Categories
વાચન સમૃદ્ધિ

વેર્નર હાઇઝન્બર્ગ

જ. 5 ડિસેમ્બર, 1901 અ. 1 ફેબ્રુઆરી, 1976

ક્વૉન્ટમ યાંત્રિકીના સર્જન અને વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર જર્મન ભૌતિકશાસ્ત્રી હાઇઝન્બર્ગનો જન્મ વુર્ઝબર્ગ, જર્મનીમાં થયો હતો. 1920 સુધી તેમણે મ્યૂનિકની મેક્સમિલન શાળામાં અભ્યાસ કર્યો. મ્યૂનિક યુનિવર્સિટીમાં સોમરફિલ્ડ, વીન પ્રિન્ગશેઇમ અને રોઝેન્થલના માર્ગદર્શન હેઠળ ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. ત્યારબાદ 1922-23માં ગોટિંગજનમાં ભૌતિકવિજ્ઞાનનો વધુ અભ્યાસ કર્યો. 1923માં મ્યૂનિક યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. તેઓ હંમેશાં ગ્રીક ભાષાથી પ્રભાવિત હતા. જાપાની ભૌતિકવિજ્ઞાની યુકાવા શોધિત મૂળભૂત કણ મેસોટ્રૉનનું, હાઇઝન્બર્ગે ગ્રીક ભાષાની  જાણકારીને કારણે મેસૉન નામ રાખ્યું જે આજે પણ પ્રચલિત છે. 26 વર્ષની વયે લાઇપઝિંગ યુનિવર્સિટીમાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિમાયા. 1929માં યુ.એસ., જાપાન અને ભારતમાં વ્યાખ્યાનો આપ્યાં. 1941માં બર્લિન યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક અને કૈઝર વિલ્હેમ ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિઝિક્સના નિયામક તરીકે નિયુક્ત થયા. બીજા વિશ્વયુદ્ધને અંતે તેમને અમેરિકન લશ્કરી દળોએ કેદી તરીકે ઇંગ્લૅન્ડ મોકલી દીધાં, પરંતુ 1946માં પાછા જર્મની આવી ગયા. તેમણે કેમ્બ્રિજ (ઇંગ્લૅન્ડ), યુ.એસ.માં વ્યાખ્યાનો આપ્યાં. તેમણે સ્કૉટલૅન્ડમાં ગિફૉર્ડ વ્યાખ્યાનો આપ્યાં. આ વ્યાખ્યાનોને પાછળથી પુસ્તકનું સ્વરૂપ આપવામાં આવ્યું. 1920ના દાયકામાં તેમણે ક્વૉન્ટમ યાંત્રિકીને નવું સ્વરૂપ આપ્યું અને તે ગાળામાં અચોક્કસતા (indeterminancy)નો સિદ્ધાંત આપ્યો. સામાન્ય રીતે આ સિદ્ધાંત હાઇઝન્બર્ગના અચોક્કસતા સિદ્ધાંત તરીકે પ્રચલિત છે. 1957 બાદ તેમણે પ્લાઝમા ભૌતિકી અને ન્યૂક્લિયર પ્રક્રિયાઓ પર કામ કર્યું. તેમણે એકીકૃત ક્ષેત્ર સિદ્ધાંત (unified field theory) પર પણ ધ્યાન આપ્યું અને તેમને લાગ્યું કે ભૌતિકવિજ્ઞાનમાં મૂળભૂત કણોના અભ્યાસ માટે આ સિદ્ધાંત ચાવીરૂપ છે. ક્વૉન્ટમ યાંત્રિકીના સર્જન અને પ્રયોજનને કારણે હાઇડ્રોજનનાં વિવિધ સ્વરૂપો(autotropic forms)ની શોધ બદલ 1932માં તેમને ભૌતિકવિજ્ઞાનના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

વૃક્ષને માટે દુઆ

અધ્યયન પૂર્ણ કરીને શિષ્ય રબ્બી નહમને પોતાના ગુરુ સંત રબ્બી ઇસાકને પોતાને માટે દુઆ માગવાનું કહ્યું, ત્યારે ગુરુ રબ્બી ઇસાકે પોતાના શિષ્યને એક કથા સંભળાવી. એમણે કહ્યું, ‘એક માનવી રણમાં સફર કરી રહ્યો હતો. એનું ભાથું તદ્દન ખૂટી ગયું હતું. હવે કરવું શું ? એ સમયે રણમાં સફર કરતી વખતે એની નજર એક સુંદર ફળવાન વૃક્ષ પર પડી. એણે એ વૃક્ષનાં મીઠાં મધુરાં ફળ ખાધાં અને પછી એ વૃક્ષના છાંયડે નિરાંતે ઘસઘસાટ ઊંઘી ગયો. જાગ્યા પછી એણે ઝાડની નજીક આવેલા વહેતા ઝરણામાંથી પાણી પીધું અને પોતાની જાતને કહેવા લાગ્યો, ‘જિંદગીમાં ક્યારેય આવાં મધુર ફળ આરોગ્યાં નથી. જ્યારે ભૂખથી મારો જીવ નીકળી જતો હતો, ત્યારે આ વૃક્ષે મને ભોજન આપ્યું અને એના છાંયડામાં આશરો આપ્યો. હું એને કઈ રીતે શુક્રિયા કહું ? એને હું કઈ દુઆ આપું ?’ ગુરુ રબ્બી ઇસાકે આ વાત કહીને શિષ્ય રબ્બી નહમનને પ્રશ્ન પૂછ્યો, ‘શું એ માણસે એવી દુઆ કરવી જોઈએ કે આ વૃક્ષનાં ફળ મીઠાં મધુરાં રહે ? જો એ આવું કરે તો એ એની મૂર્ખતા જ ગણાય, કારણ કે એ મીઠાં મધુરાં ફળનો આસ્વાદ તો માણી ચૂક્યો હતો. જો એ એવી દુઆ કરે કે હે વૃક્ષ ! તું વધુ ને વધુ ઘટાદાર બન, તો તે પણ બરાબર નહીં, કારણ કે એની ઘટાદાર છાયામાં તો એ ઘસઘસાટ ઊંઘી ગયો હતો. અને જો એ એવી દુઆ કરે કે તારી નજીક સદા ઝરણું વહ્યા કરે, તો એણે નજીક વહેતા ઝરણામાંથી જ પાણી પીધું હતું.’ આ વાત કરીને રબ્બી ઇસાકે પોતાના શિષ્ય રબ્બી નહમનને પૂછ્યું, ‘ત્યારે તમે જ કહો કે વૃક્ષને માટે એણે કઈ દુઆ કરવી જોઈએ ?’ શિષ્ય રબ્બી નહમન વિચારમાં પડી ગયો એટલે ગુરુએ કહ્યું, ‘એણે તો એ દુઆ કરવી જોઈએ કે બીજાં વૃક્ષો તારા જેવાં કલ્યાણકારી બને. ભૂખ્યાને ભોજન આપનારાં અને થાકેલાને આરામ આપનારાં થાય. તેથી જો હું તને જ્ઞાનપ્રાપ્તિની દુઆ આપું, તો એ તો તારી પાસે મોજૂદ છે. ધન પણ તારી પાસે છે. સંતાનની દુઆ આપું, તો એ પણ તારી પાસે છે. હવે હું એટલી જ દુઆ આપીશ કે તારાં બાળકો તારા જેવાં જ્ઞાની અને સેવાભાવી બને.’

Categories
વાચન સમૃદ્ધિ

રમેશચંદ્ર મજુમદાર

જ. 4 નવેમ્બર, 1888 અ. 11 ફેબ્રુઆરી, 1980

ભારતના જગપ્રસિદ્ધ ઇતિહાસકાર રમેશચંદ્ર મજુમદારે ઇતિહાસ વિષય સાથે એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરીને પ્રેમચંદ રાયચંદ સ્કૉલરશિપ મેળવી હતી. ‘કૉર્પોરેટ લાઇફ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા’ વિષય પર મહાનિબંધ લખીને તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી  પ્રાપ્ત કરી હતી અને ત્યાં વ્યાખ્યાતા તરીકે કામ પણ કર્યું હતું. ત્યારબાદ ઢાકા યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર અને તે પછી ઉપકુલપતિ તરીકે સેવા બજાવી હતી. બનારસ હિંદુ યુનિવર્સિટીમાં સેવા આપ્યા બાદ નાગપુર યુનિવર્સિટીની કૉલેજ ઑફ ઇન્ડોલૉજીના આચાર્ય તરીકે તેમણે યશસ્વી સેવા બજાવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સની શિકાગો અને પેન્સિલવેનિયા યુનિવર્સિટીએ તેમને મુલાકાતી પ્રાધ્યાપક તરીકે નિમંત્ર્યા હતા. રમેશચંદ્ર મજુમદાર ભારતની અને વિદેશની ઇતિહાસવિષયક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા હતા. ઇન્ડિયન હિસ્ટ્રી કૉંગ્રેસ, ઑરિયેન્ટલ કૉન્ફરન્સ અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિસ્ટોરિકલ સ્ટડીઝના પ્રમુખ તરીકે તેમણે સફળ કામગીરી કરી હતી. તેઓ કૉલકાતાની એશિયાટિક સોસાયટી, ગ્રેટ બ્રિટન અને આયર્લૅન્ડની રૉયલ એશિયાટિક સોસાયટી તથા મુંબઈની એશિયાટિક સોસાયટીના માનાર્હ ફેલો હતા. તેઓ ભારતીય વિદ્યાભવન, મુંબઈના માનાર્હ અધ્યક્ષ અને ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ, પુણેના માનાર્હ સભ્ય હતા. ડૉ. રમેશચંદ્ર મજુમદારને ભારતની વિવિધ યુનિવર્સિટીઓ અને શિક્ષણ-સંસ્થાઓએ વ્યાખ્યાનમાળાઓ આપવા આમંત્રણ આપ્યું હતું. તેમના ઇતિહાસને લગતા અનેક સંશોધન-લેખો દેશવિદેશનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થયા છે. ‘ધી અર્લી હિસ્ટ્રી ઑફ બૅંગોલ’ (1925) નામના લઘુગ્રંથમાં તેમણે ઉત્તર-વૈદિક કાળથી, પાલવંશનું શાસન સ્થપાતાં સુધીનો ઇતિહાસ આલેખ્યો છે. આ સિવાય તેમણે ‘હિંદુ કૉલોનિઝ ઇન ધ ફાર ઈસ્ટ’ (1944), ‘એશિયન્ટ ઇન્ડિયા’ (1952), ‘ધ ક્લાસિકલ એકાઉન્ટ્સ ઑફ ઇન્ડિયા’ (1960) જેવાં પુસ્તકો લખ્યાં છે. ઇતિહાસક્ષેત્રે કરેલા અમૂલ્ય પ્રદાનની કદર કરીને જાદવપુર યુનિવર્સિટી તથા કલકત્તા યુનિવર્સિટીએ તેમને ડિ.લિટ.ની માનાર્હ ઉપાધિ આપી હતી. કૉલકાતાની સંસ્કૃત કૉલેજ તરફથી તેમને ‘ભારતતત્ત્વભાસ્કર’નું બિરુદ અને મુંબઈની એશિયાટિક સોસાયટી તરફથી ‘કૅમ્પબેલ ગોલ્ડ મેડલ’ આપવામાં આવ્યા હતા.