Categories
વાચન સમૃદ્ધિ

પુનિત મહારાજ

જ. ૧૯ મે, ૧૯૦૮ અ. ૨૭ ઑગસ્ટ, ૧૯૬૨

સેવાપરાયણ સંત, લોકભજનિક પુનિત મહારાજનો જન્મ ધંધૂકામાં શંકરભાઈ તથા લલિતાબહેનને ત્યાં થયો હતો. છ વર્ષની વયે પિતાનું અવસાન થતાં તેઓ આર્થિક મુશ્કેલીને કારણે મૅટ્રિક સુધી જ અભ્યાસ કરી શક્યા. તારખાતાની તાલીમ લઈ, અમદાવાદની તારઑફિસમાં નોકરીએ લાગ્યા. માતાથી હાડમારી ન જોવાતાં વતન પાછા બોલાવી લીધા. ધંધૂકા જઈ ‘ગર્જના’ દૈનિકમાં કારકુની કરી, આડકતરી રીતે પત્રકારત્વમાં પ્રવેશ કર્યો. અમૃતલાલ જી. શાહ સાથે ‘લલિત’ નામના માસિક અને ‘વીણા’ નામના સાપ્તાહિકના તંત્રી બન્યા. નીડર અને પ્રામાણિક પત્રકાર તરીકે પ્રતિષ્ઠા મેળવી સાથે ન્યૂ હાઈસ્કૂલમાં શિક્ષક અને ક્લાર્કની  નોકરી પણ કરી. માધ્યમિક શાળાના અભ્યાસથી જ શાંતિમિયાં નામના મુસલમાન શિક્ષકના સંપર્કથી કાવ્યસર્જનનાં બીજ રોપાયાં. કાવ્યસર્જનની સરવાણી ફૂટી. રોજના એક કાવ્યનો નિયમ થઈ પડ્યો. નિષ્ઠાપૂર્ણ અભ્યાસ અને લગનના પરિણામે ભજન અને આખ્યાનોની રચના થવા માંડી. એમના જીવન દરમિયાન એમણે ૩૫૦૦થી વધુ ભજનો, ચૈતન્ય મહાપ્રભુ, તુકારામ, નામદેવ, તુલસીદાસ, નરિંસહ મહેતા વગેરેના જીવન ઉપર આધારિત આખ્યાનો, ‘નવધાભક્તિ’ના ૧થી ૧૧ ભાગ; ‘પુનિત ભાગવત’ જેવો વિસ્તૃત ગ્રંથ; ‘વડલાનો વિસામો’, ‘જીવનનું ભાથું’, ‘પુનિત પ્રસાદી’ જેવી દૃષ્ટાંતકથાઓ એમ બધા મળીને ૬૦ જેટલા ગ્રંથો આપ્યા છે. પોતે ભજનો રચતા અને મધુર કંઠે ગાતા. કોઈ ભક્તનું આખ્યાન કહેતાં કહેતાં વચ્ચે ભજનો મૂકીને અવિરત કથા સાથે કીર્તનરસનું પાન પણ કરાવતા. કથ્ય વિષયને આબેહૂબ જીવંત રૂપે રજૂ કરી શ્રોતાઓને તરબોળ કરી દેતા. ભાખરીદાન, મફત રોગનિદાન યજ્ઞો, રાહતદરે દવાઓ જેવી પ્રવૃત્તિઓ એમણે જીવનભર કરી. ‘જનકલ્યાણ, ‘પુનિત સેવાશ્રમ’ અને મોટી કોરલનો સેવાશ્રમ તેમની માનવસેવા અને સમાજસેવાનાં ઉત્તમ ઉદાહરણ છે. તેમણે અંગત હિત ખાતર કોઈ દિવસ ભેટનો સ્વીકાર કર્યો નહોતો કે ખર્ચ લઈને ભજન નહોતાં કર્યાં. સમગ્ર ગુજરાતના ગામડે ગામડે ભજનો કરવા મંડળી સાથે  ચાલી નીકળતા અને સાથે સાથે માનવસેવાનાં કામો અને રાહતકામો કરતા. તેમણે સ્થાપેલ આશ્રમ અને ‘જનકલ્યાણ’ સામયિક હજુ પણ ઉત્તમ રીતે જનસેવા કરે છે.

Categories
વાચન સમૃદ્ધિ

કટાક્ષથી ઉત્તર

નાટ્યલેખક, વિવેચક અને વીસમી સદીના અગ્રણી વિચારક જ્યોર્જ બર્નાર્ડ શૉ(ઈ. સ. ૧૮૫૬થી ઈ. સ. ૧૯૫૦)ને ૧૯૨૫માં નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવેલા. તેમણે રોકડ રકમનો અસ્વીકાર કર્યો હતો. એમને મુક્ત ચિંતક, મહિલાઅધિકારોના પુરસ્કર્તા અને સમાજની આર્થિક સમાનતાના હિમાયતી તરીકે ઓળખવામાં આવ્યા. તેઓ એમના હાજરજવાબીપણા માટે પ્રસિદ્ધ હતા. તેઓ કોઈ પણ વ્યક્તિના કટાક્ષનો એવો પ્રત્યુત્તર આપતા કે સામેની વ્યક્તિ તદ્દન નિરુત્તર બની જતી.  એક વાર તેઓ એક હાસ્યલેખકને મળવા ગયા. એ હાસ્યલેખકે એમનો ઉષ્માપૂર્ણ અતિથિસત્કાર કર્યો. ઘણા લાંબા સમય સુધી બંનેએ અલકમલકની વાતો કરી અને અંતે બર્નાર્ડ શૉએ એ હાસ્યલેખક સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો. બર્નાર્ડ શૉએ કહ્યું, ‘આપણા બંનેના હાસ્યમાં ઘણી પ્રભાવક લાક્ષણિકતાઓ છે. જો આપણે બંને સાથે મળીને એક પુસ્તક લખીએ, તો એમાં હાસ્યની બેવડી મજા આવે.’ જ્યોર્જ બર્નાર્ડ શૉનો આ પ્રસ્તાવ બીજા હાસ્યલેખકને સ્વીકાર્ય નહોતો, આથી એણે એનો ઇન્કાર કરવા વિચાર્યું, પરંતુ એમ થયું કે સીધેસીધો આ પ્રસ્તાવ ઠુકરાવીશ, તો યોગ્ય નહીં ગણાય. વળી પોતે હાસ્યકાર છે એ સિદ્ધ કરવા માટે જવાબ તો કટાક્ષપૂર્ણ જ આપવો જોઈએ. એણે કહ્યું, ‘મિ. શૉ, તમારા પ્રસ્તાવ વિશે વિચારતાં મને એમ લાગે છે કે શું ક્યારેય ઘોડા અને ગધેડાને એકસાથે જોડી શકાય ખરા ?’ જ્યોર્જ બર્નાર્ડ શૉએ તત્કાળ ઉત્તર આપ્યો, ‘મિત્ર, તમને મારો પ્રસ્તાવ પસંદ પડ્યો નહીં, તેનો કંઈ વાંધો નહીં, પરંતુ મને કશાય કારણ વગર માણસમાંથી ઘોડો કેમ બનાવી રહ્યા છો ?’

બર્નાર્ડ શૉનો ઉત્તર સાંભળી વ્યંગ્યકાર છોભીલો પડી ગયો.

Categories
વાચન સમૃદ્ધિ

બહેરામજી મલબારી

જ. ૧૮ મે, ૧૮૫૩ અ. ૧૨ જુલાઈ, ૧૯૧૨

બહેરામજી મલબારી ભારતીય કવિ, લેખક અને સમાજસુધારક હતા, જેઓ મહિલાઓના અધિકારોના રક્ષણ અને બાળલગ્ન સામેની તેમની પ્રવૃત્તિઓ માટે તેમના પ્રખર હિમાયત માટે જાણીતા હતા. બહેરામજી મલબારીનો જન્મ વડોદરા ખાતે થયો હતો. તેઓ પારસી કારકુન ધનજીભાઈ મહેતા અને ભીખીબાઈના પુત્ર હતા. તેમને મેરવાનજી નાનાભાઈ મલબારી દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. મેરવાનજી માલાબાર કિનારે ચંદનનાં લાકડાં અને મસાલાનો વેપાર કરતા હતા, તેથી તેમનું નામ ‘મલબારી’ પડ્યું. ગુજરાતી અને અંગ્રેજી ભાષા ઉપર સારું પ્રભુત્વ હોવાથી મલબારીએ કવિ તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને ૧૮૭૫ની શરૂઆતમાં તેમણે ગુજરાતીમાં કવિતાઓનો એક ગ્રંથ પ્રકાશિત કર્યો. ત્યારબાદ ૧૮૭૭માં ‘The Indian Muse in English Garb’ નામનું પ્રકાશિત થયું, જેના દ્વારા તેમને પ્રસિદ્ધિ મળી. તેમનો ઝોક સાહિત્ય તરફ પણ વિશેષ હતો. પરિણામે અંગ્રેજી અને ગુજરાતી – બંને ભાષામાં કાવ્યો રચ્યાં. કોઈક સમયે, મલબારીએ બૉમ્બે (હાલનું મુંબઈ) શહેરમાં સ્થળાંતર કર્યું. ૧૮૮૦માં મલબારી ‘The Indian Spectator’ નામના પત્રના સંપાદક બન્યા અને વીસ વર્ષ સુધી તેનું સંપાદન કર્યું અને તેના માધ્યમથી ઘણા સામાજિક મુદ્દાઓને ઉઠાવ્યા. તેમણે ‘નીતિવિનોદ’ (૧૮૭૫), ‘ધ ઇન્ડિયન મ્યુઝ ઇન ઇંગ્લિશ ગેર્બ’ (૧૮૭૭), ‘ધ  ઇન્ડિયન આઇ ઑન ઇંગ્લિશ લાઇફ’ (૧૮૯૩) અને ‘ગુજરાત ઍન્ડ ગુજરાતીઝ’ (૧૮૮૨) જેવાં પુસ્તકો લખ્યાં છે. તેમણે બાળલગ્નને રોકવા માટે કાયદાકીય વ્યવસ્થાની માંગ કરી. તેમના પ્રયત્નોથી The Age of Consent Act ૧૮૯૧ પસાર થયો, જેના દ્વારા છોકરીઓના લગ્નની ન્યૂનતમ વય ૧૦ વર્ષથી વધારીને ૧૨ વર્ષની કરાઈ. મલબારીએ ભારતીય સમાજસુધારણા માટે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવ્યું. તેમણે  ઇંગ્લૅન્ડની યાત્રા કરી અને ત્યાં ભારતીય મહિલાઓના હક્ક માટે અવાજ ઉઠાવ્યો. બહેરામજી મલબારીએ જીવનના અંત સુધી લેખન અને ભાષણો દ્વારા સમાજસુધારણા માટે કામ કરવાનું ચાલુ રાખ્યું. તેમની આત્મકથા ‘The Life and Work of Behramji M. Malabari’ તેમના વિચારો અને યોગદાનને સમજવા માટે મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. ૧૯૦૧માં તેઓ માસિક ઈસ્ટ ઍન્ડ વેસ્ટના સંપાદક બન્યા, જે પદ તેઓ ૧૨ જુલાઈ, ૧૯૧૨ના રોજ સિમલામાં તેમના મૃત્યુના થોડા સમય પહેલાં સુધી સંભાળતા રહ્યા. તેમના મૃત્યુ પછી પણ ભારતીય સમાજસુધારણા અને સ્ત્રીઅધિકારના આગવા યોદ્ધા તરીકે તેમને યાદ કરવામાં આવે છે.