જ. ૧૬ ઑગસ્ટ, ૧૯૨૧ અ. ૧૨ ઑગસ્ટ, ૨૦૦૬

પૂર્વ ભારતની મણિપુરી નૃત્યશૈલીને ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી વિસ્તારનાર નૃત્યાંગના સવિતાબહેનનો જન્મ પોરબંદરના સાહસિક ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ તથા સંતોકબાના કુટુંબમાં થયો હતો. વડોદરાની આર્યકન્યા વિદ્યાલયમાં શિક્ષણ લીધું ત્યારબાદ લંડન યુનિવર્સિટીમાંથી શિક્ષણનો ડિપ્લોમા મેળવી ૧૯૫૦માં પિતાએ પોરબંદરમાં સ્થાપેલ આર્યકન્યા શાળાના આચાર્યાની પદવી સંભાળી. નૃત્યશૈલીમાં વિશેષ રસ જાગ્રત થતાં પિતાની નામરજી છતાં મણિપુરી નૃત્યશૈલી અપનાવવા મણિપુરનો અઘરો પ્રવાસ ખેડ્યો. ત્યાંના રાજવી કુટુંબના નૃત્યગુરુ પંડિતરાજ આતોમ્બાબુની સલાહથી તબેતસંગબન અમુદનજી શર્મા પાસે નૃત્યશિક્ષણ મેળવ્યું. ૩૦૦૦ વર્ષ પૂર્વેનાં ગુહ્યાર્થવાળાં નૃત્યો શીખ્યાં. સાથે સાથે તેના સાંકેતિક તાલ, અંગસંચાલન, લાસ્ય-તાંડવ પ્રકાર, કરતાલ, મૃદંગ અને ડફ વગાડવાની પદ્ધતિ, સંગીતના રાગો, મૈતેયી સાહિત્ય, મણિપુરી સંસ્કૃતિ, યોગ અને ત્યાંની ગૂઢ વિદ્યાનો પણ ઊંડો અભ્યાસ કર્યો. ૧૯૫૫માં મણિપુરી નૃત્યની સાધનાને અપનાવી બિરદાવવા બદલ ત્યાંના રાજવી પરિવાર, ગુરુજનો અને સંસ્થાઓએ સવિતાબહેનને ‘મૈતેયી જગોઈ હંજબી’, ‘દ્વિતીય ઉષ્મ’, ‘સંગીતરત્નાકર’ અને ‘ચંદ્રપ્રભા’ જેવા માનાર્હ પુરસ્કારોથી નવાજ્યાં. હોળીના મુખ્ય ઉત્સવ નિમિત્તે શ્રી ગોવિંદજીના મંદિરમાં નૃત્ય સાથે મૃદંગ, ડફ અને કંજરી વાદન કરવાનો એક બિન-મણિપુરી ઉપરાંત મહિલા તરીકેનો વિરલ અવસર પ્રાપ્ત થયો. ૧૯૭૨માં ‘જયપત્ર’ એનાયત થયું. તેમણે મણિપુરી નૃત્યશૈલીના અટપટા તાલ અને રાગપદ્ધતિ વિશે ગુરુઓ પાસેથી માર્ગદર્શન મેળવી, સંશોધન કરી ‘દશકોશ’ નામે ગ્રંથ તૈયાર કર્યો જેનું ૧૯૮૨માં વિમોચન કર્યું. ગુજરાત રાજ્યે ૧૯૩૭માં તેમને તામ્રપત્ર અર્પિત કર્યું. મણિપુરી સાહિત્ય પરિષદે ૧૯૭૬માં ‘નૃત્યરત્ન’થી તેમને પુરસ્કૃત કર્યાં અને મણિપુરી રાજ્યકલા અકાદમીએ ‘ફેલોશિપની પદવી આપી. તેમને ‘વિશ્વગુર્જરી’નો ઍવૉર્ડ પણ અર્પણ થયેલો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેમને ડી.લિટ.ની પદવી એનાયત કરી હતી. આ ઉપરાંત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલિંસઘે ‘યોગશિરોમણિ’ના ઇલકાબથી સવિતાબહેનને નવાજ્યાં હતાં.
રાજશ્રી મહાદેવિયા