વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા એરિકેસી કુળની એક જાતિનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Borassus flabellifer. (બં. તાલ; ગુ. તાડ; હિં. તાડ, તાલ, તારકા ઝાર; મ. તાડ; તે. તાડીચેટ્ટુ; ત. પનાર્થ; ક. તાલે; મલ. પાના; અં. palmyra palm) છે. તેની બીજી ચાર જાતિઓ થાય છે. તે આફ્રિકાનું મૂલનિવાસી છે અને તેનો ફેલાવો ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં થયેલો છે. ભારતમાં તેની એક જ જાતિ થાય છે. તેનું શુષ્ક વિસ્તારોમાં ખાસ વિસ્તરણ થયેલું છે. તે સામાન્ય રીતે 10થી 20 મીટર ઊંચું વૃક્ષ છે; પરંતુ કેટલીક જગ્યાએ 30 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ ધરાવે છે. તે શાખારહિત કાળા રંગનું પ્રકાંડ ધરાવે છે. પ્રકાંડ પર ચિરલગ્ન (persistent) પર્ણતલો જોવા મળે છે. ટોચ ઉપર નજીક ગોઠવાયેલાં 30થી 40 પર્ણોનો (પર્ણ)મુકુટ (crown) હોય છે. પર્ણો મોટા કદનાં 1.0થી 1.5 મીટર પહોળાં પંખાકાર હોય છે. તે દ્વિગૃહી વનસ્પતિ હોવાથી નર અને માદા વૃક્ષો અલગ અલગ થાય છે. તેનાં પાકાં ફળ (તાડગુલ્લાં) અષ્ઠિલ જાંબલી કાળા રંગનાં, 15થી 20 સેમી. વ્યાસનાં, ગોળાકાર, રેસામય મધ્ય ફલાવરણ ધરાવતાં હોય છે. દરેકમાં બેથી ત્રણ બીજ હોય જે ગલેલી કે તાડફળી તરીકે જાણીતાં છે. કુમળી ગલેલી પારદર્શક કાચ જેવી સફેદ, નરમ જેલી જેવી તથા અંદર મીઠું પાણી ધરાવતી પોષક સ્વાદિષ્ટ વસ્તુ તરીકે ખવાય છે. પરંતુ પાકી જતાં ગલેલી કઠણ અને સફેદ રંગની બની જાય છે.

તાડનું વૃક્ષ અને તેનાં અંગો : પ્રકાંડ, ફળ સાથે શાખા, ફળ, બી
તાડના પ્રકાંડની ટોચના ભાગે પર્ણો નજીક નીચેના ભાગે છેદન કરીને તેમાંથી રસ મેળવવામાં આવે છે, જે નીરો તરીકે ઓળખાય છે. માદા વૃક્ષમાંથી રસનો ઉતાર નરવૃક્ષ કરતાં 50% જેટલો વધારે હોય છે. નીરો પારદર્શક, મીઠો, સ્વાદિષ્ટ, રુચિકર સુગંધ ધરાવતો રસ છે. તે પૌષ્ટિક પીણું છે. નીરામાં આથો ચડવાની પ્રક્રિયા તરત શરૂ થઈ જાય છે અને તાપમાન વધે તેમ તે વધે છે. આથી નીરાને નીચા ઉષ્ણતામાને રાખવો જરૂરી છે. તાજા નીરાનું સેવન વધુ ઉચિત ગણાય છે. આથો ચડેલો નીરો તાડી તરીકે ઓળખાય છે. તાડી સ્વાદમાં ખાટી લાગે છે. વધુ સમય જતાં તાડીમાં અમ્લનું પ્રમાણ વધવા લાગે છે અને મદ્યાર્કનું પ્રમાણ ઘટતું જાય છે. તેથી વધુ સમય આથો ચડેલી તાડી આરોગ્યને નુકસાનકારક હોઈ મનુષ્યના વપરાશ માટે યોગ્ય નથી. આમ, તાડના વૃક્ષના ઘણા ઉપયોગો હોવાથી તેને કલ્પવૃક્ષ ગણવામાં આવે છે.
મૃગેન્દ્ર વૈષ્ણવ, વિજયસિંહ છત્રસિંહ રાજ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તાડ, પૃ. 761 અથવા જુઓ https://gujarativishwakosh.org/તાડ/)

