Categories
વાચન સમૃદ્ધિ

દેવચકલી

ગાનપ્રિયતાને લીધે, ભારતીય રૉબિનનું બિરુદ પામનાર, પૅસેરિફૉર્મિસ શ્રેણી, મસ્સિકિપિડે કુળના ટર્ડિને ઉપકુળનું પક્ષી. દેખાવ ચકલીના જેવો. સામાન્યપણે ઝુંડમાં રહેનાર આ પક્ષી વસંત ઋતુની શરૂઆત થતાં માનવવસ્તીમાં પ્રવેશી, ઘરની કે ઝાડની ટોચે બેસી, કોમળ મીઠી સિસોટી જેવા અવાજથી માનવીનું ધ્યાન ખેંચે છે. ખાસ કરીને સંવનનકાળ દરમિયાન તેનું ગાન તરત જ પારખી શકાય છે. આ પક્ષીની લંબાઈ આશરે 16 સેમી. નરનો રંગ મુખ્યત્વે કાળો. માદા ઝાંખા ધુમાડિયા રંગની. ચાંચ અને પગ કાળાં. બંનેની પાંખમાં સફેદ પટી. દેવચકલીનો દેહ ઝાડની અંધારી ઘટામાં ભળી જવાથી તે જવલ્લે જ શિકારી પક્ષીની નજરે પડે છે. આમ પર્યાવરણના રંગમાં દેવચકલીનો રંગ ભળી જાય છે અને દુશ્મનોથી સુરક્ષિત રહે છે. આ પક્ષીની બીજી એક ખાસિયત તે પૂંછડી અક્કડ ઊભી રાખવાની ટેવ. પ્રજનનકાળ દરમિયાન નર અને માદા એકેક જોડીમાં સ્વતંત્ર ફર્યાં કરે છે. આવી ટેવને કારણે જ તેમને પિંજરામાં અલગ રાખવાં પડે છે કારણ કે અન્ય પક્ષીઓનો સહચાર તેઓ સહી શકતાં નથી.

દેવચકલી ખાસ કરીને ઉત્તર ભારત, ગુજરાત અને કચ્છમાં વિશેષ જોવા મળે છે. તે ડુંગરાઓમાં, બગીચાઓમાં અને વાડીઓમાં કાંટાળા છોડની આસપાસ ભ્રમણ કરે છે. તેનો ખોરાક જીવાતનો હોય છે અને તેને અનુરૂપ તેની ચાંચ પાતળી, સરળ, લાંબી, અને કોમળ હોય છે. સૂક્ષ્મ જીવાતની સાથે સાથે તીડ, ઇયળો, અને અળસિયાંનું પણ ભક્ષણ કરે છે. આ માંસાહારી પક્ષીનો પ્રિય ખોરાક, ઊધઈ છે, આથી જ તો વહેલી સવારે ઊધઈના રાફડા પર બેઠેલું, નાનું પક્ષી દેખાય તો સમજવું કે દેવચકલી જ હોવાની ! સંવનનકાળમાં જ સંગીતના સૂર રેલાવી નર ફેરફૂદડી ફરે છે. પૂંછડીનો પંખો રચી, તે માદાને રીઝવવા પ્રયત્ન કરે છે. તેનો આ પ્રણય-ઉન્માદ લાંબો સમય, 15થી 20 મિનિટ ટકી રહે છે. માર્ચ મહિનાની શરૂઆત થતાં જ દેવચકલી માળો બાંધવાનું કાર્ય શરૂ કરે છે. વૃક્ષોના પોલાણમાં, ખુલ્લા ઢાળિયામાં, જમીનની બખોલમાં, ઘરના ગોખલાઓમાં માળા માટેની સુરક્ષિત જગ્યા શોધી ઘાસનાં તણખલાં, લીમડાની સળીઓ, માથાના વાળ વગેરે ગોઠવી પડિયા જેવો છીછરો માળો રચે છે. ભારતીય પરંપરા મુજબ, દેવચકલીને શુકનિયાળ પક્ષી ગણવામાં આવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દેવચકલી/)

Categories
વાચન સમૃદ્ધિ

જગદીશચંદ્ર માથુર

જ. 16 જુલાઈ, 1917 અ. 14 મે, 1978

હિંદીના લબ્ધપ્રતિષ્ઠિત નાટ્યકાર, લેખક જગદીશચંદ્ર માથુરનો જન્મ ઉત્તરપ્રદેશના બુલંદશહેર જિલ્લાના ખુર્જા ગામે થયો હતો. અલાહાબાદ યુનિવર્સિટીમાં એમ.એ.ની પદવી મેળવ્યા બાદ આઈ.સી.એસ.ની પરીક્ષામાં ચોથું સ્થાન મેળવ્યું. 1941માં ઇન્ડિયન સિવિલ સર્વિસ માટે પસંદગી પામ્યા. ત્યારબાદ છ વર્ષ માટે બિહાર સરકારમાં શિક્ષણ સચિવ તરીકે કામગીરી કરી. 1955-62 દરમિયાન આકાશવાણી, દિલ્હીમાં નિયામકપદે રહ્યા. 1963-64માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલય અમેરિકામાં વિઝિટિંગ ફેલો નિમાયા. ત્યાંથી પરત આવ્યા બાદ વિવિધ ઊંચા સરકારી હોદ્દાઓ પર કામગીરી કરી. તેઓ થોડો વખત સંગીત નાટક અકાદમીના સભ્યપદે રહેલા. તેમણે થોડો સમય ભારત સરકારના હિંદીના સલાહકાર તરીકે પણ કામ કરેલું. તેમણે ‘ઑલ ઇન્ડિયા રેડિયો’નું ‘આકાશવાણી’ નામકરણ કર્યું હતું. ટી.વી.ને ‘દૂરદર્શન’ નામ આપવાનો શ્રેય પણ તેમને ફાળે જાય છે. સરકારી કામકાજમાં વ્યસ્ત રહેવા છતાં તેમણે નાટ્યસાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન કર્યું છે. એકાંકી નાટકોની સાથોસાથ રેડિયો-નાટકોના વિકાસમાં પણ અદ્વિતીય યોગદાન આપ્યું છે. હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓના બધા જ દિગ્ગજ લેખકોને તેઓ રેડિયો પર લાવ્યા હતા, જેમાં સુમિત્રાનંદન પંતથી લઈને રામધારી સિંહ ‘દિનકર’, બાલકૃષ્ણ શર્મા ‘નવીન’નો સમાવેશ થાય છે. હિંદીના માધ્યમથી તેમણે સાંસ્કૃતિક પુનઃ જાગરણ સ્થાપિત કર્યું હતું. 12 વર્ષની વયથી તેમણે લેખનકાર્યથી પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. 1936માં તેમના પ્રથમ એકાંકી ‘મેરી બાંસુરી’ના રંગમંચનથી જ તેમને ખ્યાતિ મળી. ત્યારબાદ તેમના નાટ્યસંગ્રહો ‘ભોર કા તારા’ (1946) અને ‘ઓ મેરે સપને’ (1956) અતિ લોકપ્રિય બન્યા. તેઓ હિંદી રંગમંચ અને લોક રંગમંચના વિદ્વાન અધિષ્ઠાતા ગણાયા. તેમની સાહિત્યકૃતિઓ પૈકી ‘કોણાર્ક’ (1950), ‘કુંવરસિંહ કી ટેક’ (1955), ‘આશાદીપ’ (1956), ‘શારદીયા’ (1959) અને ‘પહલા રાજા’ (1969) વિશેષ ગણનાપાત્ર છે. તેમના ‘કોણાર્ક’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ થયો છે. તેમણે સંસ્મરણાત્મક નિબંધો પણ આપ્યા છે, જેનું હિંદી સાહિત્યમાં આગવું સ્થાન છે. ‘દસ તસવીરે’(1964)માં વિવિધ ક્ષેત્રોની દસ પ્રસિદ્ધ વ્યક્તિઓનાં શબ્દચિત્રો આપ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

અવરોધ ઓળંગીએ

ઇન્ડોનેશિયામાં વસતા સુકર્ણોના પિતા નિશાળમાં શિક્ષક હતા. એમનો પુત્ર સુકર્ણો એક દિવસ હઠ લઈને બેઠો કે એ કોઈ પણ સંજોગોમાં નિશાળે જવા માગતો નથી. એને નિશાળમાં સહેજે ગોઠતું નથી. શિક્ષક પિતાએ પુત્રને પ્રેમથી સમજાવવા કોશિશ કરી, ત્યારે સુકર્ણોએ કહ્યું, ‘આ નવી નિશાળમાં તો બધા મારી ખૂબ મજાક ઉડાવે છે. ઠઠ્ઠા-મશ્કરી કરે છે, મને પજવે છે.’ એના પિતાએ સમજાવ્યું, ‘નવી નિશાળમાં જઈએ ત્યારે આવું તો બને જ. થોડો સમય આવું રહેશે, પણ પછી બધા હળીભળી જશે અને તારા મિત્ર બની જશે.’ આમ છતાં નિશાળે જવાની અનિચ્છા ધરાવતા સુકર્ણોએ પુસ્તક નીચે પછાડ્યું. માતા-પિતાએ ખૂબ સમજાવ્યો, પણ બાળક સુકર્ણો તૈયાર ન થયો ત્યારે એના શિક્ષક પિતાએ અનુભવીની મદદ લેવાનું વિચાર્યું. એ અનુભવી સુકર્ણોને એક નાના ઝરણા પાસે લઈ ગયા અને એના વહેતા પ્રવાહની વચ્ચે એમણે એક મોટો પથ્થર ફેંક્યો અને સુકર્ણોને કહ્યું, ‘જો, આ પથ્થર વહેતા ઝરણાના પાણીમાં કેવો અવરોધ કરે છે ?’ બન્યું પણ એવું કે મોટા પથ્થરને કારણે પાણી અટકી ગયું, પરંતુ થોડા જ સમયમાં પોતાની ગતિથી પાણી વહેવા લાગ્યું અને પથ્થર પાણીમાં ડૂબી ગયો. એમણે સુકર્ણોને કહ્યું, ‘બેટા, કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે અવરોધથી ગભરાવું જોઈએ નહીં. જો તો ખરો ! પાણી પણ અવરોધ પર વિજય મેળવીને કેવું આગળ વધી રહ્યું છે, જ્યારે તું માનવી થઈને મુશ્કેલીઓથી કેમ ગભરાય છે ?’ સુકર્ણોને આ વાત સ્પર્શી ગઈ. એણે બીજા દિવસથી નિશાળે જવાનો પ્રારંભ કર્યો. થોડાક સમયમાં એના સહાધ્યાયીઓ એના મિત્રો બની ગયા. સમય જતાં સુકર્ણો સ્નાતક થયો અને પોતાની માતૃભૂમિ ઇન્ડોનેશિયાને ડચ સરકારની ગુલામીમાંથી મુક્તિ અપાવી અને તે પછી બે દાયકા સુધી દેશના પ્રમુખ રહ્યા.