Categories
વાચન સમૃદ્ધિ

સાર્ક

(The South Asian Association for Regional Co-operation –SAARC)

ખાસ કરીને દક્ષિણ એશિયાના દેશો વચ્ચે પ્રાદેશિક સ્તરે એકબીજા વચ્ચે આર્થિક સહકાર વધતો અને વિકસતો રહે તે માટે સ્થપાયેલું પ્રાદેશિક સંગઠન. તેની સ્થાપના ડિસેમ્બર, ૧૯૮૩માં થઈ હતી. ત્યારે સભ્ય દેશોના વિદેશમંત્રીઓ દિલ્હી ખાતે મળ્યા હતા. શરૂઆતમાં તેમાં દક્ષિણ એશિયાના સાત દેશો જોડાયા હતા. પ્રારંભે નેપાળથી શ્રીલંકા સુધીના દેશો તેના સભ્યો હતા. આઠમા સ્થાને અફઘાનિસ્તાન તેમાં જોડાનાર સભ્ય છે. આ આઠ દેશો અનુક્રમે અફઘાનિસ્તાન, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, ભુતાન, માલદીવ અને શ્રીલંકા છે. વિવિધ દેશોના વિદેશમંત્રીઓ મળ્યા ત્યારે  સાર્કની ઉદઘોષણા (declaration) કરવામાં આવેલી. આ ઉદઘોષણા સાથે ‘ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ઑવ્ ઍક્શન’ (IPA) શરૂ કરવામાં આવ્યો. ડિસેમ્બર, ૧૯૮૫માં આ સંગઠનની પ્રથમ શિખર પરિષદમાં સાર્કની સ્થાપના અંગેનું ખતપત્ર (charter) સ્વીકૃતિ પામ્યું.

સાર્કનું વહીવટી મથક – સચિવાલય, કાઠમંડુ, નેપાળ

તે વેળા જાહેર કરાયેલ ઉદ્દેશ મુજબ દક્ષિણ એશિયાની પ્રજાઓના કલ્યાણમાં વધારો કરવા; સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસની ગતિને વેગ આપવાના હેતુઓ તે ધરાવે છે. સાથે સભ્યો વચ્ચેની સામૂહિક સ્વયં-પર્યાપ્તતા વધારવાનો અને તેને મજબૂત કરવાનો ઉદ્દેશ પણ આ સંગઠનનો છે. અન્ય રાજ્યોના આંતરિક સંબંધોમાં બિન-દરમિયાનગીરી અને પારસ્પરિક લાભની બાબતમાં સહકારથી આગળ વધવાની નેમ તે રાખે છે. સંગઠનની રીતે વિચારીએ તો સાર્ક બાબતો અંગેની છેલ્લી સત્તા જે તે દેશના વડા અને સરકાર પાસે રહે છે. આ વડાઓ શિખર બેઠક (સર્વોચ્ચ બેઠક) માટે વર્ષમાં એક વાર મિટિંગ યોજે છે. આ બાબતના અનુસંધાનમાં જે તે દેશના વિદેશમંત્રીઓ વર્ષે બે વાર મળે છે. તેઓ સાર્ક અંગે નીતિઓ ઘડે, પ્રગતિની સમીક્ષા કરે અને સહકાર અંગેનાં નવાં ક્ષેત્રો વિકસાવવાના નિર્ણયો લે છે. તેમની સહાય માટે પ્રોગ્રામિંગ કમિટી અને ૧૧ ટૅકનિકલ કમિટીઓ કામ કરતી રહે છે. સાર્કના વડા સેક્રેટરી જનરલ (મુખ્ય મંત્રી) હોય છે. તેમને મદદ માટે બીજા સાત ડિરેક્ટરો હોય છે, જે સેક્રેટરી જનરલ દ્વારા નિમાય છે. આ સભ્યોની નિમણૂક ત્રણ વર્ષની મુદત માટે કરવામાં આવે છે. જરૂરિયાત ઊભી થાય તો અને ત્યારે આ મુદત વધારી શકાય છે. ચર્ચા માટે મુકાતા વિષયોની પસંદગી સર્વસંમતિથી થાય છે. દેશો વચ્ચેના રાજકીય વિવાદોને લીધે કેટલીક વાર અવરોધો ઊભા થાય છે અને તેમનો ઉકેલ પણ શોધાય છે. દેશોનું ભૌગોલિક સ્થાન, આર્થિક વિકાસ, વસ્તીનું કદ, ઔદ્યોગિક ઉત્પાદનની વિવિધતા અને દેશની ગર્ભિત શક્તિ – આ બધી બાબતો તેની કાર્યશૈલીમાં પ્રભાવક નીવડે છે. તેનું વહીવટી મુખ્ય મથક – સચિવાલય કાઠમંડુ (નેપાળ) ખાતે કાર્યરત છે. દક્ષિણ એશિયાના દેશો માટે તે ચર્ચાવિચારણાની સારી ભૂમિકા પૂરી પાડે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

મંજુબહેન મહેતા

જ. ૨૧ મે, ૧૯૪૫ અ. ૨૦ ઑગસ્ટ, ૨૦૨૪

પ્રસિદ્ધ સિતારવાદક મંજુબહેનનો જન્મ જયપુરના જાણીતા ભટ્ટ કુટુંબમાં થયો હતો. તેમના પિતાશ્રી મનમોહન ભટ્ટ અને માતા ચંદ્રકલા ભટ્ટ – બંનેને સંગીતનો ઘણો શોખ હતો. માતા-પિતાએ મંજુને સંગીત શીખવા માટે પ્રોત્સાહિત કર્યાં હતાં અને સંગીત શીખવા અલ્વર મોકલ્યાં હતાં. તેમના મોટા ભાઈ શશીમોહનજી પંડિત રવિશંકરના શિષ્ય હતા અને તેમની પાસેથી સિતારવાદન શીખતા હતા. મંજુબહેન આઠ વર્ષની વયથી છાનામાના મોટા ભાઈની ગેરહાજરીમાં સિતાર વગાડી લેતાં. મંજુબહેનની આટલી લગની જોઈને શશીમોહનજી તેમના પ્રથમ ગુરુ બન્યા અને તેમને સિતાર શિખવાડવા લાગ્યા. બાળકલાકાર મંજુબહેને ૧૧ વર્ષની વયે સિતારવાદનના કાર્યક્રમો આપવા માંડ્યા. રેડિયો પર પણ કાર્યક્રમ આપતાં. સંગીતમાં વધુ અભ્યાસ માટે સ્કૉલરશિપ મળતાં ૧૫ વર્ષની વયે જોધપુર જઈ સંગીતની સાધના શરૂ કરી. ૧૯૬૮માં ૨૩ વર્ષની વયે તબલાવાદક નંદન મહેતા સાથે લગ્ન થયાં અને તેઓ અમદાવાદ આવ્યાં. અહીં ૩૫ સભ્યોના સંયુક્ત કુટુંબમાં સમાઈ ગયાં. નંદન મહેતાના પિતાએ તેમને અન્યને સિતાર તથા કંઠ્ય સંગીત શીખવવા માટે પ્રોત્સાહિત કર્યાં. મંજુબહેને ૧૯૬૯થી ‘દર્પણ’માં સિતાર શીખવવાનું શરૂ કર્યું. ૧૯૮૦માં તેમણે પોતાની સંસ્થા ‘સપ્તક’ની સ્થાપના કરી, જેમાં કંઠ્યસંગીત તથા વાદ્યસંગીતનું શિક્ષણ અપાય છે. છેલ્લાં ત્રીસ વર્ષથી દર જાન્યુઆરી મહિનામાં ‘સપ્તક’ દ્વારા ૧૪ દિવસના મહોત્સવનું આયોજન થાય છે. તેમાં રાષ્ટ્રીય ખ્યાતનામ શાસ્ત્રીય સંગીતના શ્રેષ્ઠ કલાકારો ભાગ લે છે. ભારતભરમાં તથા વિદેશમાં આ કાર્યક્રમની પ્રશંસા થાય છે. મંજુબહેનને ગુજરાત સરકાર દ્વારા પંડિત ઓમકારનાથ ઍવૉર્ડ, મુંબઈમાં પંડિત જસરાજ ઘરાના ઍવૉર્ડ, સંગીત કલારત્ન માર્તંડ સન્માન, મારવાડ સંગીતરત્ન ઍવૉર્ડ, સંગીત કલા ગૌરવ પુરસ્કાર, નારીશક્તિ ઍવૉર્ડ મળેલ છે. તદુપરાંત ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તરફથી કલાક્ષેત્રે અપાતો પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ વર્ષ ૨૦૧૬માં મળેલો.

Categories
વાચન સમૃદ્ધિ

આત્મહત્યાનો વિચાર સ્વયં આત્મહત્યા કરશે

આકાશમાં જામેલાં કાળાં ઘનઘોર વાદળોની જેમ મન પર નિરાશા છવાઈ ગઈ હોય, ત્યારે કરવું શું ? એક એવી ઉદાસીનતા જીવનમાં આવી ગઈ હોય કે અન્ય વ્યક્તિની ઉપસ્થિતિ જ અળખામણી બનતી હોય અને પોતાની જાત તરફ ભારોભાર અણગમો આવતો હોય, ત્યારે કરવું શું ? આવે સમયે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બને છે. વર્તમાન જિંદગીની પરિસ્થિતિથી મોં ફેરવી લે છે. એ આત્મહત્યા કરવાનું વિચારે છે અને કરે પણ છે. એ વિચારે છે કે આવી ઘોર ઉદાસીનતા અને ગાઢ નિરાશાની ઊંડી ખીણમાંથી હું ક્યારે બહાર નીકળી શકીશ ? એ હકીકત છે કે દરેક વ્યક્તિના જીવનમાં એક યા બીજા સમયે એને ચારે બાજુથી ઉદાસીનતા ઘેરી વળતી હોય છે. ક્યારેક પોતાના કોઈ અપરાધને લીધે ભીતરમાં થતી પીડાને પરિણામે એ બધાથી દૂર નાસતી હોય છે. એને એકલવાયા રહેવું પસંદ પડે છે અને આ એકલતા જ એના જીવનને ખાઈ જતી હોય છે. કોઈ વખત જીવનમાં આવેલા આઘાતથી મનથી અવાચક બની ગઈ હોય છે. કોઈ પોતે રચેલા કારાવાસમાં સ્વયં કેદ થઈને જીવે છે. આવી સ્થિતિ અનુભવતી વ્યક્તિએ કોઈ જરૂરિયાતમંદને મદદ કરવાનો વિચાર કરવો જોઈએ. તમે કોઈને મદદ કરવા જાવ એટલે તમે તમારી જાતમાંથી બહાર નીકળી જાવ છો. અત્યાર સુધી માત્ર પોતાનો જ વિચાર કરતા હોવાથી ઘોર નિરાશાથી ઘેરાઈ ગયા હતા, પણ હવે અન્યને મદદરૂપ થવાના વિચારથી સ્વકેન્દ્રિતાનું કોચલું ભેદી શકશો અને અન્યને મદદરૂપ થઈને બીજાના ચહેરા પર આનંદ કે ખુશી જોવાની અભિલાષા રાખશો. તમારા પોતાના સ્વાર્થી વિચારોના કારાવાસમાંથી નીકળીને પરમાર્થી વિચારોના મુક્ત ગગનમાં ઊડવા માંડશો એટલે આપોઆપ સઘળી નિરાશા, દુ:ખ, ચિંતા કે ડર ખરી પડશે અને આત્મહત્યાનો વિચાર સ્વયં પોતાની જ હત્યા કરી બેસશે.