેયપ્રાપ્તિ માટે વપરાય એનાથી બીજું કોઈ મોટું સદભાગ્ય નથી. મારી ધ્યેયપ્રાપ્તિ માટે આ પ્રયોગો અનિવાર્ય હતા. કદાચ એને માટે પ્રાણની આહુતિ આપવી પડે તો પણ હું અટકીશ નહીં.’ મારિયો પોંજિયોએ પોતાના પ્રાણની આહુતિ આપીને તબીબી જગતને એક નવી રાહ બતાવી.

Categories
વાચન સમૃદ્ધિ

કૃષ્ણા નહેરુ હઠીસિંહ

જ. 2 નવેમ્બર, 1907 અ. 9 નવેમ્બર, 1967

જવાહરલાલ નહેરુ અને વિજયાલક્ષ્મી પંડિતની સૌથી નાની બહેન અને લેખિકા કૃષ્ણાનો જન્મ અલાહાબાદના મીરગંજમાં થયો હતો. પિતા મોતીલાલ અને માતા સ્વરૂપરાણી. તેમનાં લગ્ન અમદાવાદના સુપ્રસિદ્ધ હઠીસિંહ પરિવારના ગુણોત્તમ (રાજા) હઠીસિંહ સાથે થયાં હતાં. કૃષ્ણાએ અને તેમના પતિએ ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો અને જેલવાસ પણ ભોગવ્યો હતો. કૃષ્ણાને સાત વખત જેલવાસ થયો, જેમાં સૌથી લાંબો જેલવાસ 14 મહિના અને 10 દિવસનો હતો.  1931માં પ્રથમ વખત તેમને જેલની સજા થઈ હતી. ત્યારબાદ બીજી વખત 1932માં 11 માસની જેલની સજા થઈ હતી. 1950માં તેઓ તેમના પતિ સાથે અમેરિકામાં વ્યાખ્યાન માટે ગયાં અને ભારતની આઝાદીની લડાઈ પર તેમના અનુભવો રજૂ કર્યા હતા. તેઓ ‘વૉઇસ ઑવ્ અમેરિકા’ સાથે જોડાયાં અને અનેક પ્રવચનો આપ્યાં. તેઓ પંડિત નહેરુની ટીકા કરતાં હતાં. 1952માં કૉંગ્રેસ પક્ષ વિરુદ્ધ ધરણા પર ઊતર્યાં હતાં. તેઓ 1958માં ઇઝરાયલ ગયાં અને પ્રથમ વડાપ્રધાન ડેવિડ બેન-ગુરિયને મળ્યાં હતાં. તેમણે 1959માં સી. રાજગોપાલાચારીને ફ્રીડમ પાર્ટી માટે ટેકો આપ્યો. તેઓ મુંબઈ રાજ્યમાં કૉંગ્રેસ પક્ષની સામે સમાજવાદી તરીકે ચૂંટણી લડ્યાં હતાં. તેમણે સાત જેટલાં પુસ્તકો લખ્યાં છે. તેમનાં પુસ્તકોમાં જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીના જીવનની વાતો લખી છે. ‘વી નહેરુસ’, ‘વિથ નો રિગ્રેટ્સ – એન ઑટોબાયૉગ્રાફી’, ‘ડિયર ટુ બી હોલ્ડ ઃ એન ઇન્ટિમેટ પૉર્ટ્રેટ ઑવ્ ઇન્દિરા ગાંધી’, ‘શેડોઝ ઑન ધ વૉલ’, ‘ધ સ્ટોરી ઑવ્ ગાંધીજી’, ‘નહેરુઝ લેટર્સ ટુ હિઝ સિસ્ટર’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમના પતિ પણ લેખક હતા.