Categories
વાચન સમૃદ્ધિ

આશારામ દલીચંદ શાહ

જ. 8 ફેબ્રુઆરી, 1842 અ. 26 માર્ચ, 1921

મોરબી, માળિયા, લાઠી રાજ્યોના કારભારી અને શિક્ષક આશારામનો જન્મ રાજકોટમાં. પિતા દલીચંદ અને માતા વખતબા. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં થયું. 1859માં પ્રાંતમાં યોજાયેલી પ્રથમ યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા પાસ કરી 17 વર્ષની ઉંમરે લીંબડીમાં શિક્ષક થયા. 1863માં જામનગર બદલી થઈ. 1865માં શિક્ષણ વિભાગમાંથી રાજીનામું આપી જામનગર રાજ્યમાં જોડાયા. જામનગર અને આમરણ વચ્ચે તકરાર ચાલતી હતી તેમાં તેમની નિમણૂક થઈ. પંચે જામનગર તરફી ચુકાદો આપ્યો. તેનો યશ તેમને મળ્યો. એ પછી તેઓ રાજકોટ ગયા અને એજન્સીની કોર્ટમાં વકીલાત કરવાની સનદ મેળવી. તેમને મોરબીના પાટવીકુમાર વાઘજી બીજાના શિક્ષક તરીકે નીમવામાં આવ્યા. પછી તેઓ મોરબીની શાળાના હેડમાસ્તર બન્યા. બ્રિટિશ રાજકીય એજન્ટે તેમને માળિયાના કારભારી નિયુક્ત કર્યા.  જુલાઈ, 1886માં કર્નલ વૉટસને તેમને લાઠીના મૅનેજર  નીમ્યા. તેમણે સાતેક વર્ષ સુધી લાઠી રાજ્યનું સંચાલન કર્યું. પછી તેઓ ચૂડામાં અને એ પછી બાંટવે અને સરદારગઢ (ગીદડ) રાજ્યના કારભારી તરીકે નિમાયા. 1898માં તેમણે સેવામાંથી નિવૃત્તિ લીધી.  તેઓ તલવાર, બંદૂક, કટાર વાપરી જાણતા હતા. તેઓ ઘોડેસવારીના શોખીન હતા. તેઓ ઊંટ ઉપર બેસીને લાંબી મુસાફરી કરતા હતા. તેમની સ્મરણશક્તિ તીવ્ર હતી. નિવૃત્તિ પછી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા. તેમણે ગુજરાતી કહેવતો, રૂઢિપ્રયોગો અને કહેવતોનો ‘ગુજરાતી કહેવત સંગ્રહ’ (1911માં) પ્રગટ કર્યો. 1901માં સ્વામિનારાયણ મંદિરના નેતૃત્વ અને સંપત્તિનો ઉત્તરાધિકારનો વિવાદ થતાં તેમને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા. સહજાનંદ સ્વામીએ જૉન માલ્ક્સની રાજકોટમાં મુલાકાત લીધી ત્યારે તેઓ  ઉપસ્થિત રહ્યા હતા.

Categories
સાંપ્રત કાર્યક્રમો

શ્રી મનસુખભાઈ જે. મેદાણીપ્રેરિત

સમાજ-ઉત્કર્ષ ઍવૉર્ડ

ગ્રામોત્થાનનાં અનેક કાર્યો કરનાર તથા કન્યાકેળવણીક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનાર `અમર ભારતી’ સંસ્થાનાં શ્રી રતનબહેન રાતડિયાને આ ઍવૉર્ડ એનાયત થશે.

પ્રાસંગિક : શ્રી ચંદ્રવદન શાહ – શ્રી રમેશ તન્ના

14 ફેબ્રુઆરી, 2026 – શનિવાર – સાંજના 5-30

Categories
વાચન સમૃદ્ધિ

તૃણાહારી (Herbivore)

પોષણ માટે વનસ્પતિ પેશીઓ પર પૂર્ણપણે આધાર રાખનાર પ્રાણી. તૃણાહાર માટેનાં અનુકૂલનોમાં વાગોળનારાં (ruminant) પ્રાણીઓમાં ચતુષ્ખંડ જઠર; કૃન્તકો(rodent)માં સતત વૃદ્ધિ પામતા છેદક દાંત; ઢોર, ઘેટાં-બકરાં, અન્ય પશુઓ અને હાથીમાં ચૂર્ણ કરવા માટે વિશિષ્ટીકરણ પામેલી દાઢ; પાણીની ગોકળગાય અને ચૂષક મુખવાળા બિડાલ–મત્સ્ય(sucker mouthed catfish-Plecostomus)માં રેતન જીભ(rasping–tongue)નો સમાવેશ થાય છે. કેટલાંક તૃણાહારીઓ એકાહારી (monophagus) હોય છે, જે એક જ પ્રકારનો ખોરાક ખાય છે; દા.ત. ઑસ્ટ્રેલિયન વૃક્ષવાસી શિશુધાનીસ્તની કૉએલા (Phascolarctos cinereus) નીલગિરિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે; પરંતુ મોટા ભાગનાં તૃણાહારીઓનાં ખોરાકમાં સાધારણ વૈવિધ્ય હોય છે.

ઑસ્ટ્રેલિયન વૃક્ષવાસી શિશુધાનીસ્તની કૉએલા (Phascolarctos cinereus)

સૌથી નાનાં પ્રાણીઓથી માંડીને સૌથી મોટાં પ્રાણીઓ સુધી પ્રાણીજીવનની પ્રત્યેક કક્ષા તૃણાહાર સાથે સંબંધિત હોય છે. ઉત્તર ધ્રુવીય ટુંડ્ર, ઉષ્ણકટિબંધીય જંગલ કે રણમાં  અથવા સૌથી ઊંચા પર્વત પર કે સમુદ્રકિનારે કે તેની મધ્યમાં થતી વનસ્પતિની કોઈ પણ જાતિ તૃણાહારથી બાકાત નથી. આ એક પારસ્પરિક આંતરપ્રક્રિયા છે; જ્યાં વનસ્પતિની સંખ્યા કે જથ્થામાં થતો ફેરફાર તૃણાહારીઓની સંખ્યા અને તેમના ભક્ષણના દરના ફેરફાર પર આધાર રાખે છે. તૃણાહારીઓ સમુદાયમાં અસ્તિત્વ ધરાવતી વનસ્પતિઓ દ્વારા ઉદ્ભવતા વધારાના વનસ્પતિદ્રવ્યનો જ માત્ર તેમના નિભાવ માટે સામૂહિક રીતે ઉપયોગ કરતાં હોય ત્યારે આ આંતરપ્રક્રિયા સમતોલનની અવસ્થાએ પહોંચી શકે. કેટલાંક તૃણાહારીઓ દ્વારા વનસ્પતિના જીવનાવશ્યક ભાગોનું ભક્ષણ થતાં સમય જતાં વનસ્પતિ મૃત્યુ પામે છે; દા. ત., બાર્ક બીટર પાઇન વૃક્ષને મેખલાકારે કોરે છે અથવા પક્ષીઓ અંકુરિત વનસ્પતિઓની નાજુક કૂંપળોને ખાઈ જાય છે. અન્ય તૃણાહારીઓ વનસ્પતિનાં પર્ણો, શાખા કે મૂળ જેવા ભાગોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે; જેથી વનસ્પતિ કુંઠિત બને છે. અથવા તેને કોઈ ખાસ અસર થતી નથી. તૃણાહાર સમુદાયમાં આવેલી વનસ્પતિઓની જાતિઓની સંખ્યા અને તેમના કુલ જૈવભાર(biomass)ને મર્યાદિત કરતું એક પરિબળ હોવાથી સમુદાયના બંધારણને અસરકર્તા છે. તે વનસ્પતિપેશીઓ જેમાંથી ઉદ્ભવે છે તેવાં પોષક ખનિજો, અંગારવાયુ અને પાણીના પુન:શ્ચક્રણ (recycling) માટેના સાધન તરીકે વર્તે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તૃણાહારી (herbivore), પૃ. 895 અથવા જુઓ https://gujarativishwakosh.org/તૃણાહારી/)