Categories
વાચન સમૃદ્ધિ

હોળી

હિન્દુઓનો એક અગત્યનો તહેવાર. હોળી આપણો સામાજિક તહેવાર છે. તે જનસામાન્યનું પર્વ છે. ખાસ કરીને આદિવાસીઓ તે ખૂબ ઉત્સાહથી  ઊજવે છે. આ પર્વ ફાગણ મહિનાની પૂનમે ઊજવાય છે. આ પર્વ ફાગણ માસમાં આવતું હોવાથી તેને ‘ફાલ્ગુનિક’ પણ કહે છે. ભારતભરમાં ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં આનંદ-ઉલ્લાસપૂર્વક આ ઉત્સવ ઊજવાય છે. રાજસ્થાનમાં તો આ પર્વને દિવાળીથી પણ વધુ મહત્ત્વ અપાય છે. ત્યાંની લઠ્ઠામાર હોળી જાણીતી છે. આ ઉત્સવના સંદર્ભમાં ફાગુ-ગીતોની પરંપરા પણ પ્રચલિત છે. પુરાણકાળથી આ પર્વની સાથે પ્રહલાદની વાત જોડાયેલી છે. ઘણાં વર્ષો પૂર્વે હિરણ્યકશિપુ નામનો દૈત્યવંશનો એક રાજા હતો. તેને પ્રહલાદ નામનો એક વિષ્ણુ-ભક્ત પુત્ર હતો. હિરણ્યકશિપુ પોતાને ભગવાનથીય ચડિયાતો માનતો હોવાથી તેનો પુત્ર પ્રહલાદ ભગવાનનું નામ લે તે તેને પસંદ નહોતું. તેણે પોતાના પુત્રને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા, પણ તેણે ભગવાનનું નામ લેવાનું છોડ્યું નહિ. હિરણ્યકશિપુએ પ્રહલાદને મારવા અનેક પ્રયત્નો કર્યા પણ રામ રાખે તેને કોણ ચાખે ? અંતે પ્રહલાદની ફોઈ હોલિકાને અગ્નિ બાળી ન શકે તેવું વરદાન હોવાથી તેને પ્રહલાદની હત્યા કરવાનું કામ સોંપ્યું. હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેઠી, પરંતુ ધર્મના પ્રતાપે પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો અને હોલિકા બળીને મૃત્યુ પામી. આમ, અધર્મ પર ધર્મનો વિજય થયો. તેની યાદમાં ફાગણ માસની પૂનમના દિવસે હોળીનો તહેવાર ઊજવવામાં આવે છે.

હોળી પ્રગટાવીને પૂજા-પ્રદક્ષિણા કરતા લોકો

ગામમાં કે શહેરમાં રહેતા લોકો અનુકૂળ જગ્યાએ લાકડાં ગોઠવીને ખડકલો કરે છે. તેમાં છાણાં પણ ગોઠવે છે. તેના પર સુકાયેલાં છાણાં(હોળૈયાં)નો હાર ચઢાવવામાં આવે છે. પછી સંધ્યાકાળે, મુહૂર્ત અનુસાર અગ્નિ પ્રગટાવી તેની પૂજા-પ્રદક્ષિણા કરવામાં આવે છે. નાળિયેર, ધાણી, ખજૂર વગેરે અગ્નિમાં હોમવામાં આવે છે. હોળીને મથાળે નાનકડી ધજા રોપાય છે. કેટલાક તેને પ્રહલાદ ભગતનું પ્રતીક માને છે. કેટલાક ધજા ફરકે કે પડે તેની દિશા ઉપરથી ઋતુમાનનો સંકેત ગ્રહણ કરે છે. હોળીના દિવસે લોકો ધાણી-ચણા તથા ખજૂર વગેરે લે છે, કેટલાક ઉપવાસ પણ રાખે છે. આ ટાણે ખાંડના હારડા લોકો લે છે. વળી ઢોલ-નગારાં પણ વગાડાય છે. પ્રાચીન કાળમાં તો આ સમયે ખેતરોમાંથી નવું પાકેલું ધાન્ય ઘરોમાં લવાતું. આ નવું અનાજ પ્રથમ દેવને અર્પણ કરીને પોતાના ઉપયોગમાં લેવાતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હોળી, પૃ. 207)

Categories
વાચન સમૃદ્ધિ

અરવિંદ રાઠોડ

જ. 14 ફેબ્રુઆરી, 1941 અ. 1 જુલાઈ, 2021

ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અભિનેતા અને અખબારી છબીકાર અરવિંદ રાઠોડનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેમના પિતા અમદાવાદમાં દરજીકામ કરતા હતા. શાળામાં ભણતા હતા ત્યારથી સંગીત અને નાટકમાં રસ હતો. શાળામાં પ્રાર્થના ગવડાવતા. દસેક વર્ષની ઉંમરે ‘નટુ-ગટુ’ નાટકમાં નટુનું પાત્ર ભજવનાર છોકરો બરાબર નહોતો તેથી તેનું પાત્ર તેમણે ભજવ્યું. આ રીતે અભિનયની શરૂઆત થઈ. શાળા-કૉલેજમાં અભિનય માટે ઇનામો મળ્યાં હતાં. તેઓ મિત્રના સ્ટુડિયોમાં જતા અને ફોટોગ્રાફીની બધી જ ટૅકનિક શીખ્યા. તેમને અભિનય અને સારામાં સારાં કપડાં પહેરવાનો શોખ હતા. તેમણે ‘ગુજરાત સમાચાર’માં ફોટોજર્નાલિસ્ટ તરીકે કામ કર્યું હતું. તેઓ મુંબઈ ગયા. ફિલ્મજગતમાં તસવીરકાર તરીકે ઘૂમતા હતા. એમણે અરુણા ઈરાનીના પિતા ફરદૂન ઈરાનીના નાટક ‘મોટા ઘરની વહુ’માં ભૂમિકા કરી. એ ભૂમિકાને કારણે તેમણે પત્રકાર તરીકેની નોકરી છોડવી પડી. તેમણે રાજેશકુમાર નામે બાર વર્ષ સુધી નાટકો કર્યાં. તેમણે દિલીપકુમાર અને સાયરાબાનુના નિકાહ વખતે ફોટા પાડ્યા અને બદરી કાચવાલાના સામયિકના છેલ્લા પાને એ ફોટા છપાયા. બીજા દિવસે દિલીપકુમારે કહ્યું કે એ ફોટોગ્રાફરને મારા તરફથી એક હજાર રૂપિયાનું ઇનામ ! 1967-68માં ‘પ્રીત પિયુ ને પાનેતર’ નાટક માટે મુંબઈ ગયા. રાજ કપૂરે તેમને ‘મેરા નામ જોકર’માં નાનકડો રોલ આપ્યો અને ત્યારથી ફિલ્મો સાથે જોડાયા. 1967માં તેમની પહેલી ફિલ્મ ‘ગુજરાતણ’ આવી. એ પછી ‘કંકુ’, ‘સંસારલીલા’, ‘જનનીની જોડ’, ‘જનમટીપ’, ‘ભાદર તારાં વહેતાં પાણી’, ‘જેસલ તોરલ’ જેવી ઘણી ફિલ્મોમાં તેમણે કામ કર્યું. ‘ભાદર તારાં વહેતાં પાણી’માં ‘જેઠા’ની ભૂમિકાથી તેઓ ખલનાયક તરીકે લોકપ્રિય બન્યા. તેમણે 250 જેટલી ફિલ્મો, ધારાવાહિકો અને 70થી વધુ નાટકોમાં કામ કર્યું. તેમણે ‘કોરાકાગઝ’, ‘અગ્નિપથ’, ‘ખુદાગવાહ’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું. તેમણે ‘મને અજવાળાં બોલાવે’ નાટકનું દિગ્દર્શન પણ કર્યું હતું. તેમને અનેક ઍવૉર્ડઝ મળ્યા હતા. 2006માં ‘થોડી ખુશી થોડે ગમ’ માટે તેમને શ્રેષ્ઠ અભિનેતા તરીકે ભારતીય ટેલિ ઍવૉર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

તેજપુર

અસમના શોણિતપુર જિલ્લાનું વહીવટી મથક. આ પૂર્વે તે દારાંગ જિલ્લાનું વડું મથક હતું. તે 26° 37´ ઉ. અ. તથા 92° 47´ પૂ. રે. પર બ્રહ્મપુત્ર નદીના જમણા કાંઠે વસેલું છે. તે શિલૉંગથી 147 કિમી. ઈશાન તરફ આવેલું છે. વસ્તી : 1,48,000 (2025, આશરે). નગરના આસપાસના વિસ્તારમાં ચા, શેરડી, ડાંગર, શણ તથા રાઈની પેદાશ થાય છે. અહીંથી કૉલકાતા તરફ મોટા પાયા પર ચાની નિકાસ થાય છે, અને તે માટે નગરમાં ચા પર પ્રક્રમણ કરવાના એકમો  વિકસાવવામાં આવ્યા છે. નગરમાં ઉચ્ચશિક્ષણની કૉલેજો તથા સરકારી ઔદ્યોગિક પ્રશિક્ષણ સંસ્થા (ITI) છે. નગરની કૉલેજો ગુવાહાટી યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે.

મહાભૈરવ મંદિર

આ નગર ઉત્તરીય રેલવેનું અંતિમ મથક છે. નગરની બાજુમાં સલાનિબારી હવાઈ મથક વિકસાવવામાં આવ્યું છે. લશ્કરી દૃષ્ટિએ આ નગર વિશેષ મહત્ત્વ ધરાવે છે. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન મિત્ર રાષ્ટ્રોના સૈનિકોને ચીનના કુનમિંગ ખાતે ઉતારવા માટે અહીંના વિમાની મથકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારત-ચીન-યુદ્ધ (1962) દરમિયાન તે ભારતીય લશ્કરનું મહત્ત્વનું થાણું હોવાથી ચીની સૈનિકોએ યુદ્ધના પ્રથમ તબક્કામાં જ આ નગર પર આક્રમણ કર્યું હતું. પુરાણપ્રસિદ્ધ રાજા બાણાસુરનું પાટનગર શોણિતપુર એ જ આજનું તેજપુર એવી માન્યતા પ્રચલિત છે. 10મી સદીમાં નગર પાલ રાજાઓની રાજધાનીનું શહેર હતું. તે જમાનાના કેટલાક શિલાલેખો, કોતરણીઓ તથા મંદિરોના ભગ્ન અવશેષો અહીં છે. કામરૂપના 12મી સદીના શાસક વલ્લભદેવનાં પાંચ તામ્રપત્ર પણ ત્યાંથી મળી આવ્યાં છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8