Categories
વાચન સમૃદ્ધિ

ભરબપોરે અંધારું

યહૂદી ધર્મગુરુની આસપાસ શિષ્યો વીંટળાઈને બેઠા હતા. એમની વચ્ચે જ્ઞાનચર્ચા ચાલતી હતી. ધર્મગુરુએ શિષ્યોને એક પ્રશ્ન પૂછ્યો, ‘હે શિષ્યો, હવે રાત પૂરી થઈ ગઈ છે અને દિવસ શરૂ થયો છે, એ તમે ક્યારે કહી શકો ? અંધારાએ વિદાય લીધી છે અને અજવાળાનો ઉઘાડ થયો છે એવું તમને ક્યારે લાગે છે ?’ ધર્મગુરુનો આવો પ્રશ્ન સાંભળીને પ્રથમ તો શિષ્યો આશ્ચર્ય પામ્યા. આવો તે પ્રશ્ન હોય ! રાત પૂરી થાય છે અને દિવસ ઊગે છે એ તો રોજની બાબત છે. વ્યક્તિએ વ્યક્તિના અનુભવની વાત છે. એનો ઉત્તર આપવો કઈ રીતે ? એક શિષ્યે કહ્યું, ‘ગુરુજી, વહેલી સવારે દૂરથી પ્રાણીઓ આવતાં હોય અને એમાં બકરી કોણ છે અને ઘેટું કોણ છે, એનો ભેદ પારખી શકીએ, ત્યારે સવાર પડી કહેવાય.’ ધર્મગુરુએ નકારમાં માથું ધુણાવ્યું અને કહ્યું, ‘કોઈ બીજો શિષ્ય મારા પ્રશ્નનો ઉત્તર આપશે ખરો ?’ બીજા શિષ્યએ કહ્યું, ‘ગુરુજી, આસપાસ વૃક્ષોની વનરાજી હોય. એના ભણી જ આંખો માંડી હોય અને પછી ધીરે ધીરે પ્રકાશ પથરાતાં અમને અંજીર અને પીચનાં ઝાડ વચ્ચેનો તફાવત નરી આંખે દેખાય ત્યારે સમજવું કે બસ, સવાર પડી ગઈ છે.’ ત્રીજા શિષ્યે કહ્યું, ‘બારીમાંથી સૂર્યનું પહેલું કિરણ દેખાય ત્યારે સવાર પડી હોય એમ લાગે છે.’ તો કોઈ શિષ્યએ કહ્યું, ‘ખુલ્લા આકાશ નીચે સૂતા હોઈએ અને આંખમાં પહેલું સૂર્યકિરણ પડે ત્યારે એમ લાગે કે બસ, હવે સવાર પડી ગઈ.’ શિષ્યોના જવાબથી પણ ગુરુને સંતોષ થયો નહીં. અંતે થાકીને શિષ્યોએ કહ્યું, ‘ગુરુજી, અમારી વાત તમે સ્વીકારતા નથી, તો તમે જ અમને સમજાવો.’ યહૂદી ધર્મગુરુ બોલ્યા, ‘મારા પ્રિય શિષ્યો, તમે આ જગતની કોઈ પણ સ્ત્રીને તમારી ભગિનીના સ્વરૂપમાં જુઓ અને પુરુષને તમારા બંધુના રૂપે જુઓ, ત્યારે માનજો કે હવે સાચો ઉજાસ ફેલાયો છે. બાકી તો ભરબપોરે પણ અંધારું જ છે એમ માનજો. દિવસ ઊગ્યો છે એવું સહેજે માનશો નહીં.’

Categories
વાચન સમૃદ્ધિ

મેજર સોમનાથ શર્મા

જ. 31 જાન્યુઆરી, 1923 અ. 3 નવેમ્બર, 1947

પાકિસ્તાન સાથેના યુદ્ધમાં શહીદ થનાર મેજર સોમનાથ શર્માનો જન્મ કાંગડામાં થયો હતો. તેમના દાદા મોહનલાલ કાશ્મીરના મહારાજા ગુલાબસિંહની સેનાના યોદ્ધા હતા. પિતા અમરનાથ ડૉક્ટર હતા. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધમાં લડતાં ભારતીય સૈનિકોની સારવાર માટે પ્રૅક્ટિસ છોડી અને લશ્કરમાં જોડાયા હતા. માતા સરસ્વતી પ્રથમ વિશ્વયુદ્ધની કથાઓ સંભળાવતી હતી. કૉલેજશિક્ષણ પૂર્ણ કરી તેઓ 1941માં ઇન્ડિયન મિલિટરી એકૅડેમીમાં જોડાયા. તેઓ બ્રિટિશ હિંદની સેના વતી બર્મા મોરચે લડ્યા હતા. અરાકાન મોરચે સફળતા બદલ તેમને મેન્શન્ડ ઇન ડિસ્પેચિસ ચંદ્રક આપવામાં આવ્યો હતો. ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે તેઓ દિલ્હીમાં હતા. તેમના હાથે ફ્રૅક્ચર થયું હતું. તેમણે મોરચા પર જવા માટે જીદ કરી. 4થી કુમાઉં બટાલિયનની ટુકડી સાથે તેઓ શ્રીનગર પહોંચ્યા. 3 નવેમ્બર, 1947ના રોજ 700 જેટલા પાકિસ્તાની સૈનિકોએ બડગામ સરહદે હુમલો કર્યો ત્યારે ડેલ્ટા કંપનીમાં 90 સૈનિકો હતા. મેજર શર્માએ જવાનોનો જુસ્સો વધાર્યો. દુશ્મનોને માર્યા. આથી બીજું આક્રમણ આવ્યું. ડેલ્ટા કંપનીના સૈનિકો ઘાયલ થયા. જવાનોને શસ્ત્રસરંજામ પૂરો પાડવા દોડધામ કરી. દુશ્મનો નજીક આવતાં તેમને પીછેહઠ કરવાનો આદેશ મળ્યો, છતાં તેમણે લડવાનું નક્કી કર્યું. આપણા શસ્ત્રાગાર પાસે દુશ્મનની તોપનો ગોળો આવ્યો. દારૂગોળો ફાટ્યો એ સાથે જ મેજર સોમનાથ શર્મા શહીદ થયા. તેમની સૂઝબૂઝને કારણે શ્રીનગરની હવાઈ પટ્ટી પાકિસ્તાનના હાથમાં જતાં બચી હતી. ભારત સરકારે 21 જૂન, 1950ના રોજ તેમને મરણોત્તર પરમવીરચક્ર એનાયત કર્યો હતો. પરમવીરચક્ર મેળવનાર તેઓ પ્રથમ હતા.

Categories
વાચન સમૃદ્ધિ

હીરાઘસુ

કુદરતમાં મળી આવતા રુક્ષ હીરાઓને ચોક્કસ પ્રકારની પ્રક્રિયાઓ કરીને – પહેલ પાડીને પાસાંઓવાળાં ચકચકિત સ્ફટિકમય રત્નોનું સ્વરૂપ આપનાર કારીગર. હીરા-ઉદ્યોગમાં ભારત વિશ્વભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. વિશ્વનું ૭૦ % હીરાનું વેચાણ ભારત કરે છે. ભારતમાં હીરાનું ઉત્પાદન તો ન જેવું છે, પરંતુ તે હીરાનો કાચો માલ બહારથી આયાત કરીને તૈયાર માલની નિકાસ કરે છે. આ ઉદ્યોગમાં ૧૦,૦૦૦થી વધુ કારખાનાંઓ અને ૧૦ લાખથી વધુ લોકો રોકાયેલા છે. હીરા કાપવા, ઘસવા અને ચમક આપવા માટેનાં મથકો સૂરત, નવસારી, પાલનપુર, ભાવનગર, મુંબઈ અને જયપુર ખાતે આવેલાં છે. હિન્દુસ્તાન ડાયમંડ કંપની તરફથી ગુજરાતમાં સૂરત નજીક સચિન, તમિળનાડુમાં તિરુચિ, રાજસ્થાનમાં જયપુર, યુ.પી.માં હલધાની અને બિહારમાં ગોવિંદપુર ખાતે ઔદ્યોગિક પાર્ક સ્થપાયા છે. રુક્ષ હીરામાંથી ૯૦ % સફાઈદાર હીરા ગુજરાતમાં તૈયાર થાય છે.

હીરા ઘસતા કારીગરો

ભારતમાં વારસાગત કલા તરીકે હીરાને પહેલ પાડવાની કલા વર્ષોથી ચાલતી આવી છે. પહેલાંના સમયમાં જ્યાં હીરાની ખાણો હતી ત્યાં, આંધ્રપ્રદેશ તથા મધ્યપ્રદેશમાં તે કલા વિકાસ પામી હતી. આઠમી સદીથી ભારતમાં પહેલ પડાયેલા હીરા વેનિસ થઈને વિશ્વમાં બીજે વેચાવા જતા હતા. અઢારમી સદીના મધ્યભાગથી ભારતમાં હીરાના ઉત્પાદનમાં ઘટાડો થતાં આ ક્ષેત્રે મંદી વરતાવા લાગી. હીરાને ઘાટ આપનાર કસબીઓ લગભગ બેકારીની સ્થિતિમાં મુકાઈ ગયા. આવી પરિસ્થિતિમાં આશરે ૧૦૦ વર્ષ પહેલાં સૂરતમાં વિદેશથી રુક્ષ હીરાની આયાત કરી તેમાં પહેલ પડાવી ફરીથી તેની નિકાસ કરવાનો ઉદ્યોગ ચાલુ થયો. શરૂઆતમાં આ કામ નાના પાયે થતું હતું. ૧૯૭૦ પછી, સૌરાષ્ટ્રમાં સતત દુકાળ પડતાં મોટી સંખ્યામાં યુવાનો હીરા-ઉદ્યોગમાં હીરાઘસુઓ તરીકે જોડાયા. આ હુન્નર દ્વારા વિદેશી હૂંડિયામણમાં કમાણીની તક જોઈને ભારત સરકારે આયાત-નિકાસના નિયમો હળવા બનાવ્યા. તેના પરનો જકાતવેરો નાબૂદ થયો. વિશ્વના અન્ય દેશોના મુકાબલે ભારતમાં હીરા ઘડનારા કુશળ કારીગરો સસ્તા દરે કામ કરે છે તેની જાણ થતાં આ ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું. ભારત સામાન્ય રીતે બેલ્જિયમ, ઇંગ્લૅન્ડ, ઇઝરાયલ, સંયુક્ત આરબ પ્રજાસત્તાક, સંયુક્ત આરબ અમીરાત, હૉંગકૉંગ અને અમેરિકાથી રુક્ષ હીરાની આયાત કરે છે; જ્યારે ઘડેલા હીરાની નિકાસ અમેરિકા, બેલ્જિયમ, હૉંગકૉંગ, સિંગાપોર, ઇઝરાયલ, જાપાન, થાઇલૅન્ડ વગેરે દેશોમાં કરે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હીરાઘસુ, પૃ. 180)