Categories
વાચન સમૃદ્ધિ

ઇક્વેડૉર

દક્ષિણ અમેરિકામાં આવેલો એક દેશ.

તે ૨° ૦૦´ દ. અ. અને ૭૭° ૩૦´ પૂ. રે.ની આજુબાજુનો ૨,૮૩,૫૬૧ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. સ્પૅનિશ ભાષા મુજબ ઇક્વેડૉર (Ecuador) એટલે ‘Equator’ વિષુવવૃત્ત. ઇક્વેડૉર વિષુવવૃત્તની નજીક આવેલો છે. તેની ઉત્તરમાં કોલંબિયા તથા પૂર્વ અને દક્ષિણમાં પેરુ દેશ આવેલો છે. એની પશ્ચિમમાં પૅસિફિક મહાસાગર આવેલો છે. દેશના મધ્ય ભાગમાં ઍન્ડિઝની બે પર્વતમાળાઓ છે. તેમાં ૨૨માંથી ૨૦ જ્વાળામુખી સક્રિય છે. બે પર્વતમાળાની વચ્ચે ઉચ્ચપ્રદેશ આવેલો છે. પૂર્વમાં ગીચ વરસાદી જંગલો (rain forests) છે. ઇક્વેડૉર વિષુવવૃત્તીય આબોહવા ધરાવે છે. પાટનગર ક્વિટોનું જાન્યુઆરી તથા જુલાઈનું તાપમાન અનુક્રમે ૧૫° સે. અને ૧૪° સે. રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ ૧,૧૧૫ મિમી. જેટલો થાય છે. મોટા ભાગના લોકો કેળાં, કોકો, કૉફી અને શેરડીની ખેતી કરે છે.

ધ ગેલૅપગાસ (The Galapagos) જ્વાળામુખીથી બનેલા ટાપુઓ (Islands) છે. તે મુખ્ય ભૂમિથી ૧,૧૦૦ કિમી. દૂર પૅસિફિક (પ્રશાંત) મહાસાગરમાં આવેલા છે. તે પણ ઇક્વેડૉરની માલિકીના છે. તે ટાપુઓ ત્યાં વસતા વિરાટ કાચબાઓના કારણે જાણીતા છે. આ કાચબા દોઢથી બે મીટર લાંબા અને એકથી સવા મીટર પહોળા હોય છે. આ કાચબાઓ ઉપરાંત આ ટાપુ પર અનેક જાતનાં ચિત્રવિચિત્ર પ્રાણીઓ વસે છે. વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિન અહીં ઘણો લાંબો સમય રહેલા. તેમના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતના પ્રતિપાદનમાં અહીંનાં પ્રાણીઓનું નિરીક્ષણ કર્યાંનું તેમણે નોંધ્યું છે. આ દેશની વસ્તી આશરે ૧.૯૦ કરોડ (૨૦૨૬) જેટલી છે. ક્વિટો તેની રાજધાની છે. તેઓ સ્પૅનિશ, ક્વેચુઆ અને જીવારો ભાષાઓ બોલે છે. ઇતિહાસ : ઈ. સ. ૧૫૩૨માં સ્પેનના કેટલાક   લોકો સ્થળાંતર કરીને હાલના ઇક્વેડૉરના સ્થળે ગયા. ત્યાં જઈને તેમણે ક્વિટો નામની વસાહત સ્થાપી. ઈ. સ. ૧૮૨૧માં સ્થાનિક લોકોએ બળવો કર્યો અને સ્પેનના શાસનમાંથી દેશ મુક્ત થયો. તે પછી ઈ. સ. ૧૮૩૦માં તે પ્રજાસત્તાક બન્યું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઇક્વેડૉર, પૃ. 145)

Categories
વાચન સમૃદ્ધિ

રામ રાઘોબા રાણે

જ. 26 જૂન, 1918 અ. 11 જુલાઈ, 1994

પરમવીરચક્રથી સન્માનિત સેકન્ડ લેફ્ટનન્ટ રામ રાઘોબા રાણેનો જન્મ કર્ણાટકના હાવેરીમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ જુદી જુદી જગ્યાએ થયું હતું. તેઓ 1930માં અસહકારની લડતમાં જોડાયા આથી પિતાએ તેમને ચેન્ડિયા મોકલ્યા. તેઓ 10 જુલાઈ, 1940ના રોજ બૉમ્બે સેપર્સ રેજિમેન્ટમાં જોડાયા. તેમને જાપાનીઓ સામે લડવા માટે બથીડોંગ મોકલવામાં આવ્યા. બ્રિટિશ સેનાએ પીછેહઠ કરવી પડી ત્યારે બ્રિટિશ ડિવિઝનના કમાન્ડરે તેમને બથીડોંગ રહેવાનું કહ્યું. તેમને દુશ્મનોના શસ્ત્રસરંજામ અને વાહનોનો નાશ કરવાનો હતો એ પછી બ્રિટિશ નૌકાદળના જહાજમાં તેમણે આવવાનું હતું, પરંતુ બ્રિટિશ જહાજો ન આવતાં તેમણે જંગલમાં જાપાનીઓને હાથતાળી આપી ટુકડીને હેમખેમ બહાર લાવ્યા. આથી અંગ્રેજોએ તેમને હવાલદાર તરીકે બઢતી આપી. આઝાદી પછી ભારતીય સેનામાં તેઓ સેકન્ડ લેફ્ટનન્ટ બન્યા. રાજૌરીને મુક્ત કરવા માટે નૌશેરાથી નીકળેલી ટુકડીમાં રામ રાણે પણ હતા. નદપુર પહોંચતા દુશ્મનોએ તોપમારો ચલાવ્યો. રામ અને તેમના સાથીદારોએ રસ્તામાં બિછાવેલી સુરંગોને નિષ્ક્રિય કરી. રસ્તામાં મૂકવામાં આવેલાં પથ્થરો અને વૃક્ષો દૂર કર્યાં. આ દરમિયાન રામ જમણા પગે જખમી થયા છતાં પોતાની ફરજમાંથી ચલિત ન થયા. તેમણે મોડી રાત સુધી સુરંગોને શોધવાનું અને નિષ્ક્રિય કરવાનું કામ ચાલુ રાખ્યું. રામ સ્ટુઅર્ટ ટૅન્કરના બે કેટરપિલર પટ્ટા વચ્ચેની જગ્યામાં છાતીસરસા સૂઈ ગયા અને પછી ધીરે ધીરે ટૅન્ક ચલાવડાવી. ટૅન્ક આગળ વધતાં પોતે બે હાથથી શરીરને ખેંચીને આગળ વધતા રહ્યા અને સુરંગોનો નાશ કરતા રહ્યા. આમ, તેમણે રાજૌરીને કબજે કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે કલાકો સુધી આરામ અને ભોજન વગર સતત કામ કર્યું હતું. તેમને 14 જાન્યુઆરી, 1950ના રોજ લેફ્ટનન્ટ અને 14 જાન્યુઆરી, 1954ના રોજ કૅપ્ટન તરીકે બઢતી આપવામાં આવી હતી. 25 જૂન, 1968ના રોજ મેજરના પદ પરથી નિવૃત્ત થયા. યુદ્ધમાં કરેલી અદ્વિતીય કામગીરી માટે તેમને 8 એપ્રિલ, 1948ના રોજ પરમવીરચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

દુર્ગ

નગરના રક્ષણ અર્થે બાંધવામાં આવતો કિલ્લો. પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં દુર્ગ-નિર્માણને રાજ્યના અનિવાર્ય અંગ તરીકે લેખવામાં આવેલ છે. દુર્ગ વિનાના રાજાને ઝેરવિહીન સર્પ કે દંતશૂળવિહીન હાથી સાથે સરખાવવામાં આવ્યો છે. એક હજાર હાથી અને એક લાખ ઘોડા જેટલું બળ રાજા એક દુર્ગ દ્વારા પ્રાપ્ત કરી શકે છે એવું શાસ્ત્રકારોનું વિધાન છે.

ભારતીય વાસ્તુવિદ્યામાં દુર્ગના વિવિધ પ્રકારો ગણાવ્યા છે, જેમાં નૈસર્ગિક રીતે ભૌગોલિક પરિસ્થિતિઓથી, પર્વત, નદી વગેરેને આશ્રયે રચાતા દુર્ગોને સ્વાભાવિક કે અકૃત્રિમ દુર્ગ કહ્યા છે. આવા સ્વાભાવિક દુર્ગોમાં જલદુર્ગ, પ્રાસ્તારદુર્ગ, વનદુર્ગ, મિશ્રક દુર્ગ અને મરુદુર્ગ જેવા પ્રકારો પણ પડે છે. ઊંડા પાણી કે મહાજળથી ઘેરાયેલ દુર્ગ જે સાધારણ રીતે નદી કે સમુદ્રજળથી ઘેરાયેલા હોય તેને ‘જલદુર્ગ’ કે ‘સલિલદુર્ગ’ કહે છે. આવા દુર્ગ ઘણું કરીને ઊંડા વહેણવાળી નદી કે સમુદ્ર વચ્ચે આવેલ દ્વીપ પર હોય છે. યમુનાકાંઠે આવેલો મુઘલકાલીન લાલ કિલ્લો આનું સારું દૃષ્ટાંત છે. પ્રાસ્તાર કે શૈલમય દુર્ગના ગિરિદુર્ગ, ગુહાદુર્ગ અને ગર્તાદુર્ગ એવા ત્રણ પ્રકારો જાણીતા છે. પર્વતની ટોચ પર આવેલા દુર્ગને ગિરિદુર્ગ કહે છે. એમાં ચઢાણ આકરું હોય છે અને દુર્ગને ફરતી ઝાડી હોય છે. દુર્ગમાં જળસંચય અને અનાજના કોઠાર તથા લાંબા સમય સુધી સુરક્ષાકવચ તરીકે કામ લાગે તેમજ બાહ્ય આક્રમણ વખતે પૂરેપૂરું રક્ષણ મળી રહે તેવી જોગવાઈ હોય છે. શાસ્ત્રોમાં ગિરિદુર્ગને શ્રેષ્ઠ કહ્યા છે. ભારતમાં આ પ્રકારના દુર્ગોનાં સંખ્યાબંધ દૃષ્ટાંત મળી આવે છે. જેમ કે, દેવગિરિનો કિલ્લો, ગ્વાલિયરનો કિલ્લો, મેવાડમાં ચિતોડગઢ, જયપુરનો આંબેરગઢ, ગુજરાતમાં જૂનાગઢનો ઉપરકોટ, પાવાગઢ, ઈડરનો ગઢ, મહારાષ્ટ્રમાં રાયગઢ, સિંહગઢ વગેરે આ પ્રકારના ગિરિદુર્ગ છે. જે દુર્ગ ચારે બાજુ પહાડીઓથી ઘેરાયેલો હોય તેને ગુહાદુર્ગ કહે છે. જયપુર અને ઉદયપુરના કિલ્લા આ પ્રકારના છે. બે પહાડોની વચ્ચેની ખીણમાં રચાયેલ દુર્ગને ગર્તાદુર્ગ કહે છે. બુંદીનો કિલ્લો આ પ્રકારનો છે. વનની મધ્યે ગીચ ઝાડીથી આવૃત દુર્ગને ‘વનદુર્ગ’ કહેવામાં આવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દુર્ગ/)