Categories
વાચન સમૃદ્ધિ

હરણ

ખરીવાળા પગવાળું, વાગોળનારું, એક સસ્તન પ્રાણી.

આ વન્ય પ્રાણી જંગલ, પર્વત તથા ઘાસિયાં મેદાનોમાં વસે છે. ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, ઍન્ટાર્ક્ટિકા, મધ્ય અને દક્ષિણ આફ્રિકા સિવાયના વિશ્વના અન્ય દેશોમાં તે જોવા મળે છે. હરણની આશરે ૫૩ જાતિઓ છે, જે વિવિધ કદ ધરાવે છે. ‘મૂસ’ (Moose) મોટામાં મોટા કદનું હરણ છે અને તે ઉત્તર અમેરિકા અને કૅનેડામાં વસે છે. નરમૂસ ૨.૩ મીટરની ઊંચાઈ તથા ૮૧૫ કિગ્રા. વજન ધરાવે છે. તેનાં શિંગડાં ૧.૪ મીટર પહોળાં અને ૨૭ કિગ્રા. વજન ધરાવે છે. જ્યારે પુડુ તે સૌથી નાના કદનું હરણ દક્ષિણ અમેરિકામાં વસે છે. તે ૩૦ સેમી. ઊંચું અને ૬.૮ કિગ્રા. વજન ધરાવે છે. હરણની અન્ય જાતોમાં રેન્ડિયર, રેડ ડિયર, હંગલ (કાશ્મીરી સાબર), સાબર, ચીતળ, ભસતું હરણ, કસ્તૂરીમૃગ વગેરેનો સમાવેશ થાય છે. નીલગાય, કાળિયાર, શિંકારા, ચતુ:શૃંગી વગેરે હરણની જાતિનાં પણ અલગ પ્રકારનાં મૃગો છે – તે ઘેટાં-બકરાં કે ગાય-ભેંસના સમૂહનાં (bowidas) પ્રાણીઓ છે. હરણની બે મુખ્ય જાતિઓ તેમનાં શિંગડાંથી અલગ પડે છે. તેમાં એક જાતનાં મૃગો, ખરી પડે તેવાં શાખા-વિભાજિત શિંગડાં ધરાવે છે. તેમનાં શિંગડાં ઉપર મખમલ જેવી રુવાંટીનું આચ્છાદન હોય છે, જ્યારે બીજી જાતનાં મૃગો શાખાવિહીન અને ખરે નહીં તેવાં શિંગડાં ધરાવે છે. તેમનું મૂળ અસ્થિ સાથે જોડાયેલું હોય છે. આવાં મૃગો ‘ઍન્ટિલોપ’ કહેવાય છે. તેમનાં શિંગડાં વળવાળાં અને અણીદાર હોય છે; દા. ત., કાળિયાર, શિંકારા વગેરે.

હરણ

હરણ લાંબા પગ, મોટી આંખો, સુંદર ત્વચા અને શિંગડાં ધરાવે છે. તેની શ્રવણશક્તિ અને ઘ્રાણશક્તિ ઘણી તીવ્ર હોય છે. શિંગડાં વડે નર માદાને મેળવવા માટે બીજા નર જોડે યુદ્ધ કરે છે. પોતાના રક્ષણ માટે પણ તે શિંગડાંનો ઉપયોગ કરે છે. માદાને શિંગડાં હોતાં નથી. હરણ ટોળામાં રહેવાનું પસંદ કરે છે. માદાઓ તેનાં બચ્ચાં સાથે સમૂહમાં રહે છે. તે જ્યારે નરની સરહદમાં પ્રવેશે છે ત્યારે નર આ જૂથનો વડો બની જાય છે. રામાયણમાં સીતાના હરણ માટે સુવર્ણમૃગનું રૂપ લઈ મારીચ રાક્ષસ તેને લલચાવે છે અને તેનો વધ કરવા રામને જવું પડે છે તે વાત જાણીતી છે. ઘણી બાળવાર્તાઓમાં હરણની વાત આવે છે. ‘હરણ’ અને ‘મૃગ’ શબ્દો એક જ અર્થમાં વપરાય છે, પરંતુ ‘Deer’ માટે ‘હરણ’ અને ‘ઍન્ટિલોપ’ માટે ‘મૃગ’ શબ્દ વપરાય તો ઇષ્ટ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હરણ, પૃ. 116)

Categories
વાચન સમૃદ્ધિ

યશવંત હોલકર

જ. 3 ડિસેમ્બર, 1776 અ. 28 ઑક્ટોબર, 1811

અંગ્રેજોને ઘૂંટણિયે પડવા મજબૂર કરનાર ઇન્દોર રાજ્યના છઠ્ઠા હોલકર રાજા યશવંતરાવ હોલકરનો જન્મ મહારાષ્ટ્રના વડગાંવમાં થયો હતો. પિતા તુકોજીરાવ અને માતા યમુનાબાઈ. તેઓ ફારસી, મરાઠી અને ઉર્દૂ ભાષાના જાણકાર હતા. ગ્વાલિયરના રાજા દૌલતરાવ સિંધિયાએ યશવંતરાવના મોટા ભાઈ મલ્હારરાવની હત્યા કરી એ પછી એમણે પોતાના લોકોમાંથી વિશ્વાસ ગુમાવી દીધો. તેમણે પોતાની સેના તૈયાર કરી. તેમણે શેવેલિયર ડુડ્રેનેકના નેતૃત્વની સેનાને હરાવી આથી અંગ્રેજોએ યશવંતરાવને હોલકરના વડા તરીકે સ્વીકાર્યા. 1802માં તેમણે પુણેના પેશ્વા અને સિંધિયાની સંયુક્ત સેનાને હરાવી. યુદ્ધ જીત્યા પછી પુણેના નાગરિકોને નુકસાન ન પહોંચાડવાનો આદેશ આપ્યો. તેમણે ભારતમાં અંગ્રેજોના વધતા સામ્રાજ્યને રોકવાના પ્રયત્નો કર્યા. નાગપુરના ભોસલે અને ગ્વાલિયરના સિંધિયા તેમની સાથે જોડાયા અને દગો કર્યો. તેમણે એકલા હાથે અંગ્રેજોની સેનાને હરાવી. 11 સપ્ટેમ્બર, 1804માં વેલેસ્લીએ લૉર્ડ લ્યુકને પત્ર લખ્યો કે જો યશવંતરાવને કાબૂમાં નહીં લેવામાં આવે, તો તે અન્ય રાજાઓ સાથે જોડાઈને ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢશે. યશવંતરાવે 1804માં દિલ્હી પર હુમલો કર્યો. એક અઠવાડિયા સુધી ઘેરો કર્યો, પરંતુ સફળતા મળી નહીં. તેમની બહાદુરી માટે શાહઆલમે તેમને ‘મહારાજાધિરાજ રાજ રાજેશ્વર અલીજા બહાદુર’નું બિરુદ આપ્યું. સિંધિયા યશવંતરાવની બહાદુરી જોઈને તેમની સાથે જોડાતાં અંગ્રેજોની ચિંતા વધી. આથી અંગ્રેજોએ તેમની સાથે બિનશરતી સંધિ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જેને યશવંતરાવે નકાર્યો. બધા શાસકોને એક કરવામાં નિષ્ફળતા મળતાં તેમણે 1805માં અંગ્રેજો સાથે સંધિ કરી. અંગ્રેજોએ તેમને સ્વતંત્ર શાસક તરીકે માન્ય રાખ્યા અને તેમના બધા પ્રદેશો પાછા આપ્યા. યશવંતરાવે ભાનપુરમાં દારૂગોળો બનાવવા કારખાનું નાંખ્યું. તેમણે દિવસ-રાત કામ કર્યું. તેમણે 200 જેટલી તોપોનું  ઉત્પાદન કરાવ્યું. તેમણે આખું જીવન દેશી રાજ્યોના રાજાઓને એક કરવા અને અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવામાં વિતાવ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

આપણી પીડાનો આપણને સંદેશ

તમે માનસિક રીતે હતાશા અનુભવો છો ? શરીરનો મેદ એટલો બધો વધી ગયો છે કે સાંધામાં પારાવાર દુઃખાવો થાય છે ? કુટુંબજીવનમાં ચાલતા ક્લેશથી વારંવાર લાગણીમય આઘાતો અનુભવવા પડે છે ? જીવનમાં વ્યક્તિ માનસિક, શારીરિક કે લાગણીમય પીડા અનુભવે છે, ત્યારે એ પોતાની પીડાને માથે લઈને ફર્યા કરે છે અને સતત એનાં જ ગીત ગાયા કરે છે. બીજી બધી બાબતો ભૂલીને પોતાની પીડાના વિચારને સતત ખંજવાળ્યા કરે છે. પરિણામે જીવનની પ્રત્યેક પીડામાં રહેલો સંદેશ એ પામી શકતો નથી. એ પીડા એને સાચી સલાહનો જે પુરસ્કાર આપે છે, તે પ્રાપ્ત કરી શકતો નથી. દરેક પીડા વખતે મન એમ વિચારે છે કે ‘આમ કર્યું હોત, તો આ ન થયું હોત. જીવનમાં સાચી સમજણ કેળવી હોત, તો હતાશા આવી ન હોત. ગુટકાના વ્યસનીઓ સમય જતાં થતી પીડાથી જ્યારે પરેશાન થાય, ત્યારે ગુટકાને દોષ આપે છે. શરીરની નબળાઈની ફરિયાદ કરે છે. ભૂખ લાગતી નથી, કહી વસવસો કરે છે, પણ વ્યસનના પ્રારંભકાળે જાગ્યો નહીં, તે એને યાદ આવતું નથી. નિયમિત વ્યાયામ અને પૌષ્ટિક ખોરાક પર લક્ષ કેન્દ્રિત કરીને આરોગ્યનું ધ્યાન રાખ્યું હોત, તો સ્થૂળ કાયાને પરિણામે થયેલો સાંધાનો દુઃખાવો ન થયો હોત. નાની નાની તુચ્છ બાબતોને ભૂલીને સહુની સાથે પ્રેમથી વ્યવહાર કર્યો હોત તો આટલો મોટો કુટુંબક્લેશ થયો ન હોત. પ્રત્યેક પીડા મનને સતત એની ભૂલ બતાવે છે. પોતાની ભૂલનો એ વસવસો કરે છે અને પીડામાં જ પોતાનું જીવન વ્યતીત કરે છે, પરંતુ દરેક પીડાનો એક બીજો સંદેશ છે અને તે છે પીડામુક્ત બનવાનો. પીડાનો એ સંદેશ કાન દઈને સાંભળવો જોઈએ. તમારી પીડા કહે છે કે મનની હતાશા ખંખેરી નાખો, શરીરના આરોગ્યને પ્રાથમિકતા આપો અને કુટુંબમાં સ્નેહનું વાતાવરણ સર્જો.