Categories
વાચન સમૃદ્ધિ

પ્રાણસુખ નાયક

જ. 23 એપ્રિલ, 1910 અ. 12 માર્ચ, 1989

ગુજરાતી રંગભૂમિના નાટ્યકાર, દિગ્દર્શક અને અભિનેતા પ્રાણસુખ નાયકનો જન્મ મહેસાણા જિલ્લાના જગુદણ ગામે થયો હતો. પિતા મણિલાલ મૂળચંદ નાયક પણ લોકપ્રિય ભવાઈકલાકાર હતા. અભિનયનો વારસો પરિવારમાંથી પ્રાપ્ત થયો હતો. તેમણે ગુજરાતી ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. નવ વર્ષની ઉંમરથી રંગભૂમિ સાથે જોડાયા. તેઓ સૌપ્રથમ સૂરતની દેશી નાટક કંપનીમાં જોડાયા. એ પછી મોતીલાલ નંદવાણાની આર્યનીતિ નાટક સમાજ અને એ પછી પ્યારેલાલ મહેતાની વિદ્યાવિનોદ નાટક સમાજ અને મુંબઈ ગુજરાતી નાટકમંડળીમાં જોડાયા. ગુજરાત નાટકમંડળીમાં સૂરજરામ નાયક, બાપુલાલ નાયક અને જયશંકર ‘સુંદરી’ દ્વારા તાલીમ મળી. તેમણે ‘કુમળી કળી’ નાટકમાં બનારસની નારીનું પાત્ર ભજવ્યું આથી ‘લખનોરી તેતર’ તરીકે પ્રસિદ્ધ થયા. તેમણે ‘કૉલેજગર્લ’માં કૉલેજકન્યાનો રોલ કર્યો. તેઓ પ્રાણસુખ ‘તેતર’ના નામે જાણીતા હતા. મુંબઈ નાટકમંડળી બંધ થતાં તેઓ પાલિતાણા ભક્તિપ્રદર્શક મંડળી અને પ્રભાત નાટકમંડળીમાં જોડાયા. ‘નટમંડળ’ના ‘મિથ્યાભિમાન’ નાટકમાં જીવરામ ભટ્ટની અને ‘મેનાં ગુજરી’માં બ્રાહ્મણની ભૂમિકા ભજવી. તેમણે દર્પણ એકૅડેમી ઑવ પર્ફૉર્મિંગ આર્ટસમાં અને શ્રેયસ ફાઉન્ડેશનમાં પણ સેવા આપી હતી. તેમણે ‘પ્રાણ થિયેટર્સ’ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. તેમણે રંગમંચ પર 22,455 વખત અભિનય કર્યો હતો. આથી 1989માં ગિનિસ બુક ઑવ્ રેકૉર્ડસમાં તેમનું નામ નોંધવામાં આવ્યું છે. તેમણે ‘જુગલ જુગારી’, ‘પવિત્ર લીલાવતી’, ‘સત્તાનો મદ’, ‘વીણાવેલી’, ‘સંતાનોના વાંકે’, ‘સતી દમયંતી’ જેવાં ઘણાં પ્રસિદ્ધ નાટકોમાં અભિનય કર્યો હતો. ‘ભવની ભવાઈ’ ફિલ્મમાં જ્યોતિષી તરીકે અભિનય કર્યો હતો. તેમણે અભિનય ઉપરાંત આઠ નાટકો લખ્યાં હતાં, જેમાં ‘બાળોતિયાંના બળેલા’, ‘બંધ છીપનાં મોતી’, ‘બિરબલની છત્રી’, ‘બાળભક્ત પ્રહલાદ’નો સમાવેશ થાય છે. 1963માં ગુજરાત રાજ્ય નાટક અકાદમી દ્વારા અને 1974માં સંગીત નાટક અકાદમી દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

અંતિમ સમયે

રોમન ફિલસૂફ, રાજપુરુષ, વક્તા અને નાટ્યકાર લુસિયસ ઍન્નિયસ સેનેકા (આશરે ઈ. સ. પૂ. 4 થી ઈ. સ. પૂ. 65) સમ્રાટ નીરોના શિક્ષક હતા અને ઈસવી સનની પહેલી સદીના મધ્યાહ્નમાં થયેલા એક સમર્થ બુદ્ધિવાદી હતા. શિક્ષક સેનેકાએ સમ્રાટ નીરોનું પ્રથમ જાહેર ઉદ્બોધન તૈયાર કર્યું હતું. રોમના આ ફિલસૂફ સમય જતાં સમ્રાટ નીરોના સલાહકાર બન્યા અને રોમન સામ્રાજ્યમાં આર્થિક સુધારાઓ અને ન્યાય સંબંધી સુધારાઓ લાવવામાં એમણે મહત્ત્વની ભૂમિકા ભજવી. એ સમયે એમણે ગુલામો પ્રત્યે સહાનુભૂતિ દાખવી હતી. કોઈએ સમ્રાટ નીરોના કાન ભંભેર્યા કે એમની સામે થયેલા પિઝોના કાવતરામાં દુશ્મનો સાથે સેનેકા સામેલ હતા. શંકાશીલ સમ્રાટ અકળાઈ ઊઠ્યો, શિક્ષક થઈને ષડ્યંત્ર રચે ! હવે કરવું શું ? શિક્ષકની હત્યા તો શિષ્યથી થાય નહીં. આથી જુદો ઉપાય અજમાવ્યો. શહેનશાહે એમને આપઘાત કરવાનો હુકમ કર્યો. સમ્રાટના સેવકો ઝેરનાં પડીકાં લઈને સેનેકા પાસે આવ્યા અને એમને આત્મહત્યા કરવા માટે દબાણ કર્યું. સેનેકાએ આ માટે થોડો સમય માગ્યો. મનની સ્વસ્થતા અને ધૈર્ય સાથે એમણે સમ્રાટ નીરોને ઉદ્દેશીને એક પત્ર લખ્યો. સેનેકાએ સૈનિકોને કહ્યું કે, આ પત્ર સમ્રાટને આપી દેજો. ત્યારબાદ સેનેકા શાંતિથી મૃત્યુને ભેટ્યા. સેનેકાએ સમ્રાટ નીરોને જે પત્ર પાઠવ્યો હતો, તેમાં એમણે નીરોને લખ્યું હતું, ‘તમને જોખમરૂપ બની રહેલી વ્યક્તિઓનાં નામોની યાદી આ સાથે મોકલી રહ્યો છું. એ બરાબર જોજો અને એમનાથી સાવચેત રહેજો.’ આમ ચિંતક, રાજપુરુષ અને એક સમયના સમ્રાટના સલાહકાર એવા સેનેકાએ અંતિમ સમયે પણ પોતાનું કર્તવ્ય બજાવ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

રાધાબાઈ સુબારાયણ

જ. 22 એપ્રિલ, 1891 અ. 1 જાન્યુઆરી, 1960

ભારતનાં પ્રથમ મહિલાસાંસદ. રાધાબાઈનો જન્મ મેંગ્લોર, કર્ણાટકમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ મેંગ્લોરની જ એક શાળામાં પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ મદ્રાસ(ચેન્નાઈ)ની પ્રેસિડેન્સી કૉલેજમાંથી સ્નાતક થયાં. પછી ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડની સમરવિલે કૉલેજમાંથી અનુસ્નાતકની ઉપાધિ મેળવી. તેઓ અખિલ ભારતીય મહિલા સંમેલનનાં સભ્ય બન્યાં અને તેમાં કાર્યરત રહ્યાં. 1930માં બેગમ શાહનવાઝ સાથે તેઓએ લંડનમાં પ્રથમ ગોળમેજી સંમેલનમાં ભારતીય મહિલાઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વળી દ્વિતીય ગોળમેજી સંમેલનમાં પણ ભાગ લીધો અને મહિલાઓ માટે પાંચ પ્રતિશત આરક્ષણની માંગ પણ કરી હતી. 1937માં તેઓ જનરલ બેઠક પરથી કૉંગ્રેસ તરફથી ચૂંટણી લડવા ઇચ્છતાં હતાં, પણ મદ્રાસ પ્રોવિન્શિયલ રિસેપ્શન સમિતિના અધ્યક્ષે તેમને સમર્થન ના આપ્યું. તેમણે સી. રાજગોપાલાચારી પાસે પણ પોતાનો પક્ષ રાખ્યો, પણ તેમને સફળતા ન મળી. જોકે 1938માં તેમણે ચૂંટણીમાં ભાગ લીધો અને નિર્વિવાદ રાજ્ય પરિષદમાં ચૂંટાઈ આવ્યાં હતાં. આમ તેઓ ભારતનાં પ્રથમ મહિલાસાંસદ બન્યાં હતાં.