Categories
વાચન સમૃદ્ધિ

દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી

જ. ૨૪ જાન્યુઆરી, ૧૮૮૨ અ. ૨૯ નવેમ્બર, ૧૯૫૨

ગુજરાતના ઇતિહાસકાર, વૈદકશાસ્ત્રમાં રસ ધરાવનાર અને ઐતિહાસિક સંશોધક દુર્ગાશંકરનો જન્મ પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં અમરેલી, ગુજરાતમાં થયો હતો. પિતાના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સાહિત્યના શિષ્ટ ગ્રંથોનો અભ્યાસ કરી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પ્રમાણભૂત ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. તેઓએ મુંબઈમાં ઝંડુ ફાર્મસીમાં જીવનભર નોકરી કરી હતી. વૈદકશાસ્ત્રના તેમના તલસ્પર્શી અધ્યયનના ફળસ્વરૂપે તેઓએ ‘બાળકોના વૈદ્ય’ (૧૯૧૭), ‘માધવનિદાન’ (૧૯૧૮) અને ‘ઝંડુ ભટ્ટનું જીવનચરિત્ર’ (૧૯૧૯) પુસ્તકો લખ્યાં હતાં. દસ્તાવેજો અને ગ્રંથોના આધારે ‘વૈષ્ણવ ધર્મ અને ગુજરાત પર તેની અસર’ વિષય પર ‘ફાર્બસ સભા’ની સ્પર્ધા માટે નિબંધ લખ્યો હતો જે પુસ્તક રૂપે ૧૯૧૮માં પ્રગટ થયો. આ ગ્રંથમાં તેઓએ ધર્મના ઉદભવ, વિકાસ, વિસ્તાર અને વિશિષ્ટતાઓ અને તેની મર્યાદાઓનો ઉલ્લેખ કર્યો. આ પુસ્તક લખવાથી દુર્ગાપ્રસાદને ઇતિહાસકાર તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. ‘ગુજરાતનાં ધાર્મિક સ્થળો’ (૧૯૨૮), ‘ગુજરાતનાં મુખ્ય યાત્રાધામોનો ઉદભવ-વિકાસ’, ‘પ્રબંધચિંતામણિ’ ગ્રંથનું વિસ્તૃત નોંધ સાથે સંપાદન, ‘ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ’ જેવાં અભ્યાસપૂર્ણ અને સંશોધનાત્મક પુસ્તકો તેઓએ લખ્યાં છે. તેઓએ પુરાવા અને દસ્તાવેજોને આધારે ઇતિહાસ-લેખન કર્યું છે અને ઇતિહાસલેખનમાં શુદ્ધતાનો આગ્રહ રાખ્યો હતો.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

સજીવ-નિર્જીવ

ચૈતન્યવાળા, પ્રાણવંત અને ચૈતન્ય વગરના (જડ) પદાર્થો કે અવશેષો અથવા એવી વસ્તુઓ.

પૃથ્વી પર જાતભાતની સજીવ તથા નિર્જીવ વસ્તુઓ આવેલી છે. તેની બહુવિધ સૃષ્ટિ છે. તેમાં મનુષ્યથી માંડીને અમીબા જેવા સૂક્ષ્મજીવો, વિવિધ વનસ્પતિઓ તથા સાઇકલ, બૉલ, ખુરશી, ટેબલ, પહાડ, પથ્થર, નદી જેવી નિર્જીવ વસ્તુઓ આવેલી છે. ક્યારેક સજીવ અને નિર્જીવ વચ્ચે ભેદ પાડવો સહેલો હોય તો ક્યારેક અઘરો પણ હોય. અમુક ગુણધર્મો અને લાક્ષણિકતાઓ વડે તે વચ્ચેનો ભેદ પારખી શકાય છે.  સજીવ પદાર્થો તેના નામ પ્રમાણે ચૈતન્ય ધરાવતા – જીવંત હોય છે. તેઓ કોષના બનેલા હોય છે. તેઓ વૃદ્ધિ પામે, પ્રચલન કરી શકે, પ્રજોત્પત્તિ કરી શકે, સંવેદના અનુભવી શકે જેવા ગુણધર્મો ધરાવે છે. તેમની ઉત્ક્રાંતિ પણ થાય છે. રોજિંદાં કાર્યો કરવા માટે તેઓને શક્તિની જરૂર હોય છે. નિર્જીવ વસ્તુઓ બે પ્રકારની હોય છે : કુદરતી તથા માનવસર્જિત. જે નિર્જીવો છે તેઓની વૃદ્ધિ થતી નથી. તેઓ શ્વાસ નથી લેતા અને પ્રચલન નથી કરતા. તેઓ પોતાના જેવા બીજા પદાર્થ ઉત્પન્ન કરી શકતા નથી. તેમની ઉત્ક્રાંતિ પણ થતી નથી. નિર્જીવ વસ્તુઓ અણુના સૂક્ષ્મ કણોની બનેલી હોય છે.

(સજીવ) અમીબા      

  નિર્જીવ ખુરશી             

પૃથ્વી પર આશરે ૨૦ લાખથી વધારે વિવિધ જાતિઓનાં પ્રાણીઓ આવેલાં છે. વિવિધ જાતની આશરે ૨,૦૦,૦૦૦ વનસ્પતિઓ આવેલી છે. નરી આંખે ન દેખાય તેવા સૂક્ષ્મજીવોથી માંડી બ્લૂ વહેલ જેવાં વિશાળકાય પ્રાણીઓ આવેલાં છે. તેઓ પૃથ્વી પર આવેલાં જાતભાતનાં રહેઠાણોમાં વસે છે. વળી તેઓ વિવિધ પર્યાવરણ પ્રમાણે અનુકૂલન સાધે છે. તેઓની જીવન જીવવાની રીતમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. પ્રાણીઓ પ્રાણવાયુનું શ્વસન કરીને ખોરાકમાંથી શક્તિ મેળવે છે. વનસ્પતિ પ્રકાશ-સંશ્લેષણ ક્રિયા વડે ખોરાકનું નિર્માણ કરે છે. સજીવોને વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે ખોરાકની જરૂર પડે છે. નિર્જીવને કોઈ પ્રવૃત્તિ હોતી નથી માટે તેને ખોરાકની જરૂર પડતી નથી. સજીવો વૃદ્ધિ પામે છે. પોતાના જેવા બીજા જીવો ઉત્પન્ન કરે છે. અમુક મર્યાદિત સમય પછી સજીવને મૃત્યુ નિશ્ચિત હોય છે. નિર્જીવ વસ્તુની વૃદ્ધિ થતી નથી, તેના જેવો બીજો પદાર્થ તે ઉત્પન્ન કરી શકતી નથી. તેને મૃત્યુ પણ આવતું નથી. સજીવો પ્રચલન કરે છે. નિર્જીવને પ્રચલન કરવાની જરૂર પડતી નથી. તે એક જ ઠેકાણે સ્થિર રહે છે. આમ સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ સામાન્ય રીતે સહેલાઈથી પાડી શકાય છે. આમ છતાં જીવશાસ્ત્રીઓ ‘જીવન એટલે શું ?’– તેની સંપૂર્ણ કહેવાય તેવી વ્યાખ્યા આપી શકતા નથી. પૃથ્વી  પર જીવન કેવી રીતે શરૂ થયું ? પૃથ્વી સિવાય બીજી કોઈ જગ્યાએ બ્રહ્માંડમાં જીવન હશે ? – આવા આવા પ્રશ્નોના જવાબ જીવશાસ્ત્રીઓને મૂંઝવે છે. ક્યારેક સજીવ અને નિર્જીવ વચ્ચેની ભેદરેખા પણ સૂક્ષ્મ થઈ જાય છે; દા.ત., વાઇરસ નિષ્ક્રિય હોય છે, પણ જ્યારે કોઈ જીવંત કોષની અંદર પ્રવેશે છે, ત્યારે જ તે સક્રિય થાય છે અને તેના જેવી અનેક પ્રતિકૃતિઓ સર્જે છે. આવાં ઘણાંબધાં રહસ્યો સજીવ-નિર્જીવ (ચરાચર) સૃષ્ટિમાં જોવા મળે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

કમલનયન બજાજ

જ. ૨૩ જાન્યુઆરી, ૧૯૧૫ અ. ૧ મે, ૧૯૭૨

ભારતના અગ્રગણ્ય ઉદ્યોગપતિ, દાનવીર અને રાષ્ટ્રીય નેતા કમલનયન બજાજનો જન્મ વર્ધામાં ધનવાન કુટુંબમાં થયો હતો. પિતા જમનાલાલ બજાજ રાષ્ટ્રીય કૉંગ્રેસની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. કમલનયન બજાજે આચાર્ય વિનોબા ભાવેના વર્ધા આશ્રમમાં રહી શરૂઆતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. અહીં તેમનું પ્રારંભિક જીવન ચરખો ચલાવવો, દળવું, વણવું, રસોઈ, ખેતીકામ, સફાઈ વગેરેમાં વીત્યું. ૧૫ વર્ષની વયે ગાંધીજીની દાંડીકૂચમાં જોડાયા. તે પછી દારૂ અને પરદેશી માલ વેચતી દુકાનો પર પિકેટિંગ કર્યું અને જેલવાસ પણ ભોગવ્યો. વધુ શિક્ષણ માટે તેઓ પુણે ગયા. તે પછી થોડો સમય ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ ઇંગ્લૅન્ડ જઈને કેમ્બ્રિજમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ૧૯૪૨માં પિતાનું અચાનક અવસાન થયું અને તેઓ ભારતમાં જ સ્થાયી થયા. ગાંધીજીની ‘હિંદ છોડો’ લડત દરમિયાન તેમણે સત્યાગ્રહીઓ અને ભૂગર્ભ કાર્યકરોને મદદ કરવાનું શરૂ કર્યું. સાર્વજનિક કાર્યોને પ્રોત્સાહન આપવાના હેતુથી તેમણે ‘જમનાલાલ બજાજ સેવા ટ્રસ્ટ’ની સ્થાપના કરી. તેમણે બજાજ ગ્રૂપની પ્રવૃત્તિઓનો અભૂતપૂર્વ વિકાસ કર્યો. બજાજ ઑટો, બજાજ ટેમ્પો, બજાજ ઇલેક્ટ્રૉનિક્સ, કે. સી. ઇન્ડસ્ટ્રીઝ વગેરે કંપનીઓની સ્થાપના કરી જે તેમની દૂરદર્શિતાનું પ્રમાણ છે. તેઓ ખાદી અને દારૂબંધીના હિમાયતી હતા. તેઓ ૧૯૫૭થી ૧૯૭૦ સુધી વર્ધા મતદાર મંડળમાંથી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. સંસદસભ્ય તરીકે તેઓ નાણાં, ઉદ્યોગ, શિક્ષણ અને વિદેશનીતિની બાબતોમાં ખૂબ સક્રિય હતા. ઉદ્યોગપતિ તરીકે તેમણે અનેક દેશોની મુલાકાત લીધી હતી. તેમને સાદગી, સમાજસેવા અને નૈતિકતા જેવા ગુણો વારસામાં મળ્યા હતા. તેઓ તેમની આવકનો મોટો ભાગ સામાજિક કાર્યોમાં ખર્ચતા. મુંબઈ યુનિવર્સિટીમાં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બિઝનેસ મૅનેજમેન્ટ શરૂ કરવા અને બૅંગાલુરુમાં આંતરરાષ્ટ્રીય સર્વોદય કેન્દ્ર શરૂ કરવા માટે મોટું દાન આપ્યું હતું. કારોબાર, શિક્ષણ, સમાજસેવા, રાજનીતિ સહિત અનેક ક્ષેત્રોમાં પોતાની અમીટ છાપ છોડનાર કમલનયન બજાજનો ભારતના ઔદ્યોગિક વિકાસમાં બહુમૂલ્ય ફાળો છે.

શુભ્રા દેસાઈ