જ. 13 જાન્યુઆરી, 1978 અ. 21 માર્ચ, 2009

અપૂર્વ પરાક્રમ કરી શહીદ થનાર મેજર મોહિત શર્માનો જન્મ રોહતકમાં થયો હતો. પિતા રાજેન્દ્રપ્રસાદ અને માતા સુશીલા. પરિવારમાં સહુ ‘ચિન્ટુ’ કહેતા અને સાથીઓ તેમને ‘માઈક’ કહેતા. તેમનું શાળેય શિક્ષણ માનવસ્થલી સ્કૂલ, દિલ્હી, હોલી એન્જલ્સ સ્કૂલ, સાહિબાબાદ અને દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાઝિયાબાદમાં થયું હતું. 1995માં રાષ્ટ્રીય સંરક્ષણ એકૅડેમી(NDA)માં અને પછી 1998માં ભારતીય લશ્કરી એકૅડેમી(IMA)માં જોડાયા. તેઓ મદ્રાસ રેજિમેન્ટની પાંચમી મદ્રાસ બટાલિયનમાં કમિશન્ડ થયા. તેઓ 38 રાષ્ટ્રીય રાઇફલ્સમાં કાશ્મીર ગયા. તેમને 2002માં ચીફ ઑફ આર્મી સ્ટાફ કમેન્ટેશન મેડલ (COASM) મળ્યો. 2003માં ભારતીય સેનાના એસિલ ફોર્સ 1 પેરામાં જોડાયા. કાશ્મીરમાં કામગીરી બદલ તેમને 2004માં સેના મેડલ (શૌર્ય) એનાયત કરવામાં આવ્યો. તેઓ 2004માં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ સામેના ગુપ્ત ઑપરેશન માટે છૂપા વેશમાં ઇફ્તિખાર ભટ્ટ તરીકે આતંકવાદીઓ સાથે રહ્યા અને તેમનો વિશ્વાસ જીત્યો. 2009માં કુપવાડા જિલ્લામાં આતંકવાદીઓની ઘૂસણખોરી માટે મેજર શર્માને જવાબદારી સોંપવામાં આવી. આતંકવાદીઓએ કરેલા હુમલામાં ચાર કમાન્ડો ઘાયલ થયા. મોહિત શર્માએ પોતાની સલામતીને અવગણીને ઘાયલ સૈનિકોને સલામત સ્થળે પહોંચાડ્યા. તેમને છાતીમાં ગોળી વાગવા છતાં પીછેહઠ ન કરી કમાન્ડોને પ્રેરિત કર્યા. તેઓ લડાઈમાં ઘાયલ થયા અને શહીદ થયા. તેમની અદમ્ય બહાદુરી અને બલિદાન માટે તેમને મરણોત્તર અશોકચક્ર એનાયત કરવામાં આવ્યું. તેમનું નામ દિલ્હીના ઇન્ડિયા ગેટ ખાતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં કોતરવામાં આવ્યું છે. 2019માં દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશને ગાઝિયાબાદના રાજેન્દ્રનગર મેટ્રો સ્ટેશનનું નામ બદલીને મેજર મોહિત શર્મા રાજેન્દ્રનગર મેટ્રો સ્ટેશન કર્યું છે.
અનિલ રાવલ


