મૂડીને ભૂલીને રાતદિવસ વ્યાજની ગણતરી કરનારી વ્યક્તિને વ્યાજની રકમમાં થોડોક પણ ઘટાડો થાય, તો અતિ અજંપો જાગે છે. ‘કેટલું વ્યાજ છૂટશે ?’ એની ગણતરીથી એ માનવી સતત ઘેરાયેલો રહે છે અને સમય જતાં એ મૂડીને બદલે વ્યાજનો મહિમા કરવા લાગે છે. આ જગતમાં પણ એવું જોવા મળે છે કે ઘણી વ્યક્તિઓ જીવનની મૂડીનો વિચાર ભૂલીને વ્યાજની ફિકરમાં રચ્યાપચ્યા રહે છે. જીવનની પ્રવૃત્તિ, જીવનનો આનંદ અને જીવનનું ધ્યેય એ એની મૂડી હોય છે, પરંતુ સમય જતાં એ મૂડીને વીસરીને ધનની લાલસા, કીર્તિની કામના, સત્તાનો ઉધમાત જેવા વ્યાજમાં જીવવા લાગે છે. પછી બને છે એવું કે લોકેષણા, વિત્તેષણા અને પુત્રેષણાના વ્યાજમાં સાર્થક જીવન જીવવાની એની એષણા ભુલાતી જાય છે. કીર્તિની પાછળ દોડતો માણસ એના ઢગલેઢગલા મેળવવા પ્રયાસ કરે છે, તો ધનની પ્રાપ્તિની પાછળ દોડતો માણસ વધુ ધનિક, અતિ ધનિક અને સૌથી વધુ ધનિક થવાની કોશિશ કરે છે. આવા વ્યાજની લાલચમાં જિંદગીની મૂડી ગુમાવનારા તમને ઘણા મળશે.
જીવન છે ત્યાં સુધી ધન, કીર્તિ અને સત્તા છે. જો જીવનની મૂડી નહીં હોય, તો એ કશાયનો કોઈ અર્થ નથી. પણ કોણ જાણે કેમ આ જમાનાને મૂડીમાં રસ નથી. વ્યાજની પાછળ એ ગાંડોતૂર બનીને દોડે છે! જીવનની ઉપેક્ષા કરીને વર્ષો ગાળતો જાય છે. એના માથે વ્યાજની ચિંતા છે, પણ મૂડીનું કોઈ ચિંતન નથી. આ દોડનો અંત સ્મશાનમાં આવે છે. જો પહેલેથી એણે દોડતાં પૂર્વવિરામ એવા સ્મશાનનો વિચાર કર્યો હોત, તો એ પદ, કીર્તિ કે વૈભવની આંધળી દોડમાંથી ઊગરી શક્યો હોત.
ગુજરાતના જાણીતા કેળવણીકાર, વિવેચક, નિબંધકાર, પત્રકાર અને અનુવાદક યશવંત શુક્લનો જન્મ ઉમરેઠમાં થયો હતો. માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું. ૧૯૩૨માં મૅટ્રિક થયા. તે સમયે ટ્યૂશનો કરી જાતે અર્થોપાર્જન કરતા. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસના વિષયો સાથે બી.એ. થયા પછી સૂરતની એમ.ટી.બી. કૉલેજમાંથી ગુજરાતી અને અંગ્રેજી વિષયો સાથે એમ.એ. થયા. ત્યારબાદ ‘પ્રજાબંધુ’ના ઉપતંત્રી તરીકે જોડાયા. ત્યાં તેઓ પુસ્તકોની સમીક્ષાઓ લખતા તેમ જ ‘સંસારશાસ્ત્રી’ના ઉપનામથી સામાજિક પ્રશ્નોની ચર્ચા કરતા. તે દરમિયાન ગુજરાત કૉલેજમાં ખંડ-સમયના વ્યાખ્યાતા તરીકે અને પછી મુંબઈમાં અધ્યાપક તરીકે કામગીરી કરી. ત્યારબાદ અમદાવાદને કર્મભૂમિ બનાવી ગુજરાત વિદ્યાસભા અને ભો. જે. વિદ્યાભવનમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. ૧૯૫૫માં ગુજરાતમાં પહેલી ગુજરાતી માધ્યમની કૉલેજ શ્રી રામાનંદ મહાવિદ્યાલય(હાલની શ્રી હ. કા. આર્ટ્સ કૉલેજ)ના પ્રથમ આચાર્ય તરીકે ૧૯૫૫થી ૧૯૭૮ સુધી યશસ્વી કામગીરી કરી. આ દરમિયાન ૧૯૭૪માં એકાદ વર્ષ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કુલપતિપદ સંભાળ્યું. તેમણે મુખપત્ર ‘બુદ્ધિપ્રકાશ’ના મુખ્ય સંપાદક તરીકે લાંબો સમય કામ કર્યું. તેઓ કેટલોક સમય નૅશનલ સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય હતા. ૧૯૮૩થી ૧૯૮૫ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહેલા. તેઓ ‘સંદેશ’માં અવારનવાર વિવેચનલેખો લખતા.
‘કેન્દ્ર અને પરિઘ’ (૧૯૮૦), ‘ઉપલબ્ધિ’ (૧૯૮૨) અને ‘શબ્દાન્તરે’ (૧૯૮૪) જેવા ગ્રંથોમાં અભ્યાસપૂર્ણ લેખો છે. આ ઉપરાંત ‘ક્રાંતિકાર ગાંધીજી’(૧૯૮૦)માં ગાંધીવિચાર વિશે બે વ્યાખ્યાનો સંગ્રહિત છે. તાર્કિકતા, સ્પષ્ટતા અને સુઘડતા તેમનાં ગદ્ય લખાણોની વિશેષતા છે. તેમણે અનુવાદક તરીકે પણ પ્રશંસનીય કાર્ય કર્યું છે. તેમણે ટૉલ્સ્ટૉય અને ઉમાશંકર જોશીની વાર્તાઓનું સંપાદન કર્યું છે. આ ઊંચી કોટિના વિદ્વાન, સાહિત્યકાર અને સમર્થ કેળવણીચિંતકને ૧૯૮૫માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૯૨માં રણજિતરામ ચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા હતા.
અરબી દ્વીપકલ્પના વાયવ્ય કિનારા પર હાશેમી વંશના રાજ્યકર્તાઓની હકૂમત હેઠળનો અરબ દેશ. ભૌગોલિક સ્થાન ૩૧° ઉ. અ. અને ૩૬° પૂ. રે.. મહંમદ પયગંબરના દાદા હાશેમના વંશના નામ પરથી તે હાશેમી રાજ્ય તરીકે ઓળખાય છે. મધ્યપૂર્વ વિસ્તારમાં વચ્ચોવચ આવેલો આ દેશ જૉર્ડન નદીના પૂર્વ તથા પશ્ચિમ કિનારા પર વસેલો છે. તેની ઉત્તરે સીરિયા, પૂર્વે ઇરાક તથા સાઉદી અરેબિયા, દક્ષિણે સાઉદી અરેબિયા તથા પશ્ચિમે ઇઝરાયલ દેશો આવેલા છે. તેનો કુલ વિસ્તાર ૮૯,૨૮૭ ચોકિમી. છે. તેનું સર્વોચ્ચ બિંદુ સમુદ્રસપાટીથી ૧,૭૫૪ મી. ઊંચાઈ પર છે, તો લઘુતમ બિંદુ સમુદ્રસપાટીથી ૩૯૬ મીટર નીચું છે. તેની કુલ વસ્તી ૧,૧૪,૮૪,૦૦૦ (૨૦૨૩, આશરે) તથા વસ્તીની ગીચતા ૩૫ પ્રતિ ચોકિમી. છે. કુલ વસ્તીના ૬૮% લોકો શહેરી વિસ્તારમાં તથા ૩૨% લોકો ગ્રામ વિસ્તારમાં વસે છે. દેશમાં સાક્ષરતાનું પ્રમાણ ૭૭% છે. કુલ વસ્તીમાં ૯૫% સુન્ની મુસલમાનો છે. કુલ વસ્તીમાંના ૫૫% લોકો મૂળ દેશવાસીઓ છે અને બાકીના પૅલેસ્ટાઇન પ્રદેશમાંથી આવેલા છે. ૧૦% વસ્તી શરણાર્થી શિબિરોમાં વસે છે. અરબી એ રાષ્ટ્રભાષા છે, જોકે અંગ્રેજી ભાષાનો દેશમાં બહોળો ઉપયોગ થાય છે. એક જમાનામાં આ દેશ ટ્રાન્સજૉર્ડન નામથી ઓળખાતો હતો. ઇસ્લામ રાજ્યનો અધિકૃત ધર્મ છે.
અલ અકાબા બંદર મૃત સરોવર
જૉર્ડન નદીની પૂર્વે ૫૫ કિમી. અંતરે આવેલું અમાન તેનું પાટનગર અને દેશનું મોટામાં મોટું નગર છે. અકાબાના અખાત પર આવેલું અકાબા એકમાત્ર બંદર છે. દેશની પશ્ચિમ તરફની સરહદ જેરૂસલેમ નગરમાંથી પસાર થતી હતી.
૧૯૬૭ પહેલાંના તેના કુલ વિસ્તારમાંથી માત્ર ૧૦% ખેતીલાયક છે, ૭૫% રણથી છવાયેલ છે અને ૧% વિસ્તાર જંગલ હેઠળ છે. જૉર્ડન નદીના પૂર્વ કિનારા પરનો પ્રદેશ, તેના પૂર્વ તરફનો રણપ્રદેશ, પશ્ચિમી કિનારા તરફનો પ્રદેશ તથા જૉર્ડનની ખીણનો પ્રદેશ એ ૪ જૉર્ડનના મુખ્ય ભૌગોલિક કે ભૂપૃષ્ઠ વિભાગ ગણાય છે. તેના પૂર્વ કિનારા પરનો મેદાની પ્રદેશ પૂર્વ તરફ ઢળતો જાય છે. આ પ્રદેશની દક્ષિણ તરફની ઊંચાઈ આશરે ૧,૭૫૦ મી. જેટલી છે અને તેમાં ૧,૭૫૪ મી. ઊંચાઈ ધરાવતું જેબેલ રામ્મ શિખર આવેલું છે. જૉર્ડન નદીના પશ્ચિમ કિનારા તરફનો પ્રદેશ પૅલેસ્ટાઇનના ઉચ્ચ પ્રદેશથી વ્યાપ્ત છે. આ પ્રદેશને પૂર્વ તરફના મેદાની વિસ્તારથી જુદા પાડતો પ્રદેશ જૉર્ડન નદીની સમતલ ખીણનો પ્રદેશ છે. ખીણોથી છવાયેલો આ પ્રદેશ વિશાળ ફાટખીણ(ધ ગ્રેટ રિફ્ટ વૅલી)નો ભાગ છે. વિશ્વનું સૌથી વધુ ખારા પાણીનું સરોવર (૨૪૦% ક્ષારતા) આ ખીણપ્રદેશના સૌથી નીચાણવાળા ભાગમાં આવેલું છે અને તે ‘મૃત સરોવર’ના નામથી ઓળખાય છે. તે પૃથ્વીતલનો સૌથી નીચો ભાગ પણ છે. જૉર્ડનનો સૌથી મોટો ભૂભાગ ટ્રાન્સજૉર્ડન પઠારનો સર્વોચ્ચ મેદાની પ્રદેશ છે.
દેશની આયાતોમાં ખાદ્ય પદાર્થો, યંત્રો, ખનિજ-તેલ તથા વાહનવ્યવહારનાં સાધનો મુખ્ય છે, નિકાસમાં ફૉસ્ફેટ, શાકભાજી તથા ફળફળાદિનો સમાવેશ થાય છે. દેશનો મોટા ભાગનો વિદેશવ્યાપાર સાઉદી અરેબિયા, ઇરાક, અમેરિકા, બ્રિટન, જર્મની, ઇટાલી, જાપાન અને ભારત સાથે થાય છે. વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારના ક્ષેત્રે જૉર્ડને નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેના પડોશી દેશો સાથે તે ઘનિષ્ઠ રીતે જોડાયેલું છે. તેનું એકમાત્ર બંદર અલ અકાબા અદ્યતન સગવડો ધરાવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે, રક્ષા મ. વ્યાસ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, જૉર્ડન, પૃ. 35)