જ. ૧૮ ફેબ્રુઆરી, ૧૯૨૫ અ. ૨૫ જાન્યુઆરી, ૨૦૧૯

જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનારાં ખ્યાતનામ હિંદી સાહિત્યકાર. પ્રારંભિક શિક્ષણ દિલ્હી અને શિમલામાં લીધું. ત્યારબાદ લાહોરમાં ફતેહચંદ કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ ભાગલા પડતાં તેઓ ભારત આવી ગયાં. બે વર્ષ સિરોહીના મહારાજાના પૌત્ર તેજસિંગને ત્યાં શિક્ષિકા તરીકે કાર્ય કર્યું. તેઓ મહાત્મા ગાંધી હિંદી યુનિવર્સિટી, વર્ધાનાં સભ્ય, નૅશનલ બુક ટ્રસ્ટનાં ટ્રસ્ટી, ૧૯૮૦-૮૨માં પંજાબ યુનિવર્સિટીમાં ફેલો, નવી દિલ્હી કેન્દ્રીય સાહિત્ય અકાદમીમાં ફેલો રહ્યાં. તેમનું લેખનકાર્ય ટૂંકી વાર્તાઓથી શરૂ થયું. ૧૯૪૪માં તેમની ‘લામા’ અને ‘નફિસા’ વાર્તા પ્રકાશિત થયેલી. તે જ વર્ષમાં ‘સિક્કા બદલ ગયા’ નામથી હિન્દુસ્તાન-પાકિસ્તાનના ભાગલાની કથા લખી. તેમની માતૃભાષા તો પંજાબી હતી પણ તેમણે હિંદીમાં લેખન કર્યું છે. ત્રીસ વર્ષના ગાળામાં તેમણે ૧૯૮૦માં વાર્તાસંગ્રહ ‘બાદલોં કે ઘેરે’, આખ્યાયિકા ‘ડાર સે બિછુડી’ (૧૯૫૮), ‘મિત્રો માર્જની’ (૧૯૬૭), ‘યારોં કે યાર’ (૧૯૬૮), ‘તિન પહાડ’ (૧૯૬૮), ‘એ લડકી (૧૯૯૧), ‘જૈની મહેરબાન સિંહ’ (૨૦૦૭), ‘ગુજરાત પાકિસ્તાન સે ગુજરાત હિંદુસ્તાન’ (૨૦૧૭) જે તેમના નિજી જીવનને સ્પર્શતી નવલકથા છે. તેમની વાર્તાઓના વિવિધ ભારતીય ભાષાઓમાં તથા અંગ્રેજીમાં અનુવાદ થયેલા છે. એમની નવલકથા ‘જિંદગીનામા’ને સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (૧૯૮૦) મળેલો. તેઓ પોતાની કૃતિઓમાં પંજાબી, ઉર્દૂ અને રાજસ્થાની શબ્દપ્રયોગો કરતાં. કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર ઉપરાંત સાહિત્ય શિરોમણિ પુરસ્કાર, મૈથિલીશરણ ગુપ્ત પુરસ્કાર, સાહિત્યકલા પરિષદ પુરસ્કાર, ૧૯૯૯માં કથાચૂડામણિ ઍવૉર્ડ વગેરે એનાયત કરવામાં આવેલા. હિંદીમાં ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ મહિલા છે. ૨૦૧૭માં ભારતીય સાહિત્યનું સર્વોચ્ચ સન્માન ગણાય એવો જ્ઞાનપીઠ પુરસ્કાર પણ તેમને મળેલ છે.
રાજશ્રી મહાદેવિયા