માણેકશા સોરાબશા


કોમિસરિયત ————–

જ. ૧૧ ડિસેમ્બર, ૧૮૮૧ અ. ૨૫ મે, ૧૯૭૨

ગુજરાતના ઇતિહાસ લેખનક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કરનાર માણેકશાનો જન્મ મુંબઈમાં પારસી કુટુંબમાં થયો હતો. ગુજરાતનો ઇતિહાસ આલેખનારા અલ્પસંખ્યક ઇતિહાસવિદોમાંના તેઓ એક હતા. તેમણે કૉલેજનું શિક્ષણ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં લીધું. ૧૯૦૩માં બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી અને ૧૯૦૫માં એમ.એ. થયા. બી.એ.માં પ્રથમ વર્ગ મેળવ્યો હોવાથી કૉલેજમાંથી ફેલોશિપ પણ મળી. એમ.એ. થયા બાદ તરત જ ગુજરાત કૉલેજમાં ‘પ્રોફેસર ઑવ્ હિસ્ટરી ઍન્ડ પોલિટિકલ ઇકૉનૉમિક્સ’ તરીકે નીમવામાં આવ્યા. તેમણે રાજ્યશાસ્ત્ર વિષયમાં અધ્યાપન કર્યું. થોડા સમય માટે ગુજરાત કૉલેજમાં આચાર્ય તરીકે પણ સેવાઓ આપી. તેમણે પોતાની અધ્યાપક તરીકેની કારકિર્દી દરમિયાન ગુજરાતના મધ્યકાલીન સમયને લગતી સંશોધન કામગીરી લગભગ ૧૯૧૮થી શરૂ કરી હતી. તેઓ ઇતિહાસ અને સંસ્કૃતિને લગતાં વિવિધ મંડળો તથા સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ ‘ઇન્ડિયન હિસ્ટોરિકલ રેકર્ડ્ઝ કમિશન’ તથા ‘બૉમ્બે હિસ્ટરી કૉંગ્રેસ’નાં અધિવેશનમાં વિભાગીય પ્રમુખ તરીકે કાર્યરત હતા. ગુજરાતના મુઘલ અને મરાઠા સમયના ઇતિહાસનો તેમણે તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. ગુજરાતના રાજપૂત સમય પછીના મધ્યકાળના ઊંડા અભ્યાસ અને મૌલિક સંશોધનના ફળસ્વરૂપે તેમણે જે ઇતિહાસલેખન કર્યું, તેમાં મેન્ડેલ્સ્લોસ ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા, સ્ટડીઝ ઇન ધી હિસ્ટરી ઑફ ગુજરાત (ધ મુસ્લિમ પિરિયડ) વૉલ્યુમ-૧, (ધ મુઘલ સાહિત્ય) વૉલ્યુમ-૨, (ધ મરાઠા પિરિયડ) વૉલ્યુમ-૩ સહિત ઇતિહાસના આઠેક ગ્રંથ આપ્યા છે. આ ગ્રંથોનું પ્રકાશન પચાસના દાયકામાં થયું હતું.

માણેકશાએ તેમના ઇતિહાસલેખનમાં રાજકીય બાબતો અને ઐતિહાસિક ઘટનાઓનું ખૂબીપૂર્વક આલેખન કર્યું છે. તેમણે પોતાના અધ્યાપનના સમય દરમિયાન તથા નિવૃત્તિકાળમાં ઇતિહાસના અધિકૃત ગ્રંથો આપીને તે ક્ષેત્રે તથા ઇતિહાસ-સંશોધનક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કર્યું છે. તેમની વિદ્વત્તાની કદર રૂપે સરકારે ‘ખાન બહાદુર’ના ખિતાબથી તેમને સન્માન્યા હતા.

શુભ્રા દેસાઈ

શીખ ધર્મ


ગુરુ નાનક દ્વારા સ્થપાયેલો ધર્મ.

શીખ એટલે શિષ્ય. ‘સિક્ખ’ શબ્દ સંસ્કૃત ‘શિષ્ય’ ઉપરથી ઊતરી આવેલો છે. કેટલાક માને છે કે પાલિ ‘સિખ’ (પસંદ કરેલા) પરથી એ બન્યો છે. ગુરુ ગોવિંદસિંહે ‘ખાલસા’ નામ આપ્યું. ‘ખાલસા’ શબ્દ મૂળ ફારસી ‘ખાલીસહ’ – પાદશાહની પોતાની માલિકીનું – એ પરથી બનેલો છે. તેનો પણ આવો જ અર્થ ગણી શકાય. ભારતમાં શીખ ધર્મની સ્થાપના ઈ. સ.ના ૧૬મા સૈકામાં ગુરુ નાનકે (૧૪૬૯-૧૫૩૯) કરી. તેમાં હિન્દુ-ઇસ્લામ ધર્મોનાં શુભ તત્ત્વોનો સમન્વય થયેલો જણાય છે. પંજાબમાં ગુરુ નાનકના જન્મસમયે રાજકીય જુલમ, અજ્ઞાન, અસત્ય અને વહેમ ફેલાયેલાં હતાં. તેમણે સમભાવપૂર્વક હિન્દુ-મુસ્લિમ સૌને માર્ગદર્શન આપ્યું અને પ્રેમ અને નિર્ભયતાથી સૌના પ્રેમ અને આદરપાત્ર બન્યા. ‘ગુરુ નાનક શાહ ફકીર, હિન્દુ કા ગુરુ, મુસલમાનકા ફકીર’; ‘બાબા નાનક સબકા સાંઝા (સખા)’ જેવાં સૂત્રો પ્રચલિત થયાં. એકેશ્વરવાદ, ભ્રાતૃત્વ, ઐક્યની ભાવના, મૂર્તિપૂજા કે વ્રત-ઉપવાસ જેવા ક્રિયાકાંડ કરતાં આચારની શુદ્ધિનો ઉપદેશ અને ‘એક સત્’ નામ – ઈશ્વરના નામનો જપ કરવો – એ આ ધર્મનાં વિશિષ્ટ લક્ષણો છે. ગુરુ અર્જુનસિંહની શહીદી પછી એ નિર્ભય પંથ બન્યો. અને ગુરુ ગોવિંદસિંહે સ્થાપેલા ખાલસા પંથ સાથે એનો વિકાસ પરિપૂર્ણ થયો એમ કહેવાય. તેમણે ‘પંજ પ્યારે’ રૂપે પાંચ અડગ શિષ્યોની વરણી કરી. શીખોને પાંચ ‘ક’ રાખવાનો આદેશ અપાયો : કચ્છ, કેશ, કડું, કંઘી અને કિરપાણ. દરેક શીખના નામમાં ‘સિંહ’ અને મહિલાના નામમાં ‘કૌર’ જોડવાનો આરંભ થયો.

અમૃતસરનું સુવર્ણમંદિર

શીખ ધર્મના ૧૦ ગુરુઓ છે. ગુરુ ગોવિંદસિંહે પોતાના અવસાન-સમયે ‘ગુરુ ગ્રંથસાહેબ’નો વિધિપુર:સર અભિષેક કર્યો. અને ‘ગુરુ ગ્રંથસાહેબ’ને ગુરુનું સ્થાન મળ્યું. તે શીખ ધર્મનો મુખ્ય – મૂળભૂત ગ્રંથ છે. આ ગ્રંથનું સંકલન પાંચમા ગુરુ અર્જુનદેવે ખૂબ મહેનત અને કાળજીપૂર્વક કરેલું. તેમાં ગુરુઓનાં લખાણ, ભક્તો અને સંગીતકારોની રચનાઓ પણ છે. પ્રભાતમાં તેનું જે પાનું ખોલે અને શબ્દ (‘શબદ’) વાંચવામાં આવે તે શીખો માટે તે દિવસની આજ્ઞા બને છે. શીખ ધર્મમાં સદગુરુનો મહિમા ઘણો છે. પ્રભુ ગુરુની કૃપા દ્વારા પ્રાપ્ત થાય છે. મનુષ્યયોનિ સર્વશ્રેષ્ઠ છે. તેથી મનુષ્ય તરીકે જન્મ મળ્યા પછી મનુષ્યે મુક્તિ માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. મનુષ્યજીવનનું લક્ષ્ય છે કે અહંકારરૂપી દીર્ઘ રોગમાંથી મુક્ત થવું. અને એ માટે ગુરુના ઉપદેશ પ્રમાણે આચરણ, નામજપ, સત્સંગ વગેરે કરવાં. પ્રામાણિકપણે મહેનત કરીને ખાવું અને એમાંથી બીજાને પોતાના હાથે આપવું એ જ ધર્મનો માર્ગ છે. શીખ ધર્મમાં તમાકુનો, નશો કરનારી વસ્તુઓના સેવનનો, પરસ્ત્રીગમનનો, પુત્રીને દૂધ પીતી કરવાનો તથા સતી થવાની પ્રથાનો નિષેધ છે. શીખ ધર્મ સંન્યાસીના જીવન કરતાં પવિત્ર ગૃહસ્થજીવનને વધારે મહત્ત્વ આપે છે. આવકના દશાંશનું દાન કરવું, મહેનત કરી ગુજરાન ચલાવવું, જ્ઞાતિભેદ ન રાખવો, સૌને માન આપવું, સ્ત્રીપુરુષને સમાન ગણવાં, શસ્ત્ર વાપરવામાં કુશળતા પ્રાપ્ત કરવી, સત્ય-મધુર વચન બોલવું, કાર્યારંભે પ્રભુનું સ્મરણ કરવું વગેરે આચારોનું વિધાન છે. શીખોમાં પ્રભુનું ‘વાહિ ગુરુ’ નામ જપ અને સ્મરણ માટે પ્રચલિત છે. ‘વાહિ ગુરુ’નો અર્થ છે ‘વિસ્મયકારી મહાન પરમાત્મા કે મહાન પરમાત્માને ધન્યવાદ હજો.’

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૮, શીખ ધર્મ, પૃ. ૩૦૨)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અમલા પરીખ

રાજગોપાલાચારી ચક્રવર્તી


જ. ૧૦ ડિસેમ્બર, ૧૮૭૮ અ. ૨૫ ડિસેમ્બર, ૧૯૭૨

સ્વતંત્ર ભારતના એકમાત્ર ગવર્નર જનરલ રાજગોપાલાચારીનો જન્મ થોરાપલ્લી, તમિળનાડુમાં થયો હતો. પિતા નલ્લન ચક્રવર્તી આયંગર થોરાપલ્લીના મુનસફ હતા. માતાનું નામ સિંગરામ્મા. ‘રાજાજી’ તથા ‘સી.આર.’ના નામથી તેઓ જાણીતા હતા. પ્રારંભિક શિક્ષણ થોરાપલ્લી ગામની શાળામાં અને ત્યારબાદ હોસૂરની સરકારી શાળામાં લીધું. ૧૮૯૪માં બૅંગાલુરુની સેન્ટ્રલ કૉલેજમાંથી આર્ટ્સ વિષય સાથે સ્નાતક થયા. ત્યાર પછી ચેન્નાઈની પ્રેસિડન્સી કૉલેજમાંથી લૉની ડિગ્રી ૧૮૯૭માં મેળવી. ૧૯૧૧માં તેઓ સેલમ મ્યુનિસિપાલિટીના સભ્ય બન્યા અને ૧૯૧૭માં ચૅરમૅન બન્યા અને ૧૯૧૯ સુધી સેવા આપી. ૧૯૧૯માં ગાંધીજી સાથેની મુલાકાતથી પ્રેરાઈને ભારતની સ્વાતંત્ર્યચળવળમાં જોડાયા. ૧૯૨૧-૨૨માં કૉંગ્રેસના મહામંત્રી તરીકે ચૂંટાયા. ત્યારબાદ ઘણાં વર્ષો કૉંગ્રેસ કારોબારીના સભ્ય રહ્યા. ૧૯૩૦માં પ્રોહિબિશન લીગ ઑવ્ ઇન્ડિયાના મંત્રી રહ્યા. તે વર્ષ દરમિયાન જ ચેન્નાઈમાં દાંડીકૂચ જેવી વર્દારણ્યમમાં કૂચ કાઢી. જેથી તેમને ૨૧ મહિનાની જેલ થઈ. ૧૯૩૭માં મદ્રાસ પ્રેસિડન્સીના પ્રીમિયર બન્યા. તે વખતે તેમણે ત્યાં દારૂબંધીની શરૂઆત કરી. ૧૯૩૯માં મદ્રાસ ટેમ્પલ એન્ટ્રી ઍક્ટ પસાર કરી દલિતોને મંદિરપ્રવેશ મળે તે માટે કાયદાનો પાયો નાંખ્યો. ૧૯૪૭-૪૮માં પશ્ચિમ બંગાળના ગવર્નર અને જૂન, ૧૯૪૮થી જાન્યુઆરી, ૧૯૫૦ સુધી સ્વતંત્ર ભારતના એકમાત્ર ગવર્નર જનરલ નિમાયા. ૧૯૫૨માં તેઓ ચેન્નાઈના મુખ્યમંત્રી નિમાયા અને દક્ષિણ ભારતમાં ફરજિયાત હિંદી ભાષાના શિક્ષણની સ્થાપનામાં મહત્ત્વની કામગીરી બજાવી. ૧૯૫૯માં સ્વતંત્ર પક્ષની સ્થાપનામાં પાયાની કામગીરી બજાવી. રાજકારણની જેમ સાહિત્યના ક્ષેત્રે પણ રાજાજીનું પ્રદાન રહ્યું છે. તેઓ અંગ્રેજી અને તમિળ બંને ભાષાના સિદ્ધહસ્ત લેખક હતા. તેઓ ‘સેલમ લિટરરી સોસાયટીના સ્થાપક હતા. ૧૯૨૨માં તેમણે જેલનિવાસ દરમિયાનનો રોજબરોજનો અહેવાલ ‘Sivaiyi Tavam’ પ્રકાશિત કરેલો. એમના ‘રામકૃષ્ણ ઉપનિષદ’ને મદ્રાસ સરકારનો ઍવૉર્ડ મળેલો. ૧૯૫૧માં એમણે અંગ્રેજીમાં સંક્ષિપ્ત ‘મહાભારત’ અને પછી ૧૯૫૭માં ‘રામાયણ’ લખ્યું. અંગ્રેજી ભાષામાં ભગવદગીતા તથા ઉપનિષદ પણ લખ્યાં. તેમના પુસ્તક ‘ચક્રવર્તી થિરુમગન’ને દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદેમીનો ઍવૉર્ડ મળ્યો હતો. ૧૯૫૪માં તેમને સૌપ્રથમ ‘ભારતરત્ન’ની પદવી મળેલી.

અમલા પરીખ