Categories
વાચન સમૃદ્ધિ

તાપી (નદી)

પશ્ચિમ ભારત અને ગુજરાતની એક મોટી નદી. પુરાણકથા મુજબ ‘તાપી’ શબ્દ સૂર્યપુત્રી ‘તપતી’ પરથી ઊતરી આવ્યો છે. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં મહાદેવની ટેકરીઓમાં આવેલ એક સરોવરમાંથી તે નીકળે છે. તેની કુલ લંબાઈ 752 કિમી તથા સ્રાવ વિસ્તાર 75,000 ચોકિમી. છે. અતિવૃષ્ટિના સમયમાં દર કલાકે તે 9,12,00,000 ક્યૂબિક મીટર અને સૂકી ઋતુ દરમિયાન 19,000 ક્યૂબિક મીટર પાણી સમુદ્રમાં ઠાલવે છે. ઉદ્ગમથી સમુદ્ર સુધી તેના પ્રવાહમાર્ગને ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે : (1) ઉદ્ગમથી મહારાષ્ટ્રના ખાનદેશમાં પ્રવેશે છે ત્યાં સુધીના 250 કિમીનો વિસ્તાર. (2) ખાનદેશમાં 280 કિમી. વિસ્તાર સુધીનો વિસ્તાર. (3) ખડકાળ પ્રદેશમાં થઈ તે ગુજરાતના નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશે છે તે 80 કિમી.નો વિસ્તાર તથા (4) સૂરતના ફળદ્રૂપ મેદાનમાં થઈ 144 કિમી.ના પ્રવાસ બાદ સમુદ્રને મળે છે તે વિસ્તાર.

સૂરતમાં તાપી નદી

ખાનદેશના વિસ્તારમાં નદીના મેદાનની રચના, સમુદ્રસપાટીથી 210થી 225 મી.ની ઊંચાઈ પર થઈ છે. પૂર્ણા, વાઘુર, ગીરના, બોરી, પુનઝરા અને શિવા નામની ઉપનદીઓ અહીં તાપીને મળે છે. ખાનદેશમાં તાપીનો અંતિમ 32 કિમી.નો પ્રવાહ સહ્યાદ્રિ-સાતપુડાની ટેકરીઓમાંથી પસાર થાય છે અને પથરાળ વિસ્તારમાંથી માર્ગ કાઢી જળપ્રપાતની રચના કરતો તે આગળ વધે છે. ગુજરાતમાં તે જ્યાં પ્રવેશે છે તે સ્થળ ‘હરણફાળ’ તરીકે ઓળખાય છે. કાકરાપાર સુધી પૂર્વના ડુંગરાળ પ્રદેશમાં વહી તે સમુદ્રને મળતાં પહેલાં દક્ષિણ ગુજરાતના મેદાનમાં પહોળા ‘સર્પાકાર’ વહનમાર્ગો બનાવે છે. તાપીના મુખથી ઉપરવાસમાં 45 કિમી. સુધી દરિયાઈ ભરતીની અસરને લીધે તેના વહનમાર્ગમાં માટીના દળદાર સ્તરોનો નિક્ષેપ થયેલો જોવા મળે છે. લાવાયિક ખડકોને ઘસીને તે ખડક કણોને પોતાની સાથે ઘસડી લાવી, ગુજરાતના મેદાનમાં નિક્ષેપ કરી કાળી કાંપની જમીનની રચના કરે છે. તેના માર્ગમાં વાધેચા જળપ્રપાત પાસે કાંપના નિક્ષેપથી નાના નાના બેટની રચના થાય છે. જે ઝાડી-ઝાંખરાંથી છવાયેલા છે. અવારનવાર પૂરનાં પાણી તેના પર ફરી વળે છે. આવો એક મોટો બેટ સૂરતથી લગભગ 8 કિમી. દૂર આવેલ છે. તાપીનો થાળાવિસ્તાર 1395 ચોકિમી. અને સ્રાવક્ષેત્ર 60,415 ચોકિમી. છે. ભૂતકાળમાં તાપીના મુખમાં વહાણો પ્રવેશી શકતાં હોવાથી સૂરત ઐતિહાસિક રીતે એક પ્રખ્યાત બંદર બન્યું હતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તાપી, પૃ. 790 અથવા જુઓ https://gujarativishwakosh.org/તાપી/)

Categories
વાચન સમૃદ્ધિ

હસ્તકળા

ઘરવપરાશની કે જાહેર વપરાશની ચીજ-વસ્તુઓને હાથ વડે સુંદર અને આકર્ષક બનાવવાની કુશળતા – આવડત.

આવી હસ્તકળા હજારો વર્ષોથી માણસ દાખવતો આવ્યો છે. જ્યારે યંત્રો શોધાયાં નહોતાં ત્યારે ધારદાર પથ્થર વડે લાકડામાંથી પાત્રો બનાવવાં, ટોપલા-ટોપલીઓ ગૂંથવી, દોરાને ગૂંથી તેમાંથી કેટલીક અવનવી ચીજ-વસ્તુઓ બનાવવી – આવી આવી હાથકારીગરી અને કલાની અનેક ચીજવસ્તુઓ બનાવવાની પ્રવૃત્તિ આદિમ કાળથી ચાલતી આવી છે. ભારતનાં વિવિધ રાજ્યોની ભાતીગળ સંસ્કૃતિ છે. એમનું લોકજીવન પણ વૈવિધ્યસભર છે. તેમનું પ્રતિબિંબ, તેમનો પ્રભાવ હસ્તકળાની ચીજ-વસ્તુઓમાં જોવા મળે છે. દરેક રાજ્યની – ત્યાંની પ્રજાની આગવી હસ્તકળા છે – અનોખી શૈલી છે, જે તેમની હસ્તકળાની કલાકૃતિઓ જોતાં પ્રતીત થાય છે.

હસ્તકલાથી તૈયાર થયેલી વસ્તુઓ

ગુજરાતમાં વિવિધ જાતનાં ભરત-ગૂંથણ દ્વારા બનતા ચાકળા અને ચંદરવાઓ, ચણિયા, કમખા અને કેડિયાં જોવા મળે છે. આ ઉપરાંત બાળકો માટેના પહેરવેશ પણ સુંદર ભરતગૂંથણવાળા જોવા મળે છે. વળી અશ્વો, ઊંટ તથા બળદો માટેના સાજમાં અવનવું કલાત્મક ભરતગૂંથણ કરેલું જોવા મળે છે. મોતીકામનાં તોરણો તથા તરણેતરના મેળામાં જોવા મળતી રંગબેરંગી છત્રીઓમાં ગુજરાતની ભરતગૂંથણની ઉત્તમ કળાનો પરિચય થાય છે. જરી-કિનખાબવાળી, હાથવણાટની અને ગાંઠો વાળીને બાંધેલી બાંધણીઓ, અજરખ કામવાળાં વસ્ત્રો ગુજરાતમાં જોવા મળે છે. કચ્છનાં કાચચિત્રો, ચાંદીકામના નમૂનાઓ, માટીકામનાં વાસણો, રમકડાં, ગાય-બળદના ઘૂઘરા, લાખકામ તથા બાટિકકામના નમૂનાઓ તેમ જ માટીની કોઠીઓમાં હસ્તકળાનું દર્શન થાય છે. કચ્છનું બન્ની ભરત તેના ઝીણવટભર્યા ટાંકા, રંગોની આયોજના તેમ જ સુઘડતાને લીધે ઊડીને આંખે વળગે છે. રાજસ્થાનમાંનું બાંધણી તેમ જ લહેરિયાંનું રંગાટીકામ વખણાય છે. આમ ભારતનાં ગામ અને નગરોમાં લોકોના જીવનમાં કલાકસબ જળવાયો છે. તેઓ ગૃહ-સુશોભન અને વસ્ત્રાભૂષણ માટે હાથકારીગરીથી અનેક વસ્તુઓ બનાવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હસ્તકળા, પૃ. 141)

Categories
વાચન સમૃદ્ધિ

તાડ

વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા એરિકેસી કુળની એક જાતિનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Borassus flabellifer. (બં. તાલ; ગુ. તાડ; હિં. તાડ, તાલ, તારકા ઝાર; મ. તાડ; તે. તાડીચેટ્ટુ; ત. પનાર્થ; ક. તાલે; મલ. પાના; અં. palmyra palm) છે. તેની બીજી ચાર જાતિઓ થાય છે. તે આફ્રિકાનું મૂલનિવાસી છે અને તેનો ફેલાવો ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં થયેલો છે. ભારતમાં તેની એક જ જાતિ થાય છે. તેનું શુષ્ક વિસ્તારોમાં ખાસ વિસ્તરણ થયેલું છે. તે સામાન્ય રીતે 10થી 20 મીટર ઊંચું વૃક્ષ છે; પરંતુ કેટલીક જગ્યાએ 30 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ ધરાવે છે. તે શાખારહિત કાળા રંગનું પ્રકાંડ ધરાવે છે. પ્રકાંડ પર ચિરલગ્ન (persistent) પર્ણતલો જોવા મળે છે. ટોચ ઉપર નજીક ગોઠવાયેલાં 30થી 40 પર્ણોનો (પર્ણ)મુકુટ (crown) હોય છે. પર્ણો મોટા કદનાં 1.0થી 1.5 મીટર પહોળાં પંખાકાર હોય છે. તે દ્વિગૃહી વનસ્પતિ હોવાથી નર અને માદા વૃક્ષો અલગ અલગ થાય છે. તેનાં પાકાં ફળ (તાડગુલ્લાં) અષ્ઠિલ જાંબલી કાળા રંગનાં, 15થી 20 સેમી. વ્યાસનાં, ગોળાકાર, રેસામય મધ્ય ફલાવરણ ધરાવતાં હોય છે. દરેકમાં બેથી ત્રણ બીજ હોય જે ગલેલી કે તાડફળી તરીકે જાણીતાં છે. કુમળી ગલેલી પારદર્શક કાચ જેવી સફેદ, નરમ જેલી જેવી તથા અંદર મીઠું પાણી ધરાવતી પોષક સ્વાદિષ્ટ વસ્તુ તરીકે ખવાય છે. પરંતુ પાકી જતાં ગલેલી કઠણ અને સફેદ રંગની બની જાય છે.

તાડનું વૃક્ષ અને તેનાં અંગો : પ્રકાંડ, ફળ સાથે શાખા, ફળ, બી

તાડના પ્રકાંડની ટોચના ભાગે પર્ણો નજીક નીચેના ભાગે છેદન કરીને તેમાંથી રસ મેળવવામાં આવે છે, જે નીરો તરીકે ઓળખાય છે. માદા વૃક્ષમાંથી રસનો ઉતાર નરવૃક્ષ કરતાં 50% જેટલો વધારે હોય છે. નીરો પારદર્શક, મીઠો, સ્વાદિષ્ટ, રુચિકર સુગંધ ધરાવતો રસ છે. તે પૌષ્ટિક પીણું છે. નીરામાં આથો ચડવાની પ્રક્રિયા તરત શરૂ થઈ જાય છે અને તાપમાન વધે તેમ તે વધે છે. આથી નીરાને નીચા ઉષ્ણતામાને રાખવો જરૂરી છે. તાજા નીરાનું સેવન વધુ ઉચિત ગણાય છે. આથો ચડેલો નીરો તાડી તરીકે ઓળખાય છે. તાડી સ્વાદમાં ખાટી લાગે છે. વધુ સમય જતાં તાડીમાં અમ્લનું પ્રમાણ વધવા લાગે છે અને મદ્યાર્કનું પ્રમાણ ઘટતું જાય છે. તેથી વધુ સમય આથો ચડેલી તાડી આરોગ્યને નુકસાનકારક હોઈ મનુષ્યના વપરાશ માટે યોગ્ય નથી. આમ, તાડના વૃક્ષના ઘણા ઉપયોગો હોવાથી તેને કલ્પવૃક્ષ ગણવામાં આવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તાડ, પૃ. 761 અથવા જુઓ https://gujarativishwakosh.org/તાડ/)