Categories
વાચન સમૃદ્ધિ

રોમાં રોલાં

જ. ૨૯ જાન્યુઆરી, ૧૮૬૬ અ. ૩૦ ડિસેમ્બર, ૧૯૪૪

વીસમી સદીના મહાન આધ્યાત્મિક સાધક, નવલકથાકાર, નિબંધકાર અને નાટ્યકાર રોમાં રોલાંનું પૂરું નામ રોમાં એદમે પોલ એમિલ રોલાં હતું. ૧૪ વર્ષની વયે તેઓ પૅરિસમાં અભ્યાસ અર્થે ગયા હતા. ઈકૉલ નૉર્મેલ સુપિરિયરમાં પ્રવેશ મેળવી તેમણે સાહિત્ય, સંગીત અને તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ૨૯ વર્ષની વયે તેમણે લખેલ સંશોધનાત્મક પ્રબંધ ‘લે ઓરિજિન્સ દુ થિયેતર લિરિક મૉદર્ન’ને ફ્રેન્ચ અકાદમી તરફથી પારિતોષિક પ્રાપ્ત થયું હતું. રોમાં થોડો સમય શિક્ષક પણ રહ્યા હતા. રોમાં રોલાંના સંગીત પરના વિવેચનની નોંધ યુરોપમાં લેવાતી હતી. ‘સમ મ્યુઝિશિયન્સ ઑવ્ ફૉર્મર ડેઝ’(૧૯૦૮)માં તેમના સંગીત વિષય પરના નિબંધો છે. સંગીત ભાવકને જીવનના મૂળ સ્રોતો સુધી કેવી રીતે લઈ જાય છે તે તેમણે આ નિબંધોમાં સુપેરે દર્શાવ્યું છે. આ સિવાય ‘બીથોવન’ (૧૯૦૩), ‘હેન્દેલ’ (૧૯૧૦), ‘માઇકલૅન્જેલો’ (૧૯૦૫-૦૬) અને ‘ટૉલ્સ્ટૉય’ (૧૯૧૧) તેમણે લખેલાં નોંધપાત્ર જીવનચરિત્રો છે. ‘ધ પીપલ્સ થિયેટર’ નામના પુસ્તકમાં તેમણે નવી રંગભૂમિ વિશેના વિચારો સ્પષ્ટ કર્યા છે. રોમાં રોલાંએ ૧૯૦૪થી ૧૯૧૨ દરમિયાન ‘જ્યૉં-કિસ્તોફ’ નામની મહાન નવલકથાનું સર્જન કર્યું હતું. જે જર્મન સંગીતકારના જીવનનું ગદ્યમાં લખાયેલું મહાકાવ્ય છે. આ વિરાટ નવલકથાએ તેમને ૧૯૧૫નું નોબેલ પારિતોષિક અપાવ્યું હતું. આ નવલકથામાં આવતાં ‘પરોઢ’, ‘સવાર’, ‘યુવાની’, ‘બંડ’, ‘બજાર’, ‘પ્રેમ અને મૈત્રી’ જેવા વિષયોનાં વર્ણનો તેમના સાહિત્યસર્જનનાં અદભુત દૃષ્ટાંતો છે. ત્યારબાદ ‘ધ સૉલ એન્ચેન્ટેડ’ (૧૯૨૨થી ૧૯૩૩) સાત ભાગમાં લખાયેલી નવલકથા છે. રોમાં રોલાંએ ૧૯૨૪માં ‘ગાંધી’નું જીવનચરિત્ર લખેલું. તેમને ગાંધીજીની અહિંસાની વાત ખૂબ ગમી ગઈ હતી. પહેલી મુલાકાતે તેમને ગાંધીજી સેંટ ડોમિનિક અને સેંટ ફ્રાંસિસ જેવા લાગેલા. મીરાબહેનને ગાંધીજીનો પરિચય પણ તેમણે કરાવ્યો હતો. તેમણે મીરાબહેનને કહેલું કે ગાંધીજી એ તો બીજા ઈશુ ખ્રિસ્ત છે. આ એક જ વાક્યે ઇંગ્લૅન્ડના નૌકાદળના અધિકારીની દીકરીને ગાંધીજીની ભક્ત બનાવી દીધી હતી. જીવનનાં છેલ્લાં વર્ષોમાં રોમાં વેઝલેમાં રહેતા હતા. જ્યાં બાળપણથી લાગુ પડેલા ક્ષયરોગને લીધે તેમનું અવસાન થયું હતું.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

જે પરસેવે ન્હાય

અમેરિકાના ન્યૂયૉર્ક રાજ્યના ગવર્નર તરીકે ચાર ચાર વખત પસંદગી પામનાર અલ સ્મિથનું બાળપણ એવી કારમી ગરીબીમાં વીત્યું હતું કે એમના પિતા અવસાન પામ્યા ત્યારે એની પાસે કૉફિનના પણ પૈસા નહોતા. એમની માતા છત્રીના કારખાનામાં રોજ દસ દસ કલાક કામ કરતી હતી અને એ પછી ઘેર આવ્યા બાદ પણ મોડી રાત સુધી બીજું પરચૂરણ કામ કર્યા કરતી. અલ સ્મિથ પોતાની પ્રારંભની જિંદગીમાંથી એક જ પાઠ શીખ્યા કે જિંદગી એ ગરીબી કે સંઘર્ષ નથી, પરંતુ આકરી મહેનત છે. સમય જતાં એ રાજકારણમાં પ્રવેશ્યા અને ન્યૂયૉર્ક સ્ટેટની ધારાસભાના સભ્ય બન્યા. રાજકીય બાબતો અંગે એમને કશું સમજાતું નહીં, પરંતુ ખૂબ લાંબાં અને મુશ્કેલ બિલોને એ ઘણો સમય કાઢીને વાંચ્યા કરતા.  એ સ્ટેટ બૅંક કમિશનના સભ્ય બન્યા, ત્યારે કોઈ બૅંકમાં એમનું ખાતું નહોતું ! પરંતુ મહેનત કરીને એમણે બૅંકના કામકાજની સઘળી માહિતી મેળવી. એ દિવસના સોળ સોળ કલાક કામ કરતા હતા અને પોતાના એ વિષયના અજાણપણાને જાણપણામાં ફેરવી નાખતા હતા. એમણે એવી મહેનત કરી કે દેશના રાજકારણમાં એ અતિ મહત્ત્વની વ્યક્તિ બની ગયા અને ન્યૂયૉર્ક ટાઇમ્સે ‘ન્યૂયૉર્કના સૌથી વધુ પ્યારા અને લાડીલા નેતા’ તરીકે એમની પ્રશંસા કરી. ૧૮૨૮માં અમેરિકાની ડેમૉક્રૅટિક પાર્ટીએ અલ સ્મિથને પોતાના પ્રમુખપદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. જેને હાઈસ્કૂલમાં ભણવા મળ્યું નહોતું, એવા અલ સ્મિથને એમના અથાગ પરિશ્રમને પરિણામે મેળવેલી સિદ્ધિઓને કારણે અમેરિકાની કોલંબિયા અને હાર્વર્ડ જેવી મહત્ત્વની છ છ યુનિવર્સિટીઓએ માનદ પદવીઓ એનાયત કરી હતી.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

કે. એમ. કરીઅપ્પા

જ. ૨૮ જાન્યુઆરી, ૧૮૯૯ અ. ૧૫ મે, ૧૯૯૩

સ્વતંત્ર ભારતના લશ્કરના પ્રથમ સરસેનાપતિ કે. એમ. કરીઅપ્પાનો જન્મ કૂર્ગ(કર્ણાટક)માં થયો હતો. શરૂઆતનું શિક્ષણ મરકારા તથા મદ્રાસ (ચેન્નાઈ) ખાતે લીધું હતું. ઇન્દોરની ડૅલી કૉલેજમાં ઉચ્ચશિક્ષણ માટે પ્રવેશ મેળવ્યો. ત્યાંથી ભારતીય લશ્કરમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે ભરતી થયા. ૧૯૨૦-૨૧માં ઇરાક ખાતે, ૧૯૨૨-૨૫ તથા ૧૯૨૮-૩૦માં વાયવ્ય સરહદ પ્રાંતમાં તેમણે કામગીરી કરી અને કાબેલ અધિકારી તરીકે પ્રસિદ્ધિ પામ્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ૧૯૪૧-૪૨માં ઇરાક, સીરિયા તથા ઈરાન વિસ્તારના યુદ્ધમોરચા પર કામ કર્યું અને ૧૯૪૩-૪૪માં બ્રહ્મદેશના આરાકાન્ત પ્રદેશમાં લશ્કરી કાર્યવાહીમાં ભાગ લીધો. ભારત-પાકિસ્તાનના વિભાજન વખતે  ભારતીય લશ્કરની વહેંચણી કરવાનું કામ ખૂબ સારી રીતે તેમણે પાર પાડ્યું. ૧૯૪૯માં ૧૫મી જાન્યુઆરીએ તેઓ સ્વતંત્ર ભારતના પહેલા સરસેનાપતિ નિમાયેલા. કાશ્મીરનું પહાડી યુદ્ધ તેમની કુશળ નેતાગીરીમાં જ લડાયેલું. ૧૯૬૨, ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધ સમયે તેઓ મોરચા પર જઈને જવાનોને પ્રોત્સાહિત કરતા. નિવૃત્તિ બાદ, તેમણે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ ખાતે ભારતના એલચી તરીકે સેવાઓ આપી. ૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું તે પછીના સમયમાં ભારતના લોકોમાં દેશના સંરક્ષણ માટેની સભાનતા વધે તથા ભારતીય યુવાનો લશ્કરમાં જોડાય તે માટેનું પ્રોત્સાહન આપવા માટે તેમણે સમગ્ર દેશનો પ્રવાસ કર્યો.

૧૯૭૭માં મૈસૂર વિશ્વવિદ્યાલયે તેમને ડી.એસસી.ની માનાર્હ પદવી આપી હતી. લશ્કરના એક ઉમદા સેનાપતિ તરીકે તેમને દેશ-વિદેશમાં સન્માનવામાં આવ્યા હતા. ૧૯૪૯માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હૅરી ટ્રુમને તેમને ‘લિજિયન ઑવ્ મેરિટ’ તથા ‘ચીફ કમાન્ડર’ની પદવી આપી હતી. નેપાળના રાજાએ તેમને નેપાળની સેનાના માનાર્હ જનરલના હોદ્દાથી સન્માન્યા હતા. ૧૯૮૬માં ભારત સરકારે તેમને ભારતીય લશ્કરના ‘ફિલ્ડમાર્શલ’ના સર્વોચ્ચ હોદ્દાથી સન્માન્યા હતા. આ સન્માન મેળવનારા તેઓ સેમ માણેકશા પછીના બીજા ભારતીય સેનાપતિ હતા.

શુભ્રા દેસાઈ