Categories
વાચન સમૃદ્ધિ

કાદંબિની ગાંગુલી

જ. 18 જુલાઈ, 1861 અ. 3 ઑક્ટોબર, 1923

ભારતનાં પ્રથમ મહિલાસ્નાતક અને પ્રથમ મહિલાડૉક્ટર કાદંબિની ગાંગુલીનો જન્મ ભાગલપુર બિહારમાં થયો હતો. તેમના પિતા વ્રજકિશોર બાસુ જમીનદાર હતા. તેઓ ઉદાર વિચારધારા ધરાવતા હોવાથી તે સમયના સામાજિક રૂઢિ-રિવાજ વિરુદ્ધ કાદંબિનીને શિક્ષણ માટે પ્રોત્સાહન આપ્યું. તેણે પ્રાથમિક શિક્ષણ બંગા મહિલા વિદ્યાલયમાં લીધું હતું. 1878માં કૉલકાતા યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા પાસ કરનાર તેઓ પ્રથમ મહિલા બન્યાં હતાં. બેથુને કૉલેજ કૉલકાતા વિશ્વવિદ્યાલયમાંથી બી.એ.ની ઉપાધિ મેળવનાર ભારતનાં પ્રથમ મહિલા બન્યાં હતાં. 1886માં કૉલકાતા મેડિકલ કૉલેજમાંથી પાશ્ચાત્ય ચિકિત્સાશાસ્ત્રમાં ડિગ્રી મેળવનાર પણ તેઓ પ્રથમ મહિલા હતાં. 1893માં તેઓ ચિકિત્સાક્ષેત્રે વધુ અભ્યાસ માટે યુનાઇટેડ કિંગ્ડમ ગયાં. પાછાં ભારત આવ્યાં બાદ લેડી ડફેરન હૉસ્પિટલમાં થોડો સમય કામ કર્યા બાદ પોતાની ખાનગી પ્રૅક્ટિસ શરૂ કરી. તેમને ભારત સહિત દક્ષિણ એશિયાના પ્રથમ મહિલા ફિઝિશિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. ભારત આવ્યાં બાદ તેમણે સંપૂર્ણ ધ્યાન સ્ત્રીરોગ અને મહિલાસ્વાસ્થ્ય પર કેન્દ્રિત કર્યું હતું. તે માટે તેમણે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. પોતાની અભૂતપૂર્વ ચિકિત્સાકારકિર્દી ઉપરાંત તેઓ સામાજિક સુધારાના પ્રબળ સમર્થક હતાં. 1883માં તેમણે દ્વારકાનાથ ગાંગુલી સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યાં. તેમના પતિ સામાજિક કાર્યકર્તા, બ્રહ્મોસમાજના નેતા અને સ્ત્રી શિક્ષણના હિમાયતી હતા. આથી કાદંબિની પણ સામાજિક કાર્યોમાં જોડાઈ ગયાં. 1898માં મદ્રાસ (ચેન્નાઈ) અધિવેશનમાં ભાગ લીધો અને કૉંગ્રેસ અધિવેશનમાં ભાષણ આપનાર પ્રથમ મહિલા બન્યાં. તેમણે કૉંગ્રેસ આયોજિત મહિલાસંમેલનમાં તથા 1914માં ગાંધીજીનાં સન્માન માટે આયોજિત સભામાં અધ્યક્ષપદ શોભાવ્યું હતું. તેમણે મજૂરોની સ્થિતિ સુધારવા તથા સ્ત્રીઓના અધિકારો વિશે જાગૃતિ લાવવા ખૂબ પ્રયાસો કર્યા હતા. કોલસાની ખાણોમાં કામ કરતી મજૂર સ્ત્રીઓના ઉત્કર્ષ માટે તથા સ્ત્રીઓને ન્યાય મળે તે માટે ખૂબ કામ કર્યું. તેમણે સમગ્ર જીવન રાજકીય શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ પાછળ સમર્પી દીધું. કાદંબિનીની જીવનકથા પરથી બંગાળમાં ટેલિવિઝન સિરિયલ પ્રસારિત કરવામાં આવી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

ઇસ્તંબૂલ

તુર્કસ્તાનનું મોટામાં મોટું નગર, મુખ્ય બંદર તથા ઉદ્યોગ, વ્યાપાર અને પ્રાચીન સંસ્કૃતિનું કેન્દ્ર.

ભૌગોલિક સ્થાન : ૪૧° ૧૦´ ઉ. અ. અને ૨૮° ૪૫´ પૂ. રે.. તે ભૂમધ્ય સમુદ્ર અને કાળા સમુદ્રને જોડતી બૉસ્ફરસની સામુદ્રધુનીના બંને કાંઠાઓ પર વસેલું છે. યુરોપ અને એશિયાને સાંકળતો આ એકમાત્ર જળમાર્ગ છે. બૉસ્ફરસ સામુદ્રધુનીની ઉપનદી ગોલ્ડન હૉર્ન આ નગરને બે વિભાગમાં જુદું પાડે છે : યુરોપીય ઇસ્તંબૂલ અને એશિયાઈ ઇસ્તંબૂલ. આ બંને વિભાગો વચ્ચે હોડીઓ મારફતે અવરજવર થાય છે; પરંતુ ઈ. સ. ૧૯૭૩માં આ બંને વિભાગોને જોડતો ૧,૦૭૫ મીટર લાંબો પુલ બનાવવામાં આવ્યો છે. ટોપકાપી પ્રાસાદ (Topkapi Palace) જેવાં મોટા ભાગનાં ઐતિહાસિક સ્મારકો યુરોપિયન વિભાગમાં આવેલાં છે. આ ઉપરાંત નગરમાં ૪૦૦ મસ્જિદો, ૧૭૫ ગિરજાઘરો તથા ૪૦ જેટલાં યહૂદીઓનાં સિનેગૉગ (ધાર્મિક સ્થળો) આવેલાં છે. અહીં ભૂમધ્ય સમુદ્રની આબોહવા પ્રવર્તે છે.

તુર્કસ્તાનના ૩૦% જેટલા ઔદ્યોગિક એકમો ઇસ્તંબૂલ ખાતે આવેલા છે. ખાનગી માલિકીનાં સાહસો પૈકી ૭૫% આ નગરમાં કેન્દ્રિત થયેલાં છે. નાના પાયાના હસ્તકલા-એકમો પણ અહીં આવેલા છે. તુર્કસ્તાનનો ૮૦% આયાતી વેપાર અને ૩૫% નિકાસી વેપાર આ નગર મારફતે થાય છે. અહીં પ્રવાસનનો પણ સારો વિકાસ થયેલો છે. ઉપલબ્ધ માહિતી અનુસાર આ નગરની સ્થાપના ઈ. સ. પૂ. ૬૬૦માં થયેલી હોવાનું ગણાય છે; પરંતુ ઈ. સ. પૂ. ૫૫૦૦થી ૩૫૦૦ (તામ્રયુગ) દરમિયાનની હસ્તકારીગરીની ચીજો અહીંથી મળી આવેલી હોવાથી એમ કહી શકાય કે અહીં તે વખતે સર્વપ્રથમ માનવ-વસાહત રહી ચૂકી હશે ! ઈ. સ. ૧૯૩૦ સુધી તે ‘કૉન્સ્ટેન્ટિનોપલ’ નામથી ઓળખાતું હતું. આ શહેરનો જૂનામાં જૂનો ભાગ સાત ટેકરીઓ પર બાંધેલો હતો, તે પરથી તે ‘સાત ટેકરીઓ પરનું શહેર’ જેવા ઉપનામથી પણ ઓળખાય છે. ઈ. સ. ૨૦૨૫ મુજબ આ નગરની વસ્તી આશરે ૧.૩૦ કરોડ જેટલી છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, ઇસ્તંબૂલ, પૃ. 171)

Categories
વાચન સમૃદ્ધિ

ફ્લાઇંગ ઑફિસર નિર્મલજીત સિંહ સેખોં

જ. 17 જુલાઈ, 1943 અ. 14 ડિસેમ્બર, 1971

1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં શહીદ ફ્લાઇંગ ઑફિસર નિર્મલજીત સિંહ સેખોંનો જન્મ લુધિયાણા જિલ્લાના રૂરકા ઇસેબલ ગામમાં થયો હતો. પિતા ત્રિલોક સિંહ અને માતા હરબંસ કૌર. પિતા વાયુસેનામાં હતા. નિર્મલજીત સિંહનું શાળેય શિક્ષણ અજિતસર મોહી હાઈસ્કૂલમાં થયું હતું. 1962માં દયાલબાગ એન્જિનિયરિંગ કૉલેજમાં દાખલ થયા પરંતુ અભ્યાસ છોડીને ફાઇટર પાઇલટ તરીકે વાયુદળમાં જોડાયા. તાલીમ પછી ઑક્ટોબર, 1968માં 18 સ્ક્વૉડ્રનમાં સામેલ થયા. 1971માં લગ્ન થયા. એ સમયે પાકિસ્તાન સાથે યુદ્ધ શરૂ થતાં તેઓ યુદ્ધમોરચે ગયા. પાકિસ્તાન તરફથી થતા હવાઈ હુમલામાં ઍરસ્પેસની સુરક્ષાની જવાબદારી 18 સ્ક્વૉડ્રનને આપવામાં આવી હતી. 14 ડિસેમ્બર, 1971ના રોજ પાકિસ્તાનના 6F -86 જેટે શ્રીનગર ઍરબેઝ પર હુમલો કર્યો હતો. પાકિસ્તાની વિમાનોએ સ્ટ્રીપ પર ઊડી ગોળીઓનો મારો ચલાવ્યો. આ સ્થિતિમાં ઉડાન ભરવી મુશ્કેલ હતી તેમ છતાંય નિર્મલજીત સિંહે ઉડાન ભરી અને દુશ્મનનું એક વિમાન તોડી પાડ્યું. બીજું વિમાન આગની લપેટમાં આવ્યું. આ દરમિયાન ફ્લાઇંગ લેફ્ટેનન્ટ ધુમ્મન સાથે તેમનો સંપર્ક તૂટી ગયો હોવાથી તેઓ એકલા આકાશમાં દુશ્મનો સાથે લડી રહ્યા હતા. પાકિસ્તાનના ચાર સૈબર વિમાનોએ તેમના વિમાનને ઘેરી લીધું. લડાઈ ખૂબ ઓછી ઊંચાઈ પર થઈ તોપણ તેમણે એકલાએ હિંમત હાર્યા વિના સામનો કર્યો. તેમના વિમાન પર દુ્શ્મનોએ હુમલો કરતાં તેમનું વિમાન તૂટી પડ્યું અને તેઓ શહીદ થયા. તેમનાં વિમાનનો ભંગાર મળી આવ્યો પરંતુ તેમનો મૃતદેહ ન મળ્યો. ભારત સરકારે તેમના અજોડ પરાક્રમ બદલ તેમને મરણોત્તર પરમવીરચક્રથી સન્માનિત કર્યા હતા. આંદામાન અને નિકોબારના ટાપુઓમાં એક ટાપુનું નામ નિર્મલજીત સિંહના નામ પરથી આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, લુધિયાણા જિલ્લા કોર્ટ અને શાળામાં પણ તેમની પ્રતિમા મૂકવામાં આવી છે. ભારતના ટપાલખાતાએ જાન્યુઆરી, 2000માં પાંચ રૂપિયાની ટપાલટિકિટ તેમની સ્મૃતિમાં બહાર પાડી હતી.