Categories
વાચન સમૃદ્ધિ

હેમુ કાલાણી

જ. 23 માર્ચ, 1923 અ. 21 જાન્યુઆરી, 1943

ક્રાંતિકારી અને સ્વરાજસેનાના નેતા હેમુ કાલાણીનો જન્મ સિંધના સખ્ખર ખાતે સિંધી પરિવારમાં થયો હતો. પિતા પેસુમલ અને માતા જેઠીબાઈ. તેમનું મૂળ નામ હેમનદાસ હતું. તેમણે સખ્ખરની તિલક હાઈસ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમનામાં બાળપણથી દેશદાઝની ભાવના હતી. તેમણે મિત્રો સાથે મળીને વિદેશી માલનો બહિષ્કાર કરવા માટે ઝુંબેશ ચલાવી હતી. તેઓ ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન સંલગ્ન સ્વરાજ સેનાના નેતા હતા. તેમને રમતગમતમાં રસ હતો. તેમને કુસ્તીનો શોખ હતો આથી કૃષ્ણ મંડળ અખાડામાં જોડાયા હતા. તેઓ સખ્ખરના લૅન્સડાઉનમાં પુલ પરથી સિંધુ નદીમાં કૂદી પડી સામે કિનારે નીકળી જતા. સિંધમાં સ્વતંત્રતાપ્રાપ્તિ માટે આંદોલને વેગ પકડ્યો હતો. હેમુએ મુખ્ય કલેક્ટરની ઑફિસ પર યુનિયન જેક ઉતારીને તિરંગો લહેરાવ્યો હતો. તેઓ દૃઢપણે માનતા કે ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવા હોય તો માત્ર વિરોધપ્રદર્શન પૂરતું નથી. અંગ્રેજોને પાઠ ભણાવવો જોઈએ. હેમુ અને સાથીદારોને ખબર મળી કે 22 ઑક્ટોબરની રાત્રે સૈનિકો, દારૂગોળો અને પુરવઠાની ટ્રેન આવવાની છે. આ જાણી યુવાનોએ ટ્રેન ઉથલાવવાનો નિર્ણય કર્યો. બિસ્કિટ બનાવતી કંપની પાસેથી પસાર થતી રેલવેલાઇનની ફિશપ્લેટો કાઢવાનું નક્કી કર્યું. હેમુ અને સાથીદારો ફિશપ્લેટો કાઢવા ગયા, પરંતુ પોલીસ તેમને જોઈ ગઈ. હેમુના સાથીદારો પોલીસને જોઈ નાસી ગયા, પરંતુ હેમુ ત્યાં જ ઊભા રહ્યા. નાસીને કાયરતા બતાવવા કરતાં પકડાઈ જવાનું વધુ યોગ્ય લાગ્યું. અદાલતમાં કેસ ચાલ્યો. હેમુને ફાંસીની સજા કરવામાં આવી. સિંધના લોકોએ દયા માટે અરજી કરી, પણ અધિકારીઓએ શરત મૂકી કે હેમુની સાથેના કાવતરાખોરોનાં નામ હેમુ આપે, પરંતુ હેમુએ માહિતી આપવાની ના પાડી. ફાંસી આપવાના દિવસે તેમણે ભગવદ્ગીતાનો પાઠ કર્યો. ભગવદ્ગીતા અને માતૃભૂમિને નમન કર્યાં. ફાંસીના માંચડે ચડતાં પહેલાં એમના અંતિમ શબ્દો હતા, ‘અંગ્રેજો ભારત છોડો, ભારત માતા કી જય.’ તેમની સ્મૃતિમાં ભારતભરમાં વિદ્યાલયો, સોસાયટીઓ, હૉલ, વિસ્તાર, સર્કલ, માર્ગ, ચોક વગેરે સાથે હેમુ કાલાણીનું નામ જોડવામાં આવ્યું છે. 18 ઑક્ટોબર, 1983ના રોજ ભારત સરકારે તેમની ટપાલટિકિટ બહાર પાડી હતી. કમનસીબી એ છે કે પાકિસ્તાનમાં સખ્ખરમાં આવેલા હેમુ કાલાણી પાર્કનું નામ બદલીને કાસિમ પાર્ક રાખવામાં આવ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

અભયારણ્ય

વન્ય પ્રાણીઓના ભયમુક્ત વિહાર અને નિસર્ગ તથા વનસંપત્તિના જતન અને રક્ષણ માટેનું અનામત સ્થળ કે વિસ્તાર. ભારતના બંધારણમાં વન્ય જીવનને બચાવવા માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. તે પ્રમાણે દેશની નૈસર્ગિક વનસંપત્તિ અને પ્રાણીસૃષ્ટિનાં જતન અને સંરક્ષણ માટે ખાસ રક્ષિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે. તે વિસ્તારો અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનો તરીકે ઓળખાય છે. આ જોગવાઈને આધારે ત્યાં વસતા વન્ય જીવોને પૂરતું રક્ષણ મળે છે. આ માટેની કાયદાકીય જોગવાઈનું ઉલ્લંઘન કરનારને સજા થાય છે. વન અને વનમાંની પ્રાણીસૃષ્ટિ ભારતની અણમોલ રાષ્ટ્રીય સંપત્તિ છે. માનવ, પશુ-પક્ષી, વનસ્પતિ એકબીજાં સાથે એવા સંબંધોથી બંધાયેલાં છે કે વનસ્પતિ કે પશુ-પક્ષીઓને નુકસાન થાય અથવા તેમનો નાશ થાય, તો તેની વિપરીત અસર મનુષ્યજાતિ પર પણ થાય છે. આથી જ અમુક પ્રાણી અથવા વનસ્પતિની કોઈ જાત નામશેષ થવાની સ્થિતિમાં જોવા મળે તો સમજવું કે પર્યાવરણ વિકૃત બનતું જતું હોવાનો તેમાં સંકેત છે. આથી જ વન્ય જીવજાતિઓની જાણકારી, તેમનો અભ્યાસ, તેમની જાળવણીની માહિતી વગેરે ધ્યાનમાં રાખીને જ દેશના વિકાસની યોજના ઘડાય છે.

કૉર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન

ભારતમાં અત્યારે ૫૫૬ અભયારણ્યો અને ૧૦૪ રાષ્ટ્રીય ઉદ્યાનો છે. બધાં જ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો એકસરખાં નથી. કેટલાંક ખાસ પ્રાણીઓની જાળવણી માટે છે; જેમ કે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તથા અભયારણ્ય સિંહની જાળવણી માટે છે. ત્યાં સિંહ ઉપરાંત જોવા મળતાં બીજાં પ્રાણીઓમાં દીપડા, ચિત્તલ, સાબર, નીલગાય, ચૌશિંગા, ચિંકારા, જંગલી ભુંડ, જરખ તેમ જ વિવિધ પક્ષીઓનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં આવેલા વેળાવદરમાં અભયારણ્યનું મુખ્ય પ્રાણી કાળિયાર છે. મધ્યપ્રદેશમાં આવેલું કાન્હા તથા ઉત્તરાંચલમાં આવેલું કૉર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ત્યાંના વન્ય જીવોની વિવિધતા તથા વિપુલતા માટે જાણીતાં છે. કાન્હામાં વાઘ, દીપડા, ચિત્તલ, સાબર, બારાસિંગ, જંગલી ભુંડ, મુંટજેક, કાળિયાર, ચૌશિંગા, જરખ, રીંછ વગેરે પશુઓ અને પક્ષીઓની ૨૦૦ જાતિઓ જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અભયારણ્ય, પૃ. 34)

Categories
વાચન સમૃદ્ધિ

અમિયભૂષણ મજુમદાર

જ. 22 માર્ચ, 1918 અ. 8 જુલાઈ, 2001

બંગાળી ભાષાના ખ્યાતનામ નવલકથાકાર. તેમનો જન્મ બ્રિટિશ ઇન્ડિયાના સમયના કૂચબિહાર જિલ્લા(હાલમાં પશ્ચિમ બંગાળ)માં બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. 1937માં તેઓએ સ્કોટિશ ચર્ચ કૉલેજ, કલકત્તા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો આરંભ કર્યો, પણ ગંભીર માંદગીને લીધે તેમને કૂચબિહાર પાછા આવવું પડ્યું. થોડા મહિના બાદ તેઓ વિક્ટોરિયા કૉલેજ(હાલમાં આચાર્ય બ્રિજેન્દ્રનાથ સીલ કૉલેજ)માં દાખલ થયા અને 1939માં અંગ્રેજી વિષયમાં ઑનર્સ સાથે બી.એ.ની ઉપાધિ મેળવી. અંગ્રેજી ઉપરાંત ગણિતશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃત, ફિલૉસૉફી અને કાયદાશાસ્ત્રમાં પણ તેમની સારી હથોટી હતી. કુટુંબની આર્થિક પરિસ્થિતિને કારણે તેમણે કૂચબિહાર હેડ પોસ્ટઑફિસમાં નોકરી લેવી પડી અને તેજસ્વી શૈક્ષણિક કારકિર્દીને તિલાંજલી આપવી પડી. તેઓ મજૂરસંઘની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહ્યા અને સાથે સાથે લેખનપ્રવૃત્તિ પણ ચાલુ  રાખી. તેઓ એક શક્તિશાળી લેખક હોઈ યુવાન લેખકોના પ્રેરણાસ્રોત બની રહ્યા. 1961માં તેમણે ચાર ટૂંકી વાર્તાઓથી લેખનનો પ્રારંભ કર્યો. ત્યારબાદ ‘રાણી ઇન્દુમતી’, ‘મોહિત સેનેર ઉપાખ્યાન’, ‘અંધકાર’, ‘સ્વર્ણસીતા’, ‘સત્ આચાર’ અને ‘મૃણ્મયી ઑપેરા’ જેવી અનેક વાર્તાઓ દ્વારા આદર્શવાદના અનુસંધાનમાં વાચકોને જોડવા પ્રયત્ન કર્યો. તેમની નોંધપાત્ર નવલકથાઓમાં ‘નીલ ભૂંઈયા’, ‘ગાર શ્રીખંડ’, ‘રાજનગર’, ‘દુખિયાર કુઠિ’, ‘નિર્વાસ’, ઉદ્વાસ્તુ’, ‘માહિષ્કુરાર ઉપકથા’, ‘વિલાસ વિનય વેદના’ તથા ‘ચાંદ બેને’નો સમાવેશ થાય છે. તેમની નવલકથાઓ ઐતિહાસિક નથી છતાં ઇતિહાસની અસર જોવા મળે છે.  તેમના સાહિત્યમાં સમાજજીવનનું સાચું પ્રતિબિંબ જોવા મળે છે. તેમની શૈલી બૌદ્ધિક પ્રભાવથી છટાદાર અને આકર્ષક લાગે છે. તેમના આવા વિશિષ્ટ પ્રદાન બદલ તેમને ઘણા પુરસ્કાર પ્રાપ્ત થયા છે. 1972માં ત્રિવૃત પુરસ્કાર, 1984માં ઉત્તર બંગ સંવાદસાહિત્ય પુરસ્કાર, 1986માં પશ્ચિમ બંગાળ સરકારનો બંકિમ પુરસ્કાર તથા તે જ વર્ષમાં નવલકથા ‘રાજનગર’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવેલા. આ ઉપરાંત કલકત્તા યુનિવર્સિટી, કલ્યાણી યુનિવર્સિટી, યુનિવર્સિટી ઑફ નૉર્થ બૅંગાલ દ્વારા માનદ ડી.લિટ.ની ઉપાધિ પણ આપવામાં આવી હતી.