Categories
વાચન સમૃદ્ધિ

વિષ્ણુ પ્રભાકર

જ. 21 જૂન, 1912 અ. 11 એપ્રિલ, 2009

હિન્દી સાહિત્યના સુપ્રસિદ્ધ સાહિત્યકાર વિષ્ણુ પ્રભાકરનો જન્મ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના મીરાપુર ગામમાં થયો હતો. પિતા દુર્ગાપ્રસાદ અને માતા મહાદેવી. તેમનું પ્રાથમિક શિક્ષણ મીરાપુરમાં થયું. વધુ અભ્યાસ માટે મામાને ત્યાં હિસ્સાર ગયા. 1929માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સરકારી નોકરીમાં જોડાયા. નોકરી દરમિયાન હિન્દીમાં ‘પ્રભાકર’ અને ‘ભૂષણ’ પરીક્ષા પાસ કરી. અંગ્રેજી સાથે સ્નાતક થયા. તેમણે સંસ્કૃતની ‘પ્રજ્ઞા’ પદવી પણ મેળવી. તેઓ હિન્દુસ્તાની નાટક કંપનીમાં જોડાયા હતા. તેમણે 1931માં પહેલી ટૂંકી વાર્તા ‘પ્રેમબંધુ’ ઉપનામથી લખી. 1939માં પહેલું નાટક ‘હત્યા કે બાદ’ લખ્યું. પ્રાથમિક શાળામાં તેમનું નામ વિષ્ણુ દયાલ લખાવ્યું હતું. પછી આર્યસમાજની પ્રાથમિક શાળામાં ‘વિષ્ણુગુપ્ત’ નામ નોંધાયું. નોકરીમાં વિષ્ણુ ગુપ્ત નામની બીજી વ્યક્તિ પણ હોવાથી વિષ્ણુધર્મદત્ત નામ કર્યું. લેખનસર્જન શરૂ કર્યું ત્યારે ‘વિષ્ણુ’ નામ લખતા પરંતુ તંત્રીએ એમના નામ સાથે એમની ડિગ્રી પ્રભાકર જોડીને વિષ્ણુ પ્રભાકર બનાવ્યા. પછી સાહિત્યજગતમાં એ જ નામે ખ્યાતિ પામ્યા. તેમણે વાર્તા, નવલકથા, નાટક, એકાંકી, જીવનચરિત્ર ક્ષેત્રે પોતાની કલમ ચલાવી. તેમણે તેમની આત્મકથા ‘પંખીહીન’ ત્રણ ભાગમાં લખી છે. બંગાળી સર્જક શરદચંદ્રનું જીવનચરિત્ર ‘આવારા મસીહા’ ખૂબ પ્રશંસા પામી. ‘સંઘર્ષ કે બાદ’, ‘ખંડિત પૂજા’, ‘ધરતી અબ ભી ઘૂમ રહી હૈ’ વાર્તાસંગ્રહો, ‘ઢલતી રાત’, ‘ક્ષમાદોષ’, ‘અર્ધનારીશ્વર’ નવલકથાઓ, ‘જ્યોતિપુંજ હિમાલય’ પ્રવાસકથા તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે પ્રેમચંદના ‘ગબન’નું ‘ચન્દ્રહાર’ અને ‘ગોદાન’નું ‘હોરી’ નામે નાટ્ય રૂપાંતર કર્યું છે. તેમણે બાળકો માટે ‘પાપ કા ગડા’, ‘જાદુ કી ગાય’, ‘સ્વરાજ કી કહાની’, ‘નૂતન બાલ એકાંકી’, ‘મોતિયોં કી ખેતી’ પુસ્તકો આપ્યાં છે. તેમને અનેક સન્માનોથી પોંખવામાં આવ્યા છે. પદ્મભૂષણ, સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ, શલાકા ઍવૉર્ડ, પાબ્લો નેરુદા સન્માન, મૂર્તિદેવી સન્માન, મહાપંડિત રાહુલ સાંસ્કૃતાયન ઍવૉર્ડ, સાહિત્ય અકાદમી, દિલ્હીના ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

આંધ્રપ્રદેશ

ભારતમાં દક્ષિણ મધ્યપૂર્વમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે ૧૨° ૪૧´ થી ૧૯° ૦૭´ ઉ. અ. અને ૭૭° ૦૦´ થી ૮૪° ૪૦´ પૂ. રે. વચ્ચે આવેલો છે. જેનો વિસ્તાર ૧,૬૨,૯૬૭ ચો.કિમી. છે આ રાજ્યની ઉત્તરે તેલંગાણા, પશ્ચિમથી વાયવ્યે છત્તીસગઢ, ઉત્તરે ઓડિશા, પૂર્વે બંગાળનો ઉપસાગર, દક્ષિણે તમિળનાડુ જ્યારે પશ્ચિમે અને નૈઋત્યે કર્ણાટક રાજ્યની સીમા આવેલી છે. તેના દરિયાકિનારાની લંબાઈ આશરે ૯૭૦ કિમી. છે. આ રાજ્યનું પાટનગર અમરાવતી છે. નવું પાટનગર બને તે દરમિયાન હંગામી ધોરણે હૈદરાબાદ ગણાય છે. વસ્તી ૨૦૨૬ મુજબ આશરે ૯.૬૦ કરોડ છે. આ રાજ્યનું ભૂષૃષ્ઠ વૈવિધ્યસભર છે. આ રાજ્યને ભૌગોલિક દૃષ્ટિએ ત્રણ મુખ્ય ભાગોમાં વહેંચી શકાય. પૂર્વમાં બંગાળના ઉપસાગરથી શરૂ કરીને પૂર્વઘાટની પર્વતમાળા અને દરિયાકિનારાનાં મેદાનો. પશ્ચિમથી પૂર્વ તરફ વહીને બંગાળના ઉપસાગરમાં ઠલવાતી અનેક નદીઓના જળથી આ મેદાનો સમૃદ્ધ બન્યાં છે. એમાં ગોદાવરી અને કૃષ્ણાનદીના ત્રિકોણાકાર પ્રદેશો કાંપના નિક્ષેપને કારણે અત્યંત ફળદ્રુપ બન્યા છે. અન્ય નદીઓમાં તુંગભદ્રા, પેનાર, વંશધારા અને નાગાદળીનો સમાવેશ થાય છે.

અહીં સાગ, વાંસ, યુકેલિપ્ટ્સ, કાજુ અને સરુનાં વૃક્ષો આવેલાં છે. આંધ્રપ્રદેશના અર્થતંત્રનો મુખ્ય પાયો ખેતી છે. ડાંગર અને દ્રાક્ષ તેના મુખ્ય પાક છે. તે ઉપરાંત જુવાર, બાજરી, મકાઈ વગેરે ખાદ્ય પાકો છે. તમાકુ, કપાસ, શેરડી, મરચાં, કેરી, મગફળી જેવા રોકડિયા પાકોની ખેતી લેવામાં આવે છે. આ રાજ્ય ચોખાની મહત્તમ નિકાસ કરતું હોવાથી તે ‘ભારતનો ચોખાનો વાટકો’ તરીકે ઓળખાય છે. જંગલોમાં હાથી વાઘ, હરણ, શિયાળ વગેરે પ્રાણીઓ જોવા મળે છે. અહીં યુરેનિયમ અને બૉકસાઇટનો જથ્થો રહેલો છે. વહાણવટું, પેટ્રોકેમિકલ, કાપડ, રસાયણ, સિમેન્ટ, ખાતર, યંત્રસામગ્રી અને દવાઓના ઉદ્યોગો વ્યાપક પ્રમાણમાં વિકસ્યા છે. આ રાજ્યનું પાટનગર અમરાવતી જાહેર કર્યું છે છતાં કાર્યકારી પાટનગર હૈદરાબાદ છે. મુખ્ય શહેરો વિશાખાપટ્ટનમ્, તિરુપતિ, વિજયવાડા, ગુંતૂર, કર્નૂલ, કડાવા વગેરે છે. આ રાજ્યનું સૌથી મોટું કુદરતી બંદર અને શહેર વિશાખાપટ્ટનમ્ છે. જોવાલાયક સ્થળોમાં તિરુપતિ મંદિર, કલાહસ્તી મંદિર, બોજ્ જન્નાકોન્ડા અને નાગાર્જુનકોન્ડાનાં બૌદ્ધ સ્થાપત્યો મુખ્ય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આંધ્રપ્રદેશ, પૃ. 143)

Categories
વાચન સમૃદ્ધિ

લક્ષ્મણરાવ કાશીનાથ કિર્લોસ્કર

જ. 20 જૂન, 1869 અ. 26 સપ્ટેમ્બર, 1956

વિખ્યાત  ઉદ્યોગપતિ તથા કિર્લોસ્કર ઔદ્યોગિક ગૃહના સંસ્થાપક લક્ષ્મણરાવ કિર્લોસ્કરનો જન્મ બેળગાંવ (કર્ણાટક) જિલ્લાના ગુર્લહોસૂરમાં થયો હતો. તેમને ઔપચારિક શિક્ષણમાં રસ ન હોવાથી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટસમાં ચિત્રકલાના અભ્યાસ માટે દાખલ થયા. તે આંશિક રંગઅંધત્વથી પીડાતા હોવાથી ચિત્રકલાનો અભ્યાસ છોડી મિકૅનિકલ ડ્રૉઇંગ અભ્યાસક્રમમાં જોડાયા. 1887માં મુંબઈની V.J.T.I.માં મિકૅનિકલ ડ્રૉઇંગના શિક્ષક બન્યા. નોકરી સિવાયના સમય દરમિયાન વધારાની આવક મેળવવા માટે યંત્રોની સ્થાપના તથા સમારકામ શરૂ કર્યું. 1888માં કિર્લોસ્કર બ્રધર્સ નામની પેઢી કરી જે ભવિષ્યના વિશાળ ઔદ્યોગિક સંકુલનું પ્રારંભિક કેન્દ્રબિંદુ સાબિત થયું. 1897માં બેળગાંવ ખાતે પોલાદનાં કૃષિયંત્રો અને ઓજારોના ઉત્પાદનનું કારખાનું સ્થાપ્યું. ત્યારપછી એન્જિનિયરિંગની વિચક્ષણ કોઠાસૂઝને કારણે બૅંગાલુરુ, પુણે તથા દેવાસ જેવી જગ્યાઓએ નવા ઔદ્યોગિક એકમો પ્રસ્થાપિત થયા. સંકુલના આ એકમોમાં કૃષિઉપકરણો ઉપરાંત ડીઝલ એન્જિન, વીજળીની મોટર તથા મશીનટૂલ્સનું વૈવિધ્યપૂર્ણ ઉત્પાદન શરૂ કર્યું. લક્ષ્મણરાવ ઉદ્યોગપતિ ઉપરાંત પ્રખર દેશભક્ત તથા સમાજસુધારક પણ હતા. તેમણે જીવનભર ખાદીનાં વસ્ત્રો અપનાવ્યાં હતાં. ભારતની સ્વાધીનતાની લડતને તેઓ સક્રિય સહાય આપતા હતા. તેમના માર્ગદર્શન હેઠળ કિર્લોસ્કરવાડી સામાજિક રીતે એક આદર્શ વસાહત તરીકે વિકસી હતી જ્યાં શ્રમ, સહકાર તથા સમભાવ – આ ત્રણેયને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. 1910માં અસ્પૃશ્યતાનિવારણ અપનાવવામાં આવ્યું હતું. ઔધ રિયાસતમાં પ્રજાકીય શાસનપ્રણાલી દાખલ થઈ ત્યારે લક્ષ્મણરાવ મંત્રીપદે નિમાયા. આ કારકિર્દીમાં પણ તેમણે ઔદ્યોગિક વિકાસ, ગ્રામોદ્ધાર તથા કેળવણીમાં ખૂબ રસ દાખવ્યો હતો. આ અગ્રણી ઉદ્યોગપતિના સાહસ, સૂઝ તથા નિયોજન કુશળતાની જાહેર પ્રશંસા કરનારામાં લોકમાન્ય તિલક, જવાહરલાલ  નહેરુ, શ્યામાપ્રસાદ મુખર્જી, ચક્રવર્તી રાજગોપાલાચારી તથા એમ. વિશ્વેશ્વરૈયા જેવી મહાન વિભૂતિઓનો સમાવેશ થાય છે. તેમના ચારે પુત્રો કુટુંબના વ્યવસાયમાં જોડાયેલા છે.

1969માં તેમની જન્મશતાબ્દીને અનુલક્ષીને ભારત સરકારે એક ખાસ ટપાલટિકિટ બહાર પાડી હતી.