Categories
વાચન સમૃદ્ધિ

રૉબર્ટ લેડલી

જ. 28 જૂન, 1926 અ. 24 જુલાઈ, 2012

પ્રસિદ્ધ અમેરિકી ભૌતિકવિજ્ઞાની અને દંતચિકિત્સક રૉબર્ટ લેડલીનો જન્મ ન્યૂયૉર્કમાં થયો હતો. ચિકિત્સાક્ષેત્રે કમ્પ્યૂટરનો ઉપયોગ કરવા માટે તથા દુનિયાનું સૌપ્રથમ માનવશરીર સી.ટી. (Computer Tomography) સ્કૅનરની શોધ માટે તેઓ ખ્યાતનામ છે. શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેઓ ભૌતિકશાસ્ત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા હતા, પરંતુ માતા-પિતા માનતાં કે એથી તેમને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત નહીં થાય. તેમણે તેમને દંતચિકિત્સક બનવા માટે આગ્રહ રાખ્યો. આથી 1948માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑફ ડેન્ટલ સર્જરીની પદવી પ્રાપ્ત કરી અને 1950માં કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરીને પોતાની ઇચ્છાપૂર્તિ પણ કરી હતી. કોરિયન વૉર દરમિયાન થોડો સમય આર્મીમાં ડેન્ટલ સર્જન તરીકે કાર્ય કર્યા બાદ 1968માં જ્યોર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર બન્યા. 1970માં જ્યોર્જટાઉન યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરમાં ફિઝિયૉલૉજી, બાયૉફિઝિક્સ અને રેડિયોલૉજીના પ્રોફેસર તરીકે નિયુક્ત થયા હતા. તેમણે અનેક સંશોધનો કર્યાં હતાં. તેમનું સૌથી મોટું યોગદાન ACTA (Automatic computerized transverse axial)  એક્સ-રે સ્કેનરની શોધ હતી. લેડલી સમગ્ર માનવશરીરનાં અંગો સ્કેન કરવાનું મશીન બનાવી, ચિકિત્સા અને રેડિયોલૉજી ક્ષેત્રે ક્રાંતિ લાવ્યા. ચિકિત્સાવિજ્ઞાનમાં કમ્પ્યૂટરનો ઉપયોગ કરનાર તેઓ શરૂઆતના અગ્રણીઓમાંના એક હતા. તેમણે ક્રોમોઝોમ વિશ્લેષણ માટે સ્વચાલિત ઉપાયો વિકસિત કર્યા. 1960માં તેમણે નૅશનલ બાયૉમેડિકલ રિસર્ચ ફાઉન્ડેશન(NBRF)ની સ્થાપના કરી. લેડલીએ તેમની ટીમ સાથે પ્રોટીન અને ડી.એન.એ. અનુક્રમોને વ્યવસ્થિત કરવા માટે વિશાળ પાયે ડેટાબેઝ પ્રોટીન ઇન્ફર્મેશન રિસોર્સ(PIR)ના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. 1990માં તેમને ‘નૅશનલ ઇન્વેન્ટર્સ ઑફ ફેમ’માં સમાવિષ્ટ કરાયા. 1997માં તેમને ‘નૅશનલ મેડલ ઑફ ટૅક્નૉલૉજી ઍન્ડ ઇનોવેશન’થી સન્માનિત કરાયા હતા. તેમના દ્વારા બનાવવામાં આવેલાં મશીનોની અનુકૃતિ (prototype) આજે પણ સ્મિથ્સોનિયમ ઇન્સ્ટિટ્યૂશનમાં જોવા મળે છે.

Categories
વાચન સમૃદ્ધિ

કામમાં ડૂબી જાવ

ગુલામોના મુક્તિદાતા, આંતરવિગ્રહમાં અમેરિકાના તારણહાર અને અમેરિકાના 16મા પ્રમુખ અબ્રાહમ લિંકન(1809થી 1865)નો જન્મ અત્યંત ગરીબ કુટુંબમાં થયો હતો. એમના પિતા ટોમસ લિંકન અને માતા નાન્સી હૅક્સ અક્ષરજ્ઞાન ધરાવતાં નહોતાં. લાકડાના જાડા પાટિયાના બનાવેલા ઘરમાં અબ્રાહમ લિંકનનો જન્મ થયો. નાની ઉંમરમાં મજૂરી કરવી પડી અને વ્યવસ્થિત અભ્યાસની કોઈ તક મળી નહીં. દેખાવે એ કદરૂપા હતા. એમની પત્ની મેરી ટોડ સતત કંકાસ કરતી હતી. એ યુવાનીમાં આવ્યા ત્યારથી દેવામાં ડૂબેલા રહ્યા. એમના સાસરાપક્ષવાળા પણ ઊંચી, પાતળી, 6 ફૂટ અને 4 ઇંચની દેહયષ્ટિ ધરાવનાર લિંકનના વિચિત્ર અને કઢંગા દેખાવની હાંસી ઉડાવતા હતા. એમના મનમાં હતાશા અને નિરાશા હતી. લાકડાં ફાડવાની અને વહેરવાની મજૂરી કરીને જીવન ગાળતા હતા, પરંતુ લિંકન પાસે મનનો બોજ દૂર કરવાનો એક રસ્તો હતો અને તે કાયદાનો અભ્યાસ. એમણે અમેરિકાના ઇન્ડિયાના રાજ્યના કાયદાઓનો ઊંડો અભ્યાસ કર્યો. આ અભ્યાસ કરતી વખતે લિંકન એમના જીવનની વેદનાઓ અને અભાવોને ભૂલી જતા હતા. અપાર ચિંતાઓને સ્થાને એ કાયદાશાસ્ત્રની આંટીઘૂંટીઓમાં પોતાના મનને ડુબાડી દેતા હતા. એમણે જોયું કે મનમાં રહેલો – હતાશા, ગરીબી, આજીવિકાની ફિકર – એ બધો જ બોજ દૂર કરવાનો એક રસ્તો એ છે કે તમે તમારા મનને કામમાં પરોવી દો. આવી રીતે કાયદાશાસ્ત્રના અભ્યાસમાં મનને પરોવનાર લિંકને કાયદાનાં પાઠ્યપુસ્તકો ઉછીનાં લઈને પણ અભ્યાસ ચાલુ રાખ્યો. માત્ર એક જ વર્ષમાં એમનું નામ એટર્નિસની યાદીમાં સામેલ થયું. એટલું જ નહીં પણ એમની કાયદાની સૂઝ, સમજ અને દૃષ્ટિ વિકસતાં વરિષ્ઠ વકીલ જ્યૉર્જ સ્ટુઅર્ટે એમને ભાગીદાર બનાવ્યા. રાજ્યના વકીલમંડળ(બાર)માં શ્રેષ્ઠ વકીલ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. કેટલાય નોંધપાત્ર કેસ જીત્યા. સમવાય સરકારની સર્વોચ્ચ અદાલતે એમની અસાધારણ કાનૂની કુશળતાને બિરદાવી, તેથી તેઓ આખા અમેરિકામાં સમર્થ કાયદાશાસ્ત્રી તરીકે જાણીતા થયા.

Categories
વાચન સમૃદ્ધિ

ધીરુભાઈ ઠાકર

જ. 27 જૂન, 1918 અ. 24 જાન્યુઆરી, 2014

ગુજરાતી ભાષાના સંશોધક, સંપાદક, નાટ્યવિદ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના પ્રણેતા અને ‘ગુજરાતી વિશ્વકોશ’ના મુખ્ય સંપાદક ધીરુભાઈ ઠાકરનો જન્મ કોડીનારમાં થયો હતો. એમનું ઉપનામ સવ્યસાચી હતું. ધીરુભાઈ ઠાકર વિદ્વત્તાની સાથે સ્વચ્છ પારદર્શક વ્યક્તિત્વને કારણે સાહિત્યજગતમાં ઋષિતુલ્ય સ્થાન ધરાવતા હતા. પિતા પ્રેમશંકર ઠાકર તલાટી હતા. માતા ગોમતીબહેન ધાર્મિક વૃત્તિનાં સાલસ ગૃહિણી હતાં. ઘરમાં ગિરિધરકૃત રામાયણનું નિત્ય વાચન તથા પાઠ થતા હતા. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ચાણસ્મામાં થયું. મુંબઈ એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સ્નાતક તથા અનુસ્નાતકનો અભ્યાસ કરીને ત્યાં જ અધ્યાપનકાર્ય શરૂ કર્યું.  અમદાવાદ ગુજરાત કૉલેજ તથા મોડાસા કૉલેજમાં અધ્યાપન અને આચાર્યપદે સેવા આપીને વિદ્યાર્થીઓને સાચા અર્થમાં સંપૂર્ણ કેળવણી આપી. એમની દૃષ્ટિ વિદ્યાર્થીને નહિ પરંતુ આખા સમાજને કેળવવાની હતી. ત્યાંથી નિવૃત્ત થયા બાદ 1985માં શિષ્ય અને માનસપુત્ર કુમારપાળ દેસાઈના સહયોગથી ગુજરાત વિશ્વકોશની સ્થાપના કરી.  ગુજરાતીમાં વિશ્વકોશ બનાવવાનું ભગીરથ કાર્ય આરંભ્યું. વિશ્વકોશના મુખ્ય સંપાદક તરીકે જીવનપર્યંત કાર્યરત રહ્યા. સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ 2000-2001માં સેવા આપી હતી. તેમને અનેક ઍવૉર્ડ એનાયત થયા છે જેમાં 1994માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 1999માં ગુજરાત ગૌરવ પુરસ્કાર, 2002માં વિદ્યાવિકાસ પુરસ્કાર, 2012માં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ઍવૉર્ડ , વીરનર્મદ પુરસ્કાર તથા ભારત સરકાર તરફથી 2014માં પદ્મભૂષણ (મરણોત્તર) પ્રાપ્ત થયા હતા. એમના સેવાકાર્ય બદલ સમગ્ર ગુજરાત એમનું ઋણી છે.