Categories
વાચન સમૃદ્ધિ

અરુણાચલ પ્રદેશ

ભારતનું તેના ઈશાન ખૂણામાં આવેલું એક રાજ્ય.

ભૌગોલિક સ્થાન : 26° 28´ થી 29° 30´ ઉ. અ. અને 91° 20´થી 97° ૩૦´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર. ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય આ રાજ્યમાં થાય છે, તેથી તેનું નામ અરુણાચલ છે. આ વિસ્તાર એક સમયે નેફા (North-East-Frontier Agency – NEFA) તરીકે ઓળખાતો હતો. તેની પશ્ચિમે ભુતાન, ઉત્તરે તિબેટ (ચીન) અને પૂર્વે મ્યાનમાર દેશ આવેલો છે. જ્યાર દક્ષિણે ભારતનાં નાગાલૅન્ડ અને અસમ રાજ્ય આવેલ છે. 2026 મુજબ આ રાજ્યની વસ્તી આશરે 19 લાખ  છે. રાજ્યમાં જિલ્લા, શહેરો અને ગામડાંની સંખ્યા અનુક્રમે 26, 27 અને 5,587 છે. ઇટાનગર, તવાંગ તેનાં મુખ્ય શહેરો છે. તે મુખ્યત્વે જંગલોથી આચ્છાદિત, પર્વતમાળાનો પ્રદેશ છે. 3000થી 6000 મીટરની ઊંચાઈ ધરાવતી ઉત્તર તરફની પર્વતમાળાનો કેટલોક ભાગ હિમાચ્છાદિત છે. બ્રહ્મપુત્ર નદી અરુણાચલના પ્રદેશમાંથી અસમ બાજુ વહે છે.

અરુણાચલ પ્રદેશમાં એક બૌદ્ધ ધર્મનું મંદિર

આ પ્રદેશ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો હોઈ ઉનાળામાં વરસાદ પડે છે. શિયાળામાં ઊંચાઈવાળા ભાગોમાં બરફ જામી જાય છે. આ વિસ્તાર પર્વતાળ હોવાથી બાગાયતી ખેતી માટે અહીં ઘણી સારી શક્યતાઓ છે. પાઇનેપલ, નારંગી, સફરજન, પીચ, ચેરી, અખરોટ વગેરે ફળાઉ વૃક્ષો અહીં ઉછેરવામાં આવે છે. વળી ડાંગર, મકાઈ, બાજરી અને બટાટા તથા કેટલાંક રાગી જેવા હલકાં ધાન્યોની ખેતી પણ થાય છે. પ્રદેશના 80 % ભાગમાં જંગલો છે. અહીં વાઘ, દીપડો, હાથી વગેરે પ્રાણીઓનાં અભયારણ્યો છે. ખનિજતેલ, કોલસો, ડૉલોમાઇટ અહીંની મુખ્ય ખનિજ છે. વણાટકામ તથા વાંસની ટોપલીઓ બનાવવાના લઘુઉદ્યોગ અહીં આવેલા છે. તે સિવાય સિમેન્ટ, પ્લાયવૂડ અને ફળો ઉપર ખાદ્યપ્રક્રમણ કરવાના ઉદ્યોગો તથા લાકડાં વહેરવાની મિલો આવેલી છે. મૉંગોલાઈ વંશની 26 જેટલી આદિવાસી જાતિઓ આ રાજ્યમાં રહે છે. આમાં અર્દિ, નિશી, અપટાની, તાજીન, મિશીમી, ખામ્પા વગેરે મુખ્ય છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અરુણાચલ પ્રદેશ, પૃ. 65)

Categories
વાચન સમૃદ્ધિ

નંદશંકર મહેતા

જ. 21 એપ્રિલ, 1835 અ. 17 જુલાઈ, 1905

ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા ‘કરણઘેલો’ના લેખક નંદશંકર મહેતાનો જન્મ સૂરતમાં થયો હતો. પિતા તુળજાશંકર અને માતા ગંગાલક્ષ્મી. બાળપણ મોસાળ ઓલપાડમાં વીત્યું. તેમણે અંગ્રેજી માધ્યમની શાળામાં મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો અને એ જ શાળામાં શિક્ષક તરીકે જોડાયા. 1958માં તેઓ પહેલા ભારતીય હેડમાસ્ટર બન્યા. એ પછી સૂરતની શિક્ષક તાલીમ કૉલેજના આચાર્ય તરીકે જોડાયા અને 1867 સુધી કાર્ય કર્યું. તેમણે લાઇસન્સ ટૅક્સ ખાતામાં અને મુલકી ખાતામાં કામ કર્યું. તેઓ અંકલેશ્વરના મામલતદાર બન્યા. 1880થી 1883 સુધી કચ્છ રાજ્યના દીવાન અને 1883માં ગોધરામાં આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ થયા. તેઓ નાંદોદમાં આસિસ્ટન્ટ ઍડમિનિસ્ટ્રેટર અને ચીફ રેવન્યૂ ઑફિસર હતા. સૂરત મ્યુનિસિપાલિટીમાં ઉપપ્રમુખ તરીકે કાર્ય કર્યું હતું. તેઓ સમાજસુધારક હતા. તેઓ વિધવા પુનર્લગ્ન, સ્ત્રીશિક્ષણ માટે તેમજ વિદેશયાત્રા પર પ્રતિબંધ નાબૂદી માટે સતત પ્રયત્ન કરતા હતા. તેમણે અસ્પૃશ્યતાનો પણ વિરોધ કર્યો હતો. દુર્ગારામ મહેતા, દલપતરામ તથા અન્ય સાથીદારો સાથે ‘માનવધર્મની સભા’ની સ્થાપના કરી. તેઓ ‘બુદ્ધિવર્ધક સભા’ના સભ્ય હતા. 1890માં નિવૃત્ત થયા પછી તેમણે વિવિધ સામાજિક સંગઠનોમાં કામ કર્યું હતું. તેમણે એકમાત્ર નવલકથા ‘કરણઘેલો’ લખી. આર. જી. ભંડારકરના ‘સંસ્કૃત માર્ગોપદેશિકા’ અને ‘ત્રિકોણમિતિ’નો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. તેમણે ‘ગુજરાત મિત્ર’માં વિવેચનલેખો લખ્યા હતા. તેમના પુત્ર વિનાયક મહેતાએ તેમનું જીવનચરિત્ર લખ્યું છે. તેઓ હંસા જીવરાજ મહેતાના દાદા હતા. 1877માં તેમને રાવબહાદુરનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

દક્ષિણ-પૂર્વ (અગ્નિ)

એશિયાનું સ્થાપત્ય અને શિલ્પ

અગ્નિએશિયાના વિસ્તારોની કલાપ્રવૃત્તિ. તેમાં અગ્નિએશિયાની તળભૂમિ તથા સુમાત્રાથી માંડીને સુલાવેસી ટાપુઓ સુધીના વિસ્તૃત ભૂમિપ્રદેશના કલાપ્રવાહોનો સમાવેશ થાય છે. આજની દૃષ્ટિએ આમાં બર્મા, થાઇલૅન્ડ, લાઓસ, વિયેટનામ, કામ્પુચિયા, મલેશિયા તથા ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય. આ બધાંને સાંકળતી મુખ્ય અસર તે ભારતીય સંસ્કૃતિનો પ્રસાર. આશરે ઈસવી સન 20થી 1200ના સમયગાળા દરમિયાન આ અસર ક્રમશ: ફેલાઈ. અગ્નિએશિયામાં ભારતમાંથી સૌપ્રથમ વેપારીઓ અને ત્યારબાદ વસાહતીઓ કાંઠાળ વિસ્તારો તથા મુખ્ય નદીઓ અને માર્ગોની નજીકના પ્રદેશમાં આવી વસ્યા. ભારતીય વેપારીઓ તથા વસાહતીઓના પગલે પગલે ભારતના બે મહાન ધર્મો હિંદુ ધર્મ તથા બૌદ્ધ ધર્મનું પણ આગમન થયું. અગ્નિએશિયાની ભવ્ય કલાપ્રવૃત્તિ માટે આ બે ધર્મો પ્રેરણાસ્રોત બની રહ્યા. વળી બૌદ્ધ સાધુઓ તેમજ યાત્રિકોના નિરંતર પ્રવાસ પણ આ વિશાળ અને વિભિન્નતાભર્યા ભૂમિપ્રદેશમાં સાંસ્કૃતિક વિકાસ માટે મહત્ત્વનું કારણ બની રહ્યા.

અંગકોર નગર (કમ્બોડિયા) ખાતેના મંદિરના મહાસંકુલનો મધ્યભાગ

ભારતીય સંસ્પર્શ પામેલી અગ્નિએશિયાની સંસ્કૃતિઓ પૈકી કલાદૃષ્ટિએ તેમજ રાજકીય રીતે સૌથી મહત્ત્વની તે કંબોડિયાની સંસ્કૃતિ. ભારતીય વસાહતીઓએ સૌપ્રથમ કંબોડિયામાં ઈસવી સનના પ્રથમ શતકમાં વસવાટ શરૂ કર્યો. ઈસવી સનની પ્રથમ સદીમાં ફૂનાન વંશની અને ત્યારબાદ ઈસવી સનની પાંચમી સદીમાં ચેન-લા વંશની સ્થાપના થઈ હતી. આ બંને રાજ્યપ્રદેશોનાં ખંડેરોનું ઉત્ખનન હાથ ધરાયું છે; ત્યાંથી પથ્થરમાં ઉત્કૃષ્ટ કૌશલ્યપૂર્વક કંડારેલી હિંદુ અને બૌદ્ધ દેવદેવીઓની શ્રેણીબંધ મૂર્તિઓ મળી આવી છે. એમાં બુદ્ધની કેટલીક મૂર્તિઓ કાષ્ઠની પણ છે. આ બધી મૂર્તિઓ કદાચ ઈંટચણતરથી રચેલાં પૂજાસ્થાનોમાં ગોઠવાઈ હશે અને આ સાંસ્કૃતિક તેમજ ધાર્મિક વિધિવિધાનનાં કેન્દ્રો બની રહ્યાં હશે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દક્ષિણ-પૂર્વ (અગ્નિ) એશિયાનું સ્થાપત્ય અને શિલ્પ, પૃ. 183 અથવા જુઓ https://gujarativishwakosh.org/દક્ષિણ-પૂર્વ (અગ્નિ) એશિયાનું સ્થાપત્ય અને શિલ્પ/)