જ. ૪ જુલાઈ, ૧૮૯૮ અ. ૧૫ જાન્યુઆરી, ૧૯૯૮

ભારતરત્નથી સન્માનિત ભારતના પૂર્વવડાપ્રધાન, સ્વાતંત્ર્યસેનાની અને અગ્રણી મજૂરનેતા ગુલઝારીલાલ નંદાનો જન્મ પંજાબના સિયાલકોટ(જે હાલ પાકિસ્તાનમાં છે)માં થયો હતો. તેમના પિતાનું નામ બુલાખીરામ અને માતાનું નામ ઈશ્વરદેવી હતું. તેમનાં પત્નીનું નામ લક્ષ્મીદેવી હતું. તેમને પોતાનું શિક્ષણ લાહોર, આગ્રા અને અલાહાબાદમાં પ્રાપ્ત થયું હતું. ૧૯૨૦-૨૧માં તેમણે અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાં શ્રમ સંબંધી સમસ્યાઓ પર એક શોધ અધ્યેતાના રૂપમાં કાર્ય કર્યું હતું. ૧૯૨૧માં મુંબઈની નૅશનલ કૉલેજમાં અધ્યાપક બનવાની સાથોસાથ તેઓ અસહકાર આંદોલનમાં જોડાયા હતા. ૧૯૨૨માં તેઓ અમદાવાદ ટેક્સટાઇલ લેબર ઍસોસિયેશનના સચિવ બન્યા જેમાં તેમણે ૧૯૪૬ સુધી કામ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન સત્યાગ્રહ માટે તેઓ ૧૯૩૨માં અને ફરીથી ૧૯૪૨થી ૧૯૪૪ સુધી જેલમાં રહ્યા હતા. ગુલઝારીલાલ નંદાએ ૧૯૪૬થી ૧૯૫૦ સુધી બૉમ્બે સરકારના શ્રમમંત્રી તરીકેના કાર્યકાળમાં રાજ્ય વિધાનસભામાં શ્રમવિવાદવિધેયક સફળતાપૂર્વક રજૂ કર્યું હતું. તેમણે કસ્તૂરબા મેમોરિયલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે, હિન્દુસ્તાન મજદૂર સેવક સંઘમાં સચિવ તરીકે અને રાષ્ટ્રીય યોજના સમિતિના સદસ્ય તરીકે સેવાઓ આપી હતી. ૧૯૪૭માં જિનીવામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલનમાં તેમણે એક સરકારી પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. ૧૯૫૦માં તેઓ આયોજન પંચના ઉપાધ્યક્ષ બન્યા હતા. ગુલઝારીલાલ નંદા ૧૯૫૨ અને ૧૯૫૭ની સામાન્ય ચૂંટણીમાં લોકસભા માટે ચૂંટાયા અને કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી. ૧૯૬૨માં સાબરકાંઠા બેઠક પરથી ચૂંટાયા બાદ ૧૯૬૩થી ૧૯૬૬ સુધી કેન્દ્રીય ગૃહમંત્રીપદે પણ રહ્યા હતા. પંડિત જવાહરલાલ નહેરુના નિધન બાદ ૨૭ મેથી ૯ જૂન, ૧૯૬૪ સુધી અને લાલબહાદુર શાસ્ત્રીના નિધન બાદ ૧૧ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી, ૧૯૬૬ સુધી કાર્યકારી વડાપ્રધાન તરીકે કામ કર્યું હતું. બાદમાં ૧૯૭૦-૭૧માં તેઓ રેલવેમંત્રી પણ બન્યા હતા. ‘ગુલઝારીલાલ નંદા : અ લાઇફ ઇન ધ સર્વિસ ઑફ પીપલ’ નામના પ્રેમિલા કાનનલિખિત જીવનચરિત્રમાં ગાંધીજી સાથેની નંદાની મુલાકાતનું વર્ણન છે. તેમણે પોતે પણ પાંચેક અંગ્રેજી પુસ્તકો લખેલાં છે. સાદગીની જીવંત મૂર્તિ તરીકે ગુલઝારીલાલ સદા સ્મરણમાં રહેશે.
અશ્વિન આણદાણી