Categories
વાચન સમૃદ્ધિ

આચાર્ય નરેન્દ્રદેવ

જ. ૩૦ ઑક્ટોબર, ૧૮૮૯ અ. ૧૯ ફેબ્રુઆરી, ૧૯૫૬

ભારતના પ્રમુખ સ્વાતંત્ર્યસેનાની, સાહિત્યકાર, પત્રકાર તથા શિક્ષાવિદ નરેન્દ્ર દેવનો જન્મ ઉત્તરપ્રદેશના સીતાપુરમાં ખત્રી પરિવારમાં થયો હતો. તેમને બાળપણથી જ સ્વામી રામતીર્થ, પંડિત મદનમોહન માલવીય અને પંડિત દીનદયાળ શર્માના સંપર્કમાં રહેવાનો મોકો મળેલો. આથી મનમાં ભારતીય સંસ્કૃતિ પ્રતિ અનુરાગ. તેમણે અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી બી.એ.ની ઉપાધિ મેળવેલી, પછી કાશીની ક્વીન્સ કૉલેજમાં પુરાતત્ત્વનો અભ્યાસ કર્યો. ૧૯૧૩માં એમ.એ.ની ઉપાધિ પણ મેળવી. રાજનીતિમાં રસ ધરાવતા હોવા છતાં પરિવારના આગ્રહથી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ૧૯૧૫થી ૧૯૨૦ સુધી ફૈજાબાદમાં વકીલાત કરી. દેશમાં અસહયોગ આંદોલનના પ્રારંભ પછી જવાહરલાલની સૂચના અને મિત્ર શિવપ્રસાદ ગુપ્તના આમંત્રણથી કાશી વિદ્યાપીઠ આવ્યા. અહીં ડૉ. ભગવાનદાસની અધ્યક્ષતા હેઠળ કાર્ય શરૂ કર્યું અને ૧૯૬૨માં પોતે પણ અધ્યક્ષ બન્યા. ત્યારથી આચાર્યની ઉપાધિ તેમના નામનું એક અંગ બની ગઈ. નાદુરસ્ત તબિયત રહેતી હોવા છતાં ૧૯૩૦માં ‘મીઠાના સત્યાગ્રહ’ તથા ૧૯૩૨માં આંદોલનમાં ભાગ લીધો આથી કારાવાસ પણ ભોગવ્યો. ૧૯૩૪માં જયપ્રકાશ નારાયણ, ડૉ. રામમનોહર લોહિયા તથા અન્ય સહયાગીઓ સાથે મળીને કૉંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીની સ્થાપના કરી. ૧૯૪૮માં પાર્ટીના સંમેલનમાં અધ્યક્ષતા કરી. આ ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણના ક્ષેત્રે પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ઉત્તરપ્રદેશની માધ્યમિક શિક્ષા સમિતિની અધ્યક્ષતા કરી ઘણાં મહત્ત્વપૂર્ણ સૂચનો કર્યાં હતાં. સંસ્કૃત ભાષા ભણાવવાનો તેમનો આગ્રહ રહેતો. બૌદ્ધ ધર્મના અનુરાગી હોવાથી ‘અભિધર્મકોશ’ પ્રકાશિત કરાવ્યું હતું. ‘અભિધમ્મત્થસંહહો’નું હિંદી ભાષાંતર કરેલું. વળી પ્રાકૃત તથા પાલિ વ્યાકરણ હિંદીમાં તૈયાર કર્યું હતું પણ આકસ્મિક નિધન થવાથી અમુક રચનાઓ પ્રાપ્ત થતી નથી. તેઓએ ‘વિદ્યાપીઠ’ ત્રૈમાસિક પત્રિકા, ‘સમાજ’ ત્રૈમાસિક, ‘જનવાણી’ માસિક, ‘સંઘર્ષ‘ અને ‘સમાજ’ સાપ્તાહિકોનું સંપાદન કરેલું. તેમની રચનાઓમાં સમાજવાદ, રાષ્ટ્રીયતા અને ખેડૂતોના પ્રશ્નો મુખ્યપણે રહેતા.

Categories
વાચન સમૃદ્ધિ

હિંમત ન હારશો

સ્ટિફન ઍડવિન કિંગ(જ. ૨૧ સપ્ટેમ્બર, ૧૯૪૭)ના દરિયાઈ વેપાર ખેડતા પિતા સ્ટિફન માત્ર બે વર્ષનો હતો, ત્યારે ઘર છોડીને ચાલ્યા ગયા અને સ્ટિફનની માતાને માથે સ્ટિફન અને એના મોટા ભાઈ ડેવિડને ઉછેરવાની જવાબદારી આવી. આ સમયે સ્ટિફન કિંગને એક ટંક ભોજનના પણ સાંસા હતા, ત્યાં વળી કાગળ અને પેન ખરીદે ક્યાંથી ? બાળપણથી જ ડરામણી વાતો સાંભળવાના બેહદ શોખીન આ છોકરાને મન થયું કે આ સાંભળવા મળતી સઘળી વાતોને એક કાગળ ઉપર ઉતારી લઉં તો ! પરિસ્થિતિ અત્યંત પ્રતિકૂળ હોવા છતાં એ પરાજિત થયો નહીં અને એમાં વળી એણે સિન્ડ્રેલાની વાર્તા વાંચી. ખૂબ પસંદ પડી. એણે આવી એક કાલ્પનિક છોકરી વિશે વિચાર કર્યો અને પોતાની કલ્પનાઓને વાસ્તવિકતાથી સજાવીને એક આખી નવલકથા લખી નાખી. નવલકથા પૂરી થયા પછી એણે વાંચી, તો લાગ્યું કે આવી ચમત્કાર ભરેલી અને ડરામણી નવલકથા વાંચશે કોણ ? આમ વિચારીને એણે નવલકથાની હસ્તપ્રતને કચરાપેટીને હવાલે કરી દીધી. એની પત્નીની નજર સ્ટિફનની આ હસ્તપ્રત પર પડી અને એણે કચરાની ટોપલીમાંથી હસ્તપ્રત બહાર કાઢીને પતિને ઉત્સાહ આપતાં કહ્યું, ‘તમારી આ નવલકથા પુસ્તક રૂપે પ્રગટ થશે, ત્યારે એને ખૂબ ખ્યાતિ મળશે.’ પત્નીની વાતનો સ્વીકાર કરીને સ્ટિફન નવલકથાની હસ્તપ્રત લઈને પ્રકાશકોને મળવા લાગ્યો. ઘણાએ વ્યંગ સાથે એની આ નવલકથા પરત કરી. અંતે ડબલડે નામના પ્રકાશન સમૂહને એ નવલકથા મોકલી. સ્ટિફન કિંગને એમ જ હતું કે નવલકથા હસ્તપ્રત પાછી જ આવશે, પરંતુ ડબલડેએ આ નવલકથાને ‘કેરી’ના નામથી પ્રગટ કરી અને સ્ટિફનને ચારસો ડૉલર પારિશ્રમિક આપ્યું. એ પછી સ્ટિફનનું નસીબ પલટાઈ ગયું. પેપરબેક પ્રગટ કરવા માટેના હક્ક એક પ્રકાશકે બે લાખ ડૉલર આપીને ખરીદી લીધા અને સ્ટિફન ‘હોરરના બાદશાહ’ તરીકે અમેરિકામાં પ્રસિદ્ધ થયા. સ્ટિફન કિંગનાં પુસ્તકોની અત્યાર સુધીમાં ત્રણ કરોડ અને પચાસ લાખથી વધુ પ્રતો વેચાઈ છે અને એમાંનાં ઘણાં પુસ્તકો પરથી ફીચર ફિલ્મ, કૉમિક બુક અને ટેલિવિઝન ધારાવાહિક પણ થઈ છે.

Categories
વાચન સમૃદ્ધિ

ઉત્તમચંદ ખીમચંદ શેઠ

જ. ૨૯ ઑક્ટોબર, ૧૯૨૦ અ. ૨૯ જુલાઈ, ૨૦૦૦

ભારતમાં ક્લિનિકલ ફાર્માકૉલૉજીના સ્થાપક અને વિશ્વવિખ્યાત ફાર્માકૉલૉજિસ્ટ ઉત્તમચંદ શેઠનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓ ‘યુકેએસ’ તરીકે જાણીતા હતા. તેમણે માઇક્રોબાયૉલૉજીમાં બી.એસસી. કર્યું પછી શેઠ જી. એસ. મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ. અને મેડિસિનમાં એમ.ડી.ની પદવી મેળવી. મેડિકલ રેસિડેન્સી પૂર્ણ કર્યા પછી મુંબઈની ટી. એન. મેડિકલ કૉલેજમાં પૅથૉલૉજી વિભાગમાં જોડાયા. ૧૯૫૦થી ૧૯૫૩ સુધી સહાયક પ્રોફેસર હતા. પછી ફાર્માકૉલૉજી વિભાગના વડા બન્યા. ૧૯૫૬થી ૧૯૭૩ સુધી શેઠ જી. એસ. મેડિકલ કૉલેજમાં પ્રોફેસર અને વિભાગના વડા અને ૧૯૭૩થી ૧૯૭૮ સુધી ડિરેક્ટર પ્રોફેસર બન્યા. નિવૃત્તિ પછી નેપાળમાં WHOના નેપાળના ફાર્માકૉલૉજીના સલાહકાર બન્યા. એ પછી આઠ વર્ષ સુધી મલેરિયા અને ફાઇલેરિયાસિસ માટે WHOમાં સલાહકાર બન્યા. તેઓ મુંબઈમાં પ્રોફેસર એમેરિટ્સ અને શેઠ જી. એસ. મેડિકલ કૉલેજ અને ભારતીય વિદ્યાભવનના સ્વામી પ્રકાશાનંદ આયુર્વેદ સંશોધન કેન્દ્રના વરિષ્ઠ સલાહકાર બન્યા. રોકફેલર ફાઉન્ડેશન ફેલોશિપ મળતાં યુ.એસ.એ. ગયા. ત્યાંથી આવીને પ્રાયોગિક અને ક્લિનિકલ ફાર્માકૉલૉજીનો પાયો નાંખ્યો. મલેરિયા માટે મેફલોક્વિનના ક્લિનિકલ વિકાસમાં એમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. તેમણે ૩૫૦થી વધુ વૈજ્ઞાનિક પ્રકાશનો કર્યાં જેમાંનાં અડધાં પ્રાયોગિક સંશોધન પર આધારિત હતાં. તેમણે ભારતમાં અનેક જર્નલોનું સંપાદન કર્યું હતું. તેમણે ફાર્માકૉલૉજી વિષયમાં બે પુસ્તકો લખ્યાં, ‘સિલેક્ટેડ ટોપિક્સ ઇન એક્સપરિમેન્ટલ ફાર્માકૉલૉજી’ એમનું પ્રસિદ્ધ પુસ્તક છે. તેઓ શ્રેષ્ઠ પ્રાધ્યાપક હતા. તેમણે ફાર્માકૉલૉજી જેવા નીરસ વિષયને રસપ્રદ બનાવ્યો હતો. તેમના હાથ નીચે ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ એમ.એસસી., એમ.ડી. અને પીએચ.ડી.ની પદવી મેળવી છે. તેઓ અમેરિકન કૉલેજ ઑવ્ ક્લિનિકલ ફાર્માકૉલૉજી ઍન્ડ કીમોથૅરપી અને અમેરિકન થેરાપ્યુરિક સોસાયટીના ફેલો હતા. તેમણે આપેલા યોગદાન બદલ તેમને ૧૯૬૮માં શાંતિસ્વરૂપ ભટનાગર પુરસ્કાર, ૧૯૭૧માં અમૃત મોદી ઍવૉર્ડ અને ૧૯૭૮માં ડૉ. બી. સી. રૉય ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.