Categories
વાચન સમૃદ્ધિ

એક આંખમાં સંતોષ, બીજી

આંખે પ્રગતિ ! ————-

જીવનના ઉત્સાહને માણવા માટે એક આંખમાં સંતોષને વસાવો અને બીજી આંખમાં પ્રગતિને રાખો. એક નજર સંતોષ પર હશે, તો જે પામ્યા હોઈએ તેનો આનંદ મળશે. જે મેળવ્યું એની મજા પડશે. જે ‘છે તેનો સંતોષ હશે. વ્યક્તિ પાસે સ્કૂટર હશે, તો સ્કૂટર ધરાવવાનો સંતોષ એના મનમાં રહેશે. મોટર નહીં હોવાના અભાવના અજંપાથી એ પીડાતી નહીં હોય. જીવનની ઘણી વેદનાઓ પ્રાપ્તિની ઉપેક્ષા અને અપ્રાપ્તિની મહેચ્છાથી સર્જાતી હોય છે. એ વ્યક્તિ સ્કૂટર પર ઘૂમવાની મજા માણી શકશે નહીં, કારણ કે બીજાની મોટર એના હૈયામાં સદાય આગ ઝરતી રાખશે. જીવન આખું બેચેની કે હતાશામાં જશે અને ધીરે ધીરે જીવનમાં સદાને માટે જે મેળવ્યું હોય, તે ભુલાતું જાય છે અને જે નથી તે ચિત્ત પર સવાર થઈને બેસી જાય છે. વ્યક્તિએ બીજી આંખ પ્રગતિ પર ઠેરવવી જોઈએ અને એને માટે પુરુષાર્થથી સદાય પ્રગતિનો પડકાર ઝીલવો જોઈએ. એ સંતોષની પલાંઠી જરૂર વાળશે, પરંતુ એ આસને બેસીને પ્રગતિ માટેના પુરુષાર્થનો વિચાર કરશે. વધુ સિદ્ધિ મેળવનારી વ્યક્તિઓ કે વિભૂતિઓ પાસેથી પ્રેરણા લેશે. વિભૂતિઓ માત્ર પૂજા, અર્ચના કે પ્રતિમા ખડી કરવા માટે નથી. એમનો હેતુ તો આપણને જીવનમાં પ્રગતિ માટે પ્રેરણાપીયૂષ પાવાનો છે. વિચારકો, વિજ્ઞાનીઓ અને કલાકારોના જીવનમાંથી પ્રેરણા પામીને પ્રગતિ કરવી જોઈએ. મનમાં સંતોષ સાથે હાથમાં પ્રગતિ રાખવી જોઈએ. આવું ન થાય તો સંતોષ, પ્રમાદ કે નિષ્ક્રિયતામાં પરિવર્તન થઈ જાય છે. પ્રાપ્તિ અંગે સંતોષ અને પ્રાપ્ત કરવાનું છે, તેમને માટે પ્રગતિ બંનેનું સમતોલન સાધવું જોઈએ.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

પં. મદનમોહન માલવીય

જ. ૨૫ ડિસેમ્બર, ૧૮૬૧ અ. ૧૨ નવેમ્બર, ૧૯૪૬

મહાન દેશભક્ત, બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક અને વરિષ્ઠ પત્રકાર મદનમોહન માલવીયનો જન્મ અલ્લાહાબાદમાં થયો હતો. પિતા વ્રજનાથ અને માતા મૂનાદેવી. બાળપણથી જ તેઓ સંસ્કૃતના શ્લોકો શીખવા માંડ્યા હતા. બારમે વર્ષે તો સંસ્કૃત ભાષા પર પ્રભુત્વ મેળવી લીધું. સ્નાતક થયા બાદ સૌપ્રથમ તેમણે શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરી. ત્યારબાદૃ ‘હિન્દુસ્તાન’ નામના હિંદી સાપ્તાહિકના તંત્રી બન્યા. બે વર્ષ બાદ તેને દૈનિક બનાવ્યું. ‘ઇન્ડિયન યુનિયન સાપ્તાહિક’ના પણ તંત્રી બન્યા. ૧૮૯૧માં એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી અને ૧૮૯૩થી વડી અદાલતમાં વકીલાત શરૂ કરી. તેઓ ઉત્તમ વકીલ તરીકે ખ્યાતિ પામ્યા. કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચાર વાર તેમની વરણી થઈ હતી. ૧૯૦૬માં હિંદુ મહાસભાની સ્થાપના કરવામાં સહકાર આપ્યો. ૧૯૦૯માં વકીલાત છોડી દીધી, તે છતાં પણ ચૌરીચૌરાના બનાવમાં ભાગ લેનારામાંથી ૧૫૩ વ્યક્તિઓને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કરાવવા માટે મહત્ત્વનો ફાળો આપ્યો. લોકોમાં જાગૃતિ આણવા માટે તથા સમાજની સેવા કરવાના હેતુથી હિંદી ભાષામાં ‘અભ્યુદય’ નામનું સાપ્તાહિક, હિંદી માસિકો અને અંગ્રેજી દૈનિક ‘લીડર’ શરૂ કર્યાં. દેશના ઔદ્યોગિક વિકાસમાં પણ તેમણે ઊંડો રસ લીધો હતો. ૧૯૧૮માં રાષ્ટ્રીય કૉંગ્રેસ અધિવેશન સમયે ‘સત્યમેવ જયતે’ સૂત્ર આપ્યું. હરિદ્વારમાં હરકી પૌડીના ઘાટ પર ગંગામૈયાની આરતીની શરૂઆત તેમણે કરાવેલી. ૧૯૨૪થી તેઓ કેન્દ્રની ધારાસભાના સભ્ય હતા. ૧૯૨૦માં રાજીનામું આપી, ગાંધીજીએ શરૂ કરેલી સવિનય કાનૂનભંગની ચળવળમાં જોડાયા. બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના માટે તેમણે અથાગ પરિશ્રમ અને અવિરત પુરુષાર્થ કરી વિપુલ ધનરાશિ એકત્રિત કરી. ૧૯૧૯થી ૧૯૩૮ સુધી આ યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે કાર્યરત રહ્યા. તેમણે હિન્દુ સંસ્કૃતિના રક્ષણ અને સંવર્ધન માટે ઘણું કામ કર્યું. તેઓ મહિલા ઉત્કર્ષના અને આંતરજ્ઞાતીય લગ્નોના હિમાયતી હતા. તેમનું અંગત જીવન શુદ્ધ, સાદગીમય અને પવિત્ર હતું.૧૯૬૧ અને ૨૦૧૧માં એમ બે વાર ભારતીય ટપાલખાતાએ તેમની ટિકિટો બહાર પાડેલી. ૨૦૧૪માં તેમને ‘ભારતરત્ન’(મરણોત્તર)થી સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

જાફરાબાદ

ગુજરાત રાજ્યમાં અમરેલી જિલ્લાનો મહાલ, તેનું મથક અને મધ્યમ કક્ષાનું બંદર. મહાલનું ક્ષેત્રફળ ૩૬૫.૬ ચોકિમી. અને વસ્તી ૯૦,૭૨૬ (૨૦૦૧) છે. અહીં ૫૨૪.૪ મિમી. વરસાદ પડે છે અને બાજરો, ઘઉં, કપાસ અને મગફળી મુખ્ય પાક છે. દરિયાકિનારાથી અંદરના ભાગમાં ચૂનાખડકોની ખાણો આવેલી છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને મચ્છીમારી છે. વલસાડ જિલ્લાના માછીમારો ઑક્ટોબરથી જાન્યુઆરી સુધી માછલાં પકડવા અહીં આવે છે. જાફરાબાદમાં ૧૦ લાખ ટન સિમેન્ટ ઉત્પન્ન કરી શકે તેવું સિમેન્ટનું કારખાનું છે. જાફરાબાદ શહેર સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે ૨૦ ૫૨´ ઉ. અ. અને ૭૧ ૨૨´ પૂ. રે. ઉપર અરબી સમુદ્રને કિનારે આવેલું છે. જાફરાબાદની ખાડી ૫ કિમી. લાંબી અને ૧.૬ કિમી. પહોળી છે. નવું બંદર ખાડીના જમણા કાંઠે ૪૦૦ મી.નો બ્રેક વૉટર બાંધીને સુરક્ષિત બનાવાયું છે. ખાડીના ડાબા કાંઠે માછીઓ માટેનો ધક્કો છે. જાફરાબાદ ખાતે લાકડું, વિલાયતી નળિયાં, કપાસિયાં, અનાજ, પેટ્રોલિયમ વગેરે આયાત થાય છે, જ્યારે મીઠું, સિમેન્ટ અને માછલાં નિકાસ થાય છે.

નવું બંદર, જાફરાબાદ

સિમેન્ટનું કારખાનું, જાફરાબાદ

જાફરાબાદની ૨૦૦૧માં ૨૫,૦૮૧ વસ્તી હતી. ત્યાંની ઉચ્ચતર માધ્યમિક શાળા વિવિધલક્ષી શાળા છે. શહેરનું પુસ્તકાલય સમૃદ્ધ છે. જાફરાબાદ સાતમી-આઠમી સદી દરમિયાન ચાવડા રજપૂતોના કબજા નીચે હતું. ત્યારબાદ ચૂડાસમાઓને તાબે હતું. ગુજરાતના સુલતાનોના સમયમાં દીવના રક્ષણ માટે જાફરાબાદમાં થાણું નાખ્યું હતું અને કિલ્લો બાંધ્યો હતો. સુલતાન મુઝફ્ફરશાહના નામ ઉપરથી તેને મુઝફ્ફરાબાદ નામ અપાયું હતું. ૧૫૨૧માં પોર્ટુગીઝોએ દીવ પહેલાં જાફરાબાદ જીતવા પ્રયત્ન કર્યો હતો, ૧૫૩૧માં તુર્કસ્તાનના નૌકાધિપતિ સુલેમાન પાશાએ અહીં તેનો નૌકા-કાફલો રાખ્યો હતો. તેથી પોર્ટુગીઝોના આક્રમણનો તે ભોગ બન્યું હતું. અઢારમી સદીના પૂર્વાર્ધ દરમિયાન અહીં મુઘલ થાણદારનું થાણું હતું. સ્થાનિક કોળીઓ સાથે મળીને ચાંચિયાગીરી કરતા સૂરતના મુઘલ કાફલાના અધિપતિ સીદી હિલાલે આક્રમણ કરી જાફરાબાદનો કબજો લીધો હતો. સીદી હિલાલ જાફરાબાદને વધારે વખત સુરક્ષિત રાખી શકે તેમ ન હતો. તેથી તેણે તે જંજીરાના નવાબને વેચી દીધું. આમ તે જંજીરાના નવાબના કબજા નીચે આઝાદી સુધી રહ્યું હતું. જાફરાબાદનાં શિયાળ, ભેંસલો અને સવાઈ બેટ સહિત ૧૨ ગામો હતાં. આઝાદી પછી જાફરાબાદ મહાલ ભાવનગર જિલ્લા નીચે હતો. ૧૯-૬-૫૯ના સરકારી હુકમથી જાફરાબાદ મહાલને અમરેલી જિલ્લા નીચે મૂકવામાં આવ્યો છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શિવપ્રસાદ રાજગોર