Categories
વાચન સમૃદ્ધિ

એલિયાસ કાનેટ્ટી

જ. 25 જુલાઈ, 1905 અ. 14 ઑગસ્ટ, 1994

જર્મન ભાષામાં લખતાં સ્પૅનિશ સાહિત્યકાર એલિયાસ કાનેટ્ટીનો જન્મ બલ્ગેરિયાના રુસમાં થયો હતો. તેઓ છ વર્ષના હતા ત્યારે પરિવારે બલ્ગેરિયાથી આવીને ઇંગ્લૅન્ડના માન્ચેસ્ટરમાં વસવાટ કર્યો હતો. 1912માં પિતાનું અવસાન થતાં તેમની માતા બાળકોને લઈને  વિયેના ગયાં. ત્યાંથી ઝુરિચ અને ફ્રૅન્કફર્ટમાં પણ રહ્યા. તેઓ 1924માં વિયેના પાછા ફર્યા. 1929માં વિયેના યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી મેળવી, પરંતુ તેમને ફિલૉસૉફી અને સાહિત્યમાં રસ હોવાથી તેમણે રસાયણશાસ્ત્રી તરીકે કાર્ય કર્યું નહીં. તેઓ સાહિત્યસર્જન તરફ વળ્યા. 1935માં તેમની નવલકથા ‘ડાય બ્લેન્ડુંગ’ પ્રકાશિત થઈ હતી. આ નવલકથાનો અનુવાદ ‘The Tower of Babel’ નામે યુ.એસ.માંથી પ્રકાશિત થયો. આ નવલકથાથી તેમને સાહિત્યજગતમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. તેમણે ઓછું પણ મૂલ્યવાન સાહિત્યસર્જન કર્યું હતું. 1938માં નાઝીથી બચવા પૅરિસ થઈને લંડન ગયા. 1952માં બ્રિટિશ નાગરિકત્વ મેળવ્યું. તેઓ યુદ્ધ એ સરમુખત્યારશાહીના વિરોધી હતા. તેમણે નવલકથાઓ ઉપરાંત નાટકો, આત્મકથા, પ્રવાસવર્ણનો, નિબંધો અને અભ્યાસગ્રંથો આપ્યાં છે. ફ્રાંઝ કાફકા વિશે તેમણે વિવેચનગ્રંથ લખ્યો હતો. ‘ધ ટંગ સેટ ફ્રી’, ‘રિમેમ્બ્રન્સ ઑવ એ યુરોપિયન ચાઇલ્ડહુડ’ અને ‘ધ ટૉર્ચ ઇન માય ઇયર’ તેમની આત્મકથાના ગ્રંથો છે. આ ઉપરાંત ‘ઑહરેન્ઝુગ’, ‘હોરઝૈટ’, ‘કૉમેડી દર ઐટલ્કેટ’, ‘દાઈ બ્રેફ્રિસ્ટેરન’, ‘ધ હ્યુમન પ્રૉવિન્સ’ વગેરે તેમની જાણીતી રચનાઓ છે. તેમને માન્ચેસ્ટર યુનિવર્સિટી અને એલએમયુ મ્યુનિક તરફથી ડૉક્ટરેટની પદવી આપવામાં આવી હતી. તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયાં હતાં, જેમાં ગ્રાન્ડ ઑસ્ટિયન સ્ટેટ પ્રાઇઝ, બાવેરિયન એકૅડેમી ઑફ ધ ફાઇન આર્ટસનો સાહિત્ય પુરસ્કાર, જ્યૉર્જ બુચનર પ્રાઇઝ, જર્મન રેકૉર્ડિંગ, નેલી સૅશ પ્રાઇઝ, ફ્રાન્ઝ કાફકા પ્રાઇઝનો સમાવેશ થાય છે. તેમને 1981માં નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એન્ટાર્ક્ટિકા લિવિંગ્સ્ટન ટાપુ પર આવેલા કેનેટ્ટી પીકનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

કર્તવ્યની બલિવેદી પર

રોમન ફિલસૂફ, રાજપુરુષ, વક્તા અને નાટ્યકાર લુસિયસ ઍન્નિયસ સેનેકા (આશરે ઈ. પૂ. 4 થી ઈ. સ. 65) સમ્રાટ નીરોના શિક્ષક હતા અને ઈસવી સનની પહેલી સદીના મધ્યાહનમાં થયેલા એક સમર્થ બુદ્ધિવાદી હતા. શિક્ષક સેનેકાએ સમ્રાટ નીરોનું પ્રથમ જાહેર ઉદ્બોધન તૈયાર કર્યું હતું. રોમના આ ફિલસૂફ સમય જતાં સમ્રાટ નીરોના સલાહકાર બન્યા અને રોમન સામ્રાજ્યમાં આર્થિક સુધારાઓ અને ન્યાયસંબંધી સુધારાઓ લાવવામાં એમણે મહત્ત્વની ભૂમિકા ભજવી. એ સમયે એમણે ગુલામો પ્રત્યે સહાનુભૂતિ દાખવી હતી. કોઈએ સમ્રાટ નીરોના કાન ભંભેર્યા કે એમની સામે થયેલા પિઝોના કાવતરામાં દુશ્મનો સાથે સેનેકા પણ સામેલ હતા. શંકાશીલ સમ્રાટ અકળાઈ ઊઠ્યો, શિક્ષક થઈને ષડ્યંત્ર રચે છે ! હવે કરવું શું ? શિક્ષકની હત્યા તો શિષ્યથી થાય નહીં. આથી જુદો ઉપાય અજમાવ્યો. શહેનશાહે એમને આપઘાત કરવાનો હુકમ કર્યો. સમ્રાટના સેવકો ઝેરનાં પડીકાં લઈને સેનેકા પાસે આવ્યા અને એમને આત્મહત્યા કરવા માટે દબાણ કર્યું. સેનેકાએ આ માટે થોડો સમય માગ્યો. મનની સ્વસ્થતા અને ધૈર્ય સાથે એમણે સમ્રાટ નીરોને ઉદ્દેશીને એક પત્ર લખ્યો. સેનેકાએ સૈનિકોને કહ્યું કે, આ પત્ર સમ્રાટને આપી દેજો. ત્યાર બાદ સેનેકા શાંતિથી મૃત્યુને ભેટ્યા. સેનેકાએ સમ્રાટ નીરોને જે પત્ર પાઠવ્યો હતો, તેમાં એમણે નીરોને લખ્યું હતું, ‘તમને જોખમરૂપ બની રહેલી વ્યક્તિઓનાં નામોની યાદી આ સાથે મોકલી રહ્યો છું. એ બરાબર જોજો અને એમનાથી સાવચેત રહેજો.’ આમ ચિંતક, રાજપુરુષ અને એક સમયના સમ્રાટના સલાહકાર એવા સેનેકાએ અંતિમ સમયે પણ પોતાનું કર્તવ્ય બજાવ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

એલેક્ઝાન્ડર ડુમા

જ. 24 જુલાઈ, 1802 અ. 5 ડિસેમ્બર, 1870

19મી સદીના પ્રખ્યાત ફ્રેન્ચ લેખક એલેક્ઝાન્ડર ડુમા ઇતિહાસમાં સૌથી વધુ વંચાયેલા ફ્રેન્ચ લેખકોમાંના એક છે. તેમની રસપ્રદ ઐતિહાસિક-સાહસિક નવલકથાઓ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. તેમનું મૂળ નામ એલેક્ઝાન્ડર ડુમા ડેવીડી લા પેલેટરી. તેઓ એલેક્ઝાન્ડર ડુમા પેરે તરીકે પણ ઓળખાતા. તેમનો જન્મ વિલર્સ-કોટેરેટ્સ, પિકાર્ડી, ફ્રાન્સમાં થયો હતો. તેમની ઘણી ઐતિહાસિક-સાહસિક નવલકથાઓ મૂળ રૂપે શ્રેણીબદ્ધ રૂપે પ્રકાશિત થઈ હતી, જેમાં ‘ધ કાઉન્ટ ઑફ મોન્ટે ક્રિસ્ટો’, ‘ધ થ્રી મસ્કેટીયર્સ’, ‘ટવેન્ટી યર્સ આફ્ટર’ અને ‘ધ વિકોમ્ટે ઑફ બ્રેગેલોન : ટેન યર્સ લેટર’નો સમાવેશ થાય છે. ફિલિપ સાથે કામ કરતા તેઓ મૅગેઝિનો માટે લખતા. તેમણે લેખનની શરૂઆત નાટકોથી કરી હતી. તેમનું સૌપ્રથમ નાટક ‘હેન્રી-3 અને હીસ કોર્ટ’ 1829માં રચાયેલું જે રૉમેન્ટિક અને ઐતિહાસિક હતું. તેમનું બીજું નાટક ‘ક્રિસ્ટીન’ બીજા વર્ષે પણ લોકપ્રિય બન્યું. સફળ નાટકો પછી તેમણે શ્રેણીબદ્ધ નવલકથાઓ લખવાની શરૂઆત કરી. 1836માં ‘લા કોમ્ટેસે ડી સેલિસ્બરી’ લખી. એક નાટકને પણ શ્રેણીબદ્ધ ઐતિહાસિક નવલકથા ‘લે કેપિટેઇન પોલ’ તરીકે ફરીથી લખ્યું. 1840માં તેમણે પૅરિસમાં ‘થિયેટર હિસ્ટોરિક’ની સ્થાપના કરી જેમાં જુદા જુદા લેખકોએ સેંકડો વાર્તાઓ લખી. તેમણે પોતે જીવન દરમિયાન 1,00,000 પાનાં ભરીને રચનાઓ કરી હતી જેમાં ઐતિહાસિક પ્રવાસો, નવલકથાઓ અને નાટકોનો સમાવેશ થાય છે. તેમની નવલકથાઓ એટલી લોકપ્રિય થતી કે તે અંગ્રેજી અને બીજી ભાષાઓમાં અનૂદિત થઈ જતી. આથી તેઓ અઢળક સંપત્તિ કમાયા અને પૅરિસ બહાર લ-પોર્ટ માર્લીમાં વિશાળ ‘શાટો-દ-મોન્ટેક્રિસ્ટો વિલા’ બનાવી. લૂઇ-નેપોલિયન બોનાપાર્ટ 1851માં આવ્યા ત્યારે તેઓ ફ્રાન્સ છોડી બેલ્જિયમ ગયા. ત્યાં થોડો સમય રહ્યા બાદ રશિયા અને પછી ઇટાલી ગયા. અહીં તેમણે ‘લ ઇન્ડિપેન્ડન્ટ’ અખબારમાં ઇટાલીના એકીકરણને ટેકો આપતા લેખો પ્રકાશિત કર્યા. ત્યારબાદ 1864માં પૅરિસ પાછા આવ્યા. તેમના અવસાન બાદ જૂન, 2005માં તેમની છેલ્લી નવલકથા ‘ધ નાઇટ ઑફ સેન્ટ હર્માઈન’ પ્રકાશિત થઈ જેમાં ટ્રફાલગરના યુદ્ધનો ઉલ્લેખ હતો. 1970માં તેમના અવસાનના શતાબ્દી વર્ષે પૅરિસ મેટ્રોના એક સ્ટેશનને તેમનું નામ આપવામાં આવ્યું અને તેમના નિવાસ ‘શાટો-દ-મોન્ટેક્રિસ્ટો’ને પબ્લિક મ્યુઝિયમ તરીકે ખુલ્લું મૂકવામાં આવ્યું.