Categories
વાચન સમૃદ્ધિ

કૅપ્ટન ગુરુબચનસિંહ સલારિયા

જ. 29 નવેમ્બર, 1935 અ. 5 ડિસેમ્બર, 1961

શહીદ કૅપ્ટન ગુરુબચનસિંહ સલારિયાનો જન્મ હાલ પાકિસ્તાનમાં આવેલ જનવલ ગામે થયો હતો. માતા ધનદેવી અને પિતા મુન્શીરામ. પિતા બ્રિટિશ હિંદની સેનામાં હતા. પિતા દ્વારા લશ્કરી વાતો સાંભળી બાળક ગુરુબચનસિંહમાં દેશપ્રેમના સંસ્કાર દૃઢ થયા. 1946માં બૅંગાલુરુની કિંગ જ્યોર્જ રૉયલ મિલિટરી કૉલેજમાં પ્રવેશ મળ્યો. બીજા વર્ષે કૉલેજની જલંધર શાખામાં દાખલ થયા. ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેમણે સંરક્ષણ મંત્રાલયને ફી માફી માટે પત્ર લખ્યો. માફી મંજૂર થતાં અભ્યાસખર્ચમાંથી મુક્તિ મળી. 1956માં નૅશનલ ડિફેન્સ એકૅડેમીમાં અને ત્યાર પછી ઇન્ડિયન મિલિટરી એકૅડેમીમાં અભ્યાસ કર્યો. તેઓ 1લી ગોરખા રાઇફલ્સની 3જી બટાલિયનમાં જોડાયા. 1961માં તેમને સંયુક્ત રાષ્ટ્રના ઑપરેશનના ભાગ રૂપે કોંગો પ્રજાસત્તાકમાં મોકલવામાં આવ્યા. 5 ડિસેમ્બર, 1961ના રોજ કટાંગાના સશસ્ત્ર અલગતાવાદીઓએ એલિઝાબેથવિલે ઍરપૉર્ટ જવાના રસ્તાની નાકાબંધી કરી. આ નાકાબંધી દૂર કરવાનું કામ સલારિયા અને 15 જવાનોની ટીમને સોંપવામાં આવ્યું. બપોરે દુશ્મનોએ ગુરુબચનસિંહની આલ્ફા કંપની પર ગોળીબાર શરૂ કર્યો. દુશ્મનોને રોકવા તેઓ રાઇફલ લઈને દુશ્મનો પર તૂટી પડ્યા અને સાથીઓને લડવા માટે પ્રોત્સાહન આપતા રહ્યા. તેમને ગરદનમાં ગોળી વાગી તેમ છતાંય તેઓ અટક્યા નહીં. દુશ્મનની ખાઈ સુધી પહોંચી ગયા. કેટલાકને રાઇફલના છરાથી તો કેટલાકને ખુકરીથી માર્યા. પછી તેઓ આગળ વધ્યા. ગોળીથી ઘાયલ થતાં ઘણું લોહી વહી જવાથી તેઓ ઢળી પડ્યા. તેમણે તેમના 15 સાથી જવાનો સાથે 90 જેટલા દુશ્મનોમાંથી 40ને માર્યા. દુશ્મનની બે કારનો ખાતમો કર્યો. તેઓ છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા. પોતાના જીવની પરવા કર્યા વિના ફરજનું પાલન કરવા શહાદત વહોરનાર ગુરુબચનસિંહને ભારત સરકાર દ્વારા 1962માં પરમવીરચક્ર (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો.

Categories
વાચન સમૃદ્ધિ

આ તો ‘ઇઝી લાઇફ’ કે ડેડ લાઇફ !

આધુનિક માનવી ‘ઇઝી લાઇફ’ની શોધમાં નીકળ્યો છે. એ વારંવાર ‘ઇઝી લાઇફ’ માટે પ્રયત્ન કરતો જોવા મળે છે, પણ હકીકતમાં તો જેણે ‘ઇઝી લાઇફ’ જોવી છે, એણે કબ્રસ્તાનને જોવાની જરૂર છે. આવું જીવન કબ્રસ્તાનમાં સૂતેલા માણસોમાં છે, જીવંત માણસોમાં નહીં. ‘ઇઝી’ એટલે શું ? જેમાં સવાર પડે અને સાંજ પડે અને પછી રાત પડે ને વળી દિવસ ઊગે. મોજ અને મસ્તીમાં માનનારી આ ‘ઇઝી લાઇફ’ પાસે જીવનનો કોઈ ઘાટ હોતો નથી અને ઘાટના અભાવે એની પાસે કોઈ મૂલ્ય હોતું નથી. આવી વ્યક્તિ કશી પ્રાપ્તિમાં માનતી નથી. મહેનત કરવી એને ગોઠતી નથી અને મથામણથી સદૈવ દૂર ભાગે છે. સગવડ એનું સર્વસ્વ હોય છે. અનુકૂળતા એની અવિરત શોધ હોય છે. સ્થૂળ આનંદ એ એનું શ્રેષ્ઠ મનોરંજન હોય છે. આનો અર્થ જ એ કે કશાય પડકાર વિનાની જિંદગી એટલે ‘ઇઝી લાઇફ’, પણ પાયાનો સવાલ એ છે કે જ્યાં કોઈ પડકાર કે સંઘર્ષ ન હોય, ત્યાં જીવનનું કેન્દ્ર બંધાતું નથી. જીવનનું સત્ત્વ તો સંઘર્ષ વચ્ચે જ બંધાય છે. મુશ્કેલીઓ જ એની માણસાઈની અગ્નિપરીક્ષા બને છે. ઝંઝાવાતો પાર કરીને આગળ આવનાર જ પરિવર્તન સર્જી શકે છે. હાથ-પગ જોડી બેઠા બેઠા સુખેથી જિંદગી કાઢનાર પાસે મસ્તી, શક્તિ કે માનવતા નહીં જડે. આજની આધુનિક જીવનપદ્ધતિએ ખાવું, પીવું અને મસ્તીથી જીવવું એટલે જીવન – એવી વ્યાખ્યા કરી છે, પરંતુ આ પ્રકારના જીવનમાં વિચારોની દૃઢતા હોતી નથી. ધ્યેય માટેનું સમર્પણ હોતું નથી. હકીકત એ છે કે જે જીવનમાં પ્રયત્ન કે પુરુષાર્થ નથી, વિચારો કે આદર્શો નથી, એ જીવન જીવન નથી. માત્ર ખોખલું અસ્તિત્વ છે. તફાવત એટલો કે આવી વ્યક્તિ મૃત બનીને કબ્રસ્તાનમાં સૂતી હોતી નથી, પરંતુ મૃત બનીને ચાર દીવાલો વચ્ચે વસતી હોય છે.

Categories
વાચન સમૃદ્ધિ

ઍંજલ્સ ફ્રેડરિક

જ. 28 નવેમ્બર, 1820 અ. 5 ઑગસ્ટ, 1895

જર્મન સમાજવાદી ચિંતક અને કાર્લ માર્કસના નિકટના સાથી ઍંજલ્સ ફ્રેડરિકનો જન્મ બાર્મેન પ્રુશિયામાં એક પૈસાદાર કુટુંબમાં થયો હતો. ઇંગ્લૅન્ડના ઔદ્યોગિક નગર માન્ચેસ્ટર ખાતે પિતાનું કારખાનું હોવાથી ફ્રેડરિકનું મોટા ભાગનું જીવન ઇંગ્લૅન્ડમાં પસાર થયું હતું. 1844માં પૅરિસ ખાતે કાર્લ માર્કસ સાથે પ્રથમ મુલાકાત થઈ જે આધુનિક સામ્યવાદી વૈજ્ઞાનિક વિચારસરણીના ઘડતરમાં નિર્ણાયક સાબિત થઈ. ક્રાંતિકારી માર્કસવાદી વિચારસરણીના ઘડતરમાં પાયાનું યોગદાન આપનાર સુવિખ્યાત દાર્શનિક તરીકે ઍંજલ્સ પ્રખ્યાત બન્યા. માર્કસે સંપાદિત કરેલા ઍંજલ્સના બે લેખો જર્મન ફ્રેન્ચ ઇયર બુકમાં પ્રકાશિત થયા હતા. માન્ચેસ્ટર અને સાલફોર્ડ જેવાં ઇંગ્લૅન્ડનાં ઔદ્યોગિક નગરોમાં વસતા કામદાર વર્ગની હાલાકી તથા કંગાલિયતનું પ્રત્યક્ષ અવલોકન કરવાની તેમને તક મળી હતી. જે તેમના પુસ્તક ‘ધ કન્ડિશન ઑવ્ વર્કિંગ ક્લાસ ઇન ઇંગ્લૅન્ડ, ઍન્ટિ દુહરિંગ(Anti Duhring)માં સ્પષ્ટપણે દેખાય છે. તેમના ‘ઓરિજિન ઑવ્ ધ ફૅમિલી પ્રાઇવેટ પ્રોપર્ટી ઍન્ડ ધ સ્ટેટ’માં ખાનગી મિલકત તથા પુરુષવર્ગના વર્ચસ પર આધારિત સમાજવ્યવસ્થામાં સ્ત્રીવર્ગની પરાધીનતા વખોડી કાઢવામાં આવી છે. ‘ધ હોલિ ફૅમિલી’ (1845), ‘ધ જર્મન આઇડિયોલૉજી’ (1845) તથા ‘ધ કૉમ્યુનિસ્ટ મૅનિફેસ્ટો’ (1848) એ ત્રણ માર્કસ તથા ઍંજલ્સની સંયુક્ત કૃતિઓ છે. ઉપરાંત ‘ફ્રેડરિક ઓસ્વાલ્ડ’ તખલ્લુસથી ઍંજલ્સે લખેલા ઘણા લેખો તત્કાલીન વર્તમાનપત્રો તથા સામયિકોમાં પ્રકાશિત થયા હતા. માર્કસના અવસાન (1883) પછી તેના શકવર્તી ગ્રંથ ‘દાસ કૅપિટલ’ના બીજા તથા ત્રીજા ભાગને માર્કસનાં કાચાં લખાણોને આધારે સંકલિત અને સંપાદિત કરી પ્રકાશિત કરવામાં ઍંજલ્સે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્લ માર્કસમાં તલસ્પર્શી વિશ્લેષણ કરવાનું કૌશલ્ય હતું તો ઍંજલ્સમાં કુશાગ્ર બુદ્ધિમત્તા, પ્રખર પાંડિત્ય તથા કામદારવર્ગની તત્કાલીન પરિસ્થિતિનું સ્વાનુભવ પર આધારિત ભાથું હતું. બંનેના સંયુક્ત પ્રયાસથી જ વૈજ્ઞાનિક સમાજવાદ(માર્કસવાદ)ની વિચારસરણીનો જન્મ થયો છે. ઍંજલ્સને માર્કસના વૈચારિક ઉત્તરાધિકારી ગણવામાં આવે છે.