Categories
વાચન સમૃદ્ધિ

આગ

કાબૂમાં ન રહે એવો અગ્નિ.

અગ્નિ વડે માણસ ઘણાં કામો કરે છે. તેના વગર જીવન પણ અશક્ય જેવું બની જાય છે. કોઈ કોઈ વાર અગ્નિ ભડભડતો બેકાબૂ બની જાય ત્યારે તે માલમિલકતને નુકસાન પહોંચાડે છે ને ક્યારેક જાનહાનિ પણ કરે છે. અત્યારના સંજોગોમાં શહેરોની ગીચ વસ્તી, ગગનચુંબી ઇમારતો તથા બાંધકામમાં વપરાતા જલદીથી સળગી જાય તેવા દહનશીલ પદાર્થોને લીધે આગ લાગવાની શક્યતા વધી ગઈ છે. હાલમાં રાંધણગૅસનો ઉપયોગ, વીજળી વાપરતાં સાધનોનો ઉપયોગ પણ આગ લગાડવામાં કારણભૂત બને છે. તેલના કૂવાઓનું શારકામ, પેટ્રોલ જેવા જલદીથી સળગી ઊઠે તેવા પદાર્થોનો સંગ્રહ, ખનિજતેલનું શુદ્ધીકરણ વગેરેને કારણે કેટલીક વાર આગ લાગી જાય છે. ધૂમ્રપાન, દારૂખાનું, તેલના દીવા વગેરેથી પણ આગ લાગી શકે છે. વળી આવી બધી બાબતોમાં બેદરકારી રાખવાથી આગ લાગવાના બનાવો વધારે બને છે.

આગ લાગે ત્યારે અગ્નિશામક દળને બોલાવવું જરૂરી છે.

કેટલીક વાર કુદરતી ઘટનાથી પણ આગ લાગે છે; જેમ કે જંગલમાં લાકડાં ઘસાતાં તણખા ઝરે છે ને તે સૂકાં પાંદડાં પર પડતાં આગ લાગી જાય છે. ૨૦૨૫ના જાન્યુઆરી માસમાં અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યમાં જંગલમાં લાગેલી આગને કારણે ૬૦% જંગલો બળી ગયાં હતાં. કેટલીક વાર જ્વાળામુખી ફાટે ત્યારે અંદરથી ધગધગતો લાવારસ બહાર ફેલાય છે અને તેના વડે પણ આગ લાગી શકે છે. વળી વીજળી ત્રાટકવાથી પણ આગ લાગવાના બનાવો બને છે. ગરમી, ઑક્સિજન તથા દહનશીલ પદાર્થો એકઠા થતાં આગનો ઉપદ્રવ વધી જાય છે. તેથી આગ કાબૂમાં લેવા આ પદાર્થો ભેગા ન થાય એવું કરવું પડે છે. આગ બુઝાવવા માટે પાણી અને રેતીનો, શુષ્ક પાઉડર ને ફીણનો છંટકાવ કે કાર્બન ડાયૉક્સાઇડ જેવા ગૅસનો ઉપયોગ કરવામાં આવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આગ, પૃ. 98)

Categories
વાચન સમૃદ્ધિ

દેવેન્દ્રનાથ ટાગોર

જ. 15 મે, 1817 અ. 19 જાન્યુઆરી, 1905

દેશપ્રેમી, ધર્મસુધારક અને તત્ત્વચિંતક દેવેન્દ્રનાથ ટાગોરનો જન્મ કૉલકાતામાં થયો હતો. પિતા દ્વારકાનાથ અને માતા દિગંબરી દેવી. સાત વર્ષ ઘરે અને પછી હિંદુ કૉલેજમાં અભ્યાસ કર્યો. 18 વર્ષની ઉંમરે દાદીમાના મૃત્યુ સમયે તેમને રહસ્યપૂર્ણ અનુભવ થયો એ પછી તેઓ આધ્યાત્મિક માર્ગે વળ્યા. તેઓ રાજા રામમોહન રાય અને કેશવચન્દ્ર સેનના સંપર્કમાં આવ્યા. તેમણે મૂર્તિપૂજા અને સતીપ્રથાનો વિરોધ કર્યો. તેમણે 1832માં ‘સર્વ તત્ત્વદીપિકા સભા’ નામની સંસ્થાની સ્થાપના કરી. 1939માં ‘તત્ત્વબોધિની સભા’ની સ્થાપના કરી અને તેના મંત્રી બન્યા. તેમણે 1846માં ‘હિંદુ હિતાર્થી વિદ્યાલય’ની અને 1851માં ‘ધ બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિયેશન’ની સ્થાપના કરી. તેમણે પંડિતોની મદદ લઈ ‘બ્રહ્મોધર્મ’ ગ્રંથ તૈયાર કર્યો. 1843માં ‘હિંદુ થિયૉફિલૅન્થ્રૉપિક સોસાયટી’માં જોડાયા. તેમણે બોલપુરમાં ‘બ્રહ્મચર્યાશ્રમ’ની સ્થાપના કરી. તેમના પુત્ર રવીન્દ્રનાથ ટાગોરે ત્યાં શાંતિનિકેતનની સ્થાપના કરી. તેઓ ભારતીય સંસ્કૃતિના પક્ષધર હતા. તેમણે ‘તત્ત્વબોધિની પત્રિકા’ પ્રકાશિત કરી હતી. તેઓ મહર્ષિ તરીકે જાણીતા હતા. ‘બ્રહ્મોધર્મ’ અને ‘આત્મત્તતો વિદ્યા’, ‘જ્ઞાન ઓ ધર્મેર ઉન્નતિ’, ‘પોરોલો ઓ મુક્તિ’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમના ‘બ્રહ્મોધર્મ’ પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. તેમણે ગરીબ ગ્રામજનોના ચોકીદારી કરને માફ કરવા માટે અને ભારતને સ્વતંત્ર કરવાની માગ કરતો બ્રિટિશ સંસદને પત્ર લખ્યો હતો. તેઓ બાળલગ્ન અને બહુપત્નીત્વના વિરોધી હતા. તેમણે વિધવાવિવાહને ઉત્તેજન આપ્યું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

દશાવતારી નાટક

મહારાષ્ટ્રના પારંપરિક નાટ્યસાહિત્યનો પ્રકાર. તેને દશાવતારી ખેળે કહે છે. આ પ્રકારનાં નાટકો દક્ષિણ કોંકણ અને ગોવામાં લોકપ્રિય છે. નવો પાક ઊતર્યા પછી હોળી સુધી વિવિધ ગામોમાં યોજાતી મંદિરોની યાત્રામાં દશાવતારી નાટકો દક્ષિણ કોંકણ અને ગોવામાં ભજવાતાં. આ પ્રકારનાં નાટકોમાં વિષ્ણુના દશ અવતારોની રજૂઆત થાય છે અને એ કારણે એનું ‘દશાવતારી’ નામ પડ્યું છે. આ નાટ્યપરંપરા સાતમી સદીથી ચાલતી આવી છે એવી એક માન્યતા છે. સત્તરમી સદીમાં સંત રામદાસ એમના ‘દાસબોધ’માં દશાવતારી રમતોનો નિર્દેશ કરે છે, પરંતુ એ વખતે પ્રચલિત સ્વરૂપ વિશે કશી માહિતી મળતી નથી. એક દૃષ્ટિએ આ નાટ્યપ્રકારનું મૂળ કર્ણાટકમાં છે. કર્ણાટકમાં યક્ષગાનની શૈલીમાં દશાવતારની કથાની રજૂઆત થતી અને હજીય થાય છે. મહારાષ્ટ્રમાં આ નાટ્યપરંપરા અઢારમી સદીથી શરૂ થઈ. દશ અવતારોમાં મત્સ્યાવતારથી કૃષ્ણાવતાર સુધીના અવતારોની રજૂઆત હોય છે. પણ કૂર્મ, વરાહ અને પરશુરામના અવતારોનો નિર્દેશ માત્ર ગીતો દ્વારા કરવામાં આવે છે. બુદ્ધ અને કલ્કિ અવતારો દર્શાવવામાં આવતા નથી. મત્સ્યાવતારમાં સંકાસુરવધની વાત આવે છે. પણ સંકાસુરનું પાત્ર ભયાનક દર્શાવવાને બદલે વિદૂષક જેવું રમૂજ ઉપજાવે એવું દર્શાવવામાં આવે છે. રામ અને કૃષ્ણના અવતારોની અનેક ઘટનાઓ નિરૂપિત થાય છે. કૃષ્ણાવતારની રજૂઆતમાં રાધાનું પાત્ર મહત્ત્વનું હોય છે. નાટકની શરૂઆત મધરાતે થાય છે અને સવાર સુધી એ ચાલ્યાં કરે છે.

દશાવતારમાં પૂજારી, દાસી, ગણપતિ અને સંકાસુરનાં પાત્રો

ઘણાં કોંકણી કુટુંબોમાં દશાવતારીનો પાઠ ભજવવાની પરંપરા ચાલતી આવી છે. અભિનેતાઓ તથા પ્રેક્ષકો બંને નાટક ભજવાતું હોય છે ત્યારે પોતપોતાની રીતે ભગવાનની આરાધના કરતા હોય છે. આ નાટકની પ્રારંભિક વિધિ મંદિરના પૂજારીના ઘરમાં થાય છે. ત્યાં ધાર્મિક વિધિ કરી, રંગભૂષા અને વેષભૂષા કરી, સરઘસ કાઢી મૃદંગમંજીરા વગાડતા, નાચતાગાતા, મંદિરના સભામંડપમાં તૈયાર કરેલા મંચ પર આવે છે. પ્રેક્ષકો ભેગા થાય ત્યાં સુધી મૃદંગની જુગલબંધી ચાલે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દશાવતારી નાટક, પૃ. 268 અથવા જુઓ https://gujarativishwakosh.org/દશાવતારી નાટક/)