Categories
વાચન સમૃદ્ધિ

નામવર સિંહ

જ. 28 જુલાઈ, 1926 અ. 19 ફેબ્રુઆરી, 2019

હિન્દી સાહિત્યના પ્રખ્યાત વિવેચક, સંપાદક, પ્રાધ્યાપક નામવર સિંહનો જન્મ ઉત્તરપ્રદેશના જીયનપુર ગામમાં થયો હતો. ઘરમાંથી શિક્ષણ અને સાહિત્યના સંસ્કાર મળ્યા હતા. તેઓ અભ્યાસ માટે બનારસ ગયા. એ જ વર્ષે ‘ક્ષત્રિયમિત્ર’ સામયિકમાં ‘દીવાલી’ કવિતા છપાઈ. તેમણે રવીન્દ્ર સાહિત્ય અને સંગીતનો અભ્યાસ કર્યો હતો. તેઓ 1949માં બી. એ. અને 1951માં એમ.એ. થયા હતા. તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી હતી. તેમણે ત્યાં જ થોડો સમય અધ્યાપન કર્યું હતું. 1959માં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા પરંતુ હાર્યા. એ પછી બનારસ હિન્દુ યુનિવર્સિટી છોડી. એમણે જુદી જુદી યુનિવર્સિટીઓમાં અધ્યાપન કર્યું. તેઓ જવાહરલાલ યુનિવર્સિટીમાં જોડાયા. તેઓ તે યુનિવર્સિટીમાં ભારતીય ભાષા કેન્દ્રના સ્થાપક અને ચૅરમૅન હતા. તેઓ અંગ્રેજી, હિન્દી, અપભ્રંશ, ભોજપુરી, ઉર્દૂ, સંસ્કૃત અને બંગાળી ભાષાના જ્ઞાતા હતા. તેઓ ‘જનયુગ’ સાપ્તાહિક અને ‘આલોચના’ ત્રિમાસિકના સંપાદક હતા. તેમણે મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ હિન્દી યુનિવર્સિટીના કુલપતિ તરીકે અને રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશનના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તેઓ સાહિત્ય અકાદમીની કાર્યવાહક સમિતિના સભ્ય હતા. તેમણે રશિયા, મોરેશિયસ, ઇટાલી, હંગેરી, વિયેટનામ, જર્મની, ઇંગ્લૅન્ડ જેવા અનેક દેશોનો પ્રવાસ કર્યો હતો. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. આઠેક જેટલાં સંપાદનો પણ આપ્યાં છે. ‘છાયાવાદ’, ‘ઇતિહાસ ઔર આલોચના’, ‘કવિતા કે નયે પ્રતિમાન’, ‘દૂસરી પરંપરા કી ખોજ’, ‘કહાની: નઈ કહાની’, ‘આલોચક કે મુખ સે’ જેવા વિવેચનગ્રંથો; ‘કહના ના હોગા’, ‘બાત બાત મેં બાત’, ‘સાથ સાથ’ ઇન્ટરવ્યૂ અને સંવાદો તથા ‘કાશી કે નામ’, ‘તુમ્હારા નામવર’ પત્રસંગ્રહો તેમની જાણીતી કૃતિઓ છે. તેમણે આપેલા સાહિત્યિક પ્રદાન માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર, શલાકા સન્માન, સાહિત્ય ભૂષણ સન્માન, શબ્દસાધક શિખર સન્માન, મહાવીરપ્રસાદ દ્વિવેદી સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

જાગેલા રાજાનો ચુકાદો

ગ્રીસની ઉત્તરે આવેલા મેસિડોનિયાના રાજા અને ઍલેક્ઝાંડર(સિકંદર)ના પિતા ફિલિપ દ્વિતીય (ઈ. સ. પૂ. 382થી ઈ. સ. પૂ. 336) ગાદી પર આવ્યા પછી ગ્રીસનાં મોટા ભાગનાં રાજ્યો પર વિજય હાંસલ કર્યો.

એક વાર સિકંદરના પિતા રાજા ફિલિપ ન્યાયાલયમાં બેસીને મુકદ્દમાને સાંભળતા હતા. બંને વ્યક્તિ પોતપોતાનો પક્ષ પ્રસ્તુત કરતી હતી. બન્યું એવું કે એમાંની પહેલી વ્યક્તિ જ્યારે એની વાત રજૂ કરતી હતી, ત્યારે રાજા ફિલિપને ઝોકું આવી ગયું. પરિણામે તેઓ પહેલી વ્યક્તિની વાત પૂરી સાંભળી શક્યા નહીં અને એ ઊંઘમાંથી જાગ્યા ત્યારે બીજી વ્યક્તિ પોતાનો પક્ષ પ્રભાવક રીતે રજૂ કરતી હતી. રાજા ફિલિપે એની દલીલનો સ્વીકાર કરીને એના પક્ષમાં ન્યાય આપ્યો. એમણે પહેલી વ્યક્તિને સજા ફરમાવી, ત્યારે એ વ્યક્તિએ કહ્યું, ‘હું આપના નિર્ણય સાથે સહમત નથી અને આપને આપના નિર્ણય વિશે પુનર્વિચાર કરવાની વિનંતી કરું છું.’ આ શબ્દોએ ન્યાયસભામાં સન્નાટો ફેલાવી દીધો. કોઈએ પહેલી વાર પ્રતાપી રાજા ફિલિપના ન્યાયની સામે અવાજ ઉઠાવ્યો હતો. ન્યાયાલયમાં ઉપસ્થિત નગરજનોને લાગ્યું કે હવે રાજા ફિલિપ એમના ચુકાદાનો વિરોધ કરવા માટે એને સખત સજા કરશે. કિંતુ એને બદલે એમણે એ વ્યક્તિને વળતો પ્રશ્ન પૂછ્યો, ‘તમે પુનર્વિચાર કરવાનું શા માટે કહો છો?’ પેલી વ્યક્તિએ કહ્યું, ‘મહારાજ, હું તો માત્ર સૂઈ ગયેલા રાજાના નિર્ણયની સામે જાગેલા રાજાને પુનર્વિચાર કરવાનું કહું છું. હું જ્યારે મારો પક્ષ પ્રસ્તુત કરતો હતો, ત્યારે આપને જરા મીઠી ઊંઘ આવી ગઈ હતી અને તેથી તમે મારી પૂરી વાત સાંભળી શક્યા નથી. હવે આપ જાગી ગયા છો, ત્યારે ફરી એ વાત સાંભળો તેવી વિનંતી છે.’ એ વ્યક્તિની વાત સાંભળીને રાજા ફિલિપને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો. એના પક્ષમાં સત્ય હોવાથી એને આરોપમુક્ત કર્યો અને બીજી વ્યક્તિને એની સજા સંભળાવી, અને સાથોસાથ રાજા ફિલિપે પહેલી વ્યક્તિની હિંમતને દાદ આપી.

Categories
વાચન સમૃદ્ધિ

જ્યોર્જ બિડેલ ઍરી

જ. 27 જુલાઈ, 1801 અ. 2 જાન્યુઆરી, 1892

વિવિધ વિષયોમાં પ્રવીણતા ધરાવનાર અંગ્રેજ ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી જ્યોર્જ બિડેલ ઍરીનો જન્મ ઍલનવીક, નોર્ધમ્બરલૅન્ડ, ઇંગ્લૅન્ડમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ હેરફૉર્ડમાં અને ત્યારપછી કોલચેસ્ટર રૉયલ ગ્રામર સ્કૂલમાં લીધું. તેર વર્ષની વયે તેઓ ઘણી વાર તેમના કાકા આર્થર બિડેલને ત્યાં રહેવા જતા. ત્યાં કાકાના મિત્ર થોમસ કાર્લસનના પરિચયમાં આવ્યા. કાર્લસન ટ્રિનિટિ કૉલેજ, કેમ્બ્રિજમાં ફેલો હતા તેથી તેમની ઓળખાણથી જ્યોર્જ ઍરી 1819માં ટ્રિનિટિ કૉલેજમાં દાખલ થયા. 1822માં તેઓ ટ્રિનિટિ કૉલેજના સ્કૉલર તરીકે ખ્યાતિ પામ્યા. તેમને સિનિયર રેંલ્ગર અને સ્મિથ પ્રાઇસનું ઇનામ મળ્યું. 1 ઑક્ટોબર, 1824માં તેઓ ટ્રિનિટિ કૉલેજના ફેલો બન્યા. ડિસેમ્બર, 1826માં તેમને ‘લુકેસિયન પ્રોફેસર ઑફ મૅથેમૅટિક્સ’ની પદવી મળી. 1828ના ફેબ્રુઆરી મહિનામાં તેઓ ‘પ્લુમિયન પ્રોફેસર ઑફ ઍસ્ટ્રૉનૉમી’ અને ‘ન્યૂ કેમ્બ્રિજ ઑબ્ઝર્વેટોરી’ના ડિરેક્ટર બન્યા. 1836માં તેઓ ફેલો ઑફ ધ રૉયલ સોસાયટી તરીકે ચૂંટાઈ આવ્યા. ત્યારબાદ 1840માં ‘ધ રૉયલ સ્વીડીશ એકૅડેમી ઑફ સાયન્સીસ’ના સભ્ય બન્યા અને 1859માં ‘ધ રૉયલ નેધરલૅન્ડ્સ એકૅડેમી ઑફ આર્ટસ ઍન્ડ સાયન્સીસ’ના સભ્ય બન્યા. તેમની તીવ્ર બુદ્ધિપ્રતિભાથી તેઓ સાતમો ક્રમાંક ધરાવતા રાજ-ખગોળશાસ્ત્રી બન્યા અને 46 વર્ષના લાંબા ગાળા સુધી આ સ્થાન શોભાવ્યું. રાજ્યની ગ્રિનિચ વેધશાળાના આધુનિકીકરણ માટે તેઓ ખ્યાતિ પામ્યા હતા. 1838માં શાહી નૌકાદળ માટે નાવિકના માર્ગદર્શન માટેના હોકાયંત્રમાં રહેલી ક્ષતિના નિવારણ માટેની પદ્ધતિ તેમણે વિકસાવી. પ્રકાશના ક્ષેત્રે પણ તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. આંખની ‘ઍસ્ટિગમૅટિઝમ’ ખામી નળાકાર દૃગ્કાચ વાપરીને સુધારી શકાય તેવું તેમણે 1827માં જણાવ્યું હતું. બિંદુમય પ્રકાશ-ઉદ્ગમ વડે નીપજતી વિવર્તન ભાતમાં દેખાતા મધ્યસ્થ પ્રકાશબિંબને તેમના નામ પરથી ‘ઍરીબિંબ’ નામ આપવામાં આવેલું છે. તેમને 1823માં સ્મિથ પ્રાઇઝ, 1831માં કોપ્લે મેડલ, 1833/1846માં રૉયલ ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટી ગોલ્ડ મેડલ, 1834માં લલાન્ડે પ્રાઇઝ, 1845માં રૉયલ મેડલ અને 1876માં આલ્બર્ટ મેડલ એનાયત થયેલા. 1872માં બ્રિટિશ સરકારે તેમને ‘નાઇટહૂડ’(સર)ના ઇલકાબથી સન્માનિત કર્યા હતા.