Categories
વાચન સમૃદ્ધિ

પ્રધાનમંડળમાં એકમત

અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકનને (ઈ. સ. 1809 થી 1865) જીવનભર ઉપહાસ અને પ્રતિકારનો સામનો કરવો પડ્યો. રીઢા રાજકારણીઓ એમ માનતા હતા કે જંગલમાં વસનારો કઠિયારો નસીબના જોરે ભલે દેશનો પ્રમુખ બની બેઠો હોય, પરંતુ એને ક્યાંથી કુનેહભર્યા રાજકારણના કાવાદાવાનો ખ્યાલ આવશે? એની રેવડી દાણાદાણ થશે અંતે ઘોર નિષ્ફળતાથી નાસીપાસ થશે. અધૂરામાં પૂરું અમેરિકાના આંતરવિગ્રહના સમયમાં લિંકને રચેલી સર્વપક્ષીય રાષ્ટ્રીય સરકારમાં એણે પોતાના રિપબ્લિકન પક્ષમાંથી ત્રણ પ્રધાનો પસંદ કર્યા અને વિરોધી એવા ડેમોક્રૅટિક પક્ષમાં ચાર વ્યક્તિઓની પ્રધાનપદે નિમણૂક કરી. લિંકન નિર્ભય હતા. અમેરિકાની અખંડિતતા અને ગુલામોની મુક્તિની બાબતમાં કશી બાંધછોડ નહીં કરનારા લિંકન વિરોધની પરવા કરતા નહોતા. કોઈ લિંકનને કહેતું કે ‘આમાં બંને પક્ષનું સમતોલપણું ક્યાં ?’ ત્યારે લિંકન એમ કહેતા કે, ‘હું રિપબ્લિક પક્ષનો હોવાથી હું ચોથો. આથી પ્રધાનમંડળ સમતોલ ગણાય.’ એના પક્ષના જ લોકોએ એના પર ટીકાઓનો વરસાદ વરસાવ્યો અને એક પ્રધાને તો વિવેક છોડીને પ્રમુખ અબ્રાહમ લિંકનને લખ્યું, ‘દેશની રાજ્યવ્યવસ્થા અને વિદેશનીતિનું સંચાલન અને નિયમન કોણ કરશે ? આ માટેની સઘળી જવાબદારી ઉપાડવા માટે હું તૈયાર છું, પરંતુ એનો યશ તો પ્રમુખને ભાગે જ જશે ને !’ લિંકન એમનો ઇરાદો પારખી ગયા. એમને વિનયપૂર્વક જવાબ આપ્યો, પણ થોડા જ સમયમાં એમની દીર્ઘદૃષ્ટિ, કાર્યશક્તિ, આવડત અને મીઠાશથી બધા પ્રધાનો લિંકનની પ્રશંસા કરવા લાગ્યા અને એક પ્રધાને તો એમ પણ કહ્યું કે, ‘અમારા પ્રધાનમંડળમાં મત માત્ર એક જ છે અને તે પ્રમુખનો.’

Categories
વાચન સમૃદ્ધિ

ધીરેન્દ્ર ગાંગુલી

જ. 26 માર્ચ, 1893 અ. 18 નવેમ્બર, 1978

એક સફળ ઉદ્યોગપતિ, હિન્દી તથા બંગાળી સિનેજગતના અભિનેતા, ફિલ્મનિર્માતા-નિર્દેશક તથા લેખક. જેમણે અનેક ફિલ્મનિર્માણ કંપનીઓની સ્થાપના કરી. વિશેષ કરીને એ સમયમાં રમૂજી અભિનય તથા ફિલ્મો માટે એમને ઓળખવામાં આવતા હતા. તેમણે કૉલકાતામાં શાંતિનિકેતનના વિશ્વભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ હૈદરાબાદ રાજ્ય કલા શાળાના મુખ્ય અધ્યાપક બન્યા અને શિક્ષણજગતમાં કારકિર્દી શરૂ કરી. દરમિયાન તેમણે ‘ભાવ કી અભિવ્યક્તિ’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જેમાં મેકઅપની કમાલથી પોતાનાં વિવિધ સ્વરૂપનાં ચિત્રો એમાં પ્રકાશિત કર્યાં હતાં. પોતાની આ કલા એમણે બ્રિટિશ ભારત તથા આઝાદ ભારતના સી.આઈ.ડી. અધિકારીઓને શિખવાડી. ત્યારબાદ એમનું આ પુસ્તક નિર્માતા જે. એફ. મદનના ધ્યાનમાં આવ્યું અને ફિલ્મજગતમાં યોગદાન આપવા માટે એમને તક મળી. 1918માં ઇન્ડો-બ્રિટિશ કંપની શરૂ કરી. અહીં હૈદરાબાદના નિઝામની મદદથી એમણે ફિલ્મ સ્ટુડિયો તથા સિનેમાઘર પણ શરૂ કર્યાં. ત્યારબાદ ધીરેન્દ્ર ગાંગુલીના નિર્માણ અને નિર્દેશનમાં ફિલ્મ ‘રઝિયા બેગમ’ પ્રકાશિત થઈ. જેમાં મુસલમાન રાણીને પરજાતિના ગુલામ સાથે પ્રેમ થતો બતાડવાના ગુના બદલ નિઝામે એમને હૈદરાબાદની બહાર કાઢી મૂક્યા. ત્યારબાદ કૉલકાતા પાછા ફરીને લોટસ ફિલ્મ કંપની શરૂ કરી, ન્યૂ થિયેટર્સ સાથે પણ ઘણું કામ કર્યું. પોતાની ફિલ્મી કારકિર્દીમાં એમણે અનેક ફિલ્મોનું નિર્માણ, નિર્દેશન, લેખન કર્યું અને અનેક ફિલ્મોમાં અભિનય કર્યો. ફિલ્મજગતમાં એમણે સિનેજગતનાં શરૂઆતનાં વર્ષોમાં પાયાનું કામ કર્યું.  ફિલ્મજગત એમને ધીરેન ગાંગુલીના હુલામણા નામથી જાણતું હતું. હિન્દી સિનેમાના એમના યોગદાન બદલ ભારત સરકારે 1974માં એમને પદ્મભૂષણ અને 1975માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

અમરનાથ

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ખાતે કુદરતી રીતે થોડા સમયગાળા માટે બનતું બરફનું શિવલિંગ. શ્રીનગરની ઈશાને ૧૩૮ કિમી.ના અંતરે બરફથી આચ્છાદિત હિમાલયમાં ૩,૮૨૫ મીટરની ઊંચાઈ પર કુદરતી રીતે બનેલી ગુફામાં તેનું સ્થાનક છે. ૪૫ મીટર ઊંચી ગુફામાં શ્રાવણી પૂનમને દિવસે આ શિવલિંગ ૪ મીટર જેટલી મહત્તમ ઊંચાઈનું હોય છે. શ્રાવણી સુદ પડવાથી તેના વધવાની અને શ્રાવણ વદ પડવાથી તેના ઘટવાની શરૂઆત થાય છે. શ્રાવણી અમાસના દિવસે તે અદૃશ્ય થાય છે તેવી કિંવદંતી છે. હકીકતમાં તે સંપૂર્ણ અદૃશ્ય થતું નથી. ગુફાની ઉપરના પહાડ પર રામકુંડ છે, જેનું પાણી ગુફાની તિરાડમાંથી નીચે ટપકે છે. તેના બુંદમાંથી શિયાળામાં આ શિવલિંગ બને છે. લિંગ તથા બાણ કઠણ બરફનાં હોય છે. ગુફાની બહારના પરિસરનો બરફ તદ્દન બરડ હોય છે. ગુફામાં શિવલિંગ ઉપરાંત બરફની બીજી બે રચનાઓ બને છે, જે પાર્વતી અને ગણપતિ તરીકે પૂજાય છે. ગુફાની બહાર, નીચે અમરગંગા વહે છે. જોડે બીજી ગુફા છે. તેમાં ભસ્મ જેવી માટી મળે છે. યાત્રાળુઓ શ્રદ્ધાથી આ માટી શિવના પ્રસાદ તરીકે માથે ચડાવે છે. ગુફાની આજુબાજુ લિહાર ખીણની પર્વતમાળા છે. માત્ર જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ત્યાં પહોંચી શકાય છે; શિયાળામાં ત્યાં જઈ શકાતું નથી. દર વર્ષે શ્રાવણ માસમાં ત્યાં મેળો ભરાય છે. શ્રાવણ સુદ પાંચમે શ્રીનગરથી અમરનાથની યાત્રા શરૂ થાય છે. છડી મુબારક સાથે આગળના સ્થાને કાશ્મીરમાં આવેલી શારદાપીઠના શંકરાચાર્ય હોય છે.

અમરનાથનું શિવલિંગ, અમરનાથના દર્શને જતા યાત્રીઓ

અમરનાથ જવા માટે બે માર્ગો છે : (૧) શ્રીનગરથી ૬૫ કિમી. પર આવેલા પહેલગામથી ચંદનવાડી, શેષનાગ અને પંચતરણી થઈને અમરનાથ. (૨) શ્રીનગરથી ૬૧ કિમી. પર આવેલા બાલતાલથી અમરનાથ. આ રસ્તો ટૂંકો પણ વિકટ છે. પગપાળા ન જઈ શકે તેવા યાત્રાળુઓ માટે બંને માર્ગ પર ટટ્ટુ ભાડે મળે છે. હિંદુઓના આ યાત્રાધામ અમરનાથની શોધ મુસ્લિમ ભરવાડ કુટુંબે કરી હતી અને તેથી આજે પણ તેની કુલ આવકનો અમુક હિસ્સો આ કુટુંબના વારસદારોને ચૂકવાય છે. જ્યાં સુધી અમરનાથની યાત્રા ન થાય ત્યાં સુધી બીજી યાત્રાઓ અધૂરી છે એવી એક માન્યતા હિંદુ સમાજમાં પ્રચલિત છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1