Categories
વાચન સમૃદ્ધિ

અસમ (આસામ)

ઈશાન ભારતમાં આવેલું મહત્ત્વનું રાજ્ય.

ભૌગોલિક સ્થાન : તે ૨૨°.૧૯´થી ૨૮°.૧૬´ ઉ. અ. અને ૮૯°.૪૨´થી ૯૬°.૩૦´ પૂ. રે. વચ્ચેનો ૭૮,૪૩૮ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ૨૦૨૫ મુજબ આ રાજ્યની વસ્તી ૩.૫૬ કરોડ (આશરે) જેટલી છે. અસમ એટલે જેની સમાન કોઈ નથી એવો અસામાન્ય પ્રદેશ. પૂર્વ હિમાલય તથા બાંગ્લાદેશ વચ્ચેની એક સાંકડી ભૂમિપટ્ટી અસમને ભારત સાથે જોડે છે. અસમની ઉત્તરે ભુતાન અને અરુણાચલ પ્રદેશ, પૂર્વે નાગાલૅન્ડ તથા મણિપુર, પશ્ચિમે પશ્ચિમ બંગાળ અને બાંગલાદેશની આંતરરાષ્ટ્રીય સરહદ તથા દક્ષિણે મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ આવેલાં છે. ભારતમાં આ એકમાત્ર રાજ્ય છે જે ભારતનાં ૭ રાજ્યો અને ૨ દેશોની સીમા ધરાવે છે. તેમાં વિશાળ બ્રહ્મપુત્ર, સુરમા, કુશિયારા નદીઓ અને તેમની શાખાપ્રશાખાઓ છે. વરસાદની ઋતુમાં પટ બદલતી, રૌદ્ર સ્વરૂપની બ્રહ્મપુત્ર અસમમાં ઠેર ઠેર વિનાશ વેરે છે અને તે સાથે કાંપ ઘસડી લાવીને જમીનને ફળદ્રૂપ પણ કરે છે.

અસમનો એક ચાનો બગીચો

ડાંગર, રાઈ, ચા, બટાટા, અને પપૈયાં અહીંનો મુખ્ય પાક છે. મુખ્ય વૃક્ષોમાં હોલોંગ, નોહોર, ખેર, સીસમ, સાગ (અસમ ટીક), સાલ અને વાંસનો સમાવેશ થાય છે. અસમ તેની ખનિજસંપત્તિ માટે સુપ્રસિદ્ધ છે. તેમાં કોલસો, ખનિજતેલ અને કુદરતી વાયુ મુખ્ય છે. અન્ય ખનિજોમાં ચિનાઈ માટી અને લોહ-ધાતુખનિજોનો સમાવેશ થાય છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં ખનિજતેલ અને કુદરતી વાયુ, ચા, પેટ્રોરસાયણ, રાસાયણિક ખાતર, કાગળ અને કાપડનો સમાવેશ થાય છે. અસમની મોટી સમૃદ્ધિ વનસ્પતિ તથા વન્ય પ્રાણીઓની છે. અહીંથી પેદા થતાં તેજાના તથા ઇમારતી લાકડું વેપારની દૃષ્ટિએ ખૂબ અગત્યનાં છે. સમગ્ર દેશમાં ચાની પેદાશમાં અસમનું સ્થાન પહેલું છે. ભારતની ચાની પચાસ ટકા પેદાશ અસમમાં થાય છે. અહીંની ચા દુનિયાભરમાં વખણાય છે. અહીંનાં પક્ષીઓમાં મુખ્યત્વે સ્નાપ્સી, ફ્લોરિકન્સ, પૅલિકન, ટીલ્સ અને વિવિધ પ્રકારના બગલાઓ જોવા મળે છે. પ્રાણીઓમાં વાઘ, ચિત્તા, રીંછ અને હરણની વિવિધ જાતો દેખાય છે. વાનરની જાતિનો સફેદ વાળવાળો ગિબન ઉત્તર કચારની ટેકરીઓના પ્રદેશમાં તથા સોનેરી વાનર(Golden Langoor)ની જાત પણ જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અસમ, પૃ. 81)

Categories
વાચન સમૃદ્ધિ

દાદાસાહેબ ફાળકે

જ. 30 એપ્રિલ, 1870 અ. 16 ફેબ્રુઆરી, 1944

ભારતીય સિનેમાના પિતામહ દાદાસાહેબનું મૂળ નામ ધૂંડીરાજ ફાળકે હતું. માતા દ્વારકાબાઈ અને પિતા ગોવિંદ સદાશિવ ફાળકે. પિતા સંસ્કૃતના પંડિત, ધાર્મિક ક્રિયાકાંડ કરાવતા એટલે દાદાસાહેબને પણ યજ્ઞ સહિત અન્ય ધાર્મિક ક્રિયાઓ શીખવી હતી. પિતાને મુંબઈની વિલ્સન કૉલેજમાં નોકરી મળતાં તેઓ કુટુંબ સાથે મુંબઈમાં સ્થાયી થયા. 1885માં દાદાસાહેબ જે. જે. સ્કૂલ ઑફ આર્ટસમાં જોડાયા અને એક વર્ષ ત્યાં અભ્યાસ કરી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના કલાભવન ખાતે તૈલરંગ ચિત્રો અને જળરંગ ચિત્રો બનાવતાં શીખ્યા. તેમણે આર્કિટૅક્ચર અને મૉડલિંગમાં પણ નિપુણતા મેળવી. 1890માં ફિલ્મ કૅમેરા દ્વારા ફોટોગ્રાફી અને તેનાં વિવિધ પાસાંઓનો અભ્યાસ કર્યો. 1892માં અમદાવાદ ખાતેના ઔદ્યોગિક પ્રદર્શનમાં તેમને થિયેટરનું આદર્શ મૉડલ બનાવવા માટે સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો.  રતલામ જઈને શ્રી બાબુલાલ વારુવલ્કર પાસે તેઓ ફોટોગ્રાફી અને પ્રિન્ટિંગ ટૅકનૉલૉજીની બારીકીઓ શીખ્યા. 1903માં ભારત સરકારના પુરાતત્ત્વ ખાતામાં ફોટોગ્રાફર  અને નકશાકાર તરીકે કામ શરૂ કર્યું, પણ સ્વદેશી આંદોલનથી પ્રેરિત થઈને નોકરી છોડી દીધી. તેમણે ફોટોગ્રાફી અને કલર પ્રિન્ટિંગ ટૅકનૉલૉજીમાં નવા પ્રયોગો કર્યા. 1910માં ફિલ્મ ‘life of christ’ એ તેમને કારકિર્દીના અલગ જ વળાંક પર લાવીને મૂકી દીધા. આ ફિલ્મ જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયા. એક અભ્યાસુ બાળકની જેમ તેમણે ચલચિત્રકળાનું બધું જ ઉપલબ્ધ સાહિત્ય વાંચ્યું. 1912માં દેવું કરીને લંડન ગયા. ત્યાં મળીને તેમના સ્ટુડિયોમાં ફિલ્મનિર્માણની કામગીરી શીખ્યા. ભારત પરત આવ્યા બાદ તેમણે ‘growth of a plant’ નામનું લઘુ-ચલચિત્ર બનાવ્યું. તેમણે  ભારતની સૌપ્રથમ ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ બનાવી, જે ખૂબ સફળ રહી. આ સફળતાએ તેમને ‘મોહિની ભસ્માસુર’, ‘સત્યવાન સાવિત્રી’  ફિલ્મ બનાવવા પ્રેર્યા. આ સાથે ધીરે ધીરે ભારતીય સિનેમા ઉદ્યોગનો પાયો નંખાયો. તેમણે ફિલ્મ ‘લંકાદહન’ અને સ્વસ્થાપિત હિન્દુસ્તાન ફિલ્મ કંપની અને સ્ટુડિયોમાં ‘કૃષ્ણજન્મ’, ‘કાલિયમર્દન’નું નિર્માણ કર્યું. 1932માં નાદુરસ્ત તબિયત સાથે પણ ‘સેતુબંધન’ અને ‘ગંગાવતરણ’નું દિગ્દર્શન કર્યું. તેમણે 98 ફિલ્મો અને 30 લઘુફિલ્મોનું નિર્માણ કર્યું. ભારત સરકારે દાદાસાહેબ ફાળકેની યાદમાં 1970માં ‘દાદાસાહેબ ફાળકે પારિતોષિક’ શરૂ કર્યું, જે સિનેમાક્ષેત્રે ઉલ્લેખનીય યોગદાન આપનારને દર વર્ષે આપવામાં આવે છે. સરકારે ફાળકેસાહેબની સ્મૃતિમાં 30 એપ્રિલ, 1971ના રોજ ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

દક્ષિણામૂર્તિ (સંસ્થા)

ભારતમાં નવી રાષ્ટ્રીય કેળવણીના આદર્શોને મૂર્તિમંત કરતી ભાવનગરની શિક્ષણસંસ્થા. મહાત્મા ગાંધીની પ્રેરણા હેઠળ નઈ તાલીમની સંકલ્પના પણ હજુ સાકાર થઈ ન હતી, તે સમયે (1910) નાનાભાઈ ભટ્ટે શિક્ષણની નવી દૃષ્ટિ અને સૂઝથી પ્રેરાઈને આ સંસ્થા શરૂ કરી. આ સંસ્થાના આદ્યપ્રેરક મહાત્મા શ્રીમન્ નથુરામ શર્માના ઉપાસ્યદેવ દક્ષિણામૂર્તિ હોવાથી તેમના શિષ્યો હરગોવિંદદાસ પંડ્યા, ઓધવજીભાઈ અને નૃસિંહપ્રસાદ (નાનાભાઈ) ભટ્ટે પોતાના ઉપાસ્યદેવનું નામ સંસ્થા સાથે જોડી, સંસ્થાનું નામ ‘શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન’ રાખ્યું. તેની શરૂઆત ભાવનગરના રેલવે સ્ટેશન પાસે તખ્તસિંહજી ધર્મશાળામાં 1910ના ડિસેમ્બરની 28મી તારીખે થઈ. નાનાભાઈ ભટ્ટ શામળદાસ કૉલેજમાંથી અધ્યાપકપદનું રાજીનામું આપી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના ગૃહપતિ બન્યા. પોતાની જ એક સ્વતંત્ર શાળાની અનિવાર્યતા જણાતાં 1918ના જૂન માસમાં દક્ષિણામૂર્તિ વિનયમંદિર શરૂ થયું.

દક્ષિણામૂર્તિ, ભાવનગર

દક્ષિણામૂર્તિમાં નાનાભાઈ સાથે જે નવા સાથીઓ જોડાયા તેમાં ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદી મુખ્ય હતા. ગિજુભાઈએ બાલશિક્ષણમાં મૉન્ટેસોરી પદ્ધતિનો વિનિયોગ કર્યો અને બાલસાહિત્યનું સર્જન કર્યું. હરભાઈએ ડૅલ્ટન પદ્ધતિ દાખલ કરી. નાનાભાઈએ મહાભારત અને રામાયણનાં પાત્રોનું સરળ ભાષામાં લેખન કર્યું. તે ઉપરાંત તારાબહેન મોડક, ગિરીશભાઈ ભટ્ટ, મૂળશંકર ભટ્ટ, ગોપાલરાવ વિદ્વાંસ, નટવરલાલ બૂચ અને મનુભાઈ પંચોળી જેવા પ્રતિભાવંત શિક્ષકો દક્ષિણામૂર્તિને મળ્યા. દક્ષિણામૂર્તિ માત્ર છાત્રાલય ન રહેતાં શિક્ષણની સંસ્થા બની. ગાંધીજી જ્યારે ભાવનગર આવ્યા ત્યારે સર પ્રભાશંકર પટ્ટણીએ તેમને દક્ષિણામૂર્તિ સંસ્થા બતાવેલી (1915). દક્ષિણામૂર્તિ સંસ્થાની કેળવણીવિષયક પ્રવૃત્તિઓના મુખ્ય સાત વિભાગ હતા : (1) વિદ્યાર્થીગૃહ, (2) વિનયમંદિર, (3) બાલમંદિર, (4) બાલઅધ્યાપનમંદિર, (5) પ્રકાશનમંદિર, (6) અક્ષરજ્ઞાનયોજના, અને (7) ગ્રામશાળાઓ.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દક્ષિણામૂર્તિ (સંસ્થા), પૃ. 191 અથવા જુઓ https://gujarativishwakosh.org/દક્ષિણામૂર્તિ (સંસ્થા)/)