Categories
વાચન સમૃદ્ધિ

સિંહ

બિલાડીના કુળનું જગપ્રસિદ્ધ શિકારી સસ્તન પ્રાણી.

સિંહનું વૈજ્ઞાનિક નામ Panthera Leo, persica છે. સસ્તન વર્ગનું આ પ્રાણી ભારતનું અને ખાસ કરીને ગુજરાતનું ગૌરવ છે. વાઘ, દીપડો, ચિત્તા જેવાં પ્રાણીઓમાં સિંહનું સ્થાન મોખરાનું માનવામાં આવે છે. આ પ્રાણીનો દેહ મજબૂત, ખડતલ, સ્નાયુમય અને શક્તિશાળી હોય છે. નર અને માદાની ત્વચા બદામી, સોનેરી રંગની હોય છે. નરને કેશવાળી હોવાથી તે વધુ પ્રભાવશાળી લાગે છે. આને લીધે નર માદાથી અલગ પડે છે. સિંહનું કદ વાઘથી થોડું નાનું હોય છે. સિંહને ઘણા લોકો આળસુ પ્રાણી ગણે છે, પરંતુ સિંહ નિશાચર પ્રાણી છે તેથી દિવસે ગરમીમાં મોટા ભાગે આરામ કરતો હોય છે એટલે તે આળસુ લાગે છે. ખરેખર તે ઉમદા સ્વભાવનું પ્રાણી છે. સિંહનું કુદરતી રહેઠાણ સવાના પ્રકારનું ઘાસિયું જંગલ, સૂકું કંટકવન કે પાનખરનું ઝાંખરાંયુક્ત જંગલ છે. સિંહ ગુજરાતમાં સાસણગીરના જંગલમાં વાસ કરે છે. આ સિવાય હાલમાં ભારતમાં બીજી કોઈ જગ્યાએ સિંહ વસતા નથી. વિશ્વમાં આફ્રિકા ખંડના ઘણા દેશોમાં સિંહ વસે છે.

સિંહનું જીવન મનુષ્યની જેમ સામાજિક હોઈ ઘણું રસપ્રદ છે. તે ૧૦થી ૪૦ની સંખ્યામાં જૂથમાં રહે છે. તેમાં ૪થી ૫ નર, ૧૫થી ૨૦ જેટલી માદાઓ અને બાકીનાં બચ્ચાં હોય છે. પુખ્ત પ્રભાવી નર એ ટોળાનો નાયક હોય છે. ઘણી વાર નર સિંહ બીજા જૂથના સરદારને મારી ટોળાનો સરદાર બની જાય છે, આ સમયે જૂથમાં આવેલાં બીજાં નર બચ્ચાંને પણ તે મારી નાંખે છે. સિંહણો જીવનપર્યંત એક જ જૂથમાં રહે છે. વાઘ, ચિત્તો, દીપડો વગેરે આ કુળનાં બીજાં પ્રાણીઓ જૂથમાં રહેતાં નથી. આફ્રિકાનાં જંગલમાં જંગલી ભેંસ, વાઇલ્ડ બીસ્ટ જેવાં મોટાં પ્રાણીઓ હોવાથી તેમના શિકાર કરવા એકથી વધુ સિંહોની જરૂર પડે છે; તેથી ત્યાં સિંહોનાં મોટાં જૂથ હોય છે; જ્યારે ગીરમાં તેમનો મુખ્ય શિકાર ચીતળ હોવાથી જૂથમાં એક નર સિંહ જ રહે છે. સિંહણો બે કે ત્રણની સંખ્યામાં શિકારનો પીછો કરી, શિકાર કરે છે. તેઓની દોડવાની ઝડપ ચિત્તા કે વાઘ કરતાં ઓછી હોય છે અને લાંબા અંતર સુધી ભક્ષ્યનો પીછો તેઓ કરી શકતા નથી, પરંતુ શિકાર હાથવેંત આવતાં તેના ઉપર એકદમ તૂટી પડે છે. આકાશમાં ઊડતાં ગીધ, સમડી વગેરેના અને વાંદરાના અવાજોને આધારે તે પોતાનો શિકાર શોધી લે છે. શિકાર કરવાનો સમય સાંજ કે રાત્રિનો હોય છે. સિંહણો સાથે મળી શિકાર કરે અને સિંહ સૌપહેલાં તેને આરોગે પછી માદા અને બચ્ચાંનો વારો આવે છે. સિંહની ગર્જના લાક્ષણિક હોય છે. જંગલમાં સિંહની ડણક દૂર દૂર સુધી સંભળાય છે. ગર્જના કરતા સિંહ માથું જમીન તરફ રાખે છે અને તેથી તેનો શિકાર કે ભક્ષ્ય થનાર પ્રાણીઓ સિંહનું સ્થાન જાણી શકતાં નથી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિંહ, પૃ. ૨11)

Categories
વાચન સમૃદ્ધિ

કૃષ્ણવીર દીક્ષિત

જ. ૧૨ જુલાઈ, ૧૯૧૫ અ. ૧૩ એપ્રિલ, ૧૯૯૯

સંપાદક, વિવેચક અને પત્રકાર તરીકે જાણીતા કૃષ્ણવીર દીક્ષિતનો જન્મ સૂરતમાં થયો હતો. તેમના પિતાનું નામ ત્રૈલોક્યનારાયણ અને માતાનું નામ સૂર્યવદનગૌરી હતું. તેઓ ‘કૃ. દી.’ અને ‘પરંતપ’થી જાણીતા હતા. તેમણે સૂરતની એમ. ટી. બી. આર્ટ્સ કૉલેજમાંથી ૧૯૪૫માં બી.એ.ની ડિગ્રી મેળવી. તે પહેલાં તેઓએ સૂરત સુધરાઈનાં વિવિધ ખાતાંઓમાં કામગીરી કરેલી. ૧૯૩૬થી ૧૯૪૦ દરમિયાન સૂરતમાં શ્રી વિઠ્ઠલદાસ ઠાકોરદાસ હિંદુ ગુરુકુળમાં શિક્ષક રહ્યા. ત્યારબાદ ૧૯૪૫થી ૧૯૭૬ સુધી ‘જન્મભૂમિ’ દૈનિકમાં વૃત્તસંપાદક તરીકે કાર્ય કર્યું. માટુંગાની વિમેન્સ કૉલેજ અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક તરીકે સાતેક વર્ષ પત્રકારત્વ વિભાગમાં કામ કર્યું. તેમણે ૧૯૪૮થી ‘જન્મભૂમિ’માં સમાચારસંપાદક અને સાહિત્યવિભાગ ‘કલમ અને કિતાબ’ના સંપાદક તરીકે પણ કામ કર્યું હતું અને સાથે સાથે ૧૯૫૪થી સૂરતથી નીકળતા ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં ‘અક્ષરની આરાધના’ કૉલમનું મૃત્યુપર્યંત સંપાદન કર્યું. પુસ્તકોનાં અવલોકનો અને વૃત્તાંતનિવેદનની અપૂર્વ કામગીરી કરી. તેમની પાસેથી ગ્રંથકાર શ્રેણી અંતર્ગત ‘સ્વામી આનંદ’ની પુસ્તિકા મળે છે. ‘જ્યાં જ્યાં નજર પડે મારી’ તથા ‘હીરાને પત્રો’નું સુંદર સંપાદન કર્યું છે. આ ઉપરાંત કૃષ્ણવીર દીક્ષિતે ‘આહલાદ’, ‘કથાદીપ, ‘પરિચય પુસ્તિકાનાં પચીસ વર્ષ’, ‘ભાવન’, ‘રંગવિહાર’, ‘લહર’, ‘સંપ્રાપ્તિ’, ‘સંસ્પર્શ’ જેવાં પુસ્તકોનું લેખન અને સંપાદન કર્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

આગળ છલાંગ લગાવીને સિદ્ધિ મળતી નથી

ધ્યેયસિદ્ધિ માટે આગળ નજર રાખીને ચાલવાનું સહુ કોઈ કહે છે, પરંતુ હકીકતમાં ધ્યેયસિદ્ધિ માટે પાછલા પગે ચાલવાની આવડત હોવી જોઈએ. ધ્યેય નક્કી કરીને માત્ર આગળ ચાલનારને સિદ્ધિ મળતી નથી, પરંતુ એક વાર ધ્યેય નક્કી કરીને જે પાછલા પગે ચાલીને વિચાર કરે છે કે કઈ કઈ ક્ષમતા અને યોગ્યતા પ્રાપ્ત કરું તો આ સિદ્ધિ મળે, તેવી વ્યક્તિ સફળ થાય છે. આવી વ્યક્તિ પોતાની ધ્યેયપ્રાપ્તિનો નકશો તૈયાર કરે છે એટલે કે એને એકસોના આંકડે પહોંચવું હોય તો પહેલાં પાછળ જઈને એકના આંકડાથી શરૂઆત કરવાની હોય છે. આનો અર્થ એ કે ધ્યેયપ્રાપ્તિ માટે યોગ્ય આયોજન કરવું પડે છે. એની પાસે કેટલી શક્તિ અને સાધનસામગ્રી છે અને કેટલી શક્તિ અને સાધનસામગ્રીની એને જરૂર પડશે. કયા કયા સમયે કેટલું કાર્ય સિદ્ધ થવું જરૂરી છે કે જેથી એ એના અંતિમ મુકામે સમયસર પહોંચી શકે. રસ્તામાં આવનારી પ્રત્યેક મુશ્કેલીઓ વિશે એ આગોતરો વિચાર કરી રાખશે અને પછી એણે એકેએક પગલે કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવાનો છે અને એને માટે એને કેવી સજ્જતા કેળવવાની છે એનો વિચાર કરીને સમગ્ર કાર્યનું આયોજન કરશે, કારણ કે એ જાણે છે કે રાતોરાત સિદ્ધિ સાંપડતી નથી. એનો પંથ ઘણો લાંબો હોય છે. એમાં એક પછી એક પગલાં ભરીને આગળ વધવાનું હોય છે. કોઈ છલાંગ લગાવીને સિદ્ધિ મેળવી શકાતી નથી. અને એ રીતે પોતાની આજની, આવતી કાલની અને ધ્યેયપ્રાપ્તિ થાય ત્યાં સુધીની જરૂરિયાતોનો વિચાર કરી લેતા હોય છે. માત્ર વિચાર કરવાથી, શુભેચ્છા વ્યક્ત કરવાથી કે સદભાવનાથી સિદ્ધિ સર્જાતી નથી. એને માટે લાંબા ગાળાનું આયોજન, વ્યવસ્થિત પ્રયત્ન અને શક્તિનો વાસ્તવિક અંદાજ જરૂરી છે.