Categories
વાચન સમૃદ્ધિ

નરગિસ

જ. 1 જૂન, 1929 અ. 3 મે, 1981

ભારતીય હિન્દી સિનેમાનાં મહાન અભિનેત્રી નરગિસનો જન્મ કૉલકાતામાં અબ્દુલ રશીદ તથા જદ્દાબાઈ રશીદને ત્યાં થયો હતો. તેનું નામ ફાતીમા રશીદ રાખવામાં આવ્યું હતું. માતા શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા હતાં. સભ્ય સમાજ તરફથી અવગણના પાત્ર માહોલમાં ફાતીમા રશીદનું બાળપણ વીત્યું હતું. માત્ર છ વર્ષની વયે ફિલ્મ ‘તલાશ-એ-હક’માં એમણે અભિનય કર્યો હતો. સિનેજગત માટે એમને નરગિસ નામ આપવામાં આવ્યું હતું. 1942માં ફિલ્મ ‘તમન્ના’ તથા મહેબૂબ ખાનનિર્મિત ફિલ્મ ‘તકદીર’માં મુખ્ય અભિનેત્રી તરીકે અભિનય કર્યો અને દર્શકોના ધ્યાનમાં આવ્યાં. ત્યારબાદ શોમૅન રાજ કપૂર સાથે આર. કે. બૅનર હેઠળ ‘બરસાત’, ‘આવારા’, ‘શ્રી 420’માં અભિનય કરીને તેઓ ખૂબ ખ્યાતિ પામ્યાં. ભારત તેમજ રશિયામાં પણ એમણે ખૂબ ચાહના મેળવી. અભિનેતા દિલીપકુમાર સાથે પણ અનેક ફિલ્મોમાં અભિનય કર્યો. ‘આહ’, ‘બાબુલ’, ‘અંદાઝ’, ‘ચોરીચોરી’, ‘કાલા બાઝાર’, ‘હુમાયૂં’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કરીને તત્કાલીન સમયનાં સૌથી વધુ મહેનતાણું મેળવતાં અભિનેત્રી બન્યાં. રાજ કપૂર સાથે સોળ ફિલ્મોમાં અભિનય કર્યો. 1957માં મહેબૂબ ખાનનિર્મિત-નિર્દેશિત ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ નરગિસના જીવનની શ્રેષ્ઠ ફિલ્મ સાબિત થઈ. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ફિલ્મના સહઅભિનેતા સુનિલ દત્ત સાથે મનમેળ થતાં 1958માં લગ્નગ્રંથિથી જોડાયાં. ત્રણ સંતાનોનાં માતા બનીને સ્થાયી જીવનની શરૂઆત કરી. 1958માં નરગિસને ભારત સરકાર તરફથી પદ્મશ્રીના ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 1967માં ફિલ્મ ‘રાત ઔર દિન’માં અભિનય કર્યા બાદ ફિલ્મોમાં અભિનયની પ્રવૃત્તિને તિલાંજલી આપી. 1980માં રાજ્યસભાનાં સભ્ય તરીકે એમની પસંદગી થઈ, પરંતુ તે જ અરસામાં પિત્તાશયના કૅન્સરની બીમારી વધુ તીવ્ર બની. 1981માં મુંબઈમાં એમનું અવસાન થયું. પુત્ર સંજય દત્તની પ્રથમ ફિલ્મ ‘રોકી’ના લોકાર્પણના ત્રણ દિવસ પહેલાં એમનું અવસાન થયું. એમના અવસાન બાદ પતિ સુનિલ દત્તે નરગિસ દત્ત મેમોરિયલ કૅન્સર ફાઉન્ડેશનની સ્થાપના કરી તથા ફિલ્મજગતમાં અભિનયના પ્રોત્સાહન માટે નરગિસ દત્ત ઍવૉર્ડની શરૂઆત કરી. નરગિસ દત્ત ફિલ્મભાવકોનાં હૃદયમાં અમર સ્થાન ધરાવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

સમયનો અભાવ

1952થી 1960 સુધી એટલે કે બે સત્ર સુધી અમેરિકાના પ્રમુખ રહી ચૂકેલા ડ્વાઇટ ડેવિડ આઇઝનહોવરે (જ. ઈ. 1890, અ. ઈ. 1969) બાહોશ સેનાપતિ, કુશળ રાજકારણી અને નાગરિક અધિકારોનો પ્રથમ કાયદો પસાર કરનાર તરીકે આગવી પ્રતિભા દાખવી. એમને અનેક રાજપુરુષો સાથે સંઘર્ષમાં આવવાનું બનતું હતું; એટલું જ નહીં, પણ અમેરિકાના એક ભાગ જેવાં દક્ષિણનાં રાજ્યો સામે ઝઝૂમવું પડતું હતું. આઇઝનહોવરના પુત્ર જ્હોનને કોઈએ એમ પૂછ્યું, ‘તમારા પિતા ઉચ્ચ લશ્કરી અધિકારી હતા અને તેથી એમણે ક્યારેય એમના વિરોધીઓ તરફ બળાપો કાઢ્યો હતો ખરો ?’ જનરલ આઇઝન હૉવરના પુત્રએ કહ્યું, ‘મારા પિતાને મેં ક્યારેય શત્રુ દેશો કે એ દેશોના અગ્રણીઓ પ્રત્યે કે અન્ય સૈનિક વડાઓ અંગે કોઈ વિરોધી વાતો કરતા સાંભળ્યા નથી.’ વળી પ્રશ્ન કર્યો, ‘પરંતુ એમણે રાજકારણમાં ઝુકાવ્યું અને ઘણાં પરિબળોનો એમને સામનો કરવાનો આવ્યો, ત્યારે એમની નીતિઓનો વિરોધ કરનાર પ્રત્યે એમણે ક્યારેય નારાજગી વ્યક્ત કરી છે ખરી ?’ જ્હોન આઇઝનહોવરે કહ્યું, ‘મેં મારા પિતાને ક્યારેય કોઈની ઈર્ષ્યા કરતા જોયા નથી. કોઈ નેતા અંગે વિરોધી વાતચીત કે ઉચ્ચારણો કરતા સાંભળ્યા નથી અને કોઈનાય પ્રત્યે એમણે નારાજગી વ્યક્ત કરી નથી.’ ‘આનું કારણ શું ?’ જ્હોને ઉત્તર આપ્યો, ‘આનું કારણ એ કે એમણે એક પણ મિનિટ એવા લોકો વિશે વિચારવામાં બગાડી નથી કે જેમને એ પસંદ કરતા ન હોય કે જે એમની નજરમાંથી ઊતરી ગયા હોય. જેમની સાથે એમને સંઘર્ષ હોય એવી વ્યક્તિ પર પણ એમણે ક્યારેય ગુસ્સો કરીને સમય બરબાદ કર્યો હોય, તેવું મને યાદ નથી.’

Categories
વાચન સમૃદ્ધિ

અહિલ્યાબાઈ હોલકર

જ. 31 મે, 1725 અ. 13 ઑગસ્ટ, 1795

બાહોશ શાસક, દાનવીર અને પ્રજાવત્સલ રાણી અહિલ્યાબાઈ હોલકરનો જન્મ મહારાષ્ટ્રના ચૌંડ ગામમાં થયો હતો. પિતા માણકોજી અને માતા સુશીલાબાઈ. પિતાએ લખતાં-વાંચતાં શીખવ્યું. અહિલ્યાબાઈનાં આઠ વર્ષની ઉંમરે ખંડેરાવ સાથે 1733માં લગ્ન થયાં. 1745માં પુત્ર માલેરાવ અને 1748માં પુત્રી મુક્તાનો જન્મ થયો. 1754માં પતિ ખંડેરાવ મરણ પામ્યા. તેઓ સતી થવા માગતાં હતાં, પરંતુ સસરાએ સમજાવી સતી થતાં અટકાવ્યાં. અહિલ્યાબાઈએ પુત્ર માલેરાવને સૂબેદાર બનાવ્યો. 1766માં માલેરાવનું અવસાન થયું. અહિલ્યાબાઈએ 1766માં મહેશ્વરને પાટનગર તરીકે પસંદ કર્યું અને ત્યાં રહેવા લાગ્યાં. તેમના સુશાસનથી રાજ્યની આવકમાં નોંધપાત્ર વધારો થયો. કાયદામાં સુધારા કર્યા, ન્યાયાધીશોની નિમણૂકો કરી. રાજ્યમાં સ્થિરતા સ્થાપી. તેમના દોહિત્ર નથુબાના અવસાન પછી જમાઈ યશવંતરાવ પણ અવસાન પામ્યા. તેમની પાછળ મુક્તાબાઈ સતી થયાં. સાસુ, સસરા, પતિ, પુત્ર, પુત્રી, જમાઈ અને દોહિત્રનાં ચાલ્યાં જવાથી અહિલ્યાબાઈ એકાકી બની ગયાં. તેમણે અલંકારો ત્યજી શ્વેત અને સાદો પોશાક પહેરવાનું શરૂ કર્યું. તેઓ પૂજા-અર્ચના, ધર્મગ્રંથોનું શ્રવણ, દાન-ભોજન કરીને પછી જ જમતાં. તેઓ રાજ્યનો હિસાબ પોતે જ તપાસતાં. તેમણે કાશી વિશ્વનાથ અને ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગોનું પુનઃ નિર્માણ કરાવ્યું. તેમણે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તેમણે ભારતભરનાં પ્રસિદ્ધ તીર્થસ્થાનોમાં મંદિરો, ઘાટ, કૂવા, વાવ, ચબૂતરા અને રસ્તાનું નિર્માણ કરાવ્યું. તેમણે ધર્મશાળાઓ બંધાવી અને પરબ તથા અન્નક્ષેત્રો શરૂ કર્યાં. તેમણે મહિલાઓની સેનાની રચના પણ કરી હતી. તેમણે મહેશ્વરમાં હાથસાળના ઉદ્યોગનો વિકાસ કર્યો. અહિલ્યાબાઈની સ્મૃતિમાં મહેશ્વરમાં અહલ્યેશ્વર મહાદેવનું મંદિર બાંધવામાં આવ્યું છે. સોલાપુર અને ઇન્દોરમાં યુનિવર્સિટીઓનાં નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યાં છે. અહમદનગરનું નામ અહિલ્યાનગર કરવામાં આવ્યું છે. તેમના જીવન આધારિત ટીવી ધારાવાહિક પ્રસારિત થઈ છે. ભારત સરકારે 1996માં બે રૂપિયાની અને 2025માં પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી.