Categories
વાચન સમૃદ્ધિ

માલિક કે ગ્રાહક

વિશ્વના અગ્રણી મોટર-ઉત્પાદક અને ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા હેન્રી ફૉર્ડ પોતાના વ્યવસાય અર્થે ઇંગ્લૅન્ડ ગયા. ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા હેન્રી ફૉર્ડે ખાણ, સ્ટીલ-પ્લાન્ટ, રબર-ઉત્પાદન તેમજ લડાઈના માલસામાનના ઉત્પાદનમાં રસ લીધો, પરંતુ એમણે મોટર-કારના જથ્થાબંધ ઉત્પાદનથી ક્રાંતિ કરી.  વિશ્વના બધા દેશોમાં ફૉર્ડ કારના મૉડલ ‘T’ ઉપરાંત બીજાં અનેક મૉડલો પ્રચલિત બન્યાં હતાં અને મોટરકારના ઉત્પાદનમાં ક્રાંતિ સર્જાતાં અમેરિકાના આર્થિક અને સામાજિક જીવન પર પણ ઘણો પ્રભાવ પડ્યો. વિશ્વપ્રસિદ્ધ હેન્રી ફૉર્ડ પોતાના અંગત કામ માટે લંડન શહેરમાં આવ્યા અને બ્રિટનના લોકોને એ જાણીને આશ્ર્ચર્ય થયું કે વિશ્વપ્રસિદ્ધ ફૉર્ડ-કારના નિર્માતા સ્વયં રૉલ્સ રોયસ કારમાં ફરી રહ્યા છે. કોઈએ આ અંગે એમને પૂછ્યું નહીં, પરંતુ જ્યારે તેઓ ઇંગ્લૅન્ડના સમ્રાટ જ્યોર્જ પાંચમાને મળવા ગયા, ત્યારે એમણે સવાલ કર્યો, ‘મિ. ફૉર્ડ, તમારી કારના વિજ્ઞાપનમાં તમે લખો છો કે ફૉર્ડ એ જગતની સૌથી સારામાં સારી મોટરકાર છે, તેમ છતાં ઇંગ્લૅન્ડમાં તમે તમારી કંપનીની કારને બદલે બીજી કંપનીની કારમાં કેમ ફરો છો ? આ બાબત ભારે અટપટી લાગે છે.’ ફૉર્ડે કહ્યું, ‘સમ્રાટ, એ વાત તો હું ચોક્કસ કહીશ કે મારી કાર એ વિશ્વની સૌથી ઉત્તમ કાર છે. મારા એ મતમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ તમને શું કહું ? હું મારા મૅનેજરને વારંવાર કહી ચૂક્યો છું કે મારે લંડનમાં ઘૂમવા માટે ફૉર્ડ કારની જરૂર છે, પણ એ કહે છે કે મોટર તૈયાર થતાં જ એ તરત વેચાઈ જાય છે. તેથી મારે માટે સવાલ એ છે કે ફૉર્ડ કાર ગ્રાહકને આપું કે માલિકને આપું ? આને પરિણામે હું ફૉર્ડમાં ફરી શકતો નથી અને તેથી સેકન્ડ બેસ્ટ કાર રૉલ્સ રોયસનો ઉપયોગ કરું છું.’ ફૉર્ડનો આ ઉત્તર સાંભળીને સમ્રાટ ચકિત થઈ ગયા અને લોકોને આ પ્રસંગની જ્યારે જાણ થઈ, ત્યારે ખ્યાલ આવ્યો કે ફૉર્ડની અપ્રતિમ સફળતાનું રહસ્ય શું છે.

Categories
વાચન સમૃદ્ધિ

શ્રીરંગમ્ શ્રીનિવાસ રાવ

જ. ૩૦ એપ્રિલ, ૧૯૧૦ અ. ૧૫ જૂન, ૧૯૮૩

તેલુગુ કવિ, ગીતકાર અને ફિલ્મી પટકથાલેખક શ્રીરંગમ્ શ્રીનિવાસ રાવનો જન્મ વિશાખાપટ્ટનમમાં થયો હતો. પિતા પુડીપેદ્દી વેંકટરામનૈયા અને માતા અટપ્પાકોંડા, પરંતુ તેમને શ્રીરંગમ્ સૂર્યનારાયણ દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. તેઓ શ્રી શ્રીના નામે જાણીતા છે. તેમનું શાળેય શિક્ષણ વિશાખાપટ્ટનમમાં થયું. ૧૯૩૧માં મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાંથી બી.એ. ઑનર્સ થયા. પછી વિઝાગની એસ.વી.એસ. કૉલેજમાં ડેમોન્સ્ટ્રેટર તરીકે જોડાયા. ૧૯૩૮માં ‘દૈનિક આંધ્રપ્રભા’માં સબ-એડિટર બન્યા. બાદમાં દિલ્હી આકાશવાણી અને દૈનિક આંધ્રવાણીમાં વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું. તેઓ પેન ઇન્ડિયા, સાહિત્ય અકાદમીના સભ્ય, આંધ્રના ક્રાંતિકારી લેખક સંગઠન, આંધ્રપ્રદેશ નાગરિક સ્વતંત્રતા સમિતિ અને પ્રગતિશીલ લેખક સંગઠનના પ્રમુખ તેમજ દક્ષિણ ભારતીય ફિલ્મ લેખક ઍસોસિયેશનના ઉપપ્રમુખ હતા. તેમણે સાત વર્ષની ઉંમરે લેખનકાર્યનો આરંભ કર્યો હતો. ૧૯૨૮માં ‘પ્રભાવ’ નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો હતો. તેમણે પરંપરાગત શૈલીથી ભિન્ન કાવ્યલેખન કર્યું. તેમણે સામાન્ય માણસના રોજિંદા જીવનને અસર કરતા મુદ્દાઓને કવિતામાં પ્રતિબિંબિત કર્યા. તેમણે જુન્નારકરની ‘નીરા ઔર નંદા’(૧૯૪૬)નું તેલુગુ સંસ્કરણ ‘આહુતિ’ (૧૯૫૦) સાથે તેલુગુ સિનેમામાં પ્રવેશ કર્યો. તેમણે ઘણી તેલુગુ ફિલ્મો માટે પટકથાઓ અને ગીતો લખ્યાં. તેમણે કન્નડ ફિલ્મ ‘કન્યાદાનમ્’ માટે એક જ દિવસમાં ૧૨ ગીતો લખ્યાં હતાં, જે એક રેકૉર્ડ છે. તેમને શ્રેષ્ઠ ગીતકાર માટે ૧૯૭૪નો રાષ્ટ્રી ફિલ્મ પુરસ્કાર, નંદી પુરસ્કાર, સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ, સાહિત્ય અકાદમી પુરસ્કાર અને રાજા-લક્ષ્મી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સાગરસૃષ્ટિ

સાગરમાં રહેતા અનેક સૂક્ષ્મ તથા મોટા જીવોની દુનિયા.

પૃથ્વીની સપાટી પરનો ૭૧% ભાગ સાગરોથી રોકાયેલો છે. પૃથ્વી પરના અતિસૂક્ષ્મ જીવોથી માંડીને વિશાળકાય જીવોનું અસ્તિત્વ સાગરમાં હોવાને કારણે તે જીવો માટેનું સૌથી મોટું રહેઠાણ મનાય છે. જીવસૃષ્ટિની ઉત્પત્તિ અને તેનો પ્રારંભિક વિકાસ પાણીમાં – સાગરમાં થયો હોવાનું મનાય છે. કરોડો વર્ષોના ગાળા દરમિયાન જીવો સાગરમાંથી ધરતી પર આવી પ્રસર્યા અને સ્થાયી થયા. સમુદ્રનું પાણી ખારું હોય છે. તેમાં ભરતી-ઓટ જોવા મળે છે. તેમાં સતત પ્રવાહો વહેતા હોય છે. સાગરમાં અઢળક જળરાશિનું દબાણ હોય છે. તાપમાનની દૃષ્ટિએ તે પ્રકાશીય ઊર્જાનો સૌથી મોટો ભંડાર છે. સાગરના પાણીમાં પ્રવેશતા પ્રકાશને લીધે દરિયાઈ વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે. વળી તે ઊર્જાસ્તર અને પ્રાણીઓની દૃષ્ટિએ પણ મહત્ત્વનો છે. પાણીના સૌથી ઉપરના આ ક્ષેત્રને સુપ્રકાશિત ક્ષેત્ર કહે છે. સુપ્રકાશિત ક્ષેત્રની નીચેનો પાણીનો જથ્થો અપ્રકાશિત હોય છે. તેથી ત્યાં પ્રકાશસંશ્લેષણ થઈ શકતું નથી. આથી અહીં વનસ્પતિ જોવામાં આવતી નથી.

(૧) વહેલ માછલી, (૨) શાર્ક માછલી, (૩) જેલીફિશ, (૪) ડૉલ્ફિન, (૫) ઓક્ટોપસ

સાગરના છીછરા પાણીના ક્ષેત્રમાં પ્રકાશ, પ્રાણવાયુ અને અંગારવાયુ વિશાળ માત્રામાં મળી રહેતા હોવાથી અહીં વનસ્પતિની વૃદ્ધિ મોટા પાયે થાય છે. વનસ્પતિને કારણે પ્રાણીઓને ખોરાક મળી રહે છે. ખડકાળ તટમાં ખડકોની વચ્ચેની જગ્યામાં વાદળી, સમુદ્રફૂલ, સ્નેલ, કોપેપૉડ વગેરે જોવા મળે છે. ખડકો પર લીલ, સેવાળ મોટી માત્રામાં મળી આવે છે. વળી કરચલા, જેલીફિશ, બહુલોમી કીડા, પોલિપ, રેતીકીડા, કોડી, અષ્ટપાદ, સમુદ્રતારા, સમુદકાકડી, સાઇકોન, બેલેનસ, લેપસ વગેરે અનેક પ્રાણીઓ મળી આવે છે. ગુજરાતમાં ઓખાના ખડકાળ તટ પરથી તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અનેક પ્રકારની લીલ જોવા મળે છે. અહીં કૃમિઓ, કરચલા, મૃદુકાય તથા કેટલાંક શૂળત્વચી પ્રાણીઓ મળી આવે છે. કાદવીય તટ પર ઝૉસ્ટેરા અને અલ્વા વનસ્પતિ મુખ્યત્વે હોય છે, જે પ્રાણીઓને સુરક્ષાકવચ પૂરું પાડે છે. અહીંનાં મુખ્ય પ્રાણીઓમાં સૂત્રકૃમિ, પ્રજીવો, કેટલીક વાદળીઓ, સેરિયસ જેવા કોષ્ઠાંત્રીઓ, કેટલાક કૃમિઓ, હર્મિટ કરચલા, લૉબસ્ટર જેવા સંધિપાદો તથા મૃદુકાય અને શૂળત્વચી પ્રાણીઓ સામાન્ય રીતે જોવા મળે છે. કાદવીય તટમાં રહેતાં પ્રાણીઓ કાદવ જેવા રંગનાં, મુલાયમ અને પાતળા શરીરવાળાં હોય છે. ઊંડા સમુદ્રના આવાસમાં અનેક પ્રતિકૂળતાઓ હોવા છતાં પણ અહીં દરેક સમુદાયનાં પ્રાણીઓ વસેલાં જોવા મળે છે. અહીં અનેક પ્રકારની માછલીઓ – વહેલ, ડૉલ્ફિન, સીલ વગેરે જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાગરસૃષ્ટિ, પૃ. 98)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી