Categories
વાચન સમૃદ્ધિ

સંસ્થાને દાન

વર્ષોનાં સંશોધન બાદ વિજ્ઞાની ડૉ. રુને જ્વલંત સફળતા મળી. ફ્રાન્સની પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સંસ્થા ‘પેસ્ટો’માં અનેક પ્રયોગો કરીને ડૉ. રુએ બાળકોના ગળાના રોગ સામે પ્રતિકારક દવા શોધી કાઢી. અનેક બાળકો આ રોગને પરિણામે મૃત્યુ પામતાં હતાં. આથી એની રોગપ્રતિકારક રસી શોધવાનો આ વિજ્ઞાનીએ સંકલ્પ કર્યો હતો અને તે સિદ્ધ કર્યો. પોતાની આ શોધને પેટન્ટ બનાવીને ડૉ. રુ અઢળક કમાણી કરી શકે તેમ હતા. જાણીતી કંપનીઓએ પણ આ શોધની પેટન્ટ પોતાને આપવા માટે ડૉ. રુને મોટી રકમની ઑફર કરી, પરંતુ બાળકલ્યાણની ભાવના ધરાવતા માનવતાવાદી ડૉ. રુ એ વાતથી પૂરા વાકેફ હતા કે આવી ‘પેટન્ટ’ને કારણે દવા મોંઘી કિંમતે બજારમાં મળશે અને ગરીબ લોકોને એ ઉપલબ્ધ થશે નહીં. આથી એમણે મોટી કમાણી છોડીને પોતાની શોધનો લાભ સહુ કોઈને મળે તેવું કર્યું. ડૉ. રુને એમના આ સંશોધનને પરિણામે સમગ્ર ફ્રાન્સમાં અને ધીરે ધીરે વિશ્વમાં બહોળી ખ્યાતિ મળી. આવી શોધ માટે એમને અભિનંદન પાઠવવામાં આવ્યા અને એથીય વિશેષ એમની ઉન્નત ભાવના અંગે સહુ કોઈએ પ્રસન્નતા વ્યક્ત કરી.  એક વાર એમને મળવા માટે આવેલા મહાનુભાવે ડૉ. રુને કહ્યું, ‘આપે મહાન સંશોધન કર્યું છે, અનેક બાળકોને જીવન બક્ષ્યું છે, આથી ખુશ થઈને હું તમને મોટી રકમ ભેટ રૂપે આપવા લાવ્યો છું. આ રકમ એટલી મોટી છે કે તમારે જિંદગીમાં ક્યારેય નાણાભીડ અનુભવવી નહીં પડે. આપ એનો સ્વીકાર કરો.’ ડૉ. રુએ એનો સ્વીકાર કર્યો, પણ સાથે સાથે કહ્યું, ‘જુઓ, આ સંશોધન હું કરી શક્યો, કારણ કે ‘પેસ્ટો’ સંસ્થાએ મને સઘળી સગવડ કરી આપી. બીજા વિજ્ઞાનીઓને પણ આવી અનુકૂળતા સાંપડે, તે માટે આ સઘળી રકમ હું ‘પેસ્ટો’ને આપી દઈશ.’

ડૉ. રુએ બધી જ રકમ ‘પેસ્ટો’ને આપી દીધી અને નિસ્પૃહતાનું દૃષ્ટાંત પૂરું પાડ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

વિન્સ્ટન ચર્ચિલ

જ. 30 નવેમ્બર, 1874 અ. 24 જાન્યુઆરી, 1965

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન, સમર્થ રાજપુરુષ અને ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર વિન્સ્ટન ચર્ચિલનો જન્મ વુડસ્ટોક, લંડનમાં થયો હતો. પિતા રૅન્ડોલ્ફ ચર્ચિલ. વિન્સ્ટન ચર્ચિલ હેરો અને સેન્ડહર્સ્ટ કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ 1895માં લશ્કરમાં જોડાયા. 1900માં તેઓ ઓલ્ડમમાંથી રૂઢિચુસ્ત પક્ષના સભ્ય તરીકે આમસભામાં જોડાયા, પરંતુ 1906માં ઉદારમતવાદી પક્ષમાં ભળ્યા. 1908માં તેમને ગૃહખાતાનો હવાલો સોંપવામાં આવ્યો. 1911માં ચર્ચિલને નૌકાખાતામાં (ફર્સ્ટ લૉર્ડ ઑવ્ એડમિરલ્ટી) તરીકે મૂકવામાં આવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સેનાપતિ લૉર્ડ ફિશર સાથે મતભેદ થતાં રાજીનામું આપી લશ્કરમાં જોડાયા. ફ્રાન્સની ભૂમિ પર જર્મની સામે લડવા પણ ગયા. સમય જતાં ઉદારમતવાદી પક્ષ સાથે પણ મતભેદો થતાં ફરી રૂઢિચુસ્ત પક્ષમાં જોડાયા. 1924માં પક્ષના ઉમેદવાર તરીકે આમસભામાં ચૂંટાયા અને બોલ્ડવિન પ્રધાનમંડળમાં તેમને નાણાખાતું સોંપાયું. તેમણે દેશમાં સોનાનું ચલણ ફરી શરૂ કર્યું. કરવેરામાં ફેરફારો કરી દેશના અર્થતંત્રને યુદ્ધની અસરમાંથી મુક્ત કરી ફરી ચેતનવંતું બનાવ્યું. 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં વડાપ્રધાન નેવિલના પ્રધાનમંડળમાં તેમને નૌકાખાતું સોંપવામાં આવ્યું. 1940માં નેવિલે રાજીનામું આપતાં ચર્ચિલ બ્રિટનના વડાપ્રધાન બન્યા. તેઓ 1940થી 1945 સુધી વડાપ્રધાનપદે રહ્યા. બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લૅન્ડ અને મિત્રરાજ્યોને વિજય અપાવવામાં તથા હિટલરના ભયની સામે લોકોનું દેશાભિમાન જગાડવામાં તેમનો મોટો ફાળો હતો. તેમણે દેશને વિજય અપાવવા માટે આપેલો સંકેત V (V for victory) ઇંગ્લૅન્ડના રાષ્ટ્રીય સ્વાભિમાન અને ખમીરનું પ્રતીક બની ગયો. તેઓ યુદ્ધ પછીના નૂતન વિશ્વના નિર્માણકર્તાઓમાંના એક ગણાતા. 1951ની ચૂંટણીમાં ચર્ચિલનો રૂઢિચુસ્ત પક્ષ વિજયી બનતાં 77 વર્ષની વયે પ્રધાનમંડળની રચના કરી. તેમણે લખેલ આત્મકથાત્મક યુદ્ધ-સંસ્મરણો ‘ધ સેકન્ડ વર્લ્ડ વૉર’ વિશ્વસાહિત્યમાં નોંધપાત્ર બની રહ્યું અને મુખ્યત્વે એ માટે જ 1953માં તેમને સાહિત્ય નોબેલ પારિતોષિકથી સન્માનવામાં આવ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

હરડે

દ્વિદળી વર્ગમાં આવેલી ઔષધીય ગુણ ધરાવતી એક વનસ્પતિ.

હરડે દેશી ઔષધિઓમાં સૌથી વધુ જાણીતી છે. તેને હિન્દીમાં ‘હરડ’, ‘હડ’ કે ‘હર્રે’ કહે છે. સંસ્કૃતમાં ‘હરીતકી’ કહે છે. હરડેનાં વૃક્ષો ભારતમાં સર્વત્ર થાય છે. ખાસ કરીને હિમાલયના નીચેના વિસ્તારોમાં રાવીથી પૂર્વ-પશ્ચિમ બંગાળ તેમ જ આસામમાં પંદરસો ચોવીસ મીટરની ઊંચાઈ સુધીમાં તે થાય છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતની  ટેકરીઓ પર તે નાના વૃક્ષ સ્વરૂપે મળે છે. પંજાબના કાંગડા અને અમૃતસર વિસ્તારમાં સારી હરડે થાય છે. હરડેનાં વૃક્ષો આશરે ૧૫થી ૨૪ મીટરની ઊંચાઈનાં જોવા મળે છે. તેનાં વૃક્ષો ભરાવદાર હોય છે. હરડેનાં પાન સાદાં, એકાંતરિક, ૭થી ૨૦ સેમી. લાંબાં, ૫-૧૦ સેમી. પહોળાં અને અંડાકાર હોય છે. પર્ણદંડની ટોચ ઉપર મોટી ગ્રંથિઓની એક જોડ આવેલી હોય છે. પુષ્પો નાનાં, આછાં પીળાં, સફેદ ધાવડીના પુષ્પના આકારનાં હોય છે. ફળ ૨.૫૪ સેમી.થી ૫ સેમી. લાંબું અને ખૂબ જ મજબૂત હોય છે; જેના ઉપર પાંચ ઊપસેલી ધાર હોય છે. કાચાં ફળો લીલા રંગનાં હોય છે અને પાકી ગયા પછી પીળાં સોનેરી રંગનાં થઈ જાય છે. ફળો વિવિધ આકારનાં જોવા મળે છે. ઔષધોમાં હરડેની છાલનો ઉપયોગ થાય છે. છાલ કાઢતાં તેમાંથી ઠળિયો નીકળે છે. તે ઠળિયામાં પણ નાનું લાંબું મીંજ હોય છે. હરડેનાં નાનાં નાનાં ખરી ગયેલાં ફળો કાળા રંગનાં અને લાંબી ગોળ ધારોવાળાં હોય છે, જે હીમજ તરીકે ઓળખાય છે. એપ્રિલ-મે મહિનામાં નવાં પાન અને પુષ્પો આવે છે. ઠંડીની ઋતુમાં ફળો લાગે છે. જાન્યુઆરીથી એપ્રિલ મહિનામાં ફળોનો સંગ્રહ કરી લેવામાં આવે છે. ખરી ગયેલાં નાનાં ફળો – હીમજ ખૂબ જ રેચક અને તીક્ષ્ણ હોય છે. ભારતીય ઔષધકોશમાં છ પ્રકારની હરડે છે, પણ વ્યાવહારિક દૃષ્ટિએ હરડેની ત્રણ જાત મળે છે : ૧. નાની હરડે કે હીમજ, ૨. પીળી હરડે અને ૩. મોટી હરડે કે કાબુલી હરડે.

હરડે

આયુર્વેદની દૃષ્ટિએ હરડે અત્યંત ઉપયોગી હોવાથી તેને સંસ્કૃતમાં ‘नास्ति यस्य गृहे माता तस्य माता हरीतकी ।’ (‘જેના ઘરે નથી માતા, તેની માતા હરીતકી.’) – એ રીતે વર્ણવાય છે. હરડેમાં ખારા રસ સિવાય બાકીના પાંચેય રસ હોય છે. ગુણમાં તે હળવી, રુક્ષ, વિપાકે મધુર અને પ્રભાવથી ત્રિદોષહર છે. જોકે વિશેષભાવે તે કફદોષ દૂર કરનાર છે. તેનો લેપ સોજા, પીડા અને ઘા મટાડી તેને રૂઝવે છે. તે રક્તસ્રાવ પણ બંધ કરે છે. આ ઉપરાંત તે ખોરાકને પચાવવામાં, બુદ્ધિ વધારવામાં તથા આંખના રોગ મટાડવામાં મદદ કરે છે. હરડેના વૃક્ષનું લાકડું ખાસ મૂલ્યવાન નથી, પણ તેનો ઉપયોગ બાંધકામ માટે અને સ્તંભ તથા પાટડા તરીકે થાય છે. તે ગાડાંમાં મુખ્યત્વે માળખાં, ધરીઓ કે દંડ બનાવવામાં ઉપયોગી થાય છે. કેટલીક વાર તેનો ઉપયોગ હોડીઓ અને રેલવેના વૅગનનું તળિયું બનાવવા માટે પણ થતો હોય છે. આયુર્વેદમાં સૌથી જાણીતી ત્રિફળાની ઔષધિમાં હરડે, બહેડાં અને આંબળાંનું મિશ્રિત ચૂર્ણ હોય છે.

ગુજરાત બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી