Categories
વાચન સમૃદ્ધિ

પંડિત બલરામ પાઠક

જ. 5 નવેમ્બર, 1926 અ. 15 ફેબ્રુઆરી, 1991

બલરામ પાઠકનો જન્મ બલિયા, ઉત્તરપ્રદેશમાં થયો હતો. તેમના કુટુંબે સંગીતના ક્ષેત્રે ખૂબ ઉચ્ચસ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમના દાદાજી પંડિત દીનાનાથ પાઠક ઉત્તર ભારતીય સંગીતના ધ્રુપદ ગાયકીના નિષ્ણાત હતા. પંડિત બલરામ પાઠક ઉત્તર ભારતના સર્વોત્તમ સિતારવાદક હતા. બાળપણથી જ તેઓને કુટુંબના વડીલો પાસેથી સંગીતનો વારસો મળેલો. તેમનો ઉછેર સંગીતના માહોલમાં થયો હતો. આથી બાળપણથી તેઓ સિતાર અને સૂરબહાર જેવાં વાદ્યોનું શિક્ષણ તેમના પિતાજી પાસેથી પામ્યા હતા. દસ વર્ષની વયે પણ તેઓ દિવસનો મોટો ભાગ સંગીતની સાધનામાં ગાળતા. તેઓ સૂરસિંગાર જેવાં વાદ્ય તથા કંઠ્ય સંગીત શીખ્યા હતા. પશ્ચિમ બંગાળમાં આવેલ મુરશિદાબાદમાં તેઓએ 12 વર્ષની વયે કાર્યક્રમ આપ્યો હતો. જે તેમનો સૌપ્રથમ જાહેર કાર્યક્રમ હતો. તેમના સંગીતમાં નવીનતા અને સંપૂર્ણતા હતી. તેઓ સંગીતમાં આલાપ મીંડ, મુખડા, ગમક, ઝમઝમ, ઉલ્ટા ઝાલાથી અદ્ભુત સંગીતનું સર્જન કરતા હતા. નાની વયે તેઓ મહારાજા કમલા રંજન રૉયના દરબારના સંગીતકાર બન્યા હતા. તેમની વાદ્યકળાથી તેઓ ધ્રુપદ અને ખયાલની ખૂબીઓ પ્રસ્તુત કરી શકતા હતા. તેમણે અનોખી અને અનેરી અદાથી ઘણા સિતારવાદકોને મોહિત કર્યા હતા. તેઓને કૉલકાતાના સંગીતસમારોહમાં સૂર-સાધક તરીકે સન્માન મળ્યું હતું. તેઓ અઘરા અને વિરલ રાગ ખૂબ સરળતાથી ગાઈ શકતા હતા. આથી સંગીતરસિકોના મનમાં તેઓ ઉચ્ચસ્થાને હતા. મધ્યપ્રદેશની ખૈરાગર યુનિવર્સિટીમાં તેમણે સંગીત શાખાના વડા તરીકે કામગીરી બજાવી હતી. સારા સંગીતકાર ઉપરાંત તેઓ બાળસહજ શુદ્ધતા, સાદગી અને નિર્દોષપણું ધરાવતા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

તથ્યને સત્ય માનીને અનિષ્ટો સર્જ્યાં !

તથ્યને સત્ય માનવાને કારણે કેટકેટલી ભ્રાંતિઓ સર્જાઈ છે ! વ્યક્તિ પાસે એનો આગવો અભિગમ, પોતીકી વિચારધારા અને સંસારવ્યવહારના અનુભવોમાંથી તારવેલું નવનીત હોય છે. પોતાની નજરે જગતને જોઈને મેળવેલા દર્શનમાંથી એને જે સાંપડે છે તે તથ્ય છે, સત્ય નહીં. એ પ્રાપ્ત કરેલા તથ્યને સત્ય માનવા જાય તો ઘણી મોટી ભૂલ કરી બેસે છે. વ્યક્તિ ઘણી વાર આવા તથ્યને આધારે જીવનઘડતર કરતી હોય છે અને એથીય વિશેષ સ્વજીવનનો માર્ગ નિર્ધારિત કરતી હોય છે, પણ એ ભૂલી જાય છે કે તથ્ય સાથે તમારી ધારણાઓ, માન્યતાઓ અને ખ્યાલો અનુસ્યૂત હોય છે, જ્યારે સત્ય તદ્દન ભિન્ન છે. તથ્ય આજે સ્વીકાર્ય હોય, તે આવતી કાલે અસ્વીકાર્ય બની શકે છે. એક સમયનું તથ્ય બીજા સમયમાં લાગુ પાડી શકાતું નથી. આની સામે સત્ય એ શાશ્વત હોય છે. એમાં કોઈ પરિવર્તન આવતું નથી. તથ્ય સાથે આપણા પોતાના ખ્યાલો જોડાયેલા હોય છે, જ્યારે સત્ય સાથે વ્યક્તિના કોઈ ખ્યાલો જોડાયેલા હોતા નથી. આમ તથ્ય એ માનવબુદ્ધિની નીપજ છે, જ્યારે સત્ય એ પરમાત્માની દેન છે. પરમની પ્રાપ્તિ છે. સામાજિક વિચારધારામાં કે ધાર્મિક પરિસ્થિતિમાં તથ્યને સત્ય માની લેવાને કારણે પારાવાર અનિષ્ટો સર્જાયાં છે. તથ્યને જુદા જુદા વાઘા પહેરાવી શકીએ છીએ. જુદા જુદા વેશથી શણગારી શકીએ છીએ. સતીના કુરિવાજો સ્વર્ગપ્રાપ્તિના સિંહાસને બેસાડી શકીએ છીએ. ગઈકાલના તથ્યને વળગી રહીને ધર્મોમાં સત્યનો દ્રોહ થતો હોય છે. તથ્ય બહુરૂપી છે જ્યારે સત્ય કોઈ વેશ કે કોઈ આવરણનો સ્વીકાર કરતું નથી.

Categories
વાચન સમૃદ્ધિ

દક્ષાબહેન પટ્ટણી

જ. 4 નવેમ્બર, 1938 અ. 10 માર્ચ, 2019

ગુજરાતનાં શિક્ષણવિદ, પ્રાધ્યાપિકા અને લેખિકા દક્ષાબહેનનો જન્મ ભાવનગરમાં પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. માતા શાંતાબહેન અને પિતા વિજયશંકર. પિતા લેખક અને ચિંતક હતા. દક્ષાબહેન પ્રસિદ્ધ લેખક મુકુંદરાય પારાશર્યનાં નાનાં બહેન અને ભાવનગર રાજ્યના પ્રભાશંકર પટ્ટણીનાં ભત્રીજી હતાં. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં થયું હતું. તેઓ 1962માં ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે સ્નાતક અને 1965માં તે વિષયો સાથે અનુસ્નાતક થયાં હતાં. 1976માં ડૉ. ઈશ્વરલાલ દવેના માર્ગદર્શનમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કર્યું. તેઓ 1962માં ભાવનગરની ઘરશાળામાં શિક્ષિકા તરીકે જોડાયાં અને 1965 સુધી ત્યાં કામ કર્યું. 1969માં પોરબંદરની ગુરુકુળ મહિલા આર્ટસ કૉલેજમાં જોડાયાં અને પછી 1970માં ભાવનગરની વળિયા આર્ટસ અને મહેતા કૉલેજમાં પ્રાધ્યાપિકા તરીકે જોડાયાં. 2001માં નિવૃત્ત થયાં ત્યાં સુધી તેમણે ત્યાં જ અધ્યાપનકાર્ય કર્યું. તેમણે 1977થી 1994 સુધી ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાત અને ગાંધીદર્શનનાં વિઝિટિંગ વ્યાખ્યાતા તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત ગૂજરાત વિદ્યાપીઠ અને લોકભારતી, સણોસરામાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે સેવા આપી હતી. તેમણે ગાંધીવિચારધારાને જીવનનો અભિન્ન ભાગ બનાવ્યો હતો. તેઓ 1982થી 2013 સુધી ભાવનગરની ગાંધીસ્મૃતિ સંસ્થાની ગાંધીવિચારધારા સમિતિનાં સભ્ય હતાં. ગાંધીવિચારની શાળાઓમાં લેવાતી પરીક્ષાના કાર્યમાં જોડાયાં હતાં. વક્તૃત્વ અને લેખન તેમની પ્રિય પ્રવૃત્તિ હતી. તેમણે પીએચ.ડી. માટે લખેલ શોધનિબંધ છ ખંડોમાં પ્રકાશિત થયો : ‘ગાંધીજીનું ચિંતન’ (1980), ‘ગાંધીજી : વ્યક્તિત્વનું ઘડતર’ (1981), ‘ગાંધીજી : ધર્મવિચારણા’ (1984), ‘ગાંધીવિચાર : સત્ય અને અહિંસા’ (2000), ‘ગાંધીજીના વિચારમાં સત્યાગ્રહ’ (2001) અને ‘ગાંધીજીનું ચિંતન : મૂલ્યાંકન’ (2003). આ ઉપરાંત તેમનાં 50થી વધુ નિબંધો, વ્યાખ્યાનો અને વિવેચનો પ્રકાશિત થયાં છે. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ભગિની નિવેદિતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.