Categories
વાચન સમૃદ્ધિ

બીમારીનો સ્થાયી ઇલાજ

જર્મનીના પ્રજાપ્રેમી સમ્રાટ જ્યોર્જ જોસેફ વેશપલટો કરીને પોતાના રાજ્યમાં ઘૂમતા હતા. એક દિવસ એક નાનકડી ગલીમાંથી પસાર થતા હતા, ત્યારે એક ચીંથરેહાલ યુવકે એમને રસ્તામાં થોભાવીને કહ્યું, ‘‘અરે ભાઈ, મારી માતા લાંબા સમયથી બીમાર છે. એની સારવારમાં મારું સઘળું ધન ખર્ચાઈ ગયું છે. જો હવે તમે મને થોડી રકમ આપો, તો અંતિમ વખત એનો ઇલાજ કરાવવા ઇચ્છું છું. મારી મદદ કરશો ?’’

સમ્રાટ જ્યોર્જ જોસેફે થોડી રકમ આપી અને કહ્યું, ‘‘જા, તું ડૉક્ટરને બોલાવી લાવ. હું તને વધુ મદદ કરવા માટે પ્રયત્ન કરીશ. તું મને તારું સરનામું આપી દે.’’ સમ્રાટ જ્યોર્જ જોસેફ એ ગરીબ યુવાનને ઘેર પહોંચી ગયા. એમણે જોયું તો એક વૃદ્ધા ખાટલા પર સૂતી હતી. બાજુમાં એક નાનો બાળક રડતો બેઠો હતો. સમ્રાટે ડૉક્ટર તરીકે પોતાની ઓળખ આપીને એ વૃદ્ધ સ્ત્રીને એની બીમારી અંગે પૃચ્છા કરી. એ મહિલાએ કહ્યું, ‘‘મારા પતિની આવક પર ઘર ચાલતું હતું, પરંતુ થોડા સમય પહેલાં એમનું મૃત્યુ થયું. ઘરમાં અત્યારે કોઈ કમાનાર નથી. મારા મનમાં સતત એ ચિંતા રહે છે કે જો હું મૃત્યુ પામીશ, તો મારાં અનાથ બાળકોનું શું થશે ? આ ચિંતાએ જ મને બીમાર પાડી દીધી છે.’’

સમ્રાટે કાગળ પર કંઈક લખ્યું અને એ વૃદ્ધાને આપતાં કહ્યું, ‘‘આમાં મેં તમારી બીમારીની દવા લખી છે. તમારા દીકરાને મોકલીને મંગાવી લેજો.’’ આમ કહીને એ ચાલ્યા ગયા. થોડી વારે વૃદ્ધાનો પુત્ર ડૉક્ટરને લઈને આવ્યો, ત્યારે એ વૃદ્ધાએ કહ્યું, ‘હમણાં થોડી વાર પહેલાં જ એક ડૉક્ટર આવી ગયા અને આ કાગળ પર કંઈ દવા લખી ગયા છે.’ આગંતુક ડૉક્ટરે એ કાગળ વાંચીને કહ્યું, ‘તમારી પાસે તો એક અનોખો ડૉક્ટર આવ્યો હતો, જે તમારી બીમારીનો સ્થાયી ઇલાજ કરી ગયો છે. એ કોઈ સાધારણ ડૉક્ટર નહોતા, પરંતુ આપણા દેશના સમ્રાટ જ્યોર્જ જોસેફ હતા.’

સમ્રાટ જ્યોર્જ જોસેફે એ કાગળ પર લખ્યું હતું કે ‘વૃદ્ધા અને એના પરિવારને રાજકોશમાંથી નિયમિત રીતે ધન આપવાની વ્યવસ્થા કરવામાં આવે.’

Categories
વાચન સમૃદ્ધિ

કૃષ્ણાસ્વામી સુંદરજી

જ. 28 એપ્રિલ, 1930 અ. 8 ફેબ્રુઆરી, 1999

ભારતીય સેનાના પૂર્વસેનાધ્યક્ષ કૃષ્ણાસ્વામી સુંદરજીનો જન્મ તમિળનાડુના ચેંગલપેટમાં તમિળ હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું સાચું નામ કૃષ્ણાસ્વામી સુંદરરાજન હતું, પરંતુ તેઓ ‘સુંદરજી’ના હુલામણા નામે જાણીતા હતા. મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાંથી ડિગ્રી મેળવ્યા પહેલાં જ તેમણે સેનામાં પ્રવેશ લઈ લીધો હતો. ત્યારપછી તેમણે તમિળનાડુના વેલિંગટનમાં રક્ષા સેવા સ્ટાફ કૉલેજમાંથી સ્નાતક ડિગ્રી મેળવી હતી. અમેરિકાની લેવેનવર્થની કમાન્ડ અને જનરલ સ્ટાફ કૉલેજ અને દિલ્હીની રાષ્ટ્રીય રક્ષા કૉલેજમાં પણ અધ્યયન કર્યું. ત્યારપછી અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી રક્ષા અધ્યયનમાં એમ.એસસી.ની ડિગ્રી મેળવી. 1945માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ બ્રિટિશ ઇન્ડિયન આર્મી સાથે જોડાયા. 1946માં તેમને મહાર રેજિમેન્ટમાં કમિશન કરવામાં આવ્યા જેમાં તેમને તનાવપૂર્ણ ક્ષેત્ર ઉત્તર પશ્ચિમ ફ્રંટિયર અને જમ્મુ કાશ્મીરમાં કામ સોંપવામાં આવ્યું. ભારતની સ્વતંત્રતા પછી તેઓ કારગીલક્ષેત્રમાં કાર્યરત હતા. 1963માં તેમણે સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં કાંગોમાં કામગીરી કરી હતી. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પણ સુંદરજીને મહત્ત્વપૂર્ણ ભૂમિકા સોંપવામાં આવી હતી. તેમાં તેમણે પુરવાર કર્યું કે યુદ્ધ કરવાની ટૅકનિક નિર્ણાયક સાબિત થાય છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તેમણે બાંગ્લાદેશના રંગપુર ક્ષેત્રમાં એક બ્રિગેડિયર જનરલ સ્ટાફના રૂપમાં ભૂમિકા નિભાવી. 1974માં તેઓ મેજર જનરલ બન્યા. ભારતીય સેનાના ઇતિહાસમાં પહેલી વખત ઇન્ફ્રંટ્રી અધિકારીને જનરલ ઑફિસર કમાન્ડિંગ બનાવવામાં આવ્યા હતા. 5 ફેબ્રુઆરી, 1979માં તેમને લેફ્ટનન્ટ જનરલ બનાવવામાં આવ્યા. 1984માં તેમણે ઑપરેશન ‘બ્લૂ સ્ટાર’નું નેતૃત્વ કર્યું. 1986માં તેમને ચીફ ઑવ્ આર્મી સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે ચીનનો ઑપરેશન ‘ફાલ્કન’માં પણ દૃઢતાપૂર્વક સામનો કર્યો હતો. 1987માં શ્રીલંકામાં ઑપરેશન ‘પવન’માં પણ તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતીય પરમાણુનીતિ બનાવનાર સમિતિના પણ સુંદરજી સભ્ય હતા. નિવૃત્તિ બાદ પરમાણુનીતિ પ્રત્યે ઉદાસીન રાજકારણીઓ પર તેમણે ‘બ્લાઇન્ડ મૅન ઑવ્ હિંદુસ્તાન’ નામનું પુસ્તક લખ્યું હતું. તેમને પરમ વિશિષ્ટ સેવા પદકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

અવકાશયાત્રી (અંતરીક્ષયાત્રી)

(Astronaut / Cosmonaut)

અંતરીક્ષ-ઉડ્ડયન માટેની તાલીમ લીધેલ, અંતરીક્ષયાનનું સંચાલન કરનાર તેમ જ તેમાં પ્રવાસ કરનાર યાત્રી. રશિયામાં અવકાશયાત્રી અથવા અંતરીક્ષયાત્રીને ‘કૉસ્મોનૉટ’ (Cosmonaut) અને અમેરિકા તથા અન્ય દેશોમાં ‘ઍસ્ટ્રોનૉટ’ (Astronaut) કહે છે. અંતરીક્ષમાં ઉડ્ડયન દરમિયાન માનવીને ઘણી વિષમ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. અંતરીક્ષ-ઉડ્ડયનના ત્રણ તબક્કાઓ હોય છે : આવી વિષમ પરિસ્થિતિનો સામનો કરવા અંતરીક્ષયાત્રીમાં સાહસ કરવાની અદમ્ય ઇચ્છા, હિંમત, સઘન તાલીમ, શિસ્ત વગેરે હોવાં જરૂરી છે.

અંતરીક્ષયાત્રી સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ અનુભવે છે. તેના લીધે હાડકાંમાં કૅલ્શિયમ તત્ત્વનું પ્રમાણ ઘટી જાય છે. પરિણામે અસ્થિભંગ થવાનો ડર રહે છે. વજનવિહીન પરિસ્થિતિમાં શરીરના ઉપરના ભાગમાં લોહીનો ભરાવો થાય છે. શરીરમાં પોટૅશિયમ પણ ઘટી જાય છે, તેની અસર સ્નાયુઓ પર અને ચેતાતંત્ર પર થાય છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે અંતરીક્ષયાત્રીને અંતરીક્ષમાં કસરત કરવી પડે છે તથા આ પરિસ્થિતિ માટે તૈયાર થવા માટે સઘન તાલીમ લેવી પડે છે. પાણી અથવા કોઈ પ્રવાહી ચૂસીને જ પીવું પડે છે. ખાદ્ય પદાર્થ કોથળીમાં જ રાખવા પડે છે, નહીં તો ખાદ્ય પદાર્થના કણો અંતરીક્ષમાં તરવા માંડે. યાત્રીઓને ખુરશી પર બેસી રહેવા માટે પટ્ટો બાંધી રાખવો પડે છે. ઊંઘવા માટે મોટા થેલામાં બંધાવું પડે છે. ખાવા-પીવામાં શિસ્ત અને સંયમ રાખવાં પડે છે. અંતરીક્ષયાત્રીને આળસ અને સ્વપ્નમાં હોય તેવો ભાસ થાય છે. ભય લાગે છે. તે પોતાનું અસ્તિત્વ ભૂલી જઈ શકે છે. આ માટે તેમને સતત પ્રવૃત્તિમય રાખવામાં આવે છે. તેમની દિનચર્યા, વૈજ્ઞાનિક પ્રયોગો અને અવલોકન ઉપરાંત મનોરંજન જેવી વિવિધ પ્રવૃત્તિવાળું સમયપત્રક બનાવવામાં આવે છે. આ ઉપરાંત, ટેલિવિઝન તથા રેડિયો દ્વારા પૃથ્વી પરના લોકો સાથે સંપર્ક રાખવામાં આવે છે, જેથી કંટાળાજનક પરિસ્થિતિનો સામનો થઈ શકે. અંતરીક્ષયાત્રી માટે અંતરીક્ષ-પોશાક (space suit) પહેરવો જરૂરી બને છે. આ પોશાક દ્વારા અંતરીક્ષયાત્રીને શ્વાસ લેવા માટે યોગ્ય દબાણે ઑક્સિજન વાયુ મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, અવકાશયાત્રી (અંતરીક્ષયાત્રી) (Astronaut / Cosmonaut), પૃ. 71)