Categories
વાચન સમૃદ્ધિ

સાયરસ પલોનજી મિસ્ત્રી

જ. 4 જુલાઈ, 1968 અ. 4 સપ્ટેમ્બર, 2022

ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચૅરમૅન સાયરસ મિસ્ત્રીનો જન્મ મુંબઈમાં એક પારસી પરિવારમાં થયો હતો. તેઓ ભારતીય અબજોપતિ અને બાંધકામ ઉદ્યોગપતિ પલોનજી મિસ્ત્રીના નાના પુત્ર હતા. મિસ્ત્રીનું શિક્ષણ દક્ષિણ મુંબઈની પ્રતિષ્ઠિત કૅથેડ્રલ અને જોન કોનન સ્કૂલમાં થયું હતું. તેમણે ઇમ્પીરિયલ કૉલેજ, લંડનમાં અભ્યાસ કર્યો અને 1990માં લંડન યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. બાદમાં તેમણે લંડન બિઝનેસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને 1996માં લંડન યુનિવર્સિટીમાંથી મૅનેજમેન્ટમાં ઇન્ટરનેશનલ એક્ઝિક્યુટિવ માસ્ટર્સ કર્યું હતું. મિસ્ત્રી 1991માં ફૅમિલી કન્સ્ટ્રક્શન કંપની શાપૂરજી પલોનજી ઍન્ડ કંપની લિમિટેડમાં ડિરેક્ટર તરીકે જોડાયા. 2000માં શાપૂરજી પલોનજી ગ્રૂપ દ્વારા તેના સંપાદન પછીનાં વર્ષોમાં સંઘર્ષ કરી રહેલા એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાયાપલટનો શ્રેય તેમને જાય છે. બાદમાં તેઓ ટાટા સન્સ અને ટાટા ગ્રૂપના ચૅરમૅન બન્યા. 2013માં મિસ્ત્રીને ટાટા સન્સના ચૅરમૅન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓ ટાટા ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ટાટા પાવર, ટાટા ટેલિસર્વિસીસ, ઇન્ડિયન હોટેલ્સ, ટાટા ગ્લોબલ બેવરેજીસ અને ટાટા કેમિકલ્સ સહિતની તમામ મોટી ટાટા કંપનીઓના ચૅરમૅન પણ હતા. ટાટા સન્સ બોર્ડે ઑક્ટોબર, 2016માં મિસ્ત્રીને ટાટા સન્સના ચૅરમૅનપદેથી દૂર કરવા માટે મતદાન કર્યું હતું. ભૂતપૂર્વ ચૅરમૅન રતન ટાટા ત્યારબાદ વચગાળાના ચૅરમૅન તરીકે પાછા ફર્યા હતા અને થોડા મહિના પછી નટરાજન ચંદ્રશેખરનને નવા ચૅરમૅન નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે ડિસેમ્બર, 2019માં નૅશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલે ચંદ્રશેખરનની નિમણૂક ગેરકાયદેસર જાહેર કરી અને મિસ્ત્રીને પુનઃ સ્થાપિત કર્યા. જોકે સુપ્રીમ કોર્ટે તેમની બરતરફીને યથાવત રાખી હતી. તેમના પિતા પલોનજી મિસ્ત્રીના અવસાન બાદ મિસ્ત્રી અને પંડોલે પરિવાર પ્રાર્થના કરવા ઉદવાડા ખાતે ઈરાનશાહ આતશ બહેરામની મુલાકાતે ગયા હતા. ઉદવાડાથી મુંબઈ પરત ફરતી વખતે તેમની મર્સિડિઝ બેન્ઝ ગાડીને અકસ્માત થતા, સીટ બૅલ્ટ પહેર્યા વગર પાછલી સીટ ઉપર બેઠેલા સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલેનું ગંભીર ઈજાઓના કારણે મૃત્યુ થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

વિપદામાંથી સંપદા

પ્રસિદ્ધ અંગ્રેજ કવિ, નાટ્યકાર, નવલકથાકાર અને નિબંધકાર ઑલિવર ગોલ્ડસ્મિથ(ઈ. સ. 1728થી ઈ. સ. 1774)નો જન્મ એક ખ્રિસ્તી દેવળના ગરીબ વ્યવસ્થાપક પિતાને ત્યાં થયો હતો. યુનિવર્સિટીમાં ત્રણેક વર્ષ અભ્યાસ કર્યા બાદ એમણે યુનિવર્સિટીના અભ્યાસને તિલાંજલિ આપી અને ઘર પણ છોડ્યું. પરિણામે ભૂખે મરવાનો વારો આવ્યો. એમના પિતાની ઇચ્છા એમને પાદરી બનાવવાની હતી, પરંતુ ઑલિવર ગોલ્ડસ્મિથને ગાયન-વાદન અને વાર્તાકથન અતિ પ્રિય હતાં. એમાંથી થોડીઘણી આજીવિકા રળતા હતા. ઘણી વાર એમની પાસે ભોજન માટે ફૂટી કોડી પણ રહેતી નહીં. એમની મકાન-માલિકણે થોડા મહિના સુધી તો ભાડું માગ્યું નહીં, પરંતુ એને પણ એ રકમના આધારે પોતાનું ગુજરાન ચલાવવાનું હતું. આથી એક વાર એ ખૂબ ગુસ્સે ભરાઈ અને ઑલિવર ગોલ્ડસ્મિથે લખેલા પુસ્તકની હસ્તપ્રત લઈને કહ્યું, ‘આ હસ્તપ્રત હું તને ત્યારે જ પાછી આપીશ, જ્યારે તું મારું ભાડું ચૂકવીશ. જો ભાડું નહીં ચૂકવે, તો એને આગને સ્વાધીન કરીશ.’ આમ કહી મકાન-માલિકણે એ હસ્તપ્રત એના ઘરના કબાટમાં બંધ કરીને મૂકી દીધી. ઑલિવર ગોલ્ડસ્મિથને માથે તો આકાશ તૂટી પડ્યું. એ ખૂબ ગભરાયા. હવે શું કરવું તે સમજાયું નહીં. એમણે એના પ્રિય વિદ્વાન મિત્ર ડૉ. જોન્સનને બોલાવ્યા. ડૉ. જોન્સન પરિસ્થિતિ પામી ગયા. એમણે એ સ્ત્રીની ક્ષમા માગી અને ભાડું ચૂકવીને ગોલ્ડસ્મિથની હસ્તપ્રત પાછી મેળવી. ઑલિવર ગોલ્ડસ્મિથના આનંદનો પાર રહ્યો નહીં. એ પોતાના પ્રિય મિત્ર ડૉ. જોન્સનને ભેટી પડ્યા. એ પછી ડૉ. જોન્સન આ હસ્તપ્રત લઈને ઘણા પ્રકાશકો પાસે ગયા, પણ કોઈ પ્રગટ કરવા તૈયાર થયું નહીં. આખરે એક પ્રકાશકે માત્ર સાઠ પાઉન્ડમાં આ હસ્તપ્રત ખરીદી અને એ પ્રકાશિત થતાં ઑલિવર ગોલ્ડસ્મિથની વિશ્વભરમાં પ્રસિદ્ધિ થઈ. એ હતું વિશ્વનું એક મહાન પુસ્તક ‘ધ વિકાર ઑવ્ વેકફિલ્ડ.’

Categories
વાચન સમૃદ્ધિ

રામચંદ્ર દત્તાત્રેય રાનડે

જ. 3 જુલાઈ, 1886 અ. 6 જૂન, 1957

ભારતીય દર્શનશાસ્ત્રી તથા સંસ્કૃતના વિદ્વાન રામચંદ્ર રાનડેનો જન્મ કર્ણાટકના બગલકોટ જિલ્લાના જમખંડીમાં થયો હતો. તેઓ 1903માં ડેકન કૉલેજમાં દાખલ થયા અને 1907માં સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ 1911માં ફર્ગ્યુસન કૉલેજમાં અંગ્રેજી ભાષાના ટ્યૂટર તરીકે કાર્ય કર્યું. અહીં પ્રાધ્યાપક વુડહાઉસના પરિચયમાં આવતા દર્શનશાસ્ત્રમાં જિજ્ઞાસા ઉત્પન્ન થતાં 1914માં દર્શનશાસ્ત્ર સાથે એમ.એ.ની પ્રથમ શ્રેણીમાં ઉપાધિ મેળવી ચાન્સેલર સુવર્ણપદક મેળવ્યો. તેઓ ફર્ગ્યુસન કૉલેજમાં જ તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા. ત્યારબાદ સાંગલીની વિલિંગ્ડન કૉલેજમાં અધ્યાપનનું કાર્ય કર્યું. 1924માં કૉલેજમાંથી ત્યાગપત્ર આપી પુણેની ‘અધ્યાત્મ જીવન’ સંસ્થામાં ‘ઉપનિષદોનું તત્ત્વજ્ઞાન’ નામના ગ્રંથની રચના કરી. સાથે સાથે તેમણે ‘અધ્યાત્મ વિદ્યાપીઠ’ની સ્થાપના કરી અને ભારતીય દર્શનના વિસ્તૃત કોશનો ઇતિહાસ પ્રકાશિત કરવાની યોજના ઘડી. તેમાં ત્રણ ખંડો પ્રકાશિત થયા –  અ કન્સ્ટ્રક્ટિવ સર્વે ઑફ ઉપનિષદીક ફિલૉસૉફી (1926), હિસ્ટ્રી ઑફ ઇન્ડિયન ફિલૉસૉફી : ક્રિયેટિવ પિરિયડ (1927) અને ફિલૉસૉફિકલ ઍન્ડ અધર એસેઝ : પાર્ટ-1 (1956). આ ઉપરાંત તેમણે મરાઠી ભાષામાં જ્ઞાનેશ્વર વચનામૃત, સંતવચનામૃત, તુકારામ વચનામૃત, રામદાસ વચનામૃત, એકનાથ વચનામૃત, મિસ્ટિસીઝમ ઇન કર્નાટક, ધ ભગવતગીતા એઝ અ ફિલૉસૉફી ઑફ ગોડ રિયલાઇઝેશન થોટ વગેરે ગ્રંથો રચ્યા છે. તેમણે પોતાના દાર્શનિક વિચારો કેટલાક નિબંધો અને પત્રિકાઓ દ્વારા પ્રકાશિત કર્યા હતા. 1922થી 1927 સુધી કર્ણાટકના બીજાપુર પાસે નિંબાલમાં રહી તેમણે અનેક દાર્શનિક ગ્રંથોનું નિર્માણ કર્યું અને નિંબાલમાં અધ્યાત્મ વિદ્યાપીઠની સ્થાપના પણ કરી. તેઓ 1927માં અલાહાબાદ યુનિવર્સિટીના દર્શન વિભાગમાં અધ્યક્ષ તથા પ્રાધ્યાપક તરીકે કાર્યરત રહ્યા હતા. ત્યારબાદ વાઇસ ચાન્સેલર પણ બન્યા હતા. ત્યાંથી નિવૃત્ત થયા પછી 26 ઑક્ટોબર, 1947માં સાંગલીમાં અધ્યાત્મ મંદિરની સ્થાપના કરી.