Categories
વાચન સમૃદ્ધિ

ડોમિનિકન રિપબ્લિક

વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓના જૂથમાંનું સ્વતંત્ર ગણરાજ્ય. 19O ઉ. અક્ષાંશ અને 70O 30’ પ. રેખાંશ પર આવેલું આ ગણરાજ્ય વેસ્ટ ઇન્ડીઝના હિસ્પાનિયોલા દ્વીપના 2/3 ભાગમાં તથા બિયેટ્રા, કૅટાલિના, સોને, ઓલ્ટોવિલો, કેટાલિનિટા તથા અન્ય નાના ટાપુઓ રૂપે આવેલું છે. તેનું ક્ષેત્રફળ 48,137 ચોકિમી. તથા તેની દરિયાકિનારાની લંબાઈ 912 કિમી. છે. તેની કુલ વસ્તી 1,15,32,000 (2025, આશરે) છે. આ દેશની રાજધાની સેંટો ડોમિન્ગો છે, જે ડોમિનિકન ગણતંત્રનું સૌથી મોટું શહેર છે. અહીંના મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે અને સ્પૅનિશ ભાષા બોલે છે. પેસો (peso) તેનું મુખ્ય ચલણ છે. આ ગણતંત્રની પૂર્વ બાજુએ મોના પૅસેજ, પશ્ચિમે હૈતી, ઉત્તરે આટલાન્ટિક મહાસાગર તથા દક્ષિણે કૅરિબિયન સાગર આવેલા છે. દ્વાર્ટી સૌથી ઊંચું (3175 મી.) શિખર છે અને તેમાં એનરિકિયો સરોવર આવેલું છે. દેશની ત્રણ નદીઓમાં થાકી ડેલ નોર્ટ, થાકી ડેલ સર અને યુના છે. આબોહવા : શિયાળામાં અહીંનું સરાસરી તાપમાન 18 O સે.થી 27 O સે. સુધી તથા ઉનાળામાં 23 O સે.થી 35 O સે. સુધી રહે છે. પૂર્વ ભાગમાં સરાસરી વાર્ષિક વરસાદ આશરે 1325 મિમી. પડે છે જ્યારે ઈશાનમાં આશરે 2050 મિમી. તથા પશ્ચિમે 4440 મિમી. વરસાદ પડે છે.

સેંટો ડોમિન્ગો શહેર

અહીંની 15,840 ચોકિમી. જમીન ખેતીને યોગ્ય છે. ખેતી પ્રજાનો મુખ્ય વ્યવસાય છે. સીબાઓની ખીણ ખેતીનું મુખ્ય કેન્દ્ર છે. ઉત્તર અને દક્ષિણ કિનારાના પ્રદેશોમાં મોટા પાયે શેરડી ઉગાડવામાં આવે છે. આ ઉપરાંત કૉફી, કોકો, તમાકુ અને કેળાંનો પાક લેવામાં આવે છે. આ પેદાશોની નિકાસ પણ કરવામાં આવે છે. બટાટા, વટાણા, નારિયેળ, સંતરાં, અનનાસ અને મકાઈની ખેતી પણ થાય છે. પશુપાલનનો વિકાસ થયેલો નથી. મત્સ્યઉદ્યોગનો આંશિક વિકાસ થયો છે. મેહૉગની તથા અનનાસ આ પ્રદેશની વિશિષ્ટ વનસ્પતિ છે. લોખંડ, નિકલ, ચાંદી, સોનું, યુરેનિયમ, સીસું, જસત અને કલાઈ અહીંનાં ખનિજો છે. સંગેમરમર, ચિરોડી અને તાંબું પણ અહીં મળી આવે છે. બારાબોનાની નજીક આશરે 16 કિમી. લાંબો મીઠાનો પર્વત આવેલો છે. સાતથી ચૌદ વર્ષ સુધીની વયનાં બાળકો માટે શિક્ષણ ફરજિયાત છે. સૅન્ટો ડોમિંગો વિશ્વવિદ્યાલય દેશની એકમાત્ર ઉચ્ચ શિક્ષણની  સંસ્થા છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 68 % છે. દેશના પર્વતીય વિસ્તારમાં જંગલી સૂવર જોવા મળે છે. અનેક પ્રકારનાં કબૂતર, બતક વગેરે પક્ષીઓ તેમજ અમેરિકન મગર તથા રાજહંસ પણ જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, ડોમિનિકન રિપબ્લિક, પૃ. 600 અથવા જુઓ : https://gujarativishwakosh.org/ડોમિનિકન રિપબ્લિક/)

Categories
વાચન સમૃદ્ધિ

ઉમા રાંદેરિયા

જ. 3 નવેમ્બર, 1927 અ. 7 ઑક્ટોબર, 2007

જાણીતા અનુવાદક ઉમાબહેનનો જન્મ અમદાવાદમાં નાગર પરિવારમાં થયો હતો. માતા સૌદામિનીબહેન અને પિતા ગગનવિહારી મહેતા. સર લલ્લુભાઈ સામળદાસ તેમના દાદા થાય. પિતા ગગનવિહારી મહેતા ‘ટેરિફ કમિશન’ના અધ્યક્ષ, પ્રથમ પ્લાનિંગ કમિશનના સભ્ય અને 1952-58 દરમિયાન અમેરિકા ખાતે ભારતના રાજદૂત નિમાયા હતા. પિતા અને દાદાનો શૈક્ષણિક અને સંસ્કારવારસો ઉમાબહેનને પણ મળ્યો હતો. પિતાના વ્યવસાયને કારણે 1952 સુધી તેમનો નિવાસ કૉલકાતામાં હતો. માતૃભાષા ગુજરાતી હોવા છતાં પણ સમગ્ર શિક્ષણ તેમણે બંગાળી ભાષામાં લીધું. 1946માં કલકત્તા યુનિવર્સિટીમાંથી તત્ત્વજ્ઞાનના વિષય સાથે સ્નાતક બન્યાં. 1946થી 1948 સુધી અમેરિકામાં કૉર્નેલ યુનિવર્સિટીમાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો. જોકે તે સમયે નાદુરસ્ત તબિયતને કારણે પદવી પ્રાપ્ત કર્યા વિના જ સ્વદેશ પરત આવ્યાં. પિતા અમેરિકામાં ભારતના રાજદૂત નિયુક્ત થતાં 1952માં બે માસ માટે વૉશિંગ્ટનમાં નિવાસ કર્યો. 1953થી 1983 સુધી મુંબઈમાં રહ્યાં અને 1983થી અમદાવાદમાં સ્થાયી થયાં. તેઓ અર્થશાસ્ત્રી પ્રિયવદન રાંદેરિયા સાથે લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. 1973થી 1978 સુધી ઉમાબહેને રશિયન ભાષાનો અભ્યાસ કર્યો હતો. તેમણે કેટલીક કૃતિઓનો સુંદર અનુવાદ કર્યો છે. તેમણે અનુવાદ કરેલી જાણીતી કૃતિઓમાં ‘નવા યુગનું પરોઢ’ (2005), ‘રૂદાલી અને બીજી બાળવાર્તાઓ’, ‘કેટલીક બાળકથાઓ’, ‘ટૉલ્સ્ટૉયની વાર્તાઓ’, ‘દૂરનો માણસ અને બીજી વાર્તાઓ’ વગેરેનો સમાવેશ થાય છે. ‘નવા યુગનું પરોઢ’ એ સુનીલ ગંગોપાધ્યાયની નવલકથાનો અનુવાદ છે. આ અનુવાદ માટે તેમને 2005નો ‘દિલ્હી સાહિત્ય અકાદમી’ પુરસ્કાર મળ્યો હતો. તે ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાત સાહિત્ય પરિષદનાં પારિતોષિક પ્રાપ્ત થયાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રાણની આહુતિ

એક્સ-રેની કૅન્સર પર થતી અસરના સંશોધનને માટે ઇટાલીના એક્સ-રે વિભાગના તજજ્ઞ મારિયો પોંજિયોએ આ વિષયનાં તમામ પુસ્તકોનો અભ્યાસ કર્યો. જુદાં જુદાં સામયિકમાં પ્રકાશિત થયેલા લેખો પણ વાંચી ગયા. પોતાના ડૉક્ટર સાથીઓને મળ્યા અને એમને પણ પૂછ્યું કે તમારા કૅન્સરના દર્દીઓ પર એક્સ-રેની કોઈ અસર થતી તમને જોવા મળી છે ખરી? સહુએ સ્વાનુભવ કહ્યા, પરંતુ એમાંથી કોઈ સ્પષ્ટ તારણ નીકળતું નહોતું. આથી મારિયો પોંજિયોએ પોતાની જાત પર આના અખતરા કરીને  સાચું તારણ મેળવવા પ્રયાસ કર્યો. આમ કરવા જતાં એને ડાબા હાથની એક આંગળી ઑપરેશન કરીને કપાવવી પડી. મિત્રોએ પોંજિયોને એના દુસ્સાહસમાંથી પાછા ફરવા જણાવ્યું, પરંતુ પોંજિયોએ કહ્યું, ‘‘મને આની કોઈ પરવા નથી. ભલે હાથની એક આંગળી કાપવી પડી હોય, પણ બીજી ચાર આંગળીઓ તો છે ને !’’ પોંજિયોનો પ્રયોગ ચાલુ રહ્યો. આમાં વારંવાર એક્સ-રેને કારણે રેડિયમની વિઘાતક અસર થવાથી એને ડાબા હાથનો થોડો ભાગ અને જમણા હાથનો ભાગ પણ ઑપરેશન કરીને કપાવવો પડ્યો. આ વિઘાતક અસરને પરિણામે પોંજિયોનો દેહ શિથિલ થવા માંડ્યો. એના મિત્રો એના શરીરની આવી દુર્દશા જોઈ શકતા નહોતા, પરંતુ પોંજિયો જ્યાં સુધી પોતાનું સંશોધન પૂર્ણ ન થાય ત્યાં સુધી અટકે તેમ નહોતો. મિત્રોએ એને રેડિયમથી દૂર રહેવાની સલાહ આપી, ત્યારે ત્યુરિન વિશ્વવિદ્યાલયના રેડિયોલૉજી વિભાગના નિષ્ણાત ડૉક્ટર મારિયો પોંજિયોએ કહ્યું, ‘જીવનની પ્રત્યેક ક્ષણ ધ્યેયપ્રાપ્તિ માટે વપરાય એનાથી બીજું કોઈ મોટું સદભાગ્ય નથી. મારી ધ્યેયપ્રાપ્તિ માટે આ પ્રયોગો અનિવાર્ય હતા. કદાચ એને માટે પ્રાણની આહુતિ આપવી પડે તો પણ હું અટકીશ નહીં.’ મારિયો પોંજિયોએ પોતાના પ્રાણની આહુતિ આપીને તબીબી જગતને એક નવી રાહ બતાવી.