સિક્કા : નિયત ધાતુ અને તોલનું શાસક દ્વારા અધિકૃત વિનિમય-માધ્યમ, ચલણી નાણું. સિક્કાશાસ્ત્ર : સિક્કાઓનો અભ્યાસ, જેમાં કરવામાં આવે છે તે શાસ્ત્ર. તેને મુદ્રાવિજ્ઞાન (numismatics) પણ કહે છે. ઇતિહાસનો એક મહત્ત્વનો સ્રોત સિક્કાશાસ્ત્ર ગણાય છે. તે પરથી રાજકીય, આર્થિક, ધાર્મિક ઇતિહાસ તથા તે પ્રદેશ અને તે કાળની ભાષા અને લિપિ પર પ્રકાશ પડે છે. પ્રાચીન સમયમાં સોના, ચાંદી, તાંબું, લોખંડ જેવી અનેક ધાતુઓમાંથી સિક્કાઓ બનાવવામાં આવતા હતા. સોનામાંથી બનાવેલા સિક્કા સોનામહોર કહેવાતા હતા. સિક્કાઓમાં રાજા કે રાણીની છાપ, વર્ષ, તેમના ઇષ્ટદેવ કે દેવીની આકૃતિઓ કે ધર્મનું સૂત્ર છપાતાં. ભારતનાં જુદાં જુદાં સંગ્રહસ્થાનો, ખાનગી સંસ્થાઓ અને વ્યક્તિઓ સિક્કાનો સંગ્રહ કરે છે. ખોદકામ દરમિયાન કેટલીક વાર સિક્કાઓનો ચરુ પણ મળી આવે છે. સિક્કાઓ લાંબા સમય સુધી એવા ને એવા રહે છે; આથી તેના દ્વારા ઇતિહાસ જાણી શકાય છે. તેના વડે ભૂતકાળ પર વધારે પ્રકાશ પડી શકે છે.

ભારતના સૌથી પ્રાચીન સિક્કા, આહત સિક્કા (punch marked) છે. તે ઈ. સ. પૂ. ત્રીજીથી ચોથી સદીમાં પ્રચલિત હતા. આ પછીના ઈ. સ. પૂર્વે ૧૨૦ની સાલના ઇન્ડો-ગ્રીક સિક્કાઓ મળે છે. ત્યારબાદ ઇન્ડો-પાર્થિયન, કુશાન અને ક્ષત્રપ સિક્કાઓ પણ જોવા મળ્યા છે. ભારતમાં અનેક નાનામોટા રાજ્યવંશોની સત્તા રહી હતી. તેઓના સિક્કા જોવા મળે છે; દા. ત., મૌર્ય વંશ, પંચાલ, કૌશાંબી, કુશાણ, ગુપ્તવંશ વગેરેના. ભારતના ઇતિહાસમાં ગુપ્તકાલને સુવર્ણકાલ ગણવામાં આવે છે. તે હકીકત સિક્કાના ક્ષેત્રમાં પણ લાગુ પડે છે. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારપછી ૧૯૫૦ના આરંભ સુધી બ્રિટિશ ઢબના સિક્કા ચલણમાં રહ્યા હતા. ત્યારબાદ ભારત પ્રજાસત્તાક થતાં ભારતે નવા સિક્કા પાડવાના શરૂ કર્યા. તેનાં તોલમાપ અને આકાર બ્રિટિશ સિક્કા જેવાં જ રખાયાં. ત્યારે ૧ પૈસો, ૨ પૈસા, ૧ આનો, ૨ આના, ૪ આના (પાવલી), ૮ આના (અડધો) તથા ૧ રૂપિયાના સિક્કા ચલણમાં હતા. ૧૯૫૭માં ભારતે તોલમાપમાં દશાંશપદ્ધતિ અપનાવી. ૧ પૈસો, ૫ પૈસા, ૧૦ પૈસા, ૨૫ પૈસા, ૫૦ પૈસા તથા રૂપિયાના સિક્કા ચલણમાં મુકાયા. એટલે હવે માત્ર ૧ રૂપિયો અને પૈસો – એમ બે જ એકમ રખાયા. આનાનું એકમ સદંતર રદ થયું, ગણતરી સરળ બની. સમય જતાં સિક્કાઓની ધાતુ અને વજનમાં ફેરફાર થતા રહ્યા. હાલમાં ૧ રૂપિયો, ૨ રૂપિયા, ૫ રૂપિયા અને ૧૦ રૂપિયાના સિક્કા ચલણમાં આવ્યા છે. હવે ૧ રૂપિયાથી ઓછા મૂલ્યના સિક્કા વપરાશમાંથી લગભગ બંધ થઈ ગયા છે. સિક્કામાં વપરાયેલી ધાતુની કિંમત પ્રમાણે સિક્કાનું જે મૂલ્ય થાય તેને સિક્કાનું ધાતુઈ મૂલ્ય કહેવાય છે. કાયદાથી નક્કી થયા મુજબ તેના લેવડદેવડના મૂલ્યને ચલણી મૂલ્ય કહેવાય છે. આ મુજબ પહેલાંના સમયમાં ચાંદી-સોનાના સિક્કા તેમના ચલણી મૂલ્ય કરતાં ઘણા મૂલ્યવાન હતા.
અંજના ભગવતી
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિક્કા અને સિક્કાશાસ્ત્ર, પૃ. ૧૯૦)