Categories
વાચન સમૃદ્ધિ

દાદાની દરિયાની વાત

દરિયાકિનારે આવેલી ઊંચી ટેકરી પર ઝૂંપડીમાં રહેતો વૃદ્ધ હાગામુચી પ્રતિદિન નજર સામે હિલોળા લેતો સાગર આંખ ભરીને જોયા કરતો હતો. અતિ વૃદ્ધ હાગામુચીને બીજું કામ પણ શું હતું ? અને આ સાગરદર્શનનો આનંદ એટલો બધો હતો કે બીજું કામ કરવાની વૃત્તિ પણ ક્યાંથી થાય ? બાળપણમાં દાદા-દાદી પાસેથી દરિયાલાલની કેટલીય કથાઓ સાંભળી હતી અને ત્યારથી દરિયો હાગામુચીના મનમાં વસી ગયો હતો. એ દાદાએ દરિયાનાં શાંત જળની સાથોસાથ દરિયાઈ તોફાન અને ઝંઝાવાતોની કેટલીય વાસ્તવકથાઓ કહી હતી. એક વાર વહેલી સવારે ટેકરી પરથી હાગામુચીએ દરિયા તરફ જોયું તો કોઈ મોટું દરિયાઈ તોફાન ધસમસતું આવતું હતું. બાળપણમાં દાદાએ કહેલી વાતનું સ્મરણ થયું. દરિયાનાં અતિ ઊંચે ઊછળતાં અને વેગથી ધસમસતાં આ વિનાશક મોજાંઓ તળેટીનાં ખેતરોમાં કામ કરતા લોકો પર ફરી વળશે તો ? હાગામુચી ગમે તેટલી જોરથી બૂમ પાડે, તોય સંભળાય તેમ નહોતું. ટેકરી પરથી ઝડપભેર નીચે ઊતરીને સહુને ચેતવવા જાય, તો વિલંબ થઈ જાય. હવે કરવું શું ? હાગામુચીએ ટેકરી પરની પોતાની ઝૂંપડી પર આગ ચાંપી અને એ આગના ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊડવા લાગ્યા. તળેટીનાં ખેતરોમાં કામ કરતા લોકો આગની જ્વાળાઓ અને ઊંચે ઊડતા ધુમાડા જોઈને ટેકરી પર દોડી આવ્યા. બધા ખેડૂતો આગ ઓલવવા એકબીજાની મદદ કરવા માટે ટેકરી પર આવ્યા. આવીને એમણે આગથી ભડભડ સળગતી ઝૂંપડી જોઈ અને બાજુમાં નિરાંતે ઊભેલા હાગામુચીને જોયા. હાગામુચીની નજર તો દરિયામાં ઊછળતાં અતિ પ્રચંડ મોજાંઓ પર હતી. બધાંને આશ્ચર્ય થયું કે પોતાની ઝૂંપડી ભડકે બળે છે અને હાગામુચી તો હાથ જોડીને ઊભા છે! હજી કશું પૂછવા માટે કોઈ એની પાસે પહોંચે, એ પહેલાં તો પ્રચંડ દરિયાઈ મોજાંઓ નીચેનાં ખેતરો પર ફરી વળ્યાં. હાગામુચીએ પોતાની ઝૂંપડી બાળીને દરિયાઈ પ્રલયમાંથી અનેકના જીવ બચાવી લીધા.

Categories
વાચન સમૃદ્ધિ

વિમલાતાઈ ઠકાર

જ. 25 એપ્રિલ, 1921 અ. 11 માર્ચ, 2009

અધ્યાત્મનો પુરસ્કાર કરનાર દાર્શનિક અને સંનિષ્ઠ જીવનસાધક વિમલાતાઈ ઠકારનો જન્મ રામનવમીના દિવસે, મહારાષ્ટ્રમાં થયો હતો. પિતાનું નામ બાપુસાહેબ, જેઓ વ્યવસાયે વકીલ હતા. માતાનું નામ ચંદ્રિકા, જેઓ ‘અક્કા’ના હુલામણા નામથી અંગત વર્તુળમાં જાણીતાં હતાં. પિતાની તેજસ્વિતાનો વારસો પુત્રી વિમલામાં પણ ઊતર્યો હતો. નાનાના પરિવારમાં સત્સંગનું વાતાવરણ હતું. તેમની પાસેથી વિમલાતાઈએ નાનપણથી જ સ્વાશ્રય, પરિશ્રમ, સચ્ચાઈ અને વ્યવહારશુદ્ધિના સંસ્કાર લીધા. પાંચ વર્ષની વયથી જ ઈશ્વરની ખોજ શરૂ થઈ અને ચૌદ વર્ષની વયે સંન્યાસ લેવાની પ્રતિજ્ઞા કરી. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહારાષ્ટ્રના વર્હાડ પ્રદેશના અકોલા નગરમાં થયું હતું. ત્યારબાદ નાગપુરની મહિલા કૉલેજમાંથી બી.એ. અને ત્યાંની જ મોરિસ કૉલેજમાંથી દર્શનના વિષય સાથે એમ.એ.ની પદવી સર્વોચ્ચ ગુણવત્તા સાથે પ્રાપ્ત કરી. કૉલેજમાં ભણતાં હતાં ત્યારે અમેરિકામાં યોજાયેલ ‘વર્લ્ડ ઍસેમ્બ્લી ઑવ્ યૂથ’માં દેશની યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કરવાની તક સાંપડી તથા ‘વર્લ્ડ કાઉન્સિલ ઑવ્ યંગ વિમેન’ની વૈશ્વિક પરિષદમાં પણ ભાગ લીધો હતો. યુનેસ્કો દ્વારા પ્રતિનિધિત્વ પ્રાપ્ત થતાં જિનીવા ખાતે યોજવામાં આવેલી યુવા પરિષદમાં પણ સક્રિય ભાગ લીધો હતો. નાગપુરમાં ભણતાં હતાં ત્યારથી દાદા ધર્માધિકારીના અંગત પરિચયમાં આવ્યાં અને તેમની સાથે સર્વોદય સંમેલનમાં હાજરી આપી. વિનોબા ભાવેના ‘ભૂદાન’ આંદોલનમાં ચૌદ વર્ષ સુધી સક્રિય ભાગ લીધો. દેશમાં કટોકટીનો વિરોધ કરનારાંઓમાં વિમલાતાઈ પણ જયપ્રકાશ નારાયણ સાથે મોખરે હતાં. તેઓ મૂલ્યનિષ્ઠ રાજકારણ, અર્થકારણ અને સમાજકારણનાં પ્રખર હિમાયતી હતાં. તે ઉપરાંત તેઓ ‘અનાગ્રહી ચિત્ત’ તથા ‘સંસારમુક્ત ચેતના’નાં પુરસ્કર્તા હતાં. વિમલાતાઈએ કોઈ સંપ્રદાય, મઠ કે આશ્રમની સ્થાપના કરેલી નથી કે અનુયાયીઓના કોઈ વર્ગને માળખાકીય માન્યતા આપેલી નથી. તેઓ ઘણાં વર્ષોથી આબુ પર્વત પર એકાંતમાં નિવાસ કરતાં હતાં અને અધ્યાત્મ-ચિંતનમાં પોતાનો સમય પસાર કરતાં હતાં. તેમના માર્ગદર્શન હેઠળ જે પ્રવૃત્તિઓ ચાલતી હતી તે ત્રણ એકમોની નિશ્રામાં ચાલતી હતી : ગુજરાત બિરાદરી, વિમલ પ્રકાશન અને જીવનયોગ ફાઉન્ડેશન. તેમના વિચારો પર પ્રકાશ પાડતા ગ્રંથોમાં 91 અંગ્રેજી ભાષામાં, 123 ગુજરાતીમાં, 46 હિંદીમાં અને 27 મરાઠીમાં પ્રકાશિત થયા છે. તેમનાં પ્રવચનો અને પ્રશ્નોત્તરીની કૅસેટો પણ બહાર પડી છે.

Categories
વાચન સમૃદ્ધિ

અલ્જિરિયા

ઉત્તર આફ્રિકાનો ભૂમધ્ય સમુદ્રને કિનારે આવેલો એક આરબ દેશ. ભૌગોલિક સ્થાન : 28° 00´ ઉ. અ. અને 3° 00´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. (આશરે 24 લાખ ચો.કિમી.) તે વિસ્તારની દૃષ્ટિએ દુનિયામાં દસમા ક્રમે આવે છે. તેની ઉત્તરે ભૂમધ્ય સમુદ્ર, ઈશાને ટ્યૂનિસિયા અને પૂર્વે લિબિયા તથા દક્ષિણે નાઇજર અને માલી, નૈઋત્યે મોરિટાનિયા અને પશ્ચિમે સહરા તથા મૉરોક્કો આવેલા છે. મોટા ભાગનું અલ્જિરિયા રણ છે, જ્યાં કોઈ રસ્તા કે ગામ વસેલાં નથી. દક્ષિણે આવેલું સહરાનું રણ દેશનો 15 % જેટલો વિસ્તાર ધરાવે છે. ઉત્તરે ભૂમધ્ય સમુદ્રને કિનારે આવેલાં મેદાનોમાં એટલાસ પર્વતમાળાનો ઉત્તર છેડો છે. અલ્જિરિયા સૂકો પ્રદેશ છે. વરસાદ ઘણો ઓછો પડે છે. ચેલીફ અને હમીઝ અહીંની મુખ્ય નદીઓ છે. ઘઉં, જવ, બીટ, શાકભાજી, ફળો, તમાકુ અહીંના મુખ્ય પાક છે.

અલ્જિરિયામાંથી મળતો કુદરતી વાયુનો ભંડાર

રશિયા, અમેરિકા અને ઈરાન પછી સૌથી વધુ કુદરતી વાયુની અનામતો અલ્જિરિયામાં છે. વિશ્વનો 15 % જેટલો પારાનો પુરવઠો અલ્જિરિયા પૂરો પાડે છે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુ અહીંનાં સૌથી મહત્ત્વનાં ખનિજો છે. અલ્જિરિયાની કમાણીનો મોટો હિસ્સો પેટ્રોલિયમ અને કુદરતી વાયુના વેચાણમાંથી આવે છે. આ ઉપરાંત પારો, લોખંડ, ફૉસ્ફેટ, જસત, સીસું અને તાંબું અહીંનાં અન્ય ખનિજો છે. અહીં ઘેટાં, બકરાં, ઊંટ, ઘોડા, ગધેડાં જેવાં પ્રાણીઓ જોવા મળે છે. બૂચનાં વૃક્ષો અલ્જિરિયામાં વ્યાપક પ્રમાણમાં થાય છે. વિશ્વમાં લાકડાના ઉત્પાદનમાં અલ્જિરિયાનો ત્રીજો ક્રમ છે. અલ્જિરિયાની કુલ વસ્તી 4.74 કરોડ (2026, આશરે) જેટલી છે. બર્બર જાતિનાં કેટલાંક સ્થાયી તો કેટલાંક ભટકતાં જૂથો આ દેશના અતિપ્રાચીન રહેવાસીઓ હોય તેમ જણાય છે. અરબોમાં કાબિલે અને ઝાબાઇટ જૂથો છે. સહરા પ્રદેશમાં તૌરેગ નામક વિચરતી જાતિ વસે છે. વળી સુદાનની નિગ્રો પ્રજાની વંશજ ગણાતી હારાતીન પ્રજા દેશભરમાં છૂટીછવાઈ વસે છે. તેઓ અરબી, ફ્રેન્ચ અને બર્બર ભાષા બોલે છે. તેઓ ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ પાળે છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અલ્જિરિયા, પૃ. 67)