જિબુટી (Djibouti)


જિબુટી (Djibouti) : પૂર્વ આફ્રિકાનો નાનો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન ૧૧° ૩૬´ ઉ. અ. અને ૪૩ ૦૯´ પૂ. રે. તે ‘હૉર્ન ઑવ્ આફ્રિકા’ના ઈશાન કિનારા પર આવેલો છે. સ્વતંત્રતા મળી (૧૯૭૭) તે પહેલાં તેના પર ફ્રેંચોનું આધિપત્ય હતું. ઉત્તરે, પશ્ચિમે તથા નૈર્ઋત્યમાં ઇથિયોપિયાની સીમા તથા દક્ષિણમાં સોમાલિયાની સીમા છે. વિસ્તાર 23,000 ચોકિમી. તથા વસ્તી 10,66,809 (૨૦24 અંદાજ) છે. વસ્તીમાં 60% સોમાલી મૂળના ઇસા, 35% ઇથિયોપિયાના મૂળના અફાર તથા 5 % અન્ય છે. ૯૪% લોકો ઇસ્લામ ધર્મ પાળે છે. વસ્તીના H લોકો નગર વિસ્તારમાં તથા 3 ગ્રામીણ વિસ્તારમાં રહે છે. વસ્તીની ગીચતા ૧૮ પ્રતિ ચોકિમી. છે. અત્યંત ગરમ હવામાન ધરાવતા આ દેશમાં જાન્યુઆરીમાં ૨૮.૭ સે. તથા જુલાઈમાં ૪૩.૪ સે. તાપમાન રહે છે. દરિયાકિનારાના પ્રદેશમાં વાર્ષિક સરેરાશ વરસાદ ૧૨૫ મિમી. તથા મેદાની વિસ્તારમાં ૫૦૦ મિમી. પડે છે. મુખ્ય ભાષા અરબી છે. થોડા પ્રમાણમાં ફ્રેંચ અને કુથિટિક ભાષાઓ બોલાય છે. દેશના કુલ વિસ્તારમાંથી ૬૦% વિસ્તારની જમીન સૂકી, નિર્જન, બિનઉપજાઉ અને ઉજ્જડ છે તથા ૮૯% વિસ્તાર રણથી છવાયેલો છે. ૯% ભૂમિ પર ઘાસ ઊગે છે. કુલ વસ્તીમાંથી ૫૦% લોકો વિચરતી જાતિના છે, જે ઘેટાં, બકરાં કે ઊંટ જેવાં પ્રાણીઓના ઉછેરમાં રોકાયેલા છે. રણપ્રદેશ અને સૂકી જમીનને લીધે ખેતી તથા ઉદ્યોગોના વિકાસની શક્યતાઓ નહિવત્ છે. દેશનું અર્થતંત્ર મોટા ભાગે વ્યાપાર અને વાણિજ્ય પર નભે છે. જિબુટી બંદર મારફત તથા વ્યાપારમાંથી પ્રાપ્ત થતી આવક એ જ દેશની આંતરિક આવકનો મુખ્ય સ્રોત છે. માથાદીઠ આવક ૨,૮૦૦ (વર્ષ ૨૦૧૦) અમેરિકન ડૉલર હતી. કાચી રાષ્ટ્રીય પેદાશમાં ખેતી અને ખેતીજન્ય વ્યવસાયોનો ફાળો માત્ર ૫% છે. કૉફી, મીઠું, ચામડું અને કઠોળ દેશની મુખ્ય નિકાસો તથા યંત્રો, કાપડ અને ખાદ્ય પદાર્થો એ મુખ્ય આયાતો છે. અંબુલી નદી પર પીવાના પાણીનો આધાર છે. આવકમાં ઉદ્યોગોનો ફાળો ૧૫% છે. બાકીના ૮૦% સેવા વ્યવસાયો પર આધાર રાખે છે.

જિબુટી બંદર

જિબુટી દેશનું પાટનગર છે. તે બંદર હોવા ઉપરાંત દેશનું મોટામાં મોટું શહેર છે. આફ્રિકાના ઈશાન કિનારા પર તાજુરા ઉપસાગરમાં એડનના અખાતના વાયવ્ય છેડા પર આવેલું છે. એડન શહેરથી ૨૪૦ કિમી. અંતરે છે. બાબ-અલ-માન્ડેબ સામુદ્રધુનીના મુખ પર વસેલું હોવાથી લશ્કરી દૃષ્ટિએ મહત્ત્વનું થાણું છે. ઇથિયોપિયાનો સમગ્ર વ્યાપાર આ બંદર મારફત થાય છે. પશ્ચિમ એશિયાના પ્રદેશો તથા પૂર્વ આફ્રિકામાંથી આવેલા લોકોની મિશ્ર વસ્તી ત્યાં વસે છે. નગરનું અર્થતંત્ર બંદરની આવક પર નભે છે. નગરની વસ્તી 7,76,966 (૨૦24 અંદાજ). ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ફ્રેંચોએ આ પ્રદેશ પર પોતાનું આધિપત્ય પ્રસ્થાપિત કર્યું. ૧૯૬૭માં લેવાયેલ સર્વમતસંગ્રહમાં બહુમતી મતદારોએ ફ્રેંચ શાસન હેઠળ ચાલુ રહેવાની સંમતિ આપી, પરંતુ ૧૯૭૭માં દેશને સ્વતંત્ર ઘોષિત કરાયો. ત્યારથી ત્યાં પ્રજાસત્તાક પ્રણાલીએ શાસન ચાલે છે. ૧૯૯૪માં રાષ્ટ્રીય સંયુક્ત જોડાણ ધરાવતી સરકાર સ્થપાઈ. રાષ્ટ્રીય લોકપૃચ્છા (રેફરન્ડમ) પછી ૪ સપ્ટેમ્બર, ૧૯૯૨માં નવું બંધારણ માન્ય રાખવામાં આવ્યું. પ્રમુખ છ વર્ષ માટે પ્રજા દ્વારા સીધી રીતે ચૂંટાય છે. સંસદ એકગૃહી છે, પાંચ વર્ષની મુદત ધરાવે છે જે (ઉપરના લખાણનું અનુસંધાન) ‘ચેમ્બર ઑવ્ ડૅપ્યુટીઝ’ નામથી ઓળખાય છે અને ૬૫ સભ્યોથી રચાય છે. દેશના બે મુખ્ય સમુદાયો – ઇસા અને અફાર વચ્ચે સતત સંઘર્ષ ચાલે છે, તેને કારણે દેશને રાજકીય સ્થિરતા પ્રાપ્ત થતી નથી. વીસમી સદીના નવમા દાયકામાં ઇથિયોપિયામાંથી આ દેશમાં દાખલ થયેલા હજારો શરણાર્થીઓએ દેશ માટે મોટી સમસ્યા ઊભી કરી છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

રમાબાઈ રાનડે


જ. ૨૫ જાન્યુઆરી, ૧૮૬૩ અ. ૨૫ જાન્યુઆરી, ૧૯૨૪

૧૯મી સદીનાં પ્રથમ મહિલા અધિકાર કાર્યકર્તા અને સમાજસુધારક તરીકે જાણીતાં રમાબાઈ રાનડેનો જન્મ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના દેવરાષ્ટ્રે નામના ગામમાં થયો હતો. એ દિવસોમાં સ્ત્રીશિક્ષણ નિષેધ હોવાના કારણે તેમના પિતાએ તેમને અક્ષરજ્ઞાન આપેલું જ નહીં. ૧૮૭૩માં ૧૦ વર્ષની ઉંમરે તેમનાં લગ્ન એક પ્રતિષ્ઠિત વિદ્વાન અને સમાજસુધારક એવા મહાદેવ ગોવિંદ રાનડે સાથે થયાં હતાં. પરિવારના વિરોધ વચ્ચે પણ રમાબાઈને તેમના પતિએ શિક્ષિત કરવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. પતિના મજબૂત સમર્થન અને દૂરંદેશિતાથી રમાબાઈએ પોતાનું સમગ્ર જીવન મહિલાઓની આત્મનિર્ભરતા માટે સમર્પિત કરી દીધું હતું. યુવા રમાબાઈને જસ્ટિસ રાનડેએ મરાઠી, અંગ્રેજી, ગણિત, ભૂગોળ અને ઇતિહાસ જેવા વિષયોનું વાંચન અને લેખન શીખવ્યું હતું. તેમણે રમાબાઈને વર્તમાનપત્રોના નિયમિત વાંચન દ્વારા સમસામયિક મુદ્દાઓ પર ચર્ચા કરવાની પ્રેરણા આપી હતી. રમાબાઈનું મહત્ત્વનું સાહિત્યિક યોગદાન મરાઠીમાં લખાયેલી તેમની આત્મકથા ‘અમચ્યા આયુષતિલ આથવાણી’ છે. જેમાં તેમણે તેમના સાંસારિક જીવનનું વિગતે આલેખન કર્યું છે. તેમણે જસ્ટિસ રાનડેના ધર્મસંબંધિત વ્યાખ્યાનોનો એક સંગ્રહ પણ પ્રકાશિત કર્યો હતો. રમાબાઈએ નાશિક હાઈસ્કૂલમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી સાર્વજનિક કાર્યક્રમમાં પ્રથમ વ્યાખ્યાન આપ્યું હતું. મુંબઈમાં પ્રાર્થના સમાજની શાખામાં જોડાયાં બાદ તેમણે આર્ય મહિલા સમાજની શાખા પણ શરૂ કરી હતી. ૧૮૯૩થી ૧૯૦૧ દરમિયાન તેમની સામાજિક પ્રવૃત્તિઓ ચરમસીમા પર રહી હતી. ૧૯૦૧માં રમાબાઈ મુંબઈ છોડી પુણે સ્થાયી થયાં હતાં. પતિના મૃત્યુ પછીનું તેમનું શેષજીવન તેમણે મહિલાઓના શિક્ષણ અને અધિકાર માટે વિતાવ્યું હતું. પીડિત મહિલાઓના પુનર્વસન માટે તેમણે ‘સેવાસદન’ જેવી સામાજિક સંસ્થા સ્થાપી હતી.

અશ્વિન આણદાણી

હાથવગા દીવડા


કૅનેડાના પ્રસિદ્ધ ચિકિત્સક અને શિક્ષણશાસ્ત્રી સર વિલિયમ ઑસ્લર (૧૮૪૯થી ૧૯૧૯) મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે એમના માથા પર ચિંતાનો મોટો બોજ એ હતો કે તેઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ વ્યવસાયમાં ક્યાં ઠરીઠામ થશે ? કઈ રીતે એમની આજીવિકા ચાલશે ? એમનું ભવિષ્ય શું ?

આ સમયે એમણે એમના કબાટમાંથી થોમસ કાર્લાઇલનું એક પુસ્તક કાઢીને આ સૂત્ર વાંચ્યું, ‘આપણું મુખ્ય કામ દૂરસુદૂરના ઝાંખા પ્રકાશને જોવાનું નથી, પરંતુ આપણું કામ તો હાથવગા દીવડાને કામમાં લેવાનું છે.’ આ વાક્ય વાંચતાં જ સર વિલિયમ ઑસ્લરના ચિત્ત પરનો સઘળો ભાર ઊતરી ગયો. એમણે વિચાર્યું કે બહુ દૂર-દૂરના ભવિષ્યની ચિંતા કરીને દુ:ખી થવા કરતાં અત્યારની પરિસ્થિતિનો મુકાબલો કરીને આનંદ માણવો જોઈએ, આથી એમણે એક નવો શબ્દ શોધ્યો, ‘ડે-ટાઇટ કમ્પાર્ટમેન્ટ.’  આ શબ્દનો અર્થ એટલો કે દિવસના ટાઇટ કમ્પાર્ટમેન્ટમાં જીવો. રોજના દિવસને જાણો અને જીવો. એમાં ભૂતકાળનો કોઈ બોજ કે ભવિષ્યકાળની કોઈ ચિંતા દાખલ થવા દેશો નહીં, બલ્કે ભૂતકાળને ભૂલી જાઓ અને ભવિષ્યકાળની ધારણા કરવાનું છોડી દો અને આજના દિવસને રળિયામણો ગણીને જીવવાનું રાખો. આ વિચારને પરિણામે વિલિયમ ઑસ્લર કૅનેડાના વિશ્વવિખ્યાત ચિકિત્સક બન્યા. ૧૮૭૩ સુધીમાં લોહીમાંના નહીં ઓળખાયેલા ગઠનકોશો(પ્લેટલેટ્સ)ને એમણે શોધી કાઢ્યા. ફિલાડેલ્ફિયા ક્લિનિકલ મેડિસિનના અધ્યક્ષ બન્યા. કેટલાંય ઉચ્ચ પદ પામ્યા અને મેડિકલ શિક્ષણમાં પણ એમણે ક્લિનિકલ એક્ઝામિનેશનના ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપ્યું. એમના ગ્રંથો વિશાળ જ્ઞાનના ઉત્તમ નમૂનારૂપ બની રહ્યા, આમ છતાં તેઓ સ્વીકાર કરતા કે હું બીજી સામાન્ય વ્યક્તિઓ જેવો જ છું, માત્ર મારી જીવવાની પદ્ધતિમાં ‘ડે-ટાઇટ કમ્પાર્ટમેન્ટ’ને હું અનુસરું છું.

કુમારપાળ દેસાઈ