Categories
વાચન સમૃદ્ધિ

ઉઝબેકિસ્તાન

મધ્ય એશિયામાં આવેલો એક દેશ.

તે ૩૭°થી ૪૮° ઉ. અ. અને ૫૬°થી ૬૮° પૂ. રે.ની વચ્ચેનો ૪,૪૭,૪૦૦ ચો.કિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે અને વાયવ્યે કઝાખિસ્તાન, પૂર્વમાં અને અગ્નિએ કિર્ગીઝિસ્તાન અને તાજિકિસ્તાન, જ્યારે દક્ષિણ અને નૈઋત્યે અફઘાનિસ્તાન અને તુર્કમેનિસ્તાન આવેલાં છે. તેની વસ્તી આશરે ૩.૯૦ કરોડ (૨૦૨૬ મુજબ) છે. વાયવ્યે આવેલ અરલ સમુદ્રની આસપાસનો વિસ્તાર તુરાનપ્રદેશ તરીકે ઓળખાય છે. દક્ષિણે કિઝિલ્કુમનો ઉજજડ રણપ્રદેશ આવેલો છે. પશ્ચિમે ઉશીઉટ ઉચ્ચપ્રદેશ આવેલો છે. (અહીં અનેક ડૂબકબખોલો આવેલી છે.) આમુદરિયા નદીએ અનેક ફાંટાઓવાળાં મુખત્રિકોણ મેદાનોનું નિર્માણ કર્યું છે. પશ્ચિમે આવેલી પર્વતીય હારમાળા ખીણ અને મેદાની વિસ્તારોને જુદા પાડે છે. ટીએનશાન અહીંની મુખ્ય પર્વતમાળા છે. તેની પશ્ચિમે કારઝાફટુ, ઊગમ, પાસ્કેમ, બેસ્ટોર, અટફાલ અને ફુરામીન પર્વતોની હારમાળા; દક્ષિણે તુર્કસ્તાન, માલગુઝાર અને ગુરાટુની હારમાળા તથા વધુ દક્ષિણે ઝેરવાશાનનો ખીણપ્રદેશ આવેલાં છે. અહીં પ્રાચીન સંસ્કૃતિનાં શહેર સમરકંદ અને બુખારા પણ આવેલાં છે. ઉઝબેકિસ્તાનની જમીન રાખોડી ને રેતાળ હોવાથી લગભગ રણપ્રકારની કહી શકાય.

સમગ્ર પ્રદેશનો ૯.૯ % જેટલો વિસ્તાર જંગલોવાળો છે. ઉઝબેકિસ્તાનના પ્રાણીજીવન ઉપર રણપ્રદેશની વધુ ગાઢ અસર રહેલી છે. વિવિધ પ્રકારના સાપ, ગરોળી, શિયાળ, રીંછ, હરણ અને સાબર જોવા મળે છે. રણપ્રદેશ સિવાયના પ્રદેશમાં બોરખતર અને જય પક્ષીઓ; તે ઉપરાંત ખેડગ્રેસ, કબૂતર, ગરુડ તથા ઓરીઓબ, ગોલ્ડફિન્ચ, લક્કડખોદ અને સ્વૉલો પ્રકારનાં પક્ષીઓ જોવા મળે છે. અરલ સમુદ્ર અને નદીઓ મત્સ્યના ભંડાર ગણાય છે. જળબિલાડી વધુ જોવા મળે છે. આ રાજ્યમાં આવેલું તાશ્કંદ (પથ્થરનું શહેર) પાટનગર ઉપરાંત મધ્ય એશિયાનું સૌથી મોટું મેટ્રોપૉલિટન નગર છે. ૨૫૦૦ વર્ષ જૂનું સમરકંદ તેનાં મહેલો, મસ્જિદો અને મદરેસાઓ માટે પ્રખ્યાત છે. બુખારા પણ પ્રાચીન સમયનું નગર છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઉઝબેકિસ્તાન, પૃ. 192)

Categories
વાચન સમૃદ્ધિ

માલતીદેવી ચૌધરી

જ. 26 જુલાઈ, 1904 અ. 15 માર્ચ, 1998

ગાંધીવાદી વિચારક, સમાજસેવિકા અને લેખિકા માલતીદેવીનો જન્મ કૉલકાતામાં ઉચ્ચ મધ્યમ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા કુમુદનાથ સેન બૅરિસ્ટર હતા અને માતા સ્નેહલતા લેખિકા. અઢી વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થયું. તેમની માતાએ રવીન્દ્રનાથ ટાગોરની કૃતિઓનો અનુવાદ કર્યો હતો. માલતીદેવી 1921માં સોળ વર્ષની ઉંમરે શાંતિનિકેતનમાં જોડાયાં અને છ વર્ષ ત્યાં અભ્યાસ કર્યો. ખુલ્લામાં વૃક્ષો નીચે અભ્યાસ કરવાની સાથોસાથ હસ્તકલા, સંગીત, નૃત્ય, ચિત્રકામ અને બાગકામ પણ શીખ્યાં. ગુરુદેવ રવીન્દ્રનાથ તેમને ‘મીનૂ’ કરીને સંબોધતા હતા. ટાગોરના શિક્ષણ, સિદ્ધાંતો અને દેશભક્તિના વિચારોનો પ્રભાવ માલતીદેવી પર પડ્યો. આ સમયે ઓડિશાના જાણીતા જમીનદાર પરિવારમાંથી નબકૃષ્ણ ચૌધરી વિદ્યાર્થી તરીકે શાંતિનિકેતન આવ્યા હતા. તેમની સાથે માલતીદેવીના લગ્ન થયાં, ચૌધરી પાછળથી ઓડિશાના મુખ્યમંત્રી બન્યા હતા. 1927માં બંને શાંતિનિકેતન છોડી, લગ્ન કરી ઓડિશા આવ્યાં. અહીં માલતીદેવીએ સ્ત્રીશિક્ષણ, ખાદીપ્રચાર, ગ્રામીણ પુનઃનિર્માણનાં કામો કર્યા. ગાંધીવિચારવાદી માલતીદેવી અંગ્રેજ વિરોધી આંદોલનો અને ચળવળોમાં સક્રિય રીતે ભાગ લેતાં તેથી તેમને જેલવાસ થયો હતો. જેલમાં કેદીઓને ભણાવ્યા અને ગાંધીવિચારોનો પ્રચાર કર્યો. 1934માં ઓડિશામાં ગાંધીજીની પદયાત્રામાં જોડાયેલાં. ત્યારબાદ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં સામેલ થયાં હતાં. 1946માં માલતીદેવીએ અંગુલ ખાતે બાજીરાવ છત્રવાસ અને 1948માં ઉત્કલ નવજીવન મંડળની સ્થાપના કરી અને પછાત અને આદિવાસીનાં શિક્ષણ અને વિકાસ માટેનાં કાર્યો કર્યાં હતાં. તેઓ ગાંધીજી સાથે નોઆખલી યાત્રામાં જોડાયાં હતાં. માલતીદેવીનાં પુત્રી ઉત્તરાદેવીના લગ્ન મહાદેવ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈ સાથે થયાં હતાં. માલતીદેવીને જમનાલાલ બજાજ ઍવૉર્ડ, ઉત્કલ સેવા સન્માન, ટાગોર સાક્ષરતા પુરસ્કાર અને બાળકલ્યાણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયા છે. બંધારણ સભાની 50મી વર્ષગાંઠ નિમિત્તે 1997માં લોકસભા અને રાજ્યસભા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

દેવભૂમિ દ્વારકા

સૌરાષ્ટ્રની પશ્ચિમ છેડે આવેલો જિલ્લો.

22° 15´ ઉ. અ. અને 68° 58´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. આ જિલ્લાની ઉત્તરે, પશ્ચિમે અને દક્ષિણે અરબી સમુદ્ર તથા પૂર્વ તરફ જામનગર જિલ્લો આવેલા છે. 2013ની 15 ઑગસ્ટે જામનગર જિલ્લાનું વિભાજન કરીને આ જિલ્લાની રચના કરવામાં આવી છે. શ્રીકૃષ્ણની યાદમાં આ જિલ્લાને દ્વારકા નામ અપાયું છે. આ જિલ્લામાં દ્વારકા, જામખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડ તાલુકાઓનો સમાવેશ થાય છે. જિલ્લાનો વિસ્તાર 5684 ચોકિમી. તથા વસ્તી 9,00,000 (2026, આશરે) જેટલી છે. જિલ્લાનું મુખ્ય મથક ખંભાળિયા છે. આ જિલ્લાનું ભૂપૃષ્ઠ સ્થાનભેદે ખડકાળ અને સમતળ જોવા મળે છે. જમીનો કાંપવાળી ફળદ્રૂપ છે તે ઘેડ, ભાઠા અને કાઠીના નામે ઓળખાય છે. આ ઉપરાંત મધ્યમ કાળી અને ભૂખરી જમીનો પણ છે, જે ઘારોડ નામથી ઓળખાય છે. જિલ્લો સમુદ્રકિનારે આવેલો હોવાથી તેની કેટલીક જમીનો ક્ષારીય રહે છે, પરિણામે અહીં વૃક્ષોનું પ્રમાણ નહિવત્ છે; માત્ર ઝાડી-ઝાંખરાં અને કાંટાળી વનસ્પતિ કુદરતી રીતે ઊગી નીકળે છે.

જિલ્લામાં જુવાર-બાજરી જેવા ધાન્યપાકો તથા મગફળી કપાસ અને શેરડી જેવા રોકડિયા પાકો લેવાય છે. અંતરિયાળ ભાગોમાં પશુપાલન પ્રવૃત્તિ વિકસી છે, પરિણામે અહીં પશુસંવર્ધન-કેન્દ્રો ઊભાં કરાયાં છે. જિલ્લાને દરિયાકાંઠો મળેલો હોવાથી મત્સ્યપ્રવૃત્તિ વિકસી છે. તદુપરાંત દરિયાઈ કાચબાનું ઉછેરકેન્દ્ર મીઠાપુર ખાતે ઊભું કરાયું છે. મીઠાપુર ખાતે સોડાએશનું વિશાળ એકમ આવેલું છે; અહીં મીઠા અને બ્રોમીનનું ઉત્પાદન લેવાય છે. તેલ-શુદ્ધીકરણ અને વીજ-ઉત્પાદન મેળવવા એસ્સાર કંપની કાર્યરત છે. છેક પશ્ચિમ છેડે આવેલું ઓખા ભારતનાં મહત્વનાં શહેરો સાથે રેલમાર્ગથી સંકળાયેલું છે. જિલ્લામાં રાષ્ટ્રીય ધોરી માર્ગો અને રાજ્ય ધોરી માર્ગો આવેલા છે. અહીંના સમુદ્રકિનારે ઓખા, રૂપેણ, લાંબા અને પોશિત્રા જેવાં બંદરો આવેલાં છે. દ્વારકાનો ભારતનાં મહત્વનાં ધાર્મિક સ્થાનોમાં સમાવેશ થાય છે. આ સિવાય બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ જેવાં યાત્રાધામો પણ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ https://gujarativishwakosh.org/દેવભૂમિ દ્વારકા/)