Categories
વાચન સમૃદ્ધિ

અખબાર

સમાચાર આપતું સામયિક.

‘અખબાર’ શબ્દ ‘ખબર’નું બહુવચન છે. તે પરથી તેનો અર્થ ખબર કે સમાચાર આપનારું પત્ર થાય. કાગળ પર છપાઈને આવતું હોઈ તેને ‘છાપું’ પણ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં ખબર કે સમાચારને ‘વર્તમાન’ કહેવામાં આવે છે, તેથી છાપેલા સમાચારને ‘વર્તમાનપત્ર’ કહેવામાં આવે છે. અખબાર સમાચાર મેળવવા અને લખવા માટે પત્રકારોને રાખે છે. એમાં મોટા ભાગના હેવાલ-લેખકો હોય છે, જેઓ રોજેરોજ બનતી મહત્ત્વની ઘટનાઓ વિશે લખે છે. દેશ-વિદેશના સમાચાર તેઓ સમાચારસંસ્થાઓ પાસેથી મેળવે છે. ૧૪મી સદીમાં ચીનમાં છાપકામની શોધ થઈ અને જર્મનીના જૉન ગૂટનબર્ગે ધાતુના ટાઇપ બનાવ્યા, તે પછી અખબારનો જન્મ થયો. અંગ્રેજી ભાષાનું પ્રથમ અખબાર ‘વીકલી ન્યૂઝ’ નેથાનીઅલ બટર નામના પત્રકારે ઈ. સ. ૧૬૨૨માં બ્રિટનમાં શરૂ કર્યું. ઈ. સ. ૧૬૯૦માં કેની બેન્જામિન હેરિસે અમેરિકાનું પ્રથમ અખબાર ‘પબ્લિક અકરન્સીઝ – બોથ ફૉરિન ઍન્ડ ડોમેસ્ટિક’ પ્રગટ કર્યું. ભારતમાં પહેલું અખબાર અંગ્રેજી ભાષામાં પ્રગટ થયું. ઈ. સ. ૧૭૮૦માં જેમ્સ ઑગસ્ટસ હીકીએ ‘બૅંગાલ ગૅઝેટ ઑર કલકત્તા જનરલ ઍડ્વર્ટાઇઝર’ નામથી તે પ્રગટ કર્યું. કૉલકાતા પછી ચેન્નાઈ અને મુંબઈથી પણ આ અખબાર શરૂ થયું. સૌથી પહેલું ભારતીય સમાચારપત્ર ઈ. સ. ૧૮૧૬માં ગંગાધર ભટ્ટાચાર્યે ‘બૅંગાલ ગૅઝેટ’ બંગાળી ભાષામાં પ્રગટ કર્યું.

અદ્યતન મુદ્રણપદ્ધતિ

પહેલું ગુજરાતી વર્તમાનપત્ર ઈ. સ. ૧૮૨૨ની પહેલી જુલાઈએ મુંબઈથી પ્રગટ થયું. શ્રી ફરદૂનજી મર્ઝબાને ‘શ્રી મુમબઈનાં શમાચાર’ નામનું અઠવાડિક પત્ર શરૂ કર્યું. ઈ. સ. ૧૮૩૨ની ત્રીજી જાન્યુઆરીએ એને દૈનિકમાં ફેરવી નાખ્યું. ભારતની આઝાદીના સમયમાં અખબારોએ ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઈ. સ. ૧૮૮૧માં બાળ ગંગાધર ટિળકે મરાઠી ભાષામાં ‘કેસરી’ અને ‘મરાઠા’ અખબારો પ્રસિદ્ધ કર્યાં, તો ૧૯૧૯માં મહાત્મા ગાંધીએ ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’ નામનાં અઠવાડિક શરૂ કર્યાં. અખબાર શરૂ કરતાં પહેલાં અખબારનું નામ, પ્રકાશનનું સ્થળ, તંત્રી, મુદ્રક, પ્રકાશક અને માલિકનાં નામ-સરનામાં સરકારમાં નોંધાવવાં પડે છે. વીસમી સદીમાં સંદેશાવ્યવહારમાં અને ટૅક્નૉલૉજીમાં ક્રાંતિકારી શોધો થવાથી અખબારનાં રૂપરંગ, કદ, સચિત્રતા, ગોઠવણી વગેરેમાં ઘણું પરિવર્તન આવ્યું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અખબાર, પૃ. 5)

Categories
વાચન સમૃદ્ધિ

ઇવાઝ કૈવિઝ જારોસ્લાવ

જ. 20 ફેબ્રુઆરી, 1894 અ. 2 માર્ચ, 1980

બહુમુખી પ્રતિભા ધરાવનાર, સાહિત્યકાર જારોસ્લાવનો જન્મ કાલ્નિક પોલૅન્ડમાં થયો હતો. 1912માં કીવ વિશ્વવિદ્યાલયમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો અને સાથે સાથે સંગીતશાળામાં પણ તાલીમ લેવાનું ચાલુ રાખ્યું. 1918માં તેઓ પોલૅન્ડની રાજધાની વૉર્સોમાં રહેવા ચાલ્યા ગયા. અહીં તે ઊર્મિકવિઓના ‘સ્કમાન્દર’ નામના મંડળના સહસ્થાપક બન્યા. 1923થી 1925નાં બે વર્ષ દરમિયાન તે પાર્લમેન્ટના સ્પીકરના અંગત સચિવ રહ્યા. ત્યારબાદ વિદેશ મંત્રાલયમાં જોડાયા. 1932થી 1936 દરમિયાન તેમણે જુદી જુદી મહત્ત્વની રાજકીય કામગીરી સ્વીકારી, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી રાજકીય પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લીધી. 1953માં શાંતિ માટેની પોલૅન્ડની સમિતિના અધ્યક્ષ તરીકેની જવાબદારી તેમણે સંભાળી અને પાર્લમેન્ટના અધ્યક્ષ તરીકે સેવા આપી, રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયા. 1943થી 1949 અને 1959થી 1972 એમ બે વખત તે પોલૅન્ડના લેખકસંઘના અધ્યક્ષ બન્યા. 1955થી તેમણે ‘ક્રિયેશન’ (Two rezosc) નામના સાહિત્યિક માસિકના મુખ્ય સંપાદક તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમનાં કાવ્યોમાં મુખ્યત્વે પોલૅન્ડનાં પ્રકૃતિદૃશ્યની ઊર્મિકવિતાનો આવિષ્કાર છે. ગદ્યલેખનના ક્ષેત્રે પણ તેમણે નિબંધો, નાટકો, જીવનચરિત્રો, ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ અને ભાષાંતરો દ્વારા તમામ સ્વરૂપોમાં વૈવિધ્યપૂર્ણ ખેડાણ કર્યું છે. તેમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘સ્ટોરીઝ’ (1959) તથા નવલકથા ‘ફેઇમ ઍન્ડ ગ્લૉરી’ વિશેષ ઉલ્લેખનીય છે. ત્રણ ખંડોમાં આલેખાયેલી તે નવલકથામાં 1914થી 1945 દરમિયાન પોલૅન્ડમાં વ્યાપેલી અશાંતિ અને ક્ષુબ્ધતાનું નિરૂપણ છે. તેઓ ચાર વખત સાહિત્ય માટેના નોબેલ પ્રાઇઝ માટે નામાંકિત થયા હતા. તેમને અનેક પોલિશ પારિતોષિકોથી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

તેલ-અવીવ (સત્તાવાર રીતે તેલ-અવીવ જાફા – Tel-Aviv Jaffa)

ઇઝરાયલનું જેરૂસલેમ પછીનું સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 32° 05´ ઉ. અ. અને 34° 48´ પૂ. રે.. મધ્યપૂર્વનું આ અત્યાધુનિક શહેર ઇઝરાયલનું મુખ્ય વ્યાપારી, નાણાકીય, ઔદ્યોગિક અને રાજકીય કેન્દ્ર છે. તે ભૂમધ્ય સમુદ્રના દરિયાકાંઠે નૈઋત્ય તરફ આશરે 80 કિમી. તથા જેરૂસલેમથી વાયવ્ય હાઇફાથી આશરે 56 કિમી. દૂર આવેલું છે. વિસ્તાર : 1516 ચોકિમી., તેની વસ્તી : 41,56,000 (2023, આશરે) છે. ઇઝરાયલની રચના પહેલાં તે એકમાત્ર યહૂદી વસ્તી ધરાવતું નગર હોઈને તેના મધ્યવર્તી સ્થાનને લઈને તે વ્યાપારી, રાજકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સૌથી વધારે મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું હતું. ઔદ્યોગિક કેન્દ્ર તરીકેના તેના વિકાસમાં મોટી સંખ્યામાં બહારથી આવેલ ટૅકનિકલ અને સંચાલકીય કૌશલ ધરાવતા લોકો અને મૂડીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. કાપડ, ઇલેક્ટ્રૉનિક્સ, ખાદ્ય-પ્રક્રમણ, રસાયણ, દવાઓ તથા યંત્રોના ઉત્પાદનને લગતા ઉદ્યોગો અહીં મુખ્ય છે. બૅંકો, શૅરબજાર, ચેમ્બર ઑવ્ કૉમર્સ તથા શ્રમ-સંઘનાં વડાં મથકો પણ તેલ-અવીવ ખાતે આવેલ છે. દેશના તમામ રાજકીય પક્ષોની વડી કચેરીઓ પણ અહીં છે. તેલ-અવીવમાંથી તમામ મુખ્ય અખબારોનું પ્રકાશન થાય છે.

ભૂમધ્ય સમુદ્રના કિનારે તેલ-અવીવ શહેર

1933માં હાઇફા ખાતે આધુનિક બંદરની શરૂઆત થતાં તેલ-અવીવ તથા જાફા ખાતેનાં નાનાં બંદરો બંધ કરવામાં આવ્યાં. રેલ માર્ગે તે હાઇફા, જેરૂસલેમ તથા બેરસેબા સાથે સંકલિત છે. ઇઝરાયલનાં તમામ નગરો સાથે તે અદ્યતન વિશાળ માર્ગોથી જોડાયેલું છે. લૉડ તેનું આંતરરાષ્ટ્રીય વિમાની મથક છે. ઇલાથ તથા ગેલીલી સાથેનો વિમાની સંપર્ક સ્થાનિક હવાઈ મથકેથી થાય છે. ઇઝરાયલની કલા અને રંગમંચની પ્રવૃત્તિઓનું કેન્દ્ર પણ તેલ-અવીવ બની રહ્યું છે. ત્યાં આવેલાં હાબીમા અને ચૅમ્બર નાટ્યગૃહો સુપ્રસિદ્ધ છે. ઇઝરાયલી ફિલહાર્મોનિક ઑરકેસ્ટ્રા તથા ઑપેરા પણ અહીંનું આકર્ષણ છે. તેલ-અવીવ યુનિવર્સિટીની સ્થાપના 1956માં થઈ. ‘શેલોમ ટાવર્સ’ નામની 32 માળની બહુમાળી ઇમારત યુનિવર્સિટીના કૅમ્પસની આભામાં વધારો કરે છે. તેનો શરૂઆતનો વિકાસ જાફાથી દૂર ઉત્તર તરફ મુગરાબી ચૉક સુધીનો હતો. 1930ના દાયકા દરમિયાન દરિયાકાંઠાની સાંકડી રેતાળ પટ્ટીને પગલે પગલે ઉત્તરમાં આવેલ યાર્કોન નદી સુધી તે વિસ્તર્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ (1939–45) પછી યહૂદી વસાહતીઓના ધસારાને સમાવવા માટે નવાં ઉપનગરો રચવામાં આવ્યાં અને તેનો વિસ્તાર નગરની પૂર્વ દિશાએ આગળ વધ્યો.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તેલ-અવીવ, પૃ. 922 અથવા જુઓ https://gujarativishwakosh.org/તેલ-અવીવ/)