ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં આવેલું ગિરિમથક. ‘સાપુતારા’ નામનો અર્થ ‘સાપોનો નિવાસપ્રદેશ’ એવો થાય છે. દેશને સ્વાતંત્ર્ય મળ્યા પછી ગુજરાતમાં સૌથી પહેલા ગિરિમથક તરીકે આ સ્થળનો વિકાસ કરવામાં આવ્યો. તે રાજ્યના સૌથી ગાઢ જંગલ ધરાવતા ડાંગ જિલ્લામાં સૂરતથી ૧૬૪ કિમી.ના અંતરે આવેલું છે. સહ્યાદ્રિ ગિરિમાળામાં તે દરિયાની સપાટીથી ૮૭૨.૯ મીટરની ઊંચાઈ પર છે. સાપુતારાનું ભૂપૃષ્ઠ પહાડી છે. પશ્ચિમ ઘાટમાંથી નીકળતી સર્પગંગા નદી ગામની નજીકથી વહે છે. અહીં લાવાપ્રવાહોથી રચાયેલા બેસાલ્ટ ખડકો પથરાયેલા છે. કેટલાક વિસ્તારોમાં લાલ માટીનું તો અન્ય ઠેકાણે રેગર અથવા કાળી માટીનું આવરણ પથરાયેલું જોવા મળે છે.

ઉનાળામાં અહીંનું હવામાન ઠંડું, ખુશનુમા અને આહલાદક હોય છે. શિયાળો પ્રમાણમાં ઠંડો હોય છે. અહીં વાર્ષિક સરેરાશ વરસાદ ૨,૫૪૦ મિમી.થી ૩,૨૦૦ મિમી. જેટલો થાય છે. અહીંનાં જંગલોમાં સાગ અને વાંસનાં ઝાડ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ઔષધીય વનસ્પતિઓ પણ ખૂબ પ્રમાણમાં ઊગે છે. સાપુતારામાં ૮૪૫ મીટરની ઊંચાઈએ એક જળાશય તૈયાર કરવામાં આવેલું છે. આ જળાશય સાપુતારામાં પીવાનું પાણી પૂરું પાડે છે. રાજ્યના મત્સ્યવિભાગ દ્વારા આ જળાશયમાં મત્સ્યઉછેર થાય છે. અહીં મધમાખીઉછેર-કેન્દ્ર પણ વિકસાવવામાં આવ્યું છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં સનરાઇઝ અને સનસેટ પૉઇન્ટ, ઇકો-પૉઇન્ટ, સાપુતારા સરોવર, રજ્જુમાર્ગ, વેલી-વ્યૂ-પૉઇન્ટ, લેક-ગાર્ડન, રોઝ-ગાર્ડન, સ્ટેપ-ગાર્ડન, મધમાખીઉછેર-કેન્દ્ર તથા આદિવાસી હસ્તકલાની ચીજ-વસ્તુઓના સંગ્રહાલયનો સમાવેશ થાય છે. આ સંગ્રહાલયમાં ડાંગ વિસ્તારના આદિવાસીઓની હસ્તકલાના નમૂના, ઘરેણાં, વાજિંત્રો, શસ્ત્રો અને શિકારનાં ઓજારો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. સાપુતારા ગિરિમથક ગુજરાત અને મહારાષ્ટ્રનાં મુખ્ય શહેરો સાથે સડકમાર્ગોથી સંકળાયેલું છે. ગુજરાત અને મહારાષ્ટ્રના પર્યટકો અહીં અવારનવાર આવતા રહે છે. પર્યટકો માટે અહીં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે.
અમલા પરીખ
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી