Categories
વાચન સમૃદ્ધિ

જીવનનું સાચું સરનામું મૃત્યુ છે

વ્યક્તિના જીવનસમગ્રનું સરનામું કયું ? ચહેરા અને મહોરાં ઓઢીને, દંભ અને આડંબર ધારણ કરીને તથા પ્રેમ અને પ્રપંચનો ખેલ ખેલીને માનવી જીવે છે. જીવનપર્યંત બહુરૂપીનો વેશ ધારણ કરીને સ્વયંને સતત છુપાવી રાખે છે. પોતે જે નથી, તે દેખાવા પ્રયત્ન કરે છે. જેમાં નથી માનતો, તેમાં પૂર્ણ શ્રદ્ધાનો ડોળ કરે છે. પોતે જે છે, તેને જાણવાની એ કોશિશ કરતો નથી, કારણ કે એ કોશિશ કરતાં એને ભય લાગે છે. ત્યારે વ્યક્તિના સમગ્ર જીવનની નિર્ણયાત્મક ક્ષણ કઈ ? એ ક્ષણ છે એના મૃત્યુની. એ ક્ષણે માનવી પારદર્શક અને નિરાવરણ હોય છે. એ ક્ષણે એ કોઈ દાવપેચ ખેલતો નથી અને કોઈ આડંબર સેવતો નથી. મૃત્યુની ક્ષણમાં એનું આખું જીવન સમાઈ જાય છે. એના દીર્ઘ જીવનનો હિસાબ આ એક ક્ષણમાં પ્રાપ્ત થાય છે. જીવનસાફલ્યનો આનંદ કે વિફળતાનો વસવસો એ ક્ષણે પ્રગટ થાય છે. સંપત્તિ કે સત્તા પાછળ જિંદગી ગુમાવ્યાનાં આંસુ એની આંખમાં આવશે. એનો મોહ સરી જશે, બાહ્ય દેખાવ ભૂંસાઈ જશે અને એ બીજા સાથે કે સ્વયં સાથેના પ્રપંચથી અલગ થઈને માત્ર માનવી બની રહેશે. જીવનની સૌથી સાચી ક્ષણ એ મૃત્યુની ક્ષણ છે. એ દરેક માનવીના જીવનનું સાચું સરનામું છે. મૃત્યુની ક્ષણનો વિચાર કરીને જીવનની ક્ષણો પાસેથી હિસાબ લીધો હોત તો ? મૃત્યુની વેળાએ વિચારીને જીવનમાં વખતનો મહિમા કર્યો હોત તો ? મૃત્યુના અંતને વિચારીને સિદ્ધિ-સમૃદ્ધિ કે પરિગ્રહની દોડના અંતનો જીવનમાં ખ્યાલ કર્યો હોત તો ! મૃત્યુ એ સાચા જીવનનો સર્વશ્રેષ્ઠ શિક્ષક છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

મોહમ્મદ હિદાયતુલ્લાહ

જ. ૧૭ ડિસેમ્બર, ૧૯૦૫ અ. ૧૮ સપ્ટેમ્બર, ૧૯૯૨

ભારતના વિદ્વાન ન્યાયશાસ્ત્રી, શિક્ષણવિદ અને ભાષાશાસ્ત્રી મોહમ્મદ હિદાયતુલ્લાહે ઉપરાષ્ટ્રપતિ, કાર્યકારી રાષ્ટ્રપતિ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે કામગીરી બજાવી હતી. તેઓ ભારતનામુસ્લિમ સમાજના સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા. ભારતમાં અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ મેળવી ઇંગ્લૅન્ડમાં કેમ્બ્રિજમાંથી તેઓ બૅરિસ્ટર એટ લૉ થયા હતા. ભારત આવીને તેમણે ઍડ્વોકેટ તરીકે નાગપુર વડી અદાલતમાં કામગીરી બજાવી હતી. ૧૯૩૦-૧૯૪૬ના દોઢ દાયકા દરમિયાન યુનિવર્સિટી કૉલેજ ઑવ્ લૉમાં વ્યાખ્યાતા તરીકે કામ કર્યું હતું. ૧૯૩૪-૧૯૪૩ દરમિયાન તેઓએ સરકારી વકીલ તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ સ્વાતંત્ર્ય પૂર્વેના મુંબઈ ઇલાકાના ઍડ્વોકેટ જનરલ તરીકે સેવાઓ આપી. ૧૯૪૩-૧૯૪૬ દરમિયાન નાગપુરની વડી અદાલતના ન્યાયમૂર્તિ અને ૧૯૪૬-૧૯૫૪ દરમિયાન ત્યાંના જ મુખ્ય ન્યાયાધીશ નિમાયા હતા. ૧૯૪૬માં તેમને ‘ઑર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. ૧૯૫૪-૧૯૫૬ દરમિયાન મધ્યપ્રદેશની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ રહ્યા. ૧૯૫૬-૧૯૫૮ દરમિયાન ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને ફેબ્રુઆરી ૧૯૬૮-૧૯૭૦ દરમિયાન મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા. ૧૯૭૯-૧૯૮૪ દરમિયાન તેઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા. આ ઉપરાંત તેઓએ વિવિધ વ્યવસાયલક્ષી સંગઠનોમાં વિવિધ સ્થાનો ગ્રહણ કરેલાં, જેવાં કે નાગપુર ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પેસ લૉ (પૅરિસ), એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ઑવ્ વર્લ્ડ ઍસોસિયેશન ઑવ્ જજીઝમાં નાગપુર, અલીગઢ અને વિક્રમ યુનિવર્સિટી જેવી વિવિધ સંસ્થાઓમાંની કાયદાશાખાના તેઓ સભ્ય પણ રહી ચૂક્યા હતા. આંતરરાષ્ટ્રીય પરિષદોમાં તેઓએ સક્રિય કામગીરી બજાવી હતી. તેમની સ્મૃતિમાં તેમના વતન રાયપુર, છત્તીસગઢ ખાતે ૨૦૦૩માં હિન્દુ નૅશનલ લૉ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

જાત્રા

બંગાળી લોકનાટ્યનો એક પ્રકાર. તે મધ્યકાળથી શરૂ થઈ આજ સુધી જુદે જુદે સ્વરૂપે પ્રવર્તમાન રહ્યો છે. ભૂતકાળમાં કોઈ ઉત્સવ પ્રસંગે ભક્તો નાચતાંગાતાં, સરઘસાકારે એક સ્થળેથી બીજે સ્થળે જતાં. સમય જતાં તેમાં પુરાણોમાંથી કે કોઈ દંતકથામાંથી વાર્તાને જોડવામાં આવી, અને તેમાંથી ઉદભવ્યું જાત્રા–નાટક. આ જાત્રા તે લોક-રંગભૂમિ. તે ગામડાંમાં લોકોને મનોરંજન તેમજ ઉપદેશ પૂરાં પાડતી. અભિનય, પોશાક, રૂપસજ્જા (મેકપ) ટૅકનિક વગેરે બાબતમાં જાત્રાનો સ્તર નિમ્ન હતો. વળી રંગમંચ તો હતો જ નહિ. પણ પ્રેક્ષકો અને અભિનય વચ્ચેનું અનુસંધાન સંપૂર્ણ હોવાથી શ્રોતા-પ્રેક્ષકને ખૂબ આનંદ મળતો. મધ્યકાળમાં ઘણી વાર જાત્રાને નટ-ગીત કે ગીત-નટ પણ કહેવામાં આવતું, જેમાં જુદાં જુદાં પાત્રો પ્રેક્ષકો સમક્ષ આવી તેમની ભૂમિકાનો ભાગ ગાતાં.

લોકનાટક, લોકગીત, લોકનૃત્ય જેવાં તત્ત્વો જાત્રામાં ભળ્યાં. ‘મંગળચંડી’ અને ‘મનસા’નાં ગીતો આ રીતે ગવાતાં. ‘ગંભીર’, ‘ગજેગણ’, ‘ઝુમુર’, ‘પાંચાલી’ અને ‘ધમાલી’માં જાત્રાનાં લક્ષણો હતાં, જે પાછળથી પૂર્ણવિકસિત જાત્રા–નાટકમાં પરિણમ્યાં.

ચૈતન્યના સમય પહેલાં ભજવાતી જાત્રાઓ ચંડી જાત્રાઓ અથવા રામ-જાત્રાઓ હતી. પણ ચૈતન્ય પછી, રાધા-કૃષ્ણના દૈવી પ્રેમને નિરૂપતી અથવા ચૈતન્યના સંન્યાસને પ્રગટ કરતી જાત્રાઓ  સ્તિત્વમાં આવી. કૃષ્ણ-જાત્રા ‘કાલિયદમન’ નામથી વધુ પ્રચલિત બની. લાંબી પરંપરા પણ રહી, જેમાં ગોવિંદ અધિકારી આ ‘કાલિયદમન’ના બહુ મોટા પ્રણેતા થયા; તે પોતે વૃંદા દૂત્તીની ભૂમિકા ભજવી શ્રોતાઓને રમૂજભર્યાં કથનોથી રંજન પૂરું પાડતા. ‘કાલિયદમન’ જાત્રા-પ્રકાર ચીલાચાલુ બનતાં, ‘સખાર જાત્રા’ નાટક જન્મ્યું, જેમાં હાસ્યગીતો વધારે હતાં. ધાર્મિક મનોવૃત્તિવાળા બંગાળીઓને આ બહુ રુચ્યું નહિ; પરિણામે ધાર્મિક-જાત્રા જેવું ‘ગીતાભિનય’ જાત્રા વિકસ્યું જેમાં રંગમંચ પરના નાટક અને જાત્રાનો સમન્વય કરીને ખુલ્લી જગ્યામાં તેમજ રંગમંચ પર ભજવવામાં આવતાં. મોતીલાલ રાય (૧૮૪૩-૧૯૧૧) ‘ગીતાભિનય’ જાત્રાના પ્રખ્યાત ઉદગાતા થયા. પછી તો, જાત્રા રંગમંચીય પદ્ધતિઓને પણ પ્રયોજવાનું શરૂ કરે છે, ધાર્મિક-પૌરાણિક કથાઓ ઉપરાંત ઐતિહાસિક વિષયો પણ જાત્રામાં લેવામાં આવે છે, દા.ત., ‘પદ્મિની’. લોકજાગૃતિ માટેનું પ્રભાવશાળી માધ્યમ હોવાથી, મુકુંદદાસે (૧૮૮૮-૧૯૩૪) જાત્રા–નાટકને ‘સ્વદેશી જાત્રા પાર્ટી’ નામ આપીને ગામડાંમાં રાષ્ટ્રભાવના જગાડી. જોકે આધુનિક જાત્રા પરંપરાગત જાત્રાથી તદ્દન ભિન્ન થઈ ગઈ છે; તે હવે શિક્ષણ, નીતિ વગેરેના પ્રચારનું લોકમાધ્યમ રહ્યું નથી. આજે ‘બંગાળી જાત્રા’ એ રંગભૂમિનો જ નવો અવતાર છે. ઉત્પલ દત્ત અને રામેન લાહિરી જેવા રંગભૂમિના મોટા અભિનેતાઓ અને લેખકોએ જાત્રા-નાટકો લખ્યાં છે અને તેમાં ભૂમિકા ભજવી છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

અનિલા દલાલ